આલોક નાથ 15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગયેલા

દિલ્હીથી ભાગીને હું ટ્રેનમાં મુંબઈ પહોંચું એ પહેલાં તો મારા પપ્પા પ્લેનમાં આવીને મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગયા, ભણવાથી કંટાળો આવવાને કારણે ૧૫ વર્ષની ઉંમરે આલોક નાથે આ કારસ્તાન કરેલું : બાબુજી બ્રૅન્ડ તરીકે જાણીતા બનેલા આ ઍક્ટર જોકે અંગત જીવનમાં ખૂબ નટખટ છે
જાણીતાનું જાણવા જેવું - રુચિતા શાહ


બૉલીવુડમાં બાબુજીની ઇમેજથી લોકોના દિમાગમાં ઘર કરી ગયેલા ઍક્ટર આલોક નાથ ઝાને એક વાતનો અફસોસ છે કે કાશ જો તેમણે પૈસાની ખેંચને કારણે નાની ઉંમરમાં મોટી વયની વ્યક્તિની ભૂમિકા ન ભજવી હોત તો અત્યારે તેમની કારકિર્દીનું સ્વરૂપ કંઈક જુદું જ હોત. લગભગ દોઢેક મહિના પહેલાં આલોક નાથના બાબુજી ઇમેજના થોકબંધ જોક ટ્વિટર પર ચાલ્યા હતા. આલોક નાથ પોતે શરૂઆતમાં આ બધા જોક્સને કારણે અકળાયા હતા. જોકે પાછળથી તેઓ પણ લોકોની ક્રીએટિવિટીને એન્જૉય કરતા હતા. ‘મિડ-ડે’ સાથે ફોન પર વાત કરતાં-કરતાં પણ આ જોક્સની વાત નીકળતાં તેઓ ખડખડાટ હસી પડ્યા હતા. જોકે તેઓ કહે છે, ‘જોક્સમાં જે સંસ્કારી બાબુજીની ઇમેજ ઊભી કરવામાં આવી છે એવો હું નથી. સંસ્કારી નથી એવું નહીં, સંસ્કાર જે મા-બાપ અને સમાજ પાસેથી મળ્યા છે એ તો જીવે ત્યાં સુધી વ્યક્તિ સાથે રહેતા હોય છે. જોકે હું થોડો નટખટ પણ છું. એક ઇમેજમાં બંધાઈ જાઉં એવું મારું વ્યક્તિત્વ નથી.’

સેંકડો ફિલ્મો અને બે ડઝનથી વધુ હિન્દી સિરિયલોમાં ઍક્ટિંગ કરી ચૂકેલા આલોક નાથે માત્ર સંસ્કારોનો વ્યાપ કરનારા બાબુજીનો જ રોલ કર્યો છે એવું નથી. તેમણે ‘બોલ રાધા બોલ’માં વિલનની ભૂમિકા પણ ભજવી છે. કેટલીક શરૂઆતની ફિલ્મોમાં હીરોનો રોલ ભજવ્યો છે. ભારતીય ઇતિહાસમાં પ્રથમ હિન્દી સિરિયલમાં જેનું નામ ગણાય છે એ ૧૯૮૪માં આવેલી ‘હમ લોગ’ નામની સિરિયલમાં આલોક નાથે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે તેમના ગણ્યાગાંઠ્યા બીજા રોલ કરતાં તેમના ઇનોસન્ટ ચહેરાને કારણે બાબુજી અને એક સજ્જન અને સંપૂર્ણ સંસ્કારી વ્યક્તિના કૅરૅક્ટર તરીકે લાકોએ તેમને વધુ સ્વીકાર્યા છે. જોકે સીધાસાદા લાગતા આલોક નાથજી બાળપણમાં અત્યંત તોફાની હતા. માતા-પિતાના નાકે દમ લાવી દીધો હતો. નાનપણથી લઈને તેમણે કેવાં-કેવાં કારસ્તાનો કર્યા છે એ વિશેની વાતો તેમની પાસેથી જાણીએ.

ભણવામાં ઢ અને ઍક્ટિંગમાં એ ગ્રેડ

મને ભણવું જરાય નહોતું ગમતું. એકદમ અલ્લડ અને તોફાની છોકરા તરીકે પોતાના ગ્રુપમાં અને પરિવારમાં જાણીતા આલોક નાથ વાતની શરૂઆત કરીને આગળ કહે છે, ‘મારા પિતા ડૉક્ટર હતા. પચીસેક વર્ષ પહેલાં જ તેમનો દેહાંત થઈ ગયો છે. જોકે ફૅમિલી બૅકગ્રાઉન્ડ એ પ્રકારનું હતું કે સ્વાભાવિક છે કે ઘરમાં સ્ટડીઝનું અકલ્પનીય મહત્વ હોય. મારી એક મોટી બહેન અને એક નાની બહેન. હું ખૂબ ભણું એવી તેમની ઇચ્છા હતી. જોકે હું ભણવામાં ઠોઠ નિશાળિયો હતો. ભણવા સિવાયની બાકી બધી બાબતોમાં મારો નંબર આવતો, પણ ભણવાની વાત આવે ત્યારે મારે નીચી ગરદન કરીને જોવું પડતું. મારા પિતાના હાથનો ભરપૂર માર પણ ખાધો છે. એક્ઝામમાં ફેલ થયો છું, ક્લાસમાંથી બહાર કઢાયો છું, સ્કૂલમાંથી રસ્ટિકેટ પણ કરવામાં આવ્યો છું. તેં તો મને ક્યાંયનો નથી રાખ્યો એવું પણ મારા પિતા પાસે હજારો વાર સાંભળ્યું છે. બધાં ભાઈ-બહેનોમાં સૌથી વધુ ધુલાઈ મારી થઈ છે.’

૧૫ વર્ષે ઘર છોડીને ભાગ્યો

હજી તો જીવનની શરૂઆત થઈ હોય ત્યાં જીવનથી કંટાળાનો આભાસ આલોક નાથને થઈ ગયો હતો. તેઓ કહે છે, ‘૧૫ સાલ કી ઉમ્ર મેં ઝિંદગી સે તંગ આકર ઘર છોડ કે ભાગ ગયા થા. અમે મિડલ ક્લાસ ફૅમિલીના હતા અને એ વખતે પણ મને સારું શિક્ષણ મળે એ આશયથી પિતાએ સારામાં સારી સ્કૂલમાં મૂક્યો હતો. મારા કરતાં વધુ પૈસાવાળા અને મારા કરતાં ભણવામાં વધુ હોશિયાર બાળકો વચ્ચે રહેતાં-રહેતાં હું મારી જાતને ખૂબ જ નીચો ગણવા લાગ્યો હતોં. આવી જિંદગીમાં નથી જીવવું એમ વિચારીને હું અને મારા બીજા ત્રણ નટખટ મિત્રો દિલ્હીથી મુંબઈ આવવા નીકળી ગયા હતા. મુઝસે પઢાઈ હોતી નહીં થી. ઘર મેં પઢાઈ કે અલાવા કુછ હોતા નહીં થા. બધી જગ્યાએ ખરાબ માર્ક્સ આવવાને કારણે નીચા જોવાપણું થતું હતું એટલે બધાએ ભેગા થઈને વિચાર્યું છે ચાલો, મુંબઈ જઈને નસીબને અજમાવીએ. જેમતેમ પૉકેટ-મની અને પિગી બૅન્કના પૈસા જમા કરીને જુગાડ કરીને દિલ્હીથી મુંબઈ ટ્રેનમાં આવવા નીકળ્યા. એ રાત્રે ઘરે ન પહોંચ્યો એટલે મમ્મી-પપ્પા ઘરે ટેન્શનમાં હતાં. મારા બધા ફ્રેન્ડ્સને ફોન કર્યા. હું મારા એક ખાસ મિત્રને બધું કહીને ગયો હતો. જોકે પિતાને ખબર હતી કે આ ખાસ દોસ્તારને બધી ખબર છે. તેને સીધો જ રિમાન્ડ પર લીધો એટલે તેણે તો ડરીને હું ક્યાં છું એ કહી દીધું. ટ્રેનમાં દિલ્હીથી મુંબઈ આવતાં બે દિવસ લાગે. અમે મુંબઈ પહોંચીએ એ પહેલાં જ મારા અંકલ અને પપ્પા ફ્લાઇટમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર આવી ગયા હતા. અમે જેવા મુંબઈ ઊતર્યા એની પાંચ જ મિનિટમાં તેમણે અમને શોધી કાઢ્યા અને પાછળથી જ પકડી લીધા. પહેલાં પોલીસમાં આપી દેવાની ધમકી આપી. અમે લોકોએ ખૂબ માફી માગી એટલે મુંબઈ ફરાવીને પાછા દિલ્હી લઈ ગયા.’

ઍક્ટિંગની દિશા

નાનપણથી ઍક્ટિંગનો મને પુષ્કળ શોખ હતો. મારી સ્કૂલ, કૉલેજ દિલ્હીમાં જ થયાં છે. સ્કૂલ-કૉલેજમાં બધાં જ નાટકોમાં હું હોઉં અને હોઉં જ. એમાં ટીચરો તરફથી જ્યારે મારી તારીફ મારા ઘર સુધી પહોંચી એટલે મારા પેરન્ટ્સને મારી ઍક્ટિંગના રસમાં રસ જાગ્યો એમ જણાવીને આલોક નાથ કહે છે, ‘મને ભણાવવાની લગભગ બધી જ રીત તેમણે અપનાવી લીધી હતી, પણ કોઈ પરિવર્તન તેમને મળ્યું નહોતુ. શરૂઆતમાં મારો ઍક્ટિંગ માટેનો રસ તેમને ખૂંચતો હતો. હું ફ્રેન્ડ્સ, ટીચરો પાસેથી ઉધાર પૈસા લઈને પણ મારાં કૉસ્ચ્યુમ્સ બનાવતો. પણ જ્યારે તેમણે મારા પ્લે જોયા, મારી તારીફ સાંભળી, મને ઍક્ટિંગ કરતાં જોયો ત્યારે તેમને મારામાં વિશ્વાસ બેઠો કે આને જેમાં રસ છે એ જ તેને કરવા દઈએ. એ પછી તેમણે દરેક મોડ પર મને સપોર્ટ જ કર્યો છે.’

શરૂઆતમાં સંઘર્ષ

 ૧૯૮૧માં આલોક નાથ મુંબઈ આવ્યા. સ્વાભાવિક છે કે એ વખતે તેમના માથે એવો કોઈ હાથ નહોતો. પોતાની મજલ પોતાના પગ પર એકલે હાથે કાપવાની હતી. તેઓ કહે છે, ‘૪૦૦ રૂપિયાના મન્થ્લી ભાડાના ઘરમાં રહેતો હતો. ત્યારે કોઈ કામ હાથમાં નહોતું અને મારા ગુજારાના પૈસા પણ મને ઘરેથી મોકલવામાં આવતા હતા. એ વખતે મુંબઈમાં ઍડ-ફિલ્મ્સ, ડબિંગ અને નાટકોમાં નાના-મોટા રોલ જેવાં કામ કરતો હતો. અનેક જગ્યાએથી ધુત્કાર મળ્યો. મનોબળ તોડવાની કોશિશો પણ થઈ. જોકે મારું માનવું છે કે આવી પરિસ્થિતિઓ જ તમારા પાયાને મજબૂત કરે છે. પૈસાની જરૂરિયાતને કારણે કેટલાંક ખોટાં સ્ટેપ્સ પણ લેવાયાં છે. જૈસે કી જવાન ઉમ્ર મેં બૂઢે કા રોલ કિએ યે રૉન્ગ સ્ટેપ થા. થોડા રુકતા, થોડા ઇન્તઝાર કરતા તો ડેસ્ટિની કુછ ઔર હોતી.’

અંગત-સંગત

આલોક નાથે પોતાની પ્રથમ હિન્દી સિરિયલ ‘હમ લોગ’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતી છોકરી સાથે ત્રણ વર્ષના અફેર પછી લવ-મૅરેજ કર્યા છે. તેનું નામ આશુ છે. તે મૂળ રાજપૂત છે અને આલોકજી પંજાબી હોવાને કારણે શરૂઆતમાં ફૅમિલીએ વિરોધ કર્યો હતો. જોકે પછી પરિવાર માની ગયો અને તેમણે લવ-વિથ-અરેન્જ્ડ મૅરેજ કર્યા છે. તેમની મોટી દીકરી ૨૫ વર્ષની છે જેનું નામ છે જુન્હાય. અને ૨૧ વર્ષનો શિવાંક નામનો દીકરો છે. અત્યારે તેઓ ‘તૂ મેરે અગલ બગલ હૈ’ નામના કૉમેડી શોમાં રમૂજી બાબુજીનો રોલ કરી રહ્યા છે. એ સિવાય પણ કેટલાક ઑફ-બીટ રોલમાં કામ કરવા માટેની તૈયારીઓ તેમણે કરી દીધી છે. આ સિવાય ઍક્ટિંગ ઉપરાંત આલોક નાથને કુકિંગનો પુષ્કળ શોખ છે. તેમના હાથનું ભીંડી, પનીર અને ગટ્ટાનું શાક અત્યંત ટેસ્ટી બને છે.

કેટલાક મજેદાર જોક્સ

આલોક નાથની બાબુજી બ્રૅન્ડ પર અને સંસ્કારી ઇમેજ પર ટ્વિટરરસિયાઓએ અનેક પ્રકારના ક્રીએટિવ જોક્સનો મારો ચલાવ્યો હતો. એમાંના કેટલાક જોક્સ પર એક નજર કરીએ.

આલોક નાથનો જન્મ થયો ત્યારે ડૉક્ટરોએ બહાર આવીને કહેલું કે બધાઈ હો, બાબુજી હુએ હૈં.

આલોક નાથ સ્કૂલમાં લંચ-બૉક્સમાં પણ પ્રસાદ લઈને જતા હતા.

આલોક નાથ ટેમ્પલ રન ચંપલ ઉતારીને રમતા હતા.

આલોક નાથ પોતાની બૅચલર પાર્ટી માટે વૈષ્ણોદેવી ગયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK