ઇન્ટરનેટને મુઠ્ઠીમાં કરવાના પેંતરા સામે વિરોધનો વંટોળ

રાતોરાત દેશભરમાં ચર્ચાવા લાગેલો નેટ ન્યુટ્રૅલિટીનો વિવાદ શું છે? શા માટે ઇન્ટરનેટના વપરાશકારો ઇન્ટરનેટને બચાવવાની વાતો કરી રહ્યા છે? જાણીએ આખો ઘટનાક્રમ

net neutrality

જયેશ અધ્યારુ

એક કલ્પના કરો : તમે એક પ્રાઇવેટ કંપની પાસેથી ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લીધું છે, પરંતુ વન ફાઇન મૉર્નિંગ એ ઇલેક્ટ્રિસિટી આપતી કંપની એવો ફતવો બહાર પાડે છે કે હવેથી એ ઇલેક્ટ્રિસિટીમાંથી તમારે શું વાપરવું એ પણ એ જ કંપની નક્કી કરશે. વધુમાં એવો પણ હુકમ આવે કે અમારી ઇલેક્ટ્રિસિટીમાંથી જો તમે ફલાણી કંપનીનું ફ્રિજ વાપરશો તો ફ્રિજ તમને મફતમાં મળશે, પણ જો બીજી કોઈ કંપનીનું ફ્રિજ ખરીદ્યું તો અલગથી પૈસા ચૂકવવા પડશે. આવું જ ધીમે-ધીમે ટીવી, વૉશિંગ-મશીન, કમ્પ્યુટર, મોબાઇલથી લઈને વીજળીથી ચાલતાં બધાં જ સાધનો પર લાગુ પડવા માંડે એટલે સ્વાભાવિક રીતે જ લોકો મફતમાં મળતી કંપનીનાં જ ઉપકરણો વાપરે. એટલે બીજી કંપનીઓનાં સાધનોનો તો ઘડોલાડવો નક્કી. વળી તમને થાય કે ગરમી વધી ગઈ છે તો એક ઍર-કન્ડિશનર ખરીદી લઈએ. તમે ખરીદી તો લો, પણ એને ચલાવવા માટે વીજ-કંપની પાસેથી ઍર-કન્ડિશનર ચલાવવા માટેનું અલગ પૅક ખરીદવાનું. આ કલ્પના પણ તદ્દન વાહિયાત અને ત્રાસદાયક લાગે છેને?

હવે અહીં ઇલેક્ટ્રિસિટીની જગ્યાએ ઇન્ટરનેટ મૂકી દો અને વીજળીથી ચાલતાં ઉપકરણોને સ્થાને વેબસાઇટ્સ તથા ઍપ્લિકેશન્સ ગોઠવી દો. એટલે એકઝાટકે અત્યારે ચાલી રહેલો નેટ ન્યુટ્રૅલિટીનો આખો ગોકીરો તમને સમજાઈ જશે. એક સીધીસાદી આગ્યુર્‍મેન્ટ છે કે જે રીતે આપણને વીજળી પહોંચાડતી કંપની આપણે કઈ કંપનીનું ઉપકરણ વાપરવું એ નક્કી ન કરી શકે એ જ રીતે ઇન્ટરનેટ કનેક્શન આપતી કંપની આપણે કઈ વેબસાઇટ જોવી એ કઈ રીતે નક્કી કરી શકે?

ઍરટેલે છેડ્યો વિવાદનો મધપૂડો

નેટ ન્યુટ્રૅલિટી એટલે ઇન્ટરનેટ પર ધમધમતી તમામ વેબસાઇટોને એકસરખું મહત્વ આપવું. એક વખત તમે ઇન્ટરનેટ કનેક્શન લઈ લીધું ત્યાર પછી તમારે યુટ્યુબ પર વિડિયો જોવા હોય, ઑનલાઇન શૉપિંગ કરવું હોય, ગીતો સાંભળવાં હોય, સ્કાઇપ-વૉટ્સઍપ પર ચૅટિંગ કરવું હોય કે પછી ફેસબુક પર ટાઇમપાસ કરવો હોય - તમારે શું કરવું છે એ માત્ર અને માત્ર તમારે જ નક્કી કરવાનું. એક વખત તમને અમુકતમુક ગીગાબાઇટનું 2G કે 3G  સ્પીડવાળું ડેટાપૅક વેચી દીધા પછી ટેલિકૉમ કંપનીએ એમાં ચંચુપાત કરવાનો નહીં. વળી તમે ગમે એ કંપનીનું ઇન્ટરનેટ વાપરતા હો, પણ દરેક વેબસાઇટ એકસરખી સ્પીડમાં જ લોડ થવી જોઈએ.

હવે એ તો સ્વયંસ્પક્ટ હકીકત છે કે વૉટ્સઍપ, હાઇક, લાઇન, વાઇબર, ટિન્ડર જેવી મેસેજિંગ સર્વિસે SMSની ગેમ ઓવર કરી નાખી છે. એટલે SMSનાં પૅક વેચી-વેચીને ટેલિકૉમ કંપનીઓ જે કમાતી હતી એ લગભગ બંધ થઈ ગઈ છે. એટલે છંછેડાયેલી ઍરટેલે પોતાની SMSની ખોટ સરભર કરવા માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં એના ગ્રાહકોને એવી ફરજ પાડી કે હવે તમારે વૉટ્સઍપ વાપરવું હોય તો એનું અલગથી એક પૅક ખરીદો. ગ્રાહકોએ કકળાટ કરી મૂક્યો અને અન્ય ટેલિકૉમ કંપનીઓએ પણ આ પ્લાનને સમર્થન આપવાની ના પાડી દીધી. એટલે ઍરટેલે નછૂટકે એ પ્લાનનું પડીકું વાળી દેવું પડ્યું.

ત્યાર પછી એણે લૉન્ચ કરી નવી સર્વિસ, ઍરટેલ ઝીરો. કંઈક અંશે આ સર્વિસ આપણા અત્યારના DTH કનેક્શનનાં પૅકેજિસ પ્રકારની છે. જે રીતે DTHમાં ન્યુઝ, મૂવીઝ, મ્યુઝિક, નૉલેજ, ચિલ્ડ્રન, પ્રાદેશિક ભાષા વગેરે પ્રકારની ચૅનલોને અલગ-અલગ પૅકેજિસમાં વહેંચી નાખીને આપણને અલગ-અલગ પૅક ખરીદવાની ફરજ પાડવામાં આવે છે એ જ રીતે ઍરટેલ પ્રેરિત ટેલિકૉમ કંપનીઓનું પ્લાનિંગ પણ એવું હતું કે ઇન્ટરનેટ પરની વેબસાઇટોને પણ અલગ-અલગ ખાનાંમાં વહેંચી નાખવાની. એટલે કે શૉપિંગ, વિડિયો, સોશ્યલ નેટવર્કિંગ વગેરે પ્રકારની વેબસાઇટોનાં અલગ-અલગ પૅક અને તમારે એ પૅક ખરીદવાનાં. એવી પૉપ્યુલર સર્વિસિસને નામ આપવામાં આવ્યું છે ઓવર ધ ટૉપ સર્વિસિસ. એવી સર્વિસિસ સાથે ટેલિકૉમ કંપની પાછલા બારણેથી કૉન્ટ્રૅક્ટ કરી લે (જેમ કે ઍરટેલે ફ્લિપકાર્ટ સાથે કરેલો), એટલે એ વેબસાઇટ તમને ફ્રીમાં મળે (કારણ કે ફ્લિપકાર્ટ ઍરટેલને અમુક મોટી રકમ ચૂકવવાનું હતું), પરંતુ એ જ પ્રકારની બીજી વેબસાઇટ ખોલવી હોય તો તમારે અલગથી પૈસા ચૂકવવાના. એમાંય વધારે સ્પીડ જોઈતી હોય તો ઑર રૂપિયા ખર્ચવાના. એવુંય બને કે એ બીજી વેબસાઇટ એટલીબધી ધીમે લોડ થાય કે અલ્ટિમેટલી તમે કંટાળીને એને ખોલવાનું જ માંડી વાળો અને કંપનીના પૅકેજમાં મળતી સાઇટો પર જ જવા માંડો.

ટૂંકમાં પોતાની જ ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા રળતી વેબસાઇટો-ઍપ્સની કમાણીમાં ભાગ પડાવવાનો ટેલિકૉમ કંપનીઓનો ઇરાદો છે. એમની દલીલ એવી છે કે અમે કરોડો રૂપિયા ખર્ચીને ઇન્ટરનેટ આપવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ તો અમનેય કમાણી તો થવી જ જોઈએને?

તો વાંધો શો છે?

એક નહીં, બહુબધા વાંધા છે. પહેલી વાત તો એ કે ઇન્ટરનેટ લક્ઝરી નથી, યુટિલિટી છે. બસ, ટ્રેન, પાણી, વીજળી, રસ્તાની જેમ જ એ હવે પ્રાથમિક જરૂરિયાત છે. એટલે એના પર કોઈ પોતાની નફાખોરી લાદે એ ચલાવી શકાય નહીં. બીજું, ઇન્ટરનેટની સર્વિસ પૂરી પાડતી કંપનીઓ (જેમ કે વોડાફોન, ઍરટેલ, રિલાયન્સ, BSNL વગેરે)નું કામ આપણને ઇન્ટરનેટ કનેક્શન આપવાનું છે, આપણે ઇન્ટરનેટ પર શું જોવું અને શું નહીં એની સેન્સરગીરી કરવાનું નહીં. ત્રીજું, અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતનો અહીં ભંગ થાય છે. તમે એક વેબસાઇટ (કહો કે ફ્લિપકાર્ટ) ફ્રીમાં આપો, એટલે એ કૉમ્પિટિટિવ માર્કેટની હત્યા થઈ કહેવાય. અત્યારે નાની-નાની ઑનલાઇન શૉપિંગ સાઇટ્સ જે રીતે ફ્લિપકાર્ટ, ઍમૅઝૉન, સ્નેપડીલ જેવી ડાયનોસૉર છાપ સાઇટ્સને કાંટે કી ટક્કર આપી રહી છે એનો તો પછી દાટ વળી જાય; કેમ કે અજાણી અથવા તો ઓછી જાણીતી વેબસાઇટ પર જવા માટે કોઈ શા માટે અલગથી પૈસા ચૂકવે? એટલે જો ઍરટેલ ઝીરો પ્રકારના પ્લાન આવી જાય તો નવી કંપનીઓની તો જન્મતાં પહેલાં જ ભ્રૂણહત્યા થઈ જાય, કારણ કે એમની પાસે જાયન્ટ ટેલિકૉમ કંપનીને ચૂકવવાનાં જાયન્ટ નાણાં ન હોય. ટૂંકમાં તમારી પાસે પૈસા નથી તો તમારું ઇન્ટરનેટ પર કોઈ કામ નથી. ચાર, અલગ-અલગ પૅકના નામે આપણે ચૂકવવાપાત્ર રકમનો આંકડો એટલો વધી જાય કે અલ્ટિમેટલી વધુમાં વધુ લોકો સુધી ઇન્ટરનેટને પહોંચાડવાનો આખો હેતુ જ માર્યો જાય અને ઇન્ટરનેટ કોઈ લક્ઝરી આઇટમ બનીને રહી જાય. પાંચ, ખોટનાં રોદણાં રડી રહેલી ટેલિકૉમ કંપનીઓ ક્યારેય ગળું ખોંખારીને સ્વીકારતી નથી કે છેલ્લાં વર્ષોમાં ઇન્ટરનેટનાં ડેટા-પૅકની એમને કેટલી જંગી કમાણી થઈ રહી છે. ટૂંકમાં એ એકદમ ખોટાડી છે.

વિરોધનું વાવાઝોડું

૨૦૦૩માં કોલમ્બિયા યુનિવર્સિટીના મીડિયા લૉ વિષયના પ્રોફેસર ટિમ વુએ નેટ ન્યુટ્રૅલિટી શબ્દ કૉઇન કરેલો. ત્યાર પછી અમેરિકા સહિત વિશ્વના સંખ્યાબંધ દેશોમાં ઇન્ટરનેટ પર આવી મોનોપૉલી જમાવવાના પ્રયાસો થતા રહ્યા છે. ચિલી, નેધરલૅન્ડ્સ, બ્રાઝિલ અને હવે અમેરિકાએ પણ નેટ ન્યુટ્રૅલિટીને સુરક્ષિત રાખવાના કાયદા ઘડ્યા છે. આપણે ત્યાં ગયા મહિને ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI-ટ્રાઇ)એ ઍરટેલ ઝીરો પ્રકારની સર્વિસિસ માટે લોકોનાં સૂચનો મગાવતી ૧૧૮ પાનાંની અરજી વેબસાઇટ પર નાખી હતી, પરંતુ એની ૨૪ એપ્રિલની આખરી તારીખ જેમ નજીક આવી એમ ઇન્ટરનેટ-ઍક્ટિવિસ્ટોની મહેનતને પ્રતાપે દેશના યુઝર્સ સફાળા જાગ્યા. ચારેકોરથી અપીલ થવા લાગી કે savetheinternet.in અથવા www.netneutrality.in નામની વેબસાઇટ પર જાઓ અને ટ્રાઇને વાંધાઅરજીની મેઇલ મોકલી આપો.

આ લખાય છે ત્યાં સુધીમાં ટ્રાઇને પાંચ લાખથી પણ વધુ ઈ-મેઇલ મળી ચૂકી છે. ફ્લિપકાર્ટની ઍરટેલ સાથેની સાઠગાંઠથી ફ્લિપકાર્ટની ઍપ્લિકેશન ડિલીટ કરી નાખવાની પણ ઝુંબેશ શરૂ થઈ ગયેલી. એટલે જ પરિસ્થિતિ પામી ગયેલી ફ્લિપકાર્ટે ઍરટેલ સાથેનું પોતાનું જોડાણ તોડીને નેટ ન્યુટ્રૅલિટીને ટેકો જાહેર કરી દીધો છે. કેન્દ્રીય માહિતી-પ્રસારણ પ્રધાન અરુણ જેટલીએ પણ નેટ ન્યુટ્રૅલિટીને જાળવી રાખવાની ખાતરી આપી છે. આ વિરોધ એટલોબધો વધી ગયો છે કે છેક અમેરિકામાં બેઠેલા માર્ક ઝકરબર્ગની આખી દુનિયાને ઇન્ટરનેટથી જોડવાની internet.org સર્વિસ પર પણ નેટ ન્યુટ્રૅલિટીને ભંગ કરવાના મલિન ઇરાદાના આક્ષેપો લાગવા માંડ્યા છે. એટલે એણે પણ નેટ ન્યુટ્રૅલિટીને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે.

અત્યારના તબક્કે આપણે એટલું કરવાનું છે કે ટ્રાઇને વાંધાઅરજીની ઈ-મેઇલ કરો અને લોકોમાં આ મુદ્દે જાગૃતિ લાવો. અને હા, ભવિષ્યમાં ઇન્ટરનેટ પર તરાપ મારવાના આવા કોઈ પ્રયાસ ન થાય એ માટે એક કૉન્ક્રીટ કાયદો ઘડવાનો સમય પણ પાકી ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK