ખાસ બાત : લોકલ ટ્રેનમાં જન્માષ્ટમીની ઉજવણી ચૉકલેટહંડી ફોડીને

છ વર્ષથી વિવિધ તહેવારો ઊજવતી યુવતીઓએ સતત ત્રીજા વર્ષે ફોડી ચૉકલેટહંડી : પહેલી હંડી બદલાપુરમાં ને બીજી મુલુંડમાં ફોડવામાં આવી

chocolate handi


સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનના લેડીઝ કોચમાં છેલ્લાં છ વર્ષથી ભારતીય સંસ્કૃતિના તહેવારો ઊજવી રહેલી કર્જત, બદલાપુર અને ઉલ્હાસનગરમાં રહેતી અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી યુવતીઓના ગ્રુપે ગઈ કાલે ચૉકલેટહંડી ફોડીને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. આ યુવતીઓ છેલ્લાં ત્રણ વર્ષથી લોકલ ટ્રેનમાં દહીહંડીનો ઉત્સવને ઊજવે છે. ત્રણ વર્ષથી તેઓ મુલુંડમાં દહીહંડી ફોડતી હતી, જ્યારે ગઈ કાલે અન્ય મહિલાઓની ડિમાન્ડને કારણે આ ગ્રુપે પહેલાં બદલાપુરમાં અને ત્યાર પછી મુલુંડમાં ચૉકલેટહંડી ફોડી હતી.

તહેવારો કેવી રીતે ઊજવે છે?


ઘાટકોપરની એક કન્સ્ટ્રક્શન કંપનીમાં અકાઉટન્ટ તરીકે કામ કરતી ઉલ્હાસનગરની કચ્છી યુવતી જાગૃતિ વિકમશીએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ટ્રેનના કર્જત તરફના લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં અમે ટ્રાવેલિંગ કરીએ છીએ. એમાં કર્જતથી લઈને ડોમ્બિવલીની યુવતીઓ મુસાફરી કરે છે. અમે છ વર્ષથી બધા જ ધાર્મિક અને અન્ય તહેવારોની ટ્રેનમાં ઉજવણી કરીએ છીએ. શરૂઆત અમે ગણેશોત્સવથી કરી હતી. એમાં અમે ડોમ્બિવલીથી મુલુંડ સુધી ગણપતિના fલોક બોલીએ છીએ. મુલુંડ સ્ટેશન પાસે રેલવે પોલીસ-ફોર્સનું ગણપતિ મંદિર આવતાં જ અમે ગણપતિબાપ્પા મોરયાનો નાદ લગાવીએ છીએ. આ પહેલાં અમે ડોમ્બિવલીના ગણપતિ મંદિર પાસે પણ આવો જ નાદ લગાવીએ છીએ. અમારી સાથે આ નાદમાં અન્ય મહિલાઓ પણ હસતા મુખે જોડાય છે.’

આ સિવાય અમે હલદી કંકુની પણ ઉજવણી કરીએ છીએ એમ જણાવતાં જાગૃતિએ કહ્યું હતું કે ‘આમાં અમે દર વર્ષે બધી જ મહિલાને અવનવી ચીજો ગિફ્ટ આપીએ છીએ. નવરાત્રિમાં અમે મા અંબાની આરતી બોલીએ છીએ અને એક દિવસ મુમ્બાદેવીનાં દર્શન કરવા જઈએ છીએ. રક્ષાબંધનમાં સૌને રાખડી બાંધીએ છીએ. વૅલેન્ટાઇન્સ ડેના દિવસે અમે બધા જ લાલ રંગનાં વસ્ત્રો પરિધાન કરીને સાથે નાસ્તો કરીએ છીએ. ધુળેટીના દિવસે એકબીજાને ગુલાલ લગાવીને હોળીની ઉજવણી કરીએ છીએ.’

દશેરાની ઉજવણી


દશેરાના દિવસે અમે અનોખી રીતે ઉજવણી કરીએ છીએ એમ જણાવીને જાગૃતિએ કહ્યું હતું કે ‘એ દિવસે અમે બધા પહેલાં ડાઉન લોકલમાં કર્જત જઈએ છીએ. ત્યાં જઈને અમારા કમ્પાર્ટમેન્ટની સજાવટ કરીએ છીએ. ટ્રેન પાસે શ્રીફળ પધરાવીને મોટરમૅનને મીઠાઈ ભેટ આપીએ છીએ. ત્યાર પછી બધા જે પ્રસાદ લાવ્યા હોય એ અમે સાથે મળીને આરોગીએ છીએ. નવા વર્ષે ટ્રેનમાં નાસ્તાનો પોગ્રામ કરીએ છીએ.’

દહીહંડીની ઉજવણી


પહેલાં અમે દહીહંડીની ઉજવણી નહોતાં કરતાં એમ જણાવતાં જાગૃતિએ કહ્યું હતું કે ‘એક દિવસ અમને સૌને વિચાર આવ્યો કે આપણને દહીહંડીના દિવસે રજા ન હોવાથી આ તહેવારનો આનંદ માણી શકતાં નથી. એટલે અમે ત્રણ વર્ષ પહેલાં આ ઉત્સવ પણ ઊજવવાનો નિર્ણય લીધો હતો. પહેલા વર્ષે અમે દહીહંડી પૅસેજમાં બાંધીને બધાને પ્રસાદમાં શીરો આપ્યો હતો. એ દિવસે અમે અમારા કમ્પાર્ટમેન્ટમાં ટ્રાવેલિંગ કરતા એક નાનકડા છોકરાને કનૈયો બનાવીને તેના હાથે મટકી ફોડાવી હતી. બીજા વર્ષથી અમે કર્જત જતા. ત્યાંથી દહીહંડીની સજાવટ કરીને આવતાં હતાં અને મુલુંડનાં ગણેશદર્શન કરીને દહીહંડી ફોડતાં હતાં. આ સજાવટમાં અમને કર્જતથી બદલાપુર ટ્રાવેલ કરતી મહિલાઓ અને અન્ય મુસાફરો ખૂબ મદદ કરતાં હતાં. જોકે તેમને દહીહંડી ફૂટતી જોવા મળતી નહોતી જેનો તેમને અફસોસ રહેતો હતો.’

આ વર્ષથી બે દહીહંડી


આ વર્ષે અમને કર્જતથી બદલાપુર મુસાફરી કરતા મુસાફરોએ બદલાપુર પહેલાં હંડી ફોડવા નિવેદન કર્યું હતું એમ જણાવતાં જાગૃતિએ કહ્યું હતું કે ‘આ મુસાફરોની ડિમાન્ડને માન આપીને ગઈ કાલે અમે પહેલી દહીહંડી બદલાપુર પહેલાં ફોડી હતી. આ મટકી અમે એક બાળક પાસે ફોડાવી હતી. ત્યાર પછી અમારા રૂટીન પ્રમાણે અમારા ગ્રુપની એક યુવતીએ મુલુંડમાં મટકી ફોડી હતી. આ બન્ને સમયે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કીના નાદથી આખો કમ્પાર્ટમેન્ટ ગુંજી ઊઠ્યો હતો. આ સમયે મહિલા સિવાયના કમ્પાર્ટમેન્ટના પુરુષો પણ અમારી સાથે જોડાયા હતા.’


દહીહંડી નહીં, ચૉકલેટહંડી


અમે ટ્રેનમાં ગંદકી ન થાય અને અન્ય મુસાફરોનાં કપડાં પણ ન બગડે એનો ખ્યાલ રાખીએ છીએ એમ જણાવીને જાગૃતિએ કહ્યું હતું કે ‘અમે હંડીમાં દહીં નથી નાખતા, ચૉકલેટથી હંડી ભરીએ છીએ. એવી જ રીતે અમે હંડીને એક કાગળની થેલીમાં રાખીએ છીએ જેથી મટકીના ટુકડા કમ્પાર્ટમેન્ટમાં ઊડે નહીં અને કોઈને પગમાં વાગે નહીં.’

પ્રેમ અને એકતાનો ઉદ્દેશ


ઉત્સવોની ઉજવણીના ઉદ્દેશ સંબંધમાં જાગૃતિએ કહ્યું હતું કે ‘૪૫ મિનિટના ટ્રાવેલિંગમાં એકબીજા માટે પ્રેમ અને એકતાનું વાતાવરણ સર્જાય, એકબીજાની ઓળખાણ થાય અને એના આધારે આખા દિવસના વ્યસ્ત જીવનમાં ખુશી મળે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. એને અમે છ વર્ષથી સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છીએ.’

આવતા વર્ષે ત્રણ હંડી


કર્જતથી બદલાપુરની મહિલાઓની જેમ બદલાપુરથી ડોમ્બિવલી સુધી મુસાફરી કરતી મહિલાઓએ ગઈ કાલે ડોમ્બિવલી પહેલાં એક મટકી ફોડવામાં આવે એવી ડિમાન્ડ કરી છે. આથી આવતા વર્ષે આ યુવતીઓનું ગ્રુપ પહેલી દહીહંડી બદલાપુર પહેલાં, બીજી દહીહંડી ડોમ્બિવલી પહેલાં અને ત્રીજી તેમના રૂટીન કાર્યક્રમ પ્રમાણે મુલુંડમાં ફોડશે.

- રોહિત પરીખ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK