અહિંસા, અનેકાંત, અપરિગ્રહ જીવનને મંગલમય બનાવવાની આ છે ત્રણ જાદુઈ ચાવી

દીપાવલીનું પર્વ એટલે ભગવાન મહાવીર નિર્વાણકલ્યાણક દિન
જૈન દર્શન - ચીમનલાલ કલાધર

દિવાળી પર્વનો દિવસ એ ભગવાન મહાવીરસ્વામીનો નિર્વાણ દિવસ. અઢી હજાર વર્ષ કરતાં પણ અધિક વર્ષ પહેલાં ભગવાન મહાવીર પાવાપુરી નગરીમાં નિર્વાણ પામ્યા હતા.

ભગવાન મહાવીરે ત્રીસ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી. કેવલજ્ઞાન પછી તેમણે ત્રીસ વર્ષ પર્યંત સતત ધર્મોપદેશ આપ્યો. એ પછી પ્રભુ મહાવીર પોતાનું અંતિમ ચાતુર્માસ કરવા પાવાપુરી પધાર્યા. આ સમયે તેમની જીવનયાત્રાનું ૭૨મું વર્ષ ચાલતું હતું. પાવાપુરીમાં તેમણે રાજા હસ્તિપાલની લેખશાળામાં મુકામ કર્યો. અહીં તેમની ધર્મસાધનામાં ત્રણ મહિના પસાર થયા અને ચોથો મહિનો પૂર્ણ થવાને ચંદ દિવસ બાકી રહ્યા ત્યારે પ્રભુએ નજીક આવી રહેલા પોતાના નિર્વાણની સૌને માહિતી આપી. પ્રભુનું હવે નિર્વાણ થશે એ સમાચારથી પાવાપુરીના ઘર-ઘરમાં દુ:ખની છાયા પ્રસરવા લાગી. પ્રભુની અદ્ભુત દેહછબિ હવે ફરી જોવા નહીં મળે, તેમની અમૃતવાણી હવે દુર્લભ બનશે એ વાતથી સમગ્ર પાવાપુરીમાં શોકનું વાતાવરણ છવાવા લાગ્યું. કેટલાક જ્ઞાનીઓ આ શોકને દૂર કરવા કહેવા માંડ્યા કે ‘આ તો આનંદનો અવસર છે. પ્રભુ હવે શિવરમણીને વરશે, મુક્તિ વચ્ચેથી શરીરની દીવાલ દૂર થશે અને પ્રભુની જીવનજ્યોત એક મહાજ્યોતિમાં મળી જશે. પ્રભુ સર્વ રીતે સ્વતંત્ર થશે.’

પ્રભુ મહાવીરે પણ પોતાનો અંતિમ સમય નજીક આવ્યો જાણી સતત સોળ પ્રહર દેશનાનો ધોધ વહાવ્યો. દેવરચિત સમવસરણ પર્ષદામાં પ્રભુની દેશના સાંભળવા ઇન્દ્રાદિ દેવો, મલ્લગણ અને મિચ્છવીગણના રાજાઓ સહ હજારો ભક્તજનો આ અવસરે પાવાપુરીમાં પ્રભુની અંતિમ ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા. સૌ કોઈ તન્મય બની પ્રભુવાણીનું અમૃતપાન કરતા રહ્યા.

અને... પ્રભુનો અંતિમ સમય આવી લાગ્યો. પદ્માસને બેઠેલા પ્રભુએ શરીરને સ્થિર કર્યું. બાહ્ય કંપન અને રોમાંચને રોક્યા, હોઠ બંધ કરી વાણીને રોકી, મનને સ્થિર કર્યું. બાહ્ય તમામ સ્થિરતા કર્યા બાદ પ્રભુએ તન-મન અને વાણીનાં સૂક્ષ્મ સ્પંદનો પણ રોક્યાં. આમ દેહાતીત થઈ આત્માની સાથે આત્માનું અનુસંધાન કર્યું. યોગની ભાષામાં પ્રભુએ સૂક્ષ્મ ક્રિયાવાળું ત્રીજું શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું. પછી સૂક્ષ્મ કાયયોગને રોકી સમુચ્છિન્ન ક્રિયા નામનું ચોથું શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું અને અ, ઈ, ઉ, ઋ, લૃ આટલા પાંચ અક્ષરોનું ઉચ્ચારણ થાય એટલા સમયમાં શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરીને ચાર અઘાતી કર્મનો ક્ષય કરીને પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા. પ્રભુએ શુદ્ધ, બુદ્ધ અને મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી. આ સંસારને ઝળહળાવી રહેલો મહાદીપક અંતરચક્ષુઓને ઉજમાળ કરી ચર્મચક્ષુઓ સામે બુઝાઈ ગયો.

આમ પ્રભુ મહાવીરે ત્રીસ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, બાર વર્ષ છદ્મ અવસ્થામાં અને ત્રીસ વર્ષ કેવળી અવસ્થામાં રહી બોત્તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણપદને પ્રાપ્ત કર્યું. આ પ્રસંગની યાદમાં લોકોએ ઘર-ઘરમાં દીવડા પ્રગટાવ્યા. એ સમયથી આ મહાન દિવસ દીપાવલી પર્વ તરીકે સુપ્રસિદ્ધ થયો.

પ્રતિવર્ષ આપણે સૌ પ્રભુ મહાવીરનું નિર્વાણ પર્વ ઉમંગથી ઊજવીએ છીએ, પરંતુ પ્રશ્ન એ છે કે તેમના ઉદાત્ત જીવનનો અલ્પ અંશ પણ આપણે આપણા જીવનમાં ઉતારી શક્યા છીએ ખરા? પ્રભુ મહાવીરના આચાર અને વિચારના સાચા અર્થના અનુયાયી બનવાની આજે ખાસ જરૂર છે. જો આપણે એમ કરી શકીએ તો પ્રભુના આ નિર્વાણકલ્યાણકની ઉજવણી યથાર્થ બની શકે અને આપણે આપણું જીવન પણ મંગલમય બનાવી શકીએ. વિશ્વના તારણહાર, આર્ય સંસ્કૃતિના મહાન જ્યોતર્ધિર એવા પ્રભુ મહાવીરને અગણિત વંદન હો!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK