ઢોલી તારો ઢોલ ક્યા બાજે!

નવરાત્રિમાં મોટે ભાગે સિંગરોની બોલબાલા હોય છે, પણ ઢોલ અને ડ્રમ્સ વગાડવાના પોતાના બેમિસાલ કસબ દ્વારા નૈતિક નાગડા વર્ષોવર્ષ ઊભરીને આજે એવો છવાયો છે કે ખેલૈયાઓએ તેને દાંડિયાકિંગનું બિરુદ આપી દીધું છે. ફાલ્ગુની પાઠકની જેમ જ ક્રાઉડ-પુલર બનવામાં સફળ થઈ રહેલા નૈતિક નાગડાની આ લેવલ સુધી પહોંચવાની સફર જોકે આસાન જરાય નહોતી

naitik nagdaસેજલ પટેલ

ઘાટકોપર (વેસ્ટ)ના જગડુશાનગરમાં રહેતાં ચેતના નાગડાને ઘણા લોકો પૂછતા, ‘તમારો દીકરો શું કરે છે?’

ચેતનાબહેન કહેતાં, ‘ઢોલ વગાડે છે.’

ફરી સામો સવાલ આવતો, ‘બીજું શું કરે છે?’

ફરી એ જ જવાબ મળતો, ‘ઢોલ વગાડે છે.’

ફરી સામો સવાલ આવતો, ‘એ તો ઠીક, પણ કામકાજ શું કરે છે?’

અગેઇન સ્પષ્ટતા સાથે જવાબ દોહરાવાતો, ‘મારો દીકરો ઢોલ વગાડવાનું કામ કરે છે.’

એક સમય હતો જ્યારે આવા સંવાદ વખતે પૂછનારાના મોં પર વિચિત્ર ભાવ આવી જતો અને ચેતનાબહેન પણ સહેજ ઝંખવાણાં પડી જતાં. આજે જ્યારે આ સંવાદના અંતે પ્રશ્નકર્તાને ખબર પડે કે એ ઢોલી દીકરો નૈતિક નાગડા છે ત્યારે તેના ચહેરા પર ચમક આવી જાય છે અને માની છાતી પણ જવાબ આપતાં ગજગજ ફૂલે છે. આ ફરક પડ્યો છે છેલ્લાં પાંચથી સાત વષોર્માં. મુંબઈની વિવિધ નવરાત્રિઓમાં ઢોલની થાપે તરખાટ મચાવતા ૨૮ વર્ષના તરવરિયા યુવાન નૈતિક નાગડાને હવે તો ગરબારસિયાઓએ દાંડિયાકિંગનું હુલામણું નામ આપ્યું છે. જોકે એ પહેલાંની તેની સફર ઘણી જ કઠિન રહી છે. સંજોગો અને સંઘષોર્થી હારવાને બદલે નૈતિકે પોતાના પૅશનને જ ફૉલો કર્યું છે અને એમાં એક પછી એક શિખરો સર કરીને આજે તે લાખો દાંડિયારસિકોનાં દિલ પર રાજ કરે છે.

મૂળે કચ્છી વીસા ઓસવાળ જૈન અને સણોસરા ગામના નૈતિકનો જન્મ મુંબઈમાં થયો અને પછી પરિવાર સાથે થોડોક સમય ભોપાલ રહેવા જવાનું થયું. તે જ્યારે સાડાત્રણ વર્ષનો હતો ત્યારે પ્લે-ગ્રુપમાં બાળકો માટેનાં સંગીતનાં સાધનો પોતાની મસ્તીમાં રિધમ સાથે વગાડતો જોઈને સ્કૂલના સંગીત-ટીચરે કહેલું કે આ છોકરાના હાથમાં જાદુ છે, જો તેને તાલીમ મળે તો બહુ આગળ જશે. જોકે શાસ્રીય પદ્ધતિએ કદી સંગીત, વાદ્યની તાલીમ લેવાનું બન્યું નહીં; પણ મનમોજી નૈતિક પોતાની મેળે જ ઢોલ વગાડતો. આમ પણ કચ્છી પ્રજા માટે ઢોલ પરંપરાગત વાદ્ય છે એટલે કોઈ પણ પ્રસંગોમાં જાય ત્યારે ઢોલીઓનો પર્ફોર્મન્સ હોય જ. બીજાને જોઈ-જોઈને બાળનૈતિક શીખતો રહેતો.

નાની ઉંમરે જવાબદારી


સુંદર જિંદગીમાં જબરદસ્ત ટર્નિંગ પૉઇન્ટ આવ્યો તે ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે. અચાનક માથેથી પિતાનું છત્ર જતું રહ્યું. એ વખતે તેઓ ભોપાલ રહેતા. પપ્પાના ગયા પછી મમ્મી અને નાના ભાઈ સાથે પાછા મુંબઈ આવ્યા અને જાણે નૈતિકના જીવનમાંથી બાળપણનું રમતિયાળપણું ગાયબ થઈ ગયું. ત્રીજા ધોરણમાં ભણતું બાળક ઘરનો જવાબદાર દીકરો બની ગયો. જીવનમાં આવેલા ટર્નિંગ પૉઇન્ટ વિશે નૈતિક નાગડા કહે છે, ‘મને સંગીત પ્રત્યે લગની તો હતી જ, પણ સાથે મારે એમાંથી કમાણી થઈ શકે એવું કંઈક જોઈતું હતું. સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી પણ કચ્છી જ હોવાથી હું તેમને માર્ગદર્શન લેવા માટે મળ્યો. તેમને મારી કળા બતાવી. તેમને ગમી ગઈ. તેમણે મને એ વખતે બાળકલાકારો દ્વારા થતા લિટલ વન્ડર્સ શોમાં વગાડવા આપ્યું. લગભગ ચોથા-પાંચમા ધોરણથી જ મેં પ્રોફેશનલી વગાડવાનું શરૂ કરી દીધું. પરિવારને આર્થિક સહાય થઈ શકે એ મારો મુખ્ય હેતુ હતો, પણ સાથે મોટો ફાયદો એ થયો કે કલ્યાણજી-આણંદજી જેવા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કરવાને કારણે સંગીતની સૂઝબૂઝ મળતી ગઈ.’

પહેલી કમાણી ૨૫૦ રૂપિયા


પરિવારને સપોર્ટ થઈ શકે એ માટે ચોથા ધોરણથી જ નૈતિકે દર વીક-એન્ડમાં પ્રોફેશનલી વગાડવાનું શરૂ કરી દીધું હતું. જૂના દિવસો વાગોળતાં નૈતિક કહે છે, ‘મને યાદ છે કે ચાર કલાક ઢોલ વગાડવાનું મારું પહેલું મહેનતાણું ૨૫૦ રૂપિયા હતું. હું અઠવાડિયે ત્રણેક કાર્યક્રમો કરતો. એક રીતે જોવા જઈએ તો ઢોલ એ મારી આજીવિકા હતી. મેં સ્કૂલ-લાઇફ જરાય ભોગવી જ નથી. સ્કૂલ પછીનો બધો જ સમય કાં તો શોમાં જાય કાં પ્રૅક્ટિસમાં. હમઉમ્ર મિત્રો સાથે મોજમસ્તી કરવાનું બન્યું નથી. જોકે મને એનો કદી અફસોસ નથી થયો, કેમ કે સંગીત અને ઢોલ પ્રત્યેની ચાહત એટલી સ્ટ્રૉન્ગ છે કે મને હું કંઈ મિસ કરતો હોઉં એવું નહોતું લાગતું. આખી સ્કૂલ-લાઇફ દરમ્યાન કલ્યાણજીભાઈ-આણંદજીભાઈની સાથે લગભગ ૩૫૦ જેટલા શો કર્યા હશે. ભારેખમ ઢોલ ઊંચકીને ટ્રેન અને બસમાં જે-તે સ્થળે પહોંચવાની હાડમારી જબરદસ્ત હતી. છતાં મને એય ગમતું. હું કાર્યક્રમમાં પર્ફોર્મ કરું એટલે મારો બધો થાક ઊતરી જતો.’

સોશ્યલ પ્રેશર 


સામાન્ય રીતે સ્કૂલ-કૉલેજમાં ભણતાં-ભણતાં લોકો પાર્ટટાઇમ પોતાનો શોખ પૂરો કરવા કંઈક શીખે, જ્યારે નૈતિકના કેસમાં અવળું છે. તે ઢોલ અને સંગીતની દુનિયામાં વ્યસ્ત રહીને સાથે-સાથે ભણ્યો. કૉમર્સ ગ્રૅજ્યુએટ થયા પછી તેણે નક્કી કરી લીધેલું કે કરીઅર બનાવશે તો સંગીત અને ઢોલની આસપાસ જ. જોકે આવા નિર્ણયો સહેલા નથી હોતા. બાળપણમાં ઢોલ વગાડીને કમાવું ઠીક હતું, પણ છોકરો મોટો થઈને પણ એ જ કરે એ પરિવારને મંજૂર નહોતું. કચ્છીનો દીકરો વેપાર-ધંધો કરે એવી સૌની ઇચ્છા હતી. કેટલાય સંબંધીઓ સીધી કે આડકતરી રીતે ચેતનાબહેનને સમજાવતા કે તેઓ દીકરાને સમજાવીને કાં ભણવા તરફ ધ્યાન આપવા કહે અથવા તો વેપાર તરફ વાળે. સોશ્યલ પ્રેશર વિશે નૈતિક કહે છે, ‘સંબંધીઓ અને સમાજ તરફથી ખૂબ પ્રેશર હતું. મમ્મી કહેતી કે ઢોલ વગાડતા છોકરાને કોણ છોકરી આપશે? વાત સાચી પણ હતી. મારી ગર્લફ્રેન્ડના પેરન્ટ્સ પણ આ જ કારણોસર અચકાઈ રહ્યા હતા. એમ છતાં હું મક્કમ હતો, કેમ કે સંગીત અને ઢોલ વિનાની જિંદગી મને બહુ સૂની ભાસતી.’

રૉકિંગ ટર્નિંગ પૉઇન્ટ


ગ્રૅજ્યુએશન પછી તેણે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇવેન્ટ મૅનેજમેન્ટમાંથી ઇવેન્ટ મૅનેજેમેન્ટનો કોર્સ કર્યો. ફ્રીલાન્સ આર્ટિસ્ટને બદલે આખી ઇવેન્ટ હૅન્ડલ કરવાનું શરૂ કર્યું. કોઈક રીતે કામ ક્લિક થાય એ માટે શું કરવું એનાં ફાંફાં ચાલુ હતાં. એ વખતે જ તેણે MTV રૉક ઑન ટૅલન્ટ-શો વિશે વાંચ્યું. નૈતિક કહે છે, ‘મારી વાઇફ ઇશિતા (એ વખતે ગર્લફ્રેન્ડ હતી)એ મને આ ટૅલન્ટ-શોમાં ભાગ લેવા ફોર્સ કર્યો. તેણે કહેલું કે એક વાર ટ્રાય કરવામાં શું વાંધો છે? ટીવી પર આવતો ચહેરો બહુ જલદી ફેમસ થઈ જાય છે એટલે ટીવી પર મારી ટૅલન્ટ બતાવવાનો મોકો મળે એય એક ઑપોચ્યુર્નિટી તો હતી જ. જીતીશ નહીં તો શીખવા મળશે એમ માનીને મેં ઝંપલાવ્યું અને ખરા અર્થમાં એ નિર્ણય મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ બન્યો. સૂફી સંગીતકાર કૈલાસ ખેર, સંગીતકાર રામ સંપથ અને MTV VJ નિખિલ ચિનપ્પા જજ હતા. અમારું બૅન્ડ રૉક ઑન વિનર બન્યું એટલું જ નહીં, મોટા ગજાના સંગીતકારો સાથે કામ કરવાના દરવાજા ખૂલ્યા. (હસતાં-હસતાં) અને હા, એ પછી જ મારી ગર્લફ્રેન્ડના પેરન્ટ્સ પણ માની ગયા અને ઇશિતા સાથે લગ્ન થયાં.’

રૉક ઑન વિનર બન્યા પછી નૈતિકે કદી પાછું વળીને જોયું નથી. કૈલાસ ખેર સાથે નૈતિકે અનેક વર્લ્ડ-ટૂર કરી છે. સંગીતકાર રામ સંપથ માટે કેટલીક ફિલ્મોમાં પણ વગાડ્યું છે. જેની સાથે કામ કરવા માટે કોઈ પણ કલાકાર તલપાપડ થતો હોય એવા સંગીતકાર એ. આર. રહમાન માટે ૨૦૧૨ની કૉમનવેલ્થના થીમ-સૉન્ગમાં પણ નૈતિકે ડ્રમ વગાડ્યું છે. NDTV ચૅનલે અમિતાભ બચ્ચનને લઈને શરૂ કરેલા ‘સેવ ટાઇગર’ કૅમ્પેનમાં પણ નૈતિકના ડ્રમની કમાલ છે. માત્ર ડ્રમ કે ઢોલવાદક સુધી જ જાતને સીમિત નથી રાખી, સંગીતકાર બનવા તરફ પણ તેણે પગરણ માંડી દીધાં છે.

ટી-સિરીઝ સાથે ‘સાધક’ નામે તેણે તૈયાર કરેલા સંગીતનું ઇન્ડિપેન્ડન્ટ આલબમ બહાર પડ્યું છે.

આજે સ્થિતિ એ છે કે રાઉન્ડ ધ યર નૈતિક અને તેની ટીમ ફુલ બુક હોય છે. દાંડિયારાસની ઇવેન્ટમાં તેની સાથે ૩૫ સાજિંદાઓની ટીમ કામ કરે છે. એક સમયે ટ્રેન અને રિક્ષામાં ઠેર-ઠેર ફરતો આ યુવા કલાકાર આઉડી Q7માં ફરતો થઈ ગયો છે. અને હા, ચેતનાબહેનને હવે બધા દાંડિયાકિંગની મમ્મી તરીકે ઓળખે છે.

વન ઍન્ડ ઓન્લી વ્હીલ ઑફ ડ્રમ્સપ્લેયર


હંમેશાં દર્શકોને નવું-નવું પીરસવા માટે અખતરાઓ કરતા નૈતિકે ૩૬૦ ડિગ્રી વ્હીલ ઑફ ડ્રમ્સ તૈયાર કયાર઼્ છે. આવાં ડ્રમ વગાડનારો તે ઇન્ડિયાનો સૌપ્રથમ અને વર્લ્ડનો બીજો કલાકાર છે. ૩૬૦ ડિગ્રી વ્હીલ ઑફ ડ્રમ્સની પ્રેરણા તેને બેન વૉલ્શ નામના આર્ટિસ્ટને જોઈને આવેલી. નૈતિક કહે છે, ‘મેં બેન વૉલ્શનો વિડિયો જોયો અને મને પણ એવો પ્રયોગ કરવાનું મન થયું. આવાં ડ્રમ્સ તૈયાર તો મળતાં નથી એટલે મહિનાઓની મહેનત તેમ જ ટ્રાયલ ઍન્ડ એરર કરીને મેં ખાસ બનાવડાવ્યાં. જાતે જ એકસાથે આઠ ડ્રમ વગાડવા રિયાજ કર્યો.’

યુટ્યુબ પર નૈતિકની વ્હીલ ઑફ ડ્રમ્સની વિડિયો-ક્લિપ્સ પણ સંગીતરસિયાઓમાં હૉટ ફેવરિટ બની ગઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK