ભારતને ગોલ્ડ અપાવશે આ ટિકિટ-કલેક્ટર?

ભારતીય મહિલા હૉકી-ટીમ સાડાત્રણ દાયકા બાદ ઑલિમ્પિક્સ માટે પસંદગી પામી છે. આ ટીમની કૅપ્ટન છે માત્ર ૨૪ વર્ષની સુશીલા ચાનુ. ભારતને ઑલિમ્પિક્સ સુધી લઈ જનારી આ સ્પોર્ટ્સપર્સન પર હવે દેશ માટે ગોલ્ડ મેડલ લઈ આવવાની આશાઓ બંધાઈ છે

shushila chanu


આજથી બરાબર ૩૬ વર્ષ પહેલાં ૧૯૮૦માં સોવિયેટ રશિયાના મૉસ્કોમાં ઑલિમ્પિક રમતોત્સવનું આયોજન થયેલું ત્યારે ભારતની મહિલા હોકી ટીમ એમાં રમવા ગયેલી. જોકે નોંધવા જેવી બાબત એ છે કે ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે એ વખતે કોઈ પણ જાતની ક્વૉલિફાઇંગ પ્રોસેસ હતી જ નહીં. એ પછી ઑલિમ્પિક્સ માટે પોતાની દાવેદારી નોંધાવતાં પહેલાં ક્વૉલિફાઇંગ રાઉન્ડનો કોઠો વીંધીને પોતાની યોગ્યતા સાબિત કરવાનું શરૂ થયું. એ પછી ક્યારેય ભારતની મહિલા હૉકી-ટીમનો ગજ ન વાગ્યો. હૉકી ભલે આપણી રાષ્ટ્રીય રમત ગણાતી હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એમાં આપણી મહિલા હૉકી-ટીમની હાલત એવી ખસ્તા છે કે લાગલગાટ ૩૬ વર્ષ સુધી એમાં આપણી ટીમ સિલેક્ટ સુધ્ધાં ન થઈ. જોકે ગયા વર્ષના જૂન-જુલાઈમાં આર્જેન્ટિનાના રોઝારિયોમાં રમાયેલી વિમેન્સ હૉકી વર્લ્ડ લીગની સેમી ફાઇનલમાં ભારતની મહિલા-ટીમે જબરદસ્ત પ્રદર્શન કરેલું. દરઅસલ, આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટને સમર ઑલિમ્પિક્સની ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટ તરીકે પણ જોવામાં આવે છે. ૨૦ દેશની ટીમો વચ્ચે થતી ટક્કરમાં પહેલી સાત ટીમને ઑલિમ્પિક્સમાં રમવાની તક મળે છે. એના ફાઇનલ રાઉન્ડમાં ભારતીય મહિલા હૉકી-ટીમ પાંચમા સ્થાને આવી અને એનું ઑલિમ્પિક્સમાં રમવાનું ફાઇનલ થઈ ગયું. હવે જ્યારે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ઑલિમ્પિક્સ-૨૦૧૬ શરૂ થવાને આડે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સૌનું ધ્યાન ભારતીય મહિલા હૉકી-ટીમની ૨૪ વર્ષની કૅપ્ટન સુશીલા ચાનુ પર કેન્દ્રિત થયું છે.

મણિપુરના ઇમ્ફાલમાં ૧૯૯૨ની ૨૫ ફેબ્રુઆરીના રોજ જન્મેલી સુશીલા ચાનુ અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા પુષ્કરંબમ શ્યામસુંદર ડ્રાઇવર છે, જ્યારે માતા પુષ્કરંબમ ઓન્ગ્બી લતા ગૃહિણી છે. સુશીલાનો પરિવાર પહેલેથી જ સ્પોર્ટ્સપ્રેમી. એટલે જ સુશીલાએ પણ માત્ર ૧૧ વર્ષની વયે હૉકી-સ્ટિક હાથમાં લઈ લીધેલી. તેના કાકાએ ભત્રીજીને ગંભીરતાથી હૉકી શીખવાની પ્રેરણા આપેલી. જોકે એ પહેલાં સુશીલા પાંચ જ વર્ષની હતી ત્યારે તે પોતાનાં દાદી સાથે મણિપુરમાં યોજાયેલી નૅશનલ ગેમ્સમાં ફુટબૉલની મૅચ જોવા ગયેલી. ત્યારે ફુટબૉલના મુઠ્ઠીભર ખેલાડીઓ માટે હજારો લોકોને ચિચિયારીઓ બોલાવતા જોઈને સુશીલાને સ્પોર્ટ્સમાં જ કારકિર્દી બનાવવાની સૌપ્રથમ વખત ઇચ્છા જાગેલી.


આમ તો અત્યાર સુધીમાં સુશીલા કુલ ૧૧૨ ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકી છે, પરંતુ ૨૦૧૩માં જર્મનીમાં રમાયેલા જુનિયર હૉકી વર્લ્ડ કપમાં સુશીલા જુનિયર ટીમની કૅપ્ટન તરીકે ગઈ હતી. ત્યાં તેણે ટીમને કાંસ્યપદક અપાવેલો. એ વખતે જ સૌને આ છોકરીમાં ભવિષ્યની સક્ષમ ખેલાડી અને કૅપ્ટનનાં દર્શન થયેલાં.

એ પછી તરત જ સુશીલાની પસંદગી નૅશનલ ટીમમાં થઈ ગઈ અને ઇન્ટરનૅશનલ ગેમમાં સુશીલાનું પદાર્પણ થઈ ગયું. આગળ જેની વાત કરી એ હૉકી વર્લ્ડ લીગમાં ભારતીય ટીમ છેક સેમી ફાઇનલ સુધી પહોંચી એનું ઘણું શ્રેય સુશીલાના સ્ટ્રૉન્ગ ડિફેન્સને જતું હતું. હમણાં મે મહિનામાં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી ચાર દેશોની ટુર્નામેન્ટમાં પણ સુશીલાએ ભારતીય મહિલા સિનિયર હૉકી-ટીમનું નેતૃત્વ કર્યું હતું.

જોકે એ પછી સુશીલાના ગોઠણમાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજા એટલી સિરિયસ હતી કે સુશીલાએ ની-રિસ્ટ્રક્શન સર્જરી કરાવવી પડે એમ હતું. જો એમ થયું હોત તો તેણે લાંબો આરામ કરવો પડત અને પરિણામે તેના ઑલિમ્પિક્સમાં રમવાના સ્વપ્ન પર હાલ પૂરતું પૂર્ણવિરામ આવી ગયું હોત. જોકે સુશીલાએ હાર ન માની અને ઑપરેશનને બદલે કઠોર એક્સરસાઇઝ અને ફિઝિયોથેરપીની મદદ લીધી. પરિણામ એ આવ્યું કે સુશીલા એ ઇન્જરીમાંથી માત્ર બે જ મહિનામાં બેઠી થઈ ગઈ.

મણિપુરની પોસ્ટેરિયર હૉકી ઍકૅડેમીમાંથી ટ્રેઇનિંગ લઈને ૨૦૦૮માં નૅશનલ ટીમમાં સિલેક્ટ થનારી સુશીલા ચાનુ વિશે બીજી જાણવા જેવી વાત એ છે કે તે સેન્ટ્રલ મુંબઈ રેલવેમાં જુનિયર ટિકિટ-કલેક્ટર તરીકે પણ નોકરી કરે છે. અત્યંત મિતભાષી એવી આ યુવતી હૉકીના મેદાનમાં પોતાના પર્ફોર્મન્સથી જ સૌને જવાબ આપવામાં માને છે. તે વિરાટ કોહલીના કૅપ્ટન તરીકેના અગ્રેશન અને કૅપ્ટનશિપથી જબ્બર પ્રભાવિત છે. ઈવન તે ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાની પણ મોટી ફૅન છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટને આપેલી મુલાકાતમાં સુશીલાએ કહેલું કે હૉકીમાંથી રિટાયર થયા બાદ તે પોતાના વતન ઇમ્ફાલમાં હૉકી ઍકૅડેમી ખોલવાનું સપનું સેવે છે, જ્યાં બાળકોને નાની ઉંમરથી જ પ્રોફેશનલ હૉકીની તાલીમ મળી શકે. રિયોમાં તે કેવું પર્ફોર્મ કરે છે એ પાંચ ઑગસ્ટથી શરૂ થતા ઑલિમ્પિક મહોત્સવમાં પરખાઈ જ જશે. ઑલિમ્પિક્સનું રિઝલ્ટ ભલે ગમે એ આવે, અત્યારના તબક્કે એવું તો લાગી જ રહ્યું છે કે આ યુવતીના હાથમાં ભારતીય મહિલા હૉકીનું ભવિષ્ય સુરક્ષિત છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK