સંપૂર્ણ રસીકરણથી ભારતમાં દર વર્ષે લગભગ ૮૯ લાખ બાળકો વંચિત રહી જાય છે

ભારતમાં સાત રોગોથી બચવા માટે ફરજિયાત રસીકરણ હોવા છતાં ફક્ત ૬૫ ટકા બાળકો જ સંપૂર્ણ રસીકરણનો લાભ ઉઠાવે છે. આ વંચિત બાળકોના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા આજે ભારત સરકાર મિશન ઇન્દ્રધનુષ નામનો વિસ્તૃત રસીકરણ કાર્યક્રમ શરૂ કરી રહી છે, જેમાં દેશનાં લગભગ ૨.૭ કરોડ બાળકોને રસી આપવામાં આવશે. આજે આ સાત રોગો સામે રક્ષણ આપતી રસીઓની અગત્ય જાણીએ

vactinationજિગીષા જૈન

કોઈ પણ દેશને જ્યારે સુરક્ષા પ્રદાન કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં તેના ભવિષ્યને સુરક્ષિત કરવું જરૂરી છે. દેશનું ભવિષ્ય એટલે દેશની ભાવિ પેઢી. ભારતનાં બાળકોને સુરક્ષિત કરવા માટે ભારતમાં વર્ષોથી રસીકરણ અપનાવવામાં આવ્યું છે. નવજાત બાળકથી લઈને બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી અલગ-અલગ રોગોથી બચવા માટે બાળકનું રસીકરણ કરાવવું જરૂરી છે. દરેક સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર પર રસીકરણ કરવામાં આવે છે. આટઆટલાં જાગૃતિ અભિયાન પછી પણ ફક્ત ૬૫ ટકા બાળકો જ એક વર્ષની અંદર અપાતી બધી રસીઓનો લાભ ઉઠાવે છે. બાકીનાં ૩૫ ટકા બાળકો હજી પણ રસીકરણથી વંચિત છે એટલું જ નહીં, દર વર્ષે એક વર્ષની ઉંમર સુધીનાં દર ૧૦૦૦ બાળકોએ ૪૦ બાળકો મૃત્યુ પામે છે; જ્યારે પાંચ વર્ષની ઉંમર સુધીનાં દર ૧૦૦૦ બાળકોએ બાવન બાળકો મૃત્યુ પામે છે. જરૂરી નથી કે બધાં બાળકો રસીકરણ ન આપવાને લીધે જ મૃત્યુ પામતાં હોય, પરંતુ રસીકરણ ન આપવાથી અથવા અધૂરા રસીકરણને કારણે બાળક પર ૩-૬ ટકા મૃત્યુનું રિસ્ક વધી જાય છે. ભારતમાં દર વર્ષે લગભગ ૮૯ લાખ બાળકો એવાં છે જેઓ બધી રસીઓ લગાવતાં નથી અને ૧૭ લાખ બાળકો એવાં છે જે એક પણ રસી લગાવતાં જ નથી. આ સંખ્યા આમ જોવા જઈએ તો ઘણી મોટી છે. રસીકરણથી વંચિત રહી જતાં બાળકો માટે અને દેશના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ભારતમાં આજે ૭ એપ્રિલે ભારત સરકાર મિશન ઇન્દ્રધનુષ નામનો વિસ્તૃત રસીકરણ કાર્યક્રમ શરૂ કરી રહી છે. આ મહિનામાં આજથી લઈને અઠવાડિયા સુધી આ સઘન અભિયાન ચાલશે અને આ પ્રક્રિયા આવતા ચાર મહિના સુધી સતત ચાલતી રહેશે. એ દરમ્યાન એકસાથે ૨.૭ કરોડ બાળકોને રસી આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેમાં ભારતનાં લગભગ ૯૦ ટકા બાળકોનો સમાવેશ થઈ જાય છે.

ભારતનો રસીકરણ કાર્યક્રમ હંમેશાંથી સમગ્ર દુનિયામાં સૌથી મોટો કાર્યક્રમ રહ્યો છે. આ કાર્યક્રમની સફળતાનું ફળ પણ આપણને ચાખવા મળ્યું છે, કારણ કે આજે ભારતને પોલિયો-ફ્રી દેશનું બિરુદ મળ્યું છે. ભારતમાં છેલ્લે ૨૦૧૧ની ૧૩ જાન્યુઆરીએ પોલિયોનો કેસ નોંધાયો હતો. આપણા પાડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પોલિયો હોવા છતાં આપણે પોલિયો-ફ્રી દેશ બની શક્યા છીએ એની પાછળ ફક્ત એક કારણ છે અને એ છે આપણો વિશાળ અને અકસીર રસીકરણ કાર્યક્રમ. આજે આમ તો ઘણા રોગો માટે રસી ઉપલબ્ધ છે, પરંતુ ભારત સરકાર દ્વારા જે રસીઓ બાળકો માટે ફરજિયાત કરવામાં આવી છે એ રસી કુલ સાત રોગો સામેની લડાઈ છે જેમાં ડિફ્થેરિયા, અવાજ કરતો કફ, ટિટનસ, પોલિયો, ટ્યુબરક્યુલોસિસ એટલે કે TB જેને ક્ષયરોગ પણ કહે છે, મીઝલ્સ એટલે કે ઓરી અને હેપેટાઇટિસ Bનો સમાવેશ થાય છે. આજે ક્રિટીકૅર હૉસ્પિટલ, જુહુનાં પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ પાસેથી જાણીએ આ રસીઓનું મહત્વ અને શા માટે એને આપવી જરૂરી છે.

BCGની રસી

સરકારના નિયમ મુજબ કોઈ પણ સ્વાસ્થ્ય કેન્દ્ર કે હૉસ્પિટલમાં જન્મતા બાળકને જન્મતાંની સાથે જ જે પહેલી રસી ફરજિયાત આપવાની છે એ છે BCGની રસી, જેનું આખું નામ બેસિલસ કેલ્મેટ ગેરિન છે. ભારતમાં ટ્યુબરક્યુલોસિસ બહોળી માત્રામાં ફેલાયેલો રોગ છે. આ રોગનો ઇલાજ ભારત પાસે છે છતાં લાખો લોકો ભારતમાં TBને કારણે મૃત્યુ પામે છે. જોકે આ રસી ઘણી જ જૂની થઈ ગઈ છે. આથી એની અકસીરતા પર પ્રશ્નાર્થ લાગેલો છે. જ્યાં સુધી નવી રસી ન આવે ત્યાં સુધી આ રસી આપવાનું ચાલુ જ રાખવામાં આવશે.

પોલિયોની રસી

પોલિયોની રસી જન્મ સાથે તરત આપવામાં આવે છે અને જ્યાં સુધી બાળક એક વર્ષનું થાય ત્યાં સુધીમાં ઓછામાં ઓછી પાંચ વાર તેને પોલિયોની રસી આપવી જરૂરી છે. પોલિયો જાનલેવા રોગ નથી, પરંતુ એ રોગમાં બાળક શારીરિક અક્ષમ બની જાય છે અને આ રોગનો કોઈ ઇલાજ પણ આપણી પાસે નથી. જો તમે તમારા ડૉક્ટર પાસે બાળકને પોલિયોની રસી આપી હોય અને છતાં સરકારી લોકો તમારા ઘરે રસી આપવા માટે આવે તો તમે બાળકને વધારાના ડોઝ આપી શકો છો. એટલે કે વર્ષમાં પાંચ વારને બદલે જો ૭ વાર કે ૧૦ વાર બાળક પોલિયોની રસી લે તો પણ કોઈ પ્રૉબ્લેમ થતો નથી.

DTPની રસી

ડિફ્થેરિયા, ટિટનસ અને પર્ટ્યુસિસ આ ત્રણ રોગોથી બચવા માટે DTP નામની એક રસી આપવામાં આવે છે. ગળા અને નાક પર આવતું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન એટલે ડિફ્થેરિયા, નવર્‍સ સિસ્ટમ અને સ્નાયુને અસર કરતું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન એટલે ટિટનસ અને ગળામાં વાગતો એટલે કે અવાજ કરતો કફ એટલે પર્ટ્યુસિસ. આ ત્રણેય રોગો બાળક માટે જાનલેવા સાબિત થઈ શકે છે. આ રોગોથી બચવા બાળકના જન્મ પછીના છઠ્ઠા, દસમા અને ૧૪મા અઠવાડિયે એના ત્રણ પ્રારંભિક ડોઝ આપવાના હોય છે. ત્યાર બાદ બાળકને દોઢ વર્ષે અને પાંચ વર્ષે ફરીથી એનું બૂસ્ટર આપવામાં આવે છે, જેને કારણે બાળક આ ત્રણેય રોગોથી સંપૂર્ણ રીતે બચી શકે છે.

હેપેટાઇટિસ B

હેપેટાઇટિસ B લિવરની એક ગંભીર બીમારી છે જે છૂપી રીતે લિવરને ડૅમેજ કરે છે, એ એક વખત ડૅમેજ થાય એ પછી રિપેર કરવું શક્ય બનતું નથી. મોટા ભાગના દરદીઓની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે તેમને લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડે છે અને જો ટ્રાન્સપ્લાન્ટ ન થાય તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આ રસી પહેલાં ખૂબ જ મોંઘી હતી, હવે પ્રમાણમાં એ સસ્તી થઈ છે.

મીઝલ્સ અને MMRની રસી

પહેલાંના સમયમાં જેને માતા આવી એવું કહેવાતું એ રોગ ઓરી છે, જેને અંગ્રેજીમાં મીઝલ્સ કહે છે. આ ઓરીની રસી બાળકને નવમા મહિનામાં અને પછી પંદરમા મહિનામાં આપવામાં આવે છે. પંદરમા મહિનામાં જ બીજી MMR રસી છે જે મમ્પ્સ એટલે કે ગાલપચોળિયાં, મીઝલ્સ એટલે કે ઓરી અને રુબેલા માટે અપાતી રસી છે. આ બધા રોગો જીવલેણ બિલકુલ નથી, પરંતુ આ રસીથી એની સામે રક્ષણ આપી આપણે બાળકને આ રોગોથી બચાવી શકીએ છીએ.

રસીથી રોગપ્રતિકારક શક્તિ ઘટતી નથી

જે બાળકો હૉસ્પિટલમાં નહીં અને ઘરે આયાની મદદથી જન્મે છે તેમના સિવાયનાં બધાં જ બાળકો જેમનો જન્મ હૉસ્પિટલમાં થયો છે તેમને જન્મ સમયની રસી લગભગ મળી જ જાય છે. એનું કારણ એ છે કે જન્મ સમયે તો બાળકના રસીકરણની ફરજ હૉસ્પિટલની હોય છે, પરંતુ એક વખત ઘરે લઈ ગયા પછી સમયે-સમયે બાળકને રસી અપાવવાની જવાબદારી માતા-પિતાની છે. એમાં ચૂક થઈ રહી છે એટલે જ ઘણાં બાળકો રસીથી વંચિત રહી જાય છે. એ વિશે વાત કરતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘ઘણાં માતા-પિતા એવું માનતાં હોય છે કે રસી અપાવવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. એ વાત તદ્દન મિથ્યા છે. હકીકત એ છે કે રસી બાળકને રોગ સામે રક્ષણ આપવાનો યોગ્ય માર્ગ છે. રસીકરણ દ્વારા તમે બાળકનું ભવિષ્ય અને તેની હેલ્થ બન્ને સુરક્ષિત કરો છો એટલે એ અપાવવી જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK