બંગાલી બાબુને જૈન ધર્મ સાથે લવ ઍટ ફસ્ર્ટ સાઇટ થઈ ગયો

કુમાર ચૅટરજી અમેરિકાના સૉલ્ટ લેક સિટીમાં યોજાનારી પાર્લમેન્ટ ઑફ ધ વલ્ર્ડ્સ રિલિજિયન્સમાં જૈન મંત્ર અને સૂત્રનો સંગીતમય કાર્યક્રમ રજૂ કરશે

cheterjee૨૧ વર્ષનો જુવાન કલકત્તામાં રહેતો અને સંગીતમાં માસ્ટર કરી રહ્યો હતો ત્યારે તેના હાથમાં જૈન મુનિ અને રચનાકાર આનંદઘન રચિત સ્તવનોનું પુસ્તક આપ્યું અને કુમાર ચૅટરજી નામના તે યુવાનને એ કવિ અને એ ધર્મ પ્રત્યે પ્રેમ થઈ ગયો. રાજસ્થાની-ગુજરાતી ભાષામાં રચાયેલાં એ ઉત્તમ પદોથી કુમાર એવો પ્રભાવિત થયો કે તે જૈન ધર્મનાં મંત્રો-સૂત્રો અને શાસ્ત્રો વાંચતો ગયો, શીખતો ગયો, સમજતો ગયો અને એને જૈન શ્રોતાઓ સમક્ષ જાહેરમાં રજૂ કરતો થયો. જૈન સૂત્રો-મંત્રોના શબ્દો, અર્થો અને ઉચ્ચાર તેમ જ એના તત્વાર્થ વિશે ઊંડું જ્ઞાન મેળવી એનો સ્વાધ્યાય કરી આ બંગાલી બાબુ ૨૮ વર્ષની મહેનત અને લગનથી આજે એવા મુકામે પહોંચ્યા છે કે અમેરિકાના ઉટાહ રાજ્યના સૉલ્ટ લેક સિટીમાં ૨૦૧૫ની ૧૫થી ૧૯ ઑક્ટોબર દરમ્યાન યોજાનારી વિશ્વ ધર્મસંસદમાં ‘મંત્ર ઍન્ડ મ્યુઝિક’ વિષય હેઠળ જૈન ધર્મના પ્રતિનિધિ સ્વરૂપે જૈન મંત્રો અને સ્તોત્રોનો સંગીતમય કાર્યક્રમ રજૂ કરવાના છે. એક અજૈન માણસ જૈનિઝમને વિશ્વસ્તરે પેશ કરશે એ જૈનધર્મીઓ માટે તો ગૌરવની વાત છે જ, પણ ૪૯ વર્ષના કુમાર ચૅટરજી ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા માટે એ વધુ ગૌરવની વાત છે; કારણ કે જે ધર્મ, જે પદોને કારણે મારું ટ્રાન્સફૉર્મેશન થઈ ગયું છે, જેના ચૅન્ટિંગથી મને પરમતત્વની અનુભૂતિ થાય છે એવા રિલિજિયનને હું રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું.’

જોકે આ પહેલાં પાર્લમેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયનમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ ૧૮૯૩માં વીરચંદ ગાંધીએ કર્યું જ છે. હા, એ જ શિકાગોમાં આયોજિત ધર્મસંસદમાં જ્યાં સ્વામી વિવેકાનંદે પોતાના વક્તવ્યમાં ‘સિસ્ટર્સ ઍન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા’નું સંબોધન કરી ભારતને, ભારતનાં ધર્મ-સંસ્કૃતિ-મૂલ્યોને વિશ્વસ્તરે પ્રસિદ્ધ કરી દીધાં હતાં. વ્યવસાયે ગઝલ, સૂફી ગાયક કુમાર ચૅટરજી પણ એ જ વિખ્યાત સંસદમાં ભાગ લેવા જઈ રહ્યા છે. કુમાર ચૅટરજી કહે છે, ‘મેં આ પહેલાં પણ ૨૦૦૯માં ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાયેલી વિશ્વ ધર્મસંસદમાં પર્ફોર્મ કર્યું હતું, પણ એ વખતે જૈન ધર્મનો પ્રતિનિધિ નહોતો. બસ, પર્ફોર્મર તરીકે મેં જૈન મંત્રો, સૂત્રો મ્યુઝિકલી પેશ કર્યા હતાં.’

જોકે આ વખતે કુમાર ચૅટરજીને જૈન ધર્મના ચારે મુખ્ય ફિરકાઓ દિગમ્બર, તેરાપંથી, સ્થાનકવાસી, દેરાવાસીનું સમર્થન છે અને જૈન ધર્મના રિપ્રેઝન્ટેટિવ તરીકે તેઓ જઈ રહ્યા છે. એમાં વરણી કઈ રીતે કરવામાં આવી એ વિશે વિલે પાર્લેના જુહુ રોડ-નંબર ૧૦ પર રહેતા કુમાર ચૅટરજી કહે છે, ‘અમેરિકાની જૈન સંસ્થાઓએ પાર્લમેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સની કાઉન્સિલ સમક્ષ મારો પર્ફોર્મન્સ અને મારું કાર્ય રજૂ કર્યા હતાં અને ‘મંત્ર ઍન્ડ મ્યુઝિક’ વિષય હેઠળ મારી પસંદગી થઈ.’

વેલ, આગળ વધતાં પહેલાં પાર્લમેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સ વિશે થોડું જાણીએ. દર પાંચ વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં યોજાતી આ વિશ્વ ધર્મસંસદ ૧૮૯૩માં  પહેલી વખત શિકાગોમાં થઈ. ત્યાર પછી દુનિયાના ૮૦ દેશોમાં થયેલી આ પાર્લમેન્ટનું ધ્યેય છે દુનિયાના વિવિધ ધર્મોનાં કન્સેપ્ટ, કલ્ચર, મૉરલ્સ જાણી-સમજી એના દ્વારા લોકોમાં શાંતિ અને સહિષ્ણુતા ફેલાવવી તથા ધર્મો-ધર્મો વચ્ચેના હઠાગ્રહ, મતાગ્રહ દૂર કરી એકબીજા વચ્ચે કો-ઑપરેટિવ રિલેશનશિપ બાંધવી અને દરેક ધર્મ પ્રત્યે રિસ્પેક્ટ અને સ્વીકારની ભાવના વિકસાવવી. સમસ્ત વિશ્વના કલ્યાણ માટે યોજાતી આ ધર્મસંસદમાં ત્રણ-ચાર દિવસના પ્રોગ્રામ હોય છે જેમાં જે-તે ધર્મનાં લેક્ચર્સ, મ્યુઝિક પ્રોગ્રામ્સ, ડિસ્ક્શન વગેરે થાય છે. આ કાર્યક્રમમાં મોસ્ટ્લી દુનિયાના દરેક ધર્મના પ્રતિનિધિઓ પોતાની સ્પીચ રજૂ કરે છે અને આ વિષયોમાં ઇન્ટરેસ્ટેડ શ્રોતાઓ એ સાંભળે છે. આ વર્ષે પણ ૮૦ દેશોમાંથી ૪૯૦ ધર્મના પ્રતિનિધિઓ અમેરિકાના સૉલ્ટ લેક સિટીમાં સ્પીચ આપશે અને ૧૦ હજાર શ્રોતાઓ એ સાંભળશે.

નાઓ બૅક ટુ કુમાર ચૅટરજી. સૉલ્ટ લેક સિટીમાં કુમાર ચૅટરજી મ્યુઝિકલ સૂત્રો અને મંત્રોનો એક કલાકનો કાર્યક્રમ રજૂ કરશે. સાથે જ પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એ મંત્રોના ઉચ્ચારણથી કઈ રીતે જીવનનું ઉત્થાન થાય, નકારાત્મકતા ઘટે એ તથા જૈન ધર્મની બેઝિક ફિલોસૉફી પ્રદર્શિત કરશે. ઍક્ચ્યુઅલી સંપૂર્ણપણે જૈન ધર્મ, નિયમો, ખાણી-પીણી ફૉલો કરતા કુમાર ચૅટરજીએ જૈન મંત્રો અને સૂત્રોનો ગહન અભ્યાસ કર્યો છે. અમેરિકાના વાઇટ હાઉસ સહિત જગતનાં અનેક સ્થળોએ, નામી હસ્તીઓ સમક્ષ પોતાનાં સંગીત-ગાયકી રજૂ કરનારા કુમારબાબુ કહે છે, ‘આનંદઘનજીનાં પુસ્તકો પછી મને આ ધર્મના ઘણા આચાર્યો, મુનિઓ મળ્યા જેમણે મને ઉચ્ચારશુદ્ધિ શીખવી; ભાષા શીખવી; શબ્દોનો અર્થ સમજાવ્યો; આરોહ-અવરોહ, વ્યાકરણ, રાગની માહિતી આપી અને એના રિયાઝ અને સતત સ્વાધ્યાયને કારણે હું આ સ્તરે પહોંચ્યો અને પછી ઘણું રિસર્ચ કર્યું કે કેટલાંય જૈન સૂત્રો-મંત્રો એવાં છે જે આપણે દરરોજ બોલીએ છીએ. એમાં ખૂબ સત્વ અને તત્વ છે, તાકાત છે; પણ ખોટાં ઉચ્ચારણ અને શબ્દોના અર્થ-અજ્ઞાનને કારણે આપણને એનો શારીરિક-માનસિક લાભ નથી મળી શકતો.’

યસ, અલાહાબાદની પ્રયાગ સંગીત સમિતિમાંથી મ્યુઝિકમાં માસ્ટર કરનારા, ‘તબલા પ્રભાકા’, ‘સંગીત નિપુણ’ જેવી ઉપાધિઓથી વિભૂષિત કુમાર ચૅટરજી જૈન નવકાર, ઉવસગ્ગહરમ્ સૂત્ર, અજિત શાંતિ સ્તોત્ર, ભક્તામર, લોગસ્સ સૂત્ર એવા શુદ્ધ ઑથેન્ટિક ઉચ્ચારે ગાય છે-બોલે છે જેનો ખ્યાલ અચ્છેઅચ્છા જિનધર્મીઓને પણ નથી હોતો. એ સાથે જ પદ્માવતી માતાની સ્તુતિ, ભાવગીતો, સ્તવનો, સ્તુતિઓ પણ કુમાર ચૅટરજી સુંદર સ્વરે ગાય છે.

સંપૂર્ણ શાસ્ત્રીય સ્વરૂપે સંગીત રજૂ કરતા કુમાર ચૅટરજી જૈન ધર્મનાં સૂત્રો, સ્તવનોને ફિલ્મી રાગમાં ઢાળવાથી ખૂબ ખફા છે. તેઓ કહે છે, ‘ફક્ત કર્ણપ્રિય બનાવવા માટે તમે જે રચનાઓ રજૂ કરો છો એ સિદ્ધાંતની વિરુદ્ધ તો છે જ, વળી એનાથી એનો આત્મા પણ છીનવાઈ જાય છે. આવી છૂટછાટને કારણે આજે અનેક રાગો, છંદો, વ્યાકરણ વિલુપ્ત થવાને આરે આવી પહોંચ્યાં છે.’

દરરોજ બે કલાક જૈન સ્તોત્ર ભણાવનારા, સ્વાધ્યાય કરનારા કુમાર ચૅટરજી આ વિશ્વ ધર્મસંસદમાં જિન શાસનનું પ્રતિનિધિત્વ કરશે એ સારુ આજે સાયન (ઈસ્ટ)ના ષણ્મુખાનંદ હૉલમાં ઇન્ટરનૅશનલ જૈન ફાઉન્ડેશન અને સમસ્ત મહાજન નામની બે સંસ્થાઓએ તેમનો અભિવાદન કાર્યક્રમ રાખ્યો છે જેમાં તેમને ધર્મધજા અર્પણ થશે, સાથે જ જૈન સંગીતવિશારદ અવૉર્ડ પણ આપવામાં આવશે અને હજારો જીવોને કતલખાને લઈ જતા અટકાવનાર મનોજ ઓસવાલને જીવદયા અવૉર્ડ તેમ જ ત્રીસ વર્ષથી જૈન ધર્મનાં સાધુ-સાધ્વીજીઓને સંસ્કૃત ભણાવનાર ડૉ. મૃગેન્દ્ર ઝાને ‘ભાષા વિશારદ અવૉર્ડ-સંસ્કૃત’ અર્પણ કરવામાં આવશે. ૧૩થી વધુ જૈન આચાર્યભગવંતો અને અનેક સાધુમહારાજની ઉપસ્થિતિમાં થનારા આ પ્રોગ્રામમાં કુમાર ચૅટરજી વિશ્વ ધર્મસંસદમાં રજૂ કરનારો પ્રોગ્રામ પણ પેશ કરશે.

- અલ્પા નિર્મલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK