બોર્ડની પરીક્ષાના પાંચ દિવસ પહેલાં પપ્પા ગયા અને રિઝલ્ટ આવ્યાના છ દિવસ પછી મમ્મી

કાંદિવલીમાં રહેતી હિમાની શેઠે જબરદસ્ત આઘાત વચ્ચે પણ ભણીને ટેન્થમાં ૯૫ ટકા મેળવ્યા : પપ્પા અને મમ્મી બન્ને મૃત્યુ ભણી આગળ વધી રહ્યાં છે એની જાણ હોવા છતાં મન મક્કમ કરીને અભ્યાસ કર્યો, જેથી તેમને બન્નેને એવું ફીલ ન થાય કે અમારે લીધે દીકરીનું ભણવાનું બગડ્યું



રુચિતા શાહ

મૃત્યુની નજીક જઈ રહેલા પેરન્ટ્સને વસવસો ન રહે કે મારી દીકરી ટેન્થની બોર્ડની પરીક્ષામાં તેમને કારણે સારા માર્ક ન લાવી શકી એટલા માટે કાંદિવલીમાં રહેતી ૧૫ વર્ષની હિમાની શેઠે ભયંકર ઇમોશનલ ટ્રૉમા વચ્ચે પણ પોતાના ભણવા પર ધ્યાન આપ્યું અને SSCમાં ૯૫ ટકા મેળવ્યા છે. હિમાનીની બોર્ડની એક્ઝામ શરૂ થાય એના પાંચ દિવસ પહેલાં જ એટલે કે ૨૭ ફેબ્રુઆરીએ તેના પપ્પા શ્વેતલ શેઠનું પલ્મનરી ફાઇબ્રોસિસ નામની ફેફસાંને લગતી બીમારીને કારણે અવસાન થયું હતું. એ પછી પણ પપ્પાને આપેલા પ્રૉમિસને પાળવા માટે હિમાનીએ બોર્ડની એક્ઝામને નજરઅંદાજ કર્યા વિના ભણવા પર ધ્યાન આપ્યું હતું. SSCનું રિઝલ્ટ આવ્યું જેમાં પોતાને ૯૫ ટકા મળ્યા છે એની ખુશાલી મમ્મી સાથે શૅર કરી અને છ જ દિવસમાં એટલે કે ૨૩ જૂને બ્લડ-કૅન્સરથી પીડાતાં તેનાં મમ્મી નિરાલી શેઠનું પણ અવસાન થયું. હજી પપ્પાને ગુમાવ્યાના આઘાતમાંથી કળ વળે એ પહેલાં જ મમ્મી પણ તેને અને તેનાથી બે વર્ષ મોટા ભાઈ ભાવિકને છોડીને ચાલી ગઈ.

પિતાની વિદાય

હિમાનીના પિતાને ફેફસાંને લગતી જે બીમારી હતી એની આખા વર્લ્ડમાં કોઈ દવા નથી. લગભગ એક વર્ષ પહેલાં જ તેમને શ્વાસની તકલીફ પડતાં ચેક-અપ કરાવ્યું ત્યારે ખબર પડી કે આ બીમારી છે. આ વિશે હિમાનીનાં કાકી છાયા શેઠ કહે છે, ‘બે વર્ષ પહેલાં ન્યુ ઝીલૅન્ડમાં રહેતાં મારાં નણંદ પણ પલ્મનરી ફાઇબ્રોસિસ નામની આ સેમ બીમારીને કારણે મૃત્યુ પામ્યાં હતાં. આ બીમારીમાં ફેફસાંની ફરતે જે ટિશ્યુ હોય એ સ્ટિફ થઈ જાય જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે. મેડિકલ સાયન્સ પાસે આનો કોઈ ઇલાજ નથી. લગભગ દોઢ વર્ષ પહેલાં તેમને ખબર પડી ગઈ હતી કે તેમને આ તકલીફ છે અને એમાંથી તેઓ ક્યારેય સાજા થવાના નથી અને મૃત્યુ તેમની નજીક આવી રહ્યું છે, જેને કારણે તેમણે છોકરાઓને હિંમત આપવાનું શરૂ કરી દીધું હતું. તેમની કોઈ દવા નહોતી એટલે યોગ, પ્રાણાયામ અને બીજી આયુર્વેદિક દવાઓ ચાલતી હતી. જોકે ડિસેમ્બરમાં તેમનાં વાઇફને બ્લડ-કૅન્સર ડિટેક્ટ થયું ત્યારે તેઓ એકદમ હિંમત હારી ગયા હતા. હું પણ નહીં અને હવે આનો જીવ પણ જોખમમાં છે તો બાળકોનું કોણ? એ વાતે તેમને વધુ આઘાત આપ્યો હતો.’

ચાર મહિનાને બદલે છ દિવસ

હિમાનીનાં મમ્મીને બ્લડ-કૅન્સર છે એની જાણ થઈ એ પછી ૨૩ ડિસેમ્બરથી તેમને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. છ કીમોથેરપી બાદ તેઓ પણ ઑલમોસ્ટ રિકવરીના સ્ટેજ પર હતાં. જોકે બોન મૅરોના ઑપરેશન વખતે તેમને ઇન્ફેક્શન લાગી ગયું અને તેમને તાવ આવવો શરૂ થયો હતો. લગભગ છ મહિનામાં માત્ર બે વાર બે-બે દિવસ માટે તેઓ ઘરે આવ્યાં હતાં. છાયાબહેન કહે છે, ‘ડૉક્ટરોને તેમની બગડતી હાલતનો અંદાજ આવી ગયો હતો. એટલે જ તેમણે ઘરનાઓને તેઓ ચાર-છ મહિનાથી વધુ સમય નહીં કાઢે એવું અલ્ટિમેટમ પણ આપી દીધું હતું. જોકે ચાર મહિનાને બદલે છ જ દિવસમાં તેમણે શ્વાસ છોડ્યા હતા. હિમાનીનું રિઝલ્ટ આવ્યું એ દિવસે બન્ને ભાઈ-બહેન હોંશે-હોંશે મમ્મીને મળવા હૉસ્પિટલમાં ગયાં હતાં. એ દિવસે તેમણે છેલ્લી વાર ખુશી વ્યક્ત કરી હતી, કારણ કે એ પછી તો તેમનું બોલવાનું પણ બંધ થઈ ગયું હતું. જે દિવસે તેમનું ડેથ થયું એ દિવસે પણ સાંજના સમયે બન્ને ભાઈ-બહેન તેમને મળીને ઘરે પહોંચ્યાં અને અમને તેમણે શ્વાસ છોડ્યાના સમાચાર મળ્યા હતા.’

પપ્પાને પ્રૉમિસ આપેલું

ભણવામાં પહેલાંથી હોશિયાર અને ફોકસ્ડ એવી હિમાનીએ બોર્ડનું પ્રેપરેશન ખૂબ પહેલાંથી શરૂ કરી દીધું હતું. તે કહે છે, ‘ડૅડની હાલત વિશે માર્ચમાં અમને ખબર પડી ગઈ હતી. તેઓ ક્યૉર નહીં થાય અને ક્યારે ને ક્યારે તો મૃત્યુ થવાનું જ છે. એટલે મેં પહેલાંથી ભણવાનું શરૂ કરી દીધું હતું. ડિસેમ્બરમાં મમ્માના કૅન્સર વિશે ખબર પડી એ પછી ઘરમાં બહુબધી દોડધામ ચાલુ થઈ ગઈ હતી. એ ટાઇમે મને ખબર હતી કે જો હું ભણવામાં ધ્યાન નહીં આપું અને મારું રિઝલ્ટ ખરાબ આવ્યું તો મારા પેરન્ટ્સ પોતાને જવાબદાર ગણશે અને તેમને વધારે અફસોસ થશે. એટલે ડૅડ હૉસ્પિટલમાં હતા ત્યારે જ મેં તેમને વિશ્વાસ અપાવેલો કે તમે મારા ભણવાની ચિંતા નહીં કરો; પ્રૉમિસ, હું તમને સારા પર્સન્ટેજ લાવી આપીશ. તેમને શ્વાસનો પ્રૉબ્લેમ હતો, બોલવામાં તકલીફ પડતી હતી છતાં તેઓ મને કહેતા રહેતા કે તું જે કરે એમાં ફોકસ્ડ રહે, જે કરે એમાં એક્સલન્સ મેળવ. તેમણે ક્યારેય મને સ્કોર કરવા પર પ્રેશર નથી આપ્યું કે લાંબુંચોડું ભાષણ પણ નથી આપ્યું. મારા પેરન્ટ્સની લાઇફ જ મારા માટે બેસ્ટ એક્ઝામ્પલ છે. મારે તેમને કોઈ પણ રીતે નિરાશ નહોતા કરવા. એક્ઝામ લખતા ટાઇમે પણ મારા ડૅડ સતત મારી સાથે જ હતા.’

હિમાનીને તેની મમ્મીની ફ્રેન્ડે ભણવામાં ખૂબ મદદ કરી હતી. તેણે ક્યારે શું વાંચવું, કેવી રીતે વાંચવુંથી લઈને બધું ટાઇમટેબલ તેમણે સેટ કરી આપ્યું હતું. એ સિવાય પણ તેમના રિલેટિવ્સ અને તેમના પેરન્ટ્સના ફ્રેન્ડસર્કલે સતત તેમની પડખે રહીને તેમને સપોર્ટ આપવાનું કામ કર્યું છે અને કરી રહ્યા છે.

ભાઈ થઈ ગયો સજ્જ

એકદમ નૉર્મલ લાઇફમાં એક જ વર્ષમાં જે મોટા આઘાતોમાંથી પસાર થવું પડ્યું છે એના વિશે હિમાનીનો ભાઈ ભાવિક કહે છે, ‘દોઢ વર્ષ પહેલાં અમારી લાઇફ એકદમ નૉર્મલ હતી. અમે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવું કંઈ પણ ક્યારેય અમારી સાથે થશે, પણ એક જ વર્ષમાં જાણે એકસાથે બધું જ ખલાસ થઈ ગયું. શરૂઆતમાં મને પણ ખૂબ મોટો ઝાટકો લાગ્યો હતો, પણ ધીમે-ધીમે મૉમ-ડૅડે જ મને પ્રિપેર કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની બીમારી એવી હતી કે અમને ખબર હતી કે તેઓ હવે બહુબધો સમય અમારી સાથે નહીં રહી શકે. ધીમે-ધીમે સિચુએશનને ઍક્સેપ્ટ કરતો ગયો એટલે સ્ટ્રેન્થ આવતી ગઈ. મને ખબર છે કે હવે ઘરની બધી જવાબદારી મારા પર છે. હજી મારે ભણવાનું છે. મારી બહેનનાં ડ્રીમ્સ ફુલફીલ કરવામાં પણ હવે મારે હેલ્પ કરવાની છે.’

નોંધ : આ તસવીર પ્રતીકાત્મક છે. હિમાની શેઠ પોતાનો ફોટોગ્રાફ આપવા નથી ઇચ્છતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK