સમગ્ર વિશ્વમાં યોગનો બિઝનેસ ૫૪૦૦ અબજ રૂપિયાનો

સમગ્ર વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ એટલે યોગ. આજે સમગ્ર વિશ્વ બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. શરીર, મન અને જીવનને રોગમુક્ત કરી દેતી આ પ્રણાલીને વિશ્વના ૧૯૩ દેશ અત્યારે વધાવી રહ્યા છે. એ નિમિત્તે આપણે પણ યોગનું વૈભવગાન કરી લઈએ

yoga


આજે એટલે કે ૨૧ જૂન એ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આજના જ દિવસે આખી દુનિયામાં લાખો લોકો બીજા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. ઍક્ચ્યુઅલી, ૨૦૧૪ની ૨૭ સપ્ટેમ્બરના દિવસે નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સની જનરલ ઍસેમ્બલીને સંબોધિત કરતી વખતે સમગ્ર વિશ્વને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવા માટે આહ્વાન કર્યું હતું. એના એક્ઝૅક્ટ ૭૫ દિવસ પછી યુનાઇટેડ નેશન્સે ૨૧ જૂનને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઊજવવાની જાહેરાત કરી દીધી. નરેન્દ્ર મોદીએ આ પ્રસ્તાવ મૂક્યો એનો ૧૭૭ દેશોએ કોઈ પણ જાતના વોટિંગ વિના જ સહર્ષ સ્વીકાર કરી લીધો હતો.

ગયા વર્ષનો યોગ દિવસ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો. એનાથી ઉત્સાહિત થઈને આ વર્ષે એના આયોજનમાં, ફેલાવામાં અને ભાગ લઈ રહેલા લોકોની સંખ્યામાં ઑર વધારો થઈ રહ્યો છે. આ વખતે યોગ દિવસની આગેવાની ભારતમાં યોગાભ્યાસના અનઑફિશ્યલ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર એવા બાબા રામદેવ લઈ રહ્યા છે. તેમણે દિલ્હીના ઇન્ડિયાગેટ ખાતે ૩૦ હજાર લોકો સાથે ગઈ કાલે ત્રણ કલાકના ભવ્ય યોગ મહોત્સવનું સફળ આયોજન કરી નાખ્યું છે. એમાં ૬૬ વર્ષના વેન્કૈયા નાયડુ સહિત ભારતીય જનતા પાર્ટીના સંખ્યાબંધ પ્રધાનો હાજર રહ્યા હતા. આજે રામદેવ જોધપુરમાં પૅરામિલિટરી ફોર્સના ત્રણ હજાર જવાનો સાથે આસનો કરશે. ગયા વર્ષે રાજપથ ખાતે વિક્રમી સંખ્યામાં ૩૬ હજાર લોકો સાથે યોગાસનો કરનારા નરેન્દ્ર મોદી આ વખતે પોતાની ઇવેન્ટ ચંડીગઢમાં યોજે એવું ચર્ચાઈ રહ્યું છે.

ગયા વર્ષની સફળતા પછી ઇંગ્લૅન્ડ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ વર્ષે વધુ મોટા પાયે અને દિવસો અગાઉથી જ યોગની પ્રૅક્ટિસનાં સેશનો યોજાઈ રહ્યાં છે. ન્યુ યૉર્ક ખાતે આવેલા યુનાઇટેડ નેશન્સના હેડક્વૉર્ટરને યોગ દિવસના માનમાં આ દિવસની છડી પોકારતી લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યું છે. ત્યાં આજે સમગ્ર વિશ્વના ઉચ્ચાધિકારીઓ એકઠા થઈને યોગાભ્યાસ કરવાના છે. ભારતીય આધ્યાત્મિક ગુરુ સ્વામી જગ્ગી વાસુદેવ આ ભવન ખાતે સૌને યોગાભ્યાસ કરાવશે. ન્યુ યૉર્કના આઇકનિક ટાઇમ્સ સ્ક્વેર ખાતે પણ હજારો લોકો એકઠા થઈને યોગાસનો કરવાની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.

લગભગ પાંચ હજાર વર્ષ પુરાણી આ હોલિસ્ટિક એટલે કે સમગ્રતયા તન, મન અને જીવનને ઉન્નત કરતી સ્વાસ્થ્ય-પ્રણાલી માત્ર અંગકસરત જ નથી. એ શરીરને સ્વસ્થ અને રોગમુક્ત કરવાનાં તથા જીવનને વધુ ઊચાઈએ લઈ જવાનાં બધાં પાસાંને અસર કરે છે. યોગના અભ્યાસીઓના મતે માનવશરીરનું સૌથી મહત્વનું અંગ હૃદય કે મગજ નહીં બલકે ફેફસાં છે. શ્વાસ અને ઉચ્છ્વાસની પૅટર્નને યોગ દ્વારા સ્થાપિત પદ્ધતિ પ્રમાણે નિયંત્રિત કરવા માત્રથી વ્યક્તિનો મૂડ સુધરી શકે છે. ફેફસાં સુદૃઢ બને, વધુ કાર્યક્ષમ બને, શરીરને વધુ ઑક્સિજન આપતાં થાય તો એ હૃદયને પણ મજબૂત કરે છે. સ્વાભાવિક રીતે જ હૃદયની કાર્યક્ષમતા વધવાને લીધે એ વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં વધારો કરે છે.

મહર્ષિ પતંજલિ દ્વારા રચવામાં આવેલાં યોગસૂત્રો વિશ્વનાં સૌથી પ્રાચીન ગણાય છે. એમાં ૧૮૪ યોગસૂત્રો અને ૮૪ ક્લાસિક યોગાસનો આપવામાં આવ્યાં છે.

યોગ-આસન એ યોગસૂત્રોનાં આઠ અંગો પૈકીનું એક છે. કુલ આઠ અંગો કંઈક આ પ્રમાણે છે : યમ એટલે સત્યને વળગી રહીને અહિંસક જીવનશૈલી. નિયમ એટલે બાહ્ય તથા આંતરિક શુદ્ધિ. આસન એટલે જેને આજે આપણે યોગ કે યોગાસન તરીકે ઓળખીએ છીએ એ શરીરની અલગ-અલગ મુદ્રાઓ થકી કરાતો યોગાભ્યાસ. પ્રાણાયામ એટલે શ્વાસ અને ઉચ્છ્વાસને કન્ટ્રોલ કરીને કરાતી એક્સરસાઇઝ. પાંચમું અંગ છે પ્રત્યાહાર એટલે કે તમામ ઇન્દ્રિયો પરનો કાબૂ. ત્યાર પછી આવે ધારણ એટલે કે કોઈ ચીજ પર મનને એકાગ્ર કરવું. એ પછી છે ધ્યાન એટલે કે મેડિટેશન. છેલ્લું આવે સમાધિ, જ્યારે જીવ અને શિવ એટલે કે વ્યક્તિ અને તેને બનાવનારા ઈશ્વરનું મિલન થાય એ ક્ષણ.

હિન્દુ માન્યતા પ્રમાણે ભગવાન શિવ યોગવિદ્યાના સર્વોચ્ચ ગુરુ છે. એટલે જ તેમને આદિગુરુ, આદ્યગુરુ કે પહેલા યોગી ગણવામાં આવે છે. ભગવાન શિવે જ સપ્તર્ષિઓને યોગનું જ્ઞાન આપ્યું હોવાનું કહેવાય છે. એટલે જ ભગવાન શિવને સતત પદ્માસનમાં અને ધ્યાનમગ્ન મુદ્રામાં બેઠેલા બતાવવામાં આવે છે.

આજે તો પશ્ચિમના દેશોના લોકો યોગના રીતસર દીવાના બની ગયા છે, પરંતુ યોગ અને વેદાંતની ફિલસૂફી પશ્ચિમના લોકોમાં ફેલાવવાનું નોંધપાત્ર કામ સ્વામી વિવેકાનંદે કર્યું હતું. તેમણે પતંજલિ યોગસૂત્રોની લોકભોગ્ય સમજૂતી પેશ કરતું પુસ્તક ‘રાજયોગ’ પણ (ઈસવી સન ૧૮૯૬માં) પ્રગટ કર્યું હતું. એ અત્યંત સફળ થયેલું અને પશ્ચિમના દેશોમાં યોગની ખ્યાતિ પ્રસરાવવાનું માધ્યમ બન્યું હતું.

એ પછી તો પરમહંસ યોગાનંદ, બી. કે. એસ. આયંગર, જગ્ગી વાસુદેવ, બિક્રમ ચૌધરી અને બાબા રામદેવ સુધીના યોગગુરુઓએ ભારતીય યોગાસનોને દુનિયાના ખૂણેખૂણામાં ફેલાવવાનું નોંધપાત્ર કામ કર્યું છે.

હવે તો એ મેડિકલી પણ પુરવાર થઈ ચૂક્યું છે કે દરરોજ થોડી મિનિટ યોગાભ્યાસ કરવાથી શરીર અને મન બન્ને રિલૅક્સ થાય છે, ટેન્શન દૂર થાય છે અને શરીરની કાર્યક્ષમતા વધે છે. વિવિધ યોગાસનો અલગ-અલગ રોગ-તકલીફોમાં લાભદાયી છે એ તો આપણને ખ્યાલ છે જ. દરેક યોગાસન કોઈ ને કોઈ તકલીફમાં રાહત આપે છે. માત્ર શરીરને ભિન્ન-ભિન્ન પ્રકારે વાળવા માત્રથી રોગો દૂર થતા હોય એ ખરેખર કમાલની વાત છે.

છેક નૉર્વેમાં થયેલો એક સ્ટડી કહે છે કે યોગાસનો કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. વૉશિંગ્ટન યુનિવર્સિટીનો અન્ય એક સ્ટડી કહે છે કે યોગ વધુપડતી ભૂખ અને વધુપડતું ખાવાની વૃત્તિ પર લગામ તાણે છે. એનું એક કારણ એ છે કે યોગને કારણે આપણી ઇન્દ્રિયો પ્રત્યેની જાગૃતિ વધે છે, જે સીધું જ ખાવાની વૃત્તિ સાથે જોડાયેલી છે.

વજન ઘટાડવા માટે જાતભાતનાં ડાયટમાં અને જિમ્નેશ્યમોમાં નાણાં ખર્ચતા લોકો જો નિયમિતપણે યોગાસનો અને ખાસ કરીને સૂર્યનમસ્કાર તથા કપાલભાતિ કરવાનું રાખે તો તેમના શરીરની વધારાની ચરબી ઓગળે છે અને કોઈ પણ જાતના જોખમ વિના વજન ઘટી શકે છે. યોગાભ્યાસ ડિપ્રેશનથી લઈને સ્કિઝોફ્રેનિયા જેવી ગંભીર માનસિક વ્યાધિઓમાં પણ રાહત પહોંચાડે છે. કુંડલિની યોગથી વારંવાર એકની એક વસ્તુ કરવા પ્રેરતા ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડરમાં રાહત થાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ કહે છે કે સળંગ બે મહિના સુધી દરરોજ યોગાસનો કરવાથી અનિદ્રાની તકલીફ દૂર થાય છે. ઈવન વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધો પણ યોગ સુધારે છે અને જનનાંગોમાં લોહીનો પુરવઠો વધારવાને કારણે સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ અને ફળદ્રુપતા પણ સુધરે છે. હાર્વર્ડ હેલ્થ પબ્લિકેશન્સ દ્વરા પ્રકાશિત ‘ધ માઇગ્રેન સૉલ્યુશન’ નામના પુસ્તકમાં કહેવાયું છે કે ત્રણ મહિનાના યોગાભ્યાસથી જ માઇગ્રેનમાં અને એને કારણે થતા માથાના તીવþ દુખાવામાં સુધારો થાય છે. યોગને લીધે મગજમાં એન્ડોર્ફિન જેવા હૉર્મોનનો સ્રાવ વધે છે જે ઓવરઑલ સ્વાસ્થ્ય સુધારે છે. ઈવન યોગ વૃદ્ધત્વને પણ પાછું ઠેલે છે.

યોગવિદ્યા પહેલેથી જ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહી છે એનો પુરાવો એ વાત પરથી મળે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલા સિક્કા તથા અન્ય મુદ્રાઓમાં વ્યક્તિને યોગમુદ્રામાં બેઠેલી અંકિત કરવામાં આવી છે.

એક અંદાજ પ્રમાણે સમગ્ર વિશ્વમાં યોગનો બિઝનેસ ૫૪૦૦ અબજ રૂપિયાનો હોવાનું મનાય છે.

યોગના અલગ-અલગ અભ્યાસીઓએ પોતપોતાની રીતે યોગાભ્યાસમાં થોડા ફેરફારો કરીને અવનવા પ્રકારો ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. જેમ કે બિક્રમ ચૌધરીએ ૨૬ યોગ પૉસ્ચર અને બે બ્રીધિંગ એક્સરસાઇઝ સાથેનાં યોગાસનોના પૅકેજને ૪૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કરીને હૉટ યોગા વિકસાવ્યા છે. પશ્ચિમી દેશોમાં સંપૂર્ણ નગ્ન રહીને કરાતા ન્યુડ યોગા પણ ભારે લોકપ્રિય થયા છે. જો આ વાંચીને નાકનું ટીચકું ચડતું હોય તો જસ્ટ જાણ ખાતર કે ભાગવત પુરાણમાં પણ નગ્ન યોગનો ઉલ્લેખ જોવા મળે છે. આ રીતે અન્ય પ્રકારોમાં કિકબૉક્સિંગ યોગા, થાંભલા સાથે વળગીને પોલ યોગા, પાણીની અંદર રહીને વજનવિહીન અવસ્થામાં કરાતા ઍક્વા યોગા, છત સાથે બાંધેલા કપડાની મદદથી કરાતા એરિયલ યોગા, દીવાલ સાથે ટાંગેલા દોરડાની મદદથી કરાતા રોપ યોગા વગેરે પણ લોકપ્રિય છે. અરે, હવે તો લોકો દ્વારા પોતાના પાળતુ ડોગી સાથે મળીને કરાતા ડોગા (ડોગ+યોગા) પણ ભારે લોકપ્રિય થયા છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK