રૉકસ્ટાર ઑન વ્હીલચૅર

૪૫ વર્ષનાં દીપા મલિકે બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે ચાલી રહેલી પૅરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે તે પૅરાલિમ્પિક્સમાં મેડલ જીતનારાં દેશનાં પહેલાં મહિલા ઍથ્લીટ બન્યાં છે. કમરથી નીચેનું શરીર કામ ન કરતું હોવા છતાં, જીવલેણ બીમારીમાંથી પાછાં ફર્યા હોવા છતાં દીપા મલિકે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એના વિશે જાણીએ તો થઈ આવે કે ખરેખરી અક્ષમતા તો માણસના મનમાં હોય છે, શરીરમાં નહીંદીપા મલિકને અત્યાર સુધીમાં અર્જુન અવૉર્ડ, ચાર વખત લિમકા બુક ઑફ અવૉડ્ર્સમાં સ્થાન અને સંખ્યાબંધ માન-અકરામો મળી ચૂક્યાં છે.


ગોળાફેંક ઉપરાંત ભાલાફેંક, ડિસ્ક્સ થ્રો તથા સ્વિમિંગ અને ડ્રાઇવિંગમાં પણ દીપાની મહારત છે.


આવી સ્પેશ્યલ યુટિલિટી બાઇક ચલાવવાનો રેકૉર્ડ પણ દીપા મલિકના નામે બોલે છે.


દિલ્હી-લેહ-દિલ્હીના વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ પર ડ્રાઇવ કરીને દીપાએ વિક્રમ સરજ્યો હતો.


કરોડરજ્જુની ગંભીર બીમારીમાંથી બેઠા થવા છતાં દીપાએ પોતાની ફિટનેસમાં ક્યાંય પાછીપાની આવવા નથી દીધી.


યુવાનોના ચહીતા પ્રોગ્રામ MTV રોડીઝમાં આવીને દીપાએ સાબિત કરી બતાવ્યું કે તે રિયલ-લાઇફની ખરેખરી રોડી છે.


દીપાના પતિ મેજર બિક્રમ સિંહ અને બન્ને દીકરીઓનો પણ તેમને ભરપૂર સાથ રહ્યો છે.આજથી ૧૭ વર્ષ પહેલાંની વાત છે. આર્મી-ઑફિસર કર્નલ બિક્રમ સિંહ મલિક ભારતીય સૈનિકો સાથે મળીને કારગિલમાં પાકિસ્તાની ઘૂસણખોરોએ મચાવેલા આતંકની સામે લડી રહ્યા હતા, જ્યારે બીજી તરફ અહમદનગરમાં તેમનાં ૨૮ વર્ષનાં જુવાનજોધ પત્ની દીપા મલિક પોતાના અસ્તિત્વનું યુદ્ધ લડી રહ્યાં હતાં. તેમને સંતાનમાં બે દીકરીઓ, પરંતુ તે તો સાવ નાની. મોટી દેવિકા સાડાછ વર્ષની અને નાની અંબિકા ત્રણ વર્ષની. દીપાની કરોડરજ્જુમાં ગંભીર પ્રકારની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ જ ગાંઠ તેમના બન્ને પગ અને શરીરના નીચેના ભાગની નસોને ગંભીરપણે બ્લૉક કરી રહી હતી. તેમનો જીવ બચાવવા માટે તાત્કાલિક મેજર સર્જરી કરવી અનિવાર્ય હતી, પરંતુ તેમના પતિ તો કારગિલ યુદ્ધ પૂરું થયા પછી જ તેમના પડખે આવી શકે તેમ હતા. આખરે એવા જ યુદ્ધના ધોરણે નિર્ણય લેવાયો અને દીપાની કમરથી પગ સુધીની સર્જરી થઈ. અત્યાર સુધીમાં તો તેમના સ્વાસ્થ્યની ગાડી પાટા પર લાવવા માટે તેમના પર કુલ ૩૧ નાની-મોટી સર્જરીઓ કરવામાં આવી ચૂકી છે. એમાંનાં મેજર ઑપરેશન કેવાં હશે એનો ખ્યાલ એ વાત પરથી જ આવી જાય છે કે દરેક ઑપરેશન વીસ-બાવીસ કલાક ચાલ્યું હતું. પરંતુ એ વખતે તેમની કમરથી પગ સુધીની સર્જરીને સાંધવા માટે ૧૮૩ ટાંકા લેવા પડ્યા હતા. દીપાની તમામ સર્જરીઓ સફળતાપૂર્વક પતી ગઈ અને તેમનો જીવ પણ બચી ગયો, પરંતુ એની જબ્બર સાઇડ-ઇફેક્ટ તરીકે તેઓ પૅરાપ્લેજિક થઈ ગયાં. મતલબ કે તેમનું કમરથી નીચેનું શરીર જાણે નિર્જીવ બની ગયું અને તેમને બાકીની આખી જિંદગી વ્હીલ-ચૅર પર પસાર કરવાનો વારો આવ્યો. ઍક્ચ્યુઅલી, દીપાને છ વર્ષની નાનકડી ઉંમરે જ કરોડરજ્જુમાં એક ગાંઠનું નિદાન થયેલું. એ વખતે પણ એની એક સર્જરી કરાયેલી. એનાં ત્રણ વર્ષ પછી એટલે કે નવ વર્ષની ઉંમરે દીપા ચાલતી-ફરતી થયેલી.

જિંદગીનાં પહેલાં ૨૮ વર્ષ જેણે પોતાના પગ પર અત્યંત ઍક્ટિવ લાઇફ-સ્ટાઇલમાં વિતાવ્યાં હોય તેને ભરયુવાન વયે વ્હીલચૅરગ્રસ્ત થઈ જવું પડે ત્યારે કેવો માનસિક આઘાત લાગે એ સમજી શકાય એવું છે. એક ઇન્ટરવ્યુમાં દીપા મલિકે જ જણાવ્યા પ્રમાણે તેમને બધું જ નવેસરથી શીખવાનો વારો આવ્યો. પથારીમાં પડખું ફરવાથી લઈને બેસવું, બેઠા થવું, કપડાં બદલવાં, ઈવન શરીરમાં કેટલું પાણી જવા દેવું એનો પણ તેમને હિસાબ રાખવાનો આવ્યો; કેમ કે તેમનું શરીર બ્લૅડર અને બૉવેલ કન્ટ્રોલ પણ ગુમાવી ચૂક્યું હતું. અગાઉ જ્યાં તેમનો આખો વખત ફૅશનેબલ કપડાં ખરીદવા-પહેરવામાં અને પાર્ટીઓમાં જઈને ગૉસિપ કરવામાં જતો ત્યાં હવે તેમને છ ઇંચનું પગથિયું પાર કરવામાં પણ હિમાલય ઓળંગવા જેટલું કક્ટ પડવા માંડ્યું હતું. પરંતુ દીપાને તેમના પતિ બિક્રમ અને બન્ને દીકરીઓ તથા અન્ય પરિવારજનો પાસેથી જબ્બર સપોર્ટ મળ્યો

deepa


એ બીમારીએ દીપા પાસેથી પગ ભલે છીનવી લીધા, પરંતુ તે સંપૂર્ણપણે બહાર આવી ગયાં. ત્યાર બાદ તેમના ઇલાજ ઉપરાંત બન્ને દીકરીઓના ભણતરનો ખર્ચ કાઢવા માટે અને પોતે પણ શારીરિક-માનસિક રીતે ઍક્ટિવ રહેવા માટે દીપાએ પોતાના શહેર અહમદનગરમાં એક રેસ્ટોરાં શરૂ કરી. નાનપણથી જ કુકિંગનાં શોખીન દીપાની એ રેસ્ટોરાંને નામ અપાયું, દીસ પ્લેસ (Dees Place). એ રેસ્ટોરાં જોતજોતાંમાં જામી ગઈ અને શહેરમાં એના નામના સિક્કા પડવા લાગ્યા. પરંતુ ખુદ દીપાના જણાવ્યા પ્રમાણે તેમને આજીવન એક દરદી તરીકે કે એક અક્ષમ તરીકે નહોતું જીવવું. તેમને પોતાને પણ આઉટડોર ઍક્ટિવિટીઝનો જબ્બર શોખ હતો. વધુમાં તે પોતાની દીકરીઓની સાથે તેમની સ્પોર્ટ્સ ઍક્ટિવિટીઝમાં પણ ભાગ લેવા ઇચ્છતાં હતાં. એટલે તેમણે પોતે ફિઝિકલ ટ્રેઇનિંગ લેવાનું શરૂ કર્યું.

વ્હીલચૅરગ્રસ્ત થયા પહેલાં દીપા કાબેલ સ્વિમર હતાં. ધ મહારાષ્ટ્ર પૅરાલિમ્પિક સ્પોર્ટ્સ અસોસિએશનના કોઈ અધિકારીએ અગાઉ દીપાને અત્યંત સ્ફૂર્તિથી સ્વિમિંગ કરતાં જોયેલાં. મજાની વાત એ હતી કે દીપાએ પોતાના નિર્જીવ થઈ ગયેલા પગને ક્યારેય સ્વિમિંગની આડે આવવા દીધા નહોતા. એટલે પૅરાલિમ્પિક સ્પોર્ટ્સ અસોસિએશન તરફથી પ્રસ્તાવ આવ્યો કે જો તેઓ નૅશનલ કૉમ્પિટિશનમાં ભાગ લે તો તેમનો મેડલ પાકો જ છે, કેમ કે તેમની કૅટેગરીમાં બીજો કોઈ સ્પર્ધક જ નહોતો.

એ સ્પર્ધામાં મેડલ જીતવા સાથે જ શરૂઆત કર્યા બાદ દીપાની સામે સ્પોર્ટ્સનું એક આખું વિશ્વ ખૂલી ગયું. તેમની ફિઝિયોથેરપી તો ચાલુ જ હતી. ત્યાર બાદ ડૉક્ટરની સલાહ હેઠળ સ્પોર્ટ્સને અનુલક્ષીને તેમની ફિઝિકલ ટ્રેઇનિંગ શરૂ થઈ. તેમની ઑપરેશન કરાયેલી નબળી કરોડરજ્જુને વધુ કોઈ નુકસાન ન પહોંચે અને હાડકાં કે સ્નાયુઓનું કોઈ પણ જાતનું ડિસલોકેશન ન થાય એનો પણ ખ્યાલ રાખવાનો હતો. જોકે એક વાર આ સ્પોર્ટ્સની ટ્રેઇનિંગ શરૂ થયા બાદ એમાં પૂરેપૂરું ધ્યાન આપવા માટે તેમને પોતાનો રેસ્ટોરાં અને કેટરિંગનો બિઝનેસ ભારે હૈયે બંધ કરવો પડેલો. પરંતુ એક વાર સ્પોર્ટ્સના મેદાનમાં ઊતર્યા બાદ દીપાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. તેમણે ગોળાફેંક (શૉટ પુટ), ડિસ્કસ થ્રો, ભાલાફેંક (જૅવલિન થ્રો) અને સ્વિમિંગમાં માત્ર રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ભારત ઉપરાંત દોહા, દુબઈ, બર્લિન, બીજિંગ, ક્વાલા લમ્પુર, ન્યુ ઝીલૅન્ડ જેવાં સ્થળોએ યોજાયેલી આ રમતોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દીપાએ એટલાબધા મેડલ્સ જીત્યા છે કે એ ગણાવવા બેસીએ તો અલગ પાનું ફાળવવું પડે. ૨૦૧૦માં ભારતમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે ભાગ લીધેલો અને શૉટ પુટની સ્પર્ધામાં છઠ્ઠા નંબરે આવેલાં. ત્યાર પછી ૨૦૧૨માં લંડન ખાતે યોજાયેલી ઑલિમ્પિક્સમાં દીપાને માત્ર એટલા માટે સ્થાન નહોતું મળ્યું કેમ કે ભારતને માત્ર ૧૦ જ ખેલાડીઓ મોકલવાની છૂટ મળેલી. એનો બદલો તેમણે આ વખતની રિયો પૅરાલિમ્પિક્સમાં ભાગ લઈને વાળી દીધો છે. ગોળાફેંક જેવી તાકાતની કસોટી કરી લેતી સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેવો, એ પણ ૪૫ વર્ષની ઉંમરે અને પૅરાપ્લેજિક હાલતમાં, એક ટકો પણ સહેલું કામ નથી. જો આ વાતની પ્રતીતિ કરવી હોય તો માત્ર ખુરસીમાં બેસીને વજનમાં અત્યંત હળવા એવા એક રેગ્યુલર ક્રિકેટ-બૉલનો થ્રો કરવાનો અખતરો કરી જોજો. દીપાએ આ અત્યંત દળદાર ગોળાને ૪.૬૧ મીટરના અંતર સુધી ફેંકી બતાવીને આ મેડલ જીત્યો છે.

જો એવું માનતા હો કે દીપાનાં સાહસ અને સિદ્ધિની વાતો અહીં પૂરી થઈ ગઈ છે તો થાંબા. તેમની લાઇફની લિટરલી ઊંચી સિદ્ધિની વાત તો હજી બાકી જ છે. જાતભાતની કાર અને બાઇક ચલાવવાનાં શોખીન દીપાએ ૨૦૦૯માં રેઇડ દ હિમાલય નામની હિમાલયન કાર-રૅલીમાં ભાગ લીધેલો. ૨૦૦૯માં જ્યારે દેશભરમાં કારગિલ યુદ્ધના વિજયની ઉજવણીઓ ચાલી રહી હતી ત્યારે એને સેલિબ્રેટ કરવા માટે દીપાએ અનોખો રસ્તો અપનાવ્યો. દરઅસલ, તેઓ એ વખતે ૧૯ મહિનાથી પોતાના માટે કારનું લાઇસન્સ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં. પોતાની શારીરિક મર્યાદાને અનુરૂપ કારને મૉડિફાય કરાવવા છતાં તંત્ર તેમને લાઇસન્સ ઇશ્યુ નહોતું કરી રહ્યું કે મોટર સ્પોર્ટ્સમાં પણ દિવ્યાંગ લોકોને ભાગ લેવાની છૂટ અપાતી નહોતી. આખરે તેઓ જીત્યાં. વિશ્વમાં સૌપ્રથમ વખત કોઈ ફિઝિકલી ચૅલેન્જ્ડ વ્યક્તિને આ પ્રકારની હાઈ અલ્ટિટ્યુડ કાર-રૅલી માટેનું લાઇસન્સ આપવામાં આવ્યું. એ હિમાલયન કાર-રૅલીનો રૂટ પણ કારગિલ થઈને જ જતો હતો. કારગિલ વિજયની અને પોતાના પૅરૅલિસિસ પરના વિજયની ઉજવણી તેમણે એ રૅલીમાં ભાગ લઈને કરી.

ત્યાર પછી તો તેમણે એક-બે નહીં બલકે ત્રણ-ત્રણ વખત આ રીતે હિમાલય ખૂંદ્યો છે. તેમણે પોતાની તમામ હૅન્ડ-કન્ટ્રોલ ધરાવતી મૉડિફાઇડ કારમાં દિલ્હીથી લેહ-લદ્દાખ અને ત્યાંથી રિટર્ન થવાની ત્રણ હજાર કિલોમીટરની સફર પણ તય કરી છે. વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રસ્તાઓ પરથી રોહતાંગ, ખારદુંગ લા જેવા પાસમાં થઈને તેમણે માઇનસમાં તાપમાન ધરાવતી નવ દિવસની આ સફર તય કરી હતી. આ બદલ તેમનું નામ લિમકા બુક ઑફ રેકોર્ડ્સમાં પણ દર્જ કરવામાં આવ્યું હતું. તદુપરાંત તેમને ટ્રુ ગ્રિટ નામનો ખાસ અવૉર્ડ પણ અપાયો હતો. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે બાઇક પ્રત્યેના પ્રેમને કારણે જ દીપા મલિકનાં પ્રેમલગ્ન બિક્રમ સિંહ સાથે થયેલાં. એક આર્મી-ઑફિસરની દીકરી દીપાને જીવનસાથી તરીકે પણ આર્મી-મૅન જ મળ્યો. બિક્રમ સિંહે ઘણે અંશે દીપાના સ્પોર્ટ્સ-કોચ અને લાઇફ-કોચની પણ ભૂમિકા અદા કરી છે.

લિમકા બુકમાં નામ નોંધાવવાની પણ હવે તેમને આદત પડી ગઈ છે, કેમ કે ૨૦૧૩માં ચેન્નઈથી દિલ્હીની ૩૨૭૮ કિલોમીટરની સફર ખેડનારાં તેઓ પહેલાં પૅરાપ્લેજિક વ્યક્તિ બન્યાં હતાં. એ ઉપરાંત સ્પેશ્યલ માઉન્ટન-બાઇક પર ૫૮ કિલોમીટરનું અંતર કાપીને ૨૦૦૮માં તેમણે રેકૉર્ડ બનાવેલો એટલું જ નહીં, ૨૦૦૮ના વર્ષમાં અલાહાબાદમાં તેમણે યમુના નદીમાં સામા પ્રવાહે એક કિલોમીટર તરી બતાવીને પણ રેકૉર્ડ કર્યો છે.

તેમની આ સિદ્ધિઓ બદલ ભારત સરકારે ૨૦૧૨માં દીપાને અર્જુન અવૉર્ડ આપીને સન્માનિત કર્યા હતાં. જિંદગીના અખાડામાં આવું કૌવત બતાવવા બદલ હરિયાણાએ તેમનું એક ગદા આપીને કર્મભૂમિ અવૉર્ડથી સન્માન કરેલું. એ ગદા તેમની સૌથી પ્રિય ટ્રોફી છે. આ વખતની પૅરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ હરિયાણા સરકારે તાબડતોબ તેમને ૪ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરી દીધું છે, જ્યારે મિનિસ્ટ્રી ઑફ યુથ અર્ફેસ ઍન્ડ સ્પોર્ટ્સ તરફથી પણ તેમને પચાસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર થયું છે. અત્યારે દીપા વ્હીલિંગ ડ્રીમ્સ નામની ફિઝિકલી ચૅલેન્જ્ડ ખેલાડીઓ માટેની સંસ્થા પણ ચલાવે છે અને ઍબિલિટી બિયૉન્ડ ડિસેબિલિટી નામના ધ્યેય સાથે જોશ ચડી જાય એવાં પ્રેરક ભાષણો પણ કરવા જાય છે તથા વર્કશૉપ્સનું આયોજન પણ કરે છે. યુવાનોના ચહીતા રિયલિટી શો MTV રોડીઝમાં પણ શિરકત કરી ચૂકેલાં દીપા મલિક રિયલ-લાઇફ રોડી છે એ વાતમાં કોઈ બેમત નથી.

દીપાની સર્જરી કરનારા દિલ્હીના ન્યુરોસજ્ર્યન ડૉ. વી. કે. બતીશે પણ કબૂલ્યું છે કે તેમની અઢી દાયકાની કારકિર્દીમાં તેમણે દીપા મલિક જેવી વ્યક્તિ ક્યારેય જોઈ નથી. દીપા વિશે સૌથી મસ્ત વાત તેમની જ સ્પોર્ટ્સપર્સન દીકરી દેવિકાએ કહી છે. તેનું કહેવું છે કે ‘લોકો પ્રેરણા મેળવવા માટે કે જીવનમાં કશુંક પ્રાપ્ત કરવા માટે પુસ્તકો વાંચે છે. મેં મારી મમ્મીમાંથી પ્રેરણા મેળવી છે. જ્યાં પણ અમે જઈએ છીએ ત્યાં સૌ મમ્મીની સામે અહોભાવ અને આશ્ચર્યથી જોઈ રહે છે. તેમની દીકરી હોવું એ સૌથી મોટા સાહસની અને ગૌરવની વાત છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK