આ કચ્છી મા-દીકરીઓ ઘરમાં સંસ્કૃતમાં વાતો કરે છે

ભણવાની ધગશ હોય એ વ્યક્તિને નથી ઉંમર નડતી કે નથી તેના પરિવારની વ્યક્તિઓ એમાં અવરોધક બનતી. આનું જ્વલંત ઉદાહરણ છે મુલુંડ (વેસ્ટ)ના ગોવર્ધનનગરમાં રહેતી ૩૯ વર્ષની છાયા અજય દેઢિયા.


તેના જીવનમાં આ વાત પૂરી રીતે બંધબેસતી છે. આ વર્ષે છાયાએ MAની પરીક્ષા સંસ્કૃત ભાષાના સ્પેશ્યલ વિષયો સાથે ૭૯ ટકા મેળવીને પાસ કરી હતી. છાયાની સંસ્કૃત પ્રત્યેની લગનીની અસર એટલી જોરદાર થઈ કે છાયાની સાથે તેની બન્ને પુત્રીઓ અક્ષા અને રિયાને પણ સંસ્કૃત પ્રત્યે રુચિ થવા લાગી તથા મા અને બેઉ દીકરીઓ આજે ઘરમાં સંસ્કૃતમાં વાતો કરે છે.

છાયા જ્યારે MAની પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે તેની ૧૬ વર્ષની મોટી દીકરી અક્ષા SSCની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. મમ્મીની સાથે પરીક્ષાની મહેનત કરનારી અક્ષાને SSCમાં ૯૪ ટકા માર્ક આવ્યા હતા. મા-દીકરી બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સારા માર્ક મેળવીને પાસ થયાં હતાં. અક્ષાના સારા માર્ક માટે છાયા સંસ્કૃત ભાષાની તેનામાં રહેલી રુચિને શ્રેય આપી રહી છે.

છાયા ૧૯૯૭ની સાલમાં પરણીને ગોવર્ધનનગરમાં આવી ત્યારે તે BCom ગ્રૅજ્યુએટ હતી. એમાં તેણે ૭૩ ટકા માર્ક મેળવ્યા હતા. સાસરે આવીને છાયા તેના ગૃહસંસારમાં વ્યસ્ત બની ગઈ. તેને ત્યાં ૧૯૯૯માં પ્રથમ પુત્રી અક્ષા અને ૨૦૦૨ની સાલમાં દ્વિતીય પુત્રી રિયાનો જન્મ થયો. બે દીકરીઓ હોવા છતાં તેને ભણવાની લગની હતી. તેનાં મમ્મી જયા ગાલાએ તેને ભણવાનું પ્રોત્સાહન આપ્યું, પણ સાસુ ભાનુમતીબહેને છાયાને પૂરતો સાથ આપ્યો.

મમ્મીના પ્રોત્સાહન અને સાસુના સાથને લીધે જ છાયા ૨૦૦૩ની સાલમાં મુલુંડના જ અનિલ પંડિત પાસે પ્રાકૃત શીખવામાં સફળ રહી હતી. ત્યાર પછી ૨૦૦૪ અને ૨૦૦૫ની સાલમાં તે જૈનાચાર્ય સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનાં ‘હેમ સંસ્કૃત વ્યાકરણ’નાં બે પુસ્તકો ભણી. જેમ-જેમ ભણતી ગઈ એમ તેની ધગશ વધતી ગઈ. તેને વધુ ભણવાની મહેચ્છા જાગી. સાસુની જેમ છાયાનો બિઝનેસમૅન પતિ અજય પણ તેના ભણવામાં કશેય અવરોધક નથી બનતો.

બે નાની દીકરીઓની મમ્મીએ સંસ્કૃતભાષી શિબિરમાંથી Spoken Sanskritની શિબિરો ફક્ત ભરી જ નહીં, તેણે શિબિરો લેવાની પણ શરૂ કરી. એની સાથે તેણે સંસ્કૃત ભાષાની નાની-નાની પરીક્ષાઓ પાસ કરી. સંસ્કૃત વિષયના પ્રાઇવેટ ટ્યુશન પણ ઘરમાં બેઠાં શરૂ કર્યા. ભણાવતી ગઈ એમ છાયાનો ભણવા પ્રત્યેનો લગાવ પણ વધતો ગયો.

વધી રહેલા લગાવ સાથે છાયાએ સંસ્કૃત પરીક્ષાની એન્ટ્રન્સ પરીક્ષા આપી, જેમાં તે પાસ થઈ. એને પરિણામે ૨૦૧૪ અને ૨૦૧૫ની સાલમાં તેણે સંસ્કૃતના સ્પેશ્યલ વિષયો સાથે MAનાં બે વર્ષ પૂરાં કર્યા. છેલ્લા વર્ષમાં તેને ૭૯ ટકા મળ્યા. આજે તે દસમા ધોરણ સુધીનાં બાળકોને ઘેરબેઠાં સંસ્કૃત શીખવે છે.

છાયાની જેમ તેની પુત્રીઓને પણ સંસ્કૃતમાં પૂરતો રસ છે. બન્ને પુત્રીઓ અક્ષા અને રિયાને સંસ્કૃત ભાષામાં વાત કરતાં પણ આવડે છે. છાયા તેની પુત્રી અક્ષાના ૯૪ ટકા માર્ક માટે પ્રાઉડ ફીલ કરતાં કહે છે, ‘તેને મળેલા ૯૪ ટકા પાછળ તેનું સંસ્કૃત ભાષા અને જૈન ધર્મનું જ્ઞાન છે. અમારો પરિવાર જૈન ધર્મ પ્રત્યે પૂરી શ્રદ્ધા ધરાવે છે. સૌને સંસ્કૃત ભાષા પ્રત્યે પૂરો લગાવ છે. સંસ્કૃત ભાષા આપણી બધી જ ભાષાઓની માતા હોવાથી દરેકે સંસ્કૃતમાં અભ્યાસ કરવો જરૂરી છે. છાયાની બીજી પુત્રી રિયા આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે.

- રોહિત પરીખ અને ખુશાલ નાગડા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK