એક સાંજ રળિયામણી

કાંદિવલીમાં નરસિંહ મહેતાની ૬૦૦મી જન્મજયંતી સંગીતનાટિકા રૂપે ઊજવાઈ : ગૂગલ પરથી નરસિંહ મહેતાની અઢળક માહિતી મળી જાય, પરંતુ નરસૈંયાને જાણવો હોય તો તેનાં જીવન-પ્રસંગોને અને પદોને સમજવાં પડે એવી સમજણ મળી આજની નવી પેઢીને


જયેશ ચિતલિયા

ભૂતળ ભક્તિ પદારથ મોટો, હરિના જન તો મુક્તિ ના માગે, માગે જનમ-જનમ અવતાર રે...

આ પદ ગાતાં-ગાતાં નરસિંહ મહેતાને યાદ કરતા એક પિતાને તેની નવી પેઢીની દીકરી પૂછે છે, ‘પાપા, આ નરસિંહ કોણ છે જેને યાદ કરીને તમે આજે આટલા ઇમોશનલ થઈ રહ્યા છો? મને થાય છે કે હમણાં જ ગૂગલ પર જઈ નરસિંહ મહેતા વિશે બધું જાણું.’

ત્યારે પિતા કહે છે, ‘બેટા, ગૂગલ પર તને નરસિંહ મહેતા વિશે માહિતી તો ઘણી મળી જશે, પરંતુ તારે નરસિંહ મહેતાને ખરા અર્થમાં સમજવા હશે તો આપણે ૬૦૦ વરસ જૂના સમયમાં જવું પડશે.’

બસ, આ ૬૦૦ વરસ પહેલાંની યાદોને તાજી કરવા શરૂ થાય છે તખ્તા પર એક સંગીત-નાટિકા, જેનું નામ છે ‘ધન્ય નરસૈંયાની જીભલડી’.

નવી પેઢી નરસૈંયાને જાણે

આપણા આદિકવિ નરસિંહ મહેતાને આજની નવી પેઢી કેટલું જાણે છે અને આજની પેઢીએ નરસિંહ મહેતાને શા માટે જાણવા જોઈએ એ વિચારને કેન્દ્રમાં રાખીને કાંદિવલીની સંસ્થા સંવિતિએ શનિવારની સાંજે કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગમાં રજૂ કરેલી નરસિંહ મહેતાના જીવનને અને તેમનાં વિભિન્ન પદોને આવરી લેતી આ સંગીતમય નાટિકાને આશરે ૪૦૦થી વધુ લોકોએ પ્રેમપૂવર્‍ક માણી હતી.

લેખક-દિગ્દર્શક અમૃત બારોટ અને નરસિંહ મહેતાના પાત્રમાં સંગીતજ્ઞ હાર્દિક ભટ્ટ તેમ જ બે અન્ય પાત્ર નિકિતા પોરિઆ અને રુચિ મિસ્ત્રી એમ ચાર જ વ્યક્તિઓએ જુદાં-જુદાં આઠ પાત્રો ભજવીને આ રસપ્રદ નાટિકામાં ખરા અર્થમાં સાહિત્ય-નાટuરસિકોને ભાવવિભોર કરી નરસિંહ મહેતાના જીવનકાળમાં એક રોમાંચક લટાર મરાવી હતી. માતૃભાષા ગુજરાતીના ધબકાર સમાન નરસિંહ મહેતા સાથે આજે પણ યુવા પેઢી કનેક્ટ થઈ શકે છે; તેમના જીવનને, પ્રેમને, ભક્તિને, માનવતાને અને હરિના જનને સમજી-માણી શકે છે એટલે જ તેમનું આ ભજન આજે પણ સૌને યાદ છે : વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...

રાસલીલામાં બાળકોએ મંત્રમુગ્ધ કર્યા

નરસિંહ મહેતાના જીવનના ચોક્કસ પ્રસંગોને લોકો સમક્ષ મૂકીને માત્ર દોઢ જ કલાકમાં ભક્ત નરસૈંયાને જીવંત કરી દેનારી આ નાટિકામાં નરસિંહ મહેતાને જ્યારે રાસલીલાનાં દર્શન થયાં એ દૃશ્યમાં સંખ્યાબંધ નાનાં બાળકોએ કરેલા નૃત્યે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મજાની વાત એ હતી કે આ રાસલીલા કરનારાં ૨૩ જેટલાં બાળકો કાંદિવલીના મહાવીરનગરમાં આવેલી વીણા સિતાર નામની એક જ હાઉસિંગ સોસાયટીનાં હતાં. કોરિયોગ્રાફી એ જ સોસાયટીમાં રહેતાં એક્સપર્ટ નિકિતા મહેતાએ કરી હતી. સ્કૂલનાં શિક્ષિકા દીપ્તિ બુચે પણ બાળકોને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

નરસૈંયાનાં પદો-ભજનોની લહેર

આ નાટિકામાં માત્ર સંગીત, પદો, ગીતો હતાં એટલું જ નહીં; એમાં ભાવસભર દૃશ્યો, પ્રસંગો, સંવાદો અને સંદેશ પણ હતાં. ખાસ કરીને જ્યારે નરસૈંયાને તેમનાં ભાભી મહેણું મારે છે કે આખો દિવસ ભટક્યા કરો છો તો કોઈ કામ કેમ નથી કરતા? ત્યારે નરસૈંયો બહુ સહજતાથી પૂછે છે કે શું ઈશ્વરની ભક્તિથી મોટું કોઈ કામ છે? ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા કોને કહેવાય એ નરસિંહ મહેતા શીખવે છે. વિવિધ સંવાદો અને દૃશ્યોમાં સતત તાળીઓના ગડગડાટ વચ્ચે ચાલુ રહેલી આ નાટિકામાં ‘હું-હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જાણે શ્વાન તાણે...’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવા રૂપે અનંત ભાસે; વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું...’, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું, તે જ હું શબ્દ બોલે...’, ‘જાગીને જોઉં તો જગત દિસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે...’, ‘મેહુલો ગાજે ને માધવ નાચે...’, ‘એવા રે અમો એવા રે, ભક્તિ કરતા જો ભ્રક્ટ થાશું, કરશું દામોદરની સેવા રે...’ જેવાં વિવિધ પદો રજૂ થયાં હતાં જે મોટા ભાગે સંગીતજ્ઞ હાર્દિક ભટ્ટે નરસૈંયાના પાત્રમાં ઓતપ્રોત થઈને ગાયાં હતાં. આ કાર્યક્રમનો કન્સેપ્ટ અમૃત બારોટનો હતો અને નિર્માણ-વ્યવસ્થા કીર્તિ શાહની હતી. આ સાથે સંવિતિના વિવિધ સભ્યોની મહેનત હતી જેમણે એ સમયે જૂની-નવી પેઢી બન્નેને નરસૈંયામય કરી દીધી હતી.

કુંવરબાઈનું મામેરુંનો ભાવવાહી પ્રસંગ

કુંવરબાઈનું મામેરું કરવા ગયેલા નરસિંહ મહેતાને બરાબર કસોટીના સમયે ભગવાન કઈ રીતે સહાય કરે છે એ દૃશ્યે અને જ્યારે નરસૈંયા પર ચારિત્ર્યના, ધર્મભ્રક્ટ કરવાના આરોપ લાગે છે ત્યારે જૂનાગઢના રાજા માંડલિક દ્વારા નક્કી થયેલી સજાના સમયે કઈ રીતે ભગવાન બાજી ફેરવી નાખે છે એ દૃશ્યોએ પ્રેક્ષકોને રસતરબોળ કરી દીધા એટલું જ નહીં, છેલ્લા દૃશ્યમાં જ્યારે નરસૈંયાની જીતરૂપે ‘આજની ઘડી છે રળિયામણી’ ગીત નૃત્ય સાથે ભજવાયું ત્યારે તમામ બાળકલાકારો સહિત દરેક પાત્રને સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું. લોકો તરફથી કાર્યક્રમ પર અભિનંદનની વર્ષા વરસી. જાણીતા સાહિત્યકાર-ચિંતક -લેખક ડૉ. દિનકર જોષી સહિત કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ અને અગ્રણી નાગરિકો આ પ્રસંગે હાજર હતા. દિનકરભાઈએ આ કાર્યક્રમની પ્રશંસા એના ગીતની પંક્તિના શબ્દોમાં જ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ખરેખર આ જોયા પછી ચોક્કસ કહી શકાય કે આજની ઘડી છે રળિયામણી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK