આપણા દેશમાં અવગણાઈ રહેલાં ભારતીય વાજિંત્રોની વિદેશમાં હાઈ ડિમાન્ડ

મૃદંગ, સારંગી, સરોદ, દિલરુબા જેવાં કેટલાંક ભારતીય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મ્યુઝિયમમાં મુકાયેલાં જ જોવાં પડે એવા દિવસો આવી રહ્યા છે, કારણ કે એની ડિમાન્ડ ઘટી જવાથી એ બનાવનારા કસબીઓએ પોતાનું કામ બદલી નાખ્યું છે અને એને બનાવવાની કળા પણ નામશેષ થઈ શકે એવી હાલત છે. એ ઉપરાંત બીજાં ભારતીય વાજિંત્રોને દેશમાં કોઈ પૂછતું નથી, પણ વિદેશમાં એની ડિમાન્ડ વધી હોવાથી એક્સપોર્ટને લીધે એનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. આજે વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે જરાક ઊંડા ઊતરીએ આ વિશ્વમાં
(સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ)

જેની પાસે જે હોય તેને એની કદર ન હોય એવું સામાન્ય રીતે કહેવાતું આવ્યું છે. ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકમાં આ વાત સાચી સાબિત થતી હોય એવું લાગે છે. તબલાં, પખવાજ, મૃદંગ, વાંસળી, ઢોલક, વીણા, સરોદ, હામોર્નિયમ, ડમરુ, ડફલી કે સારંગી જેવાં આપણાં પરંપરાગત વાજિંત્રોની ડિમાન્ડ વિદેશમાં વધી રહી છે અને આપણા દેશમાં એની ડિમાન્ડ ઓછી થતી જાય છે. કેટલાંક વાજિંત્રો એવાં છે જેની ડિમાન્ડ આપણે ત્યાં નહીંના બરાબર છે, જેને કારણે આ પ્રકારનાં વાજિંત્રો બનાવનારા કારીગરો અને તેમની કળા જોખમમાં છે. થોડા સમય પહેલાંના એક અહેવાલ પર નજર નાખીએ તો ઓડિશામાં મૃદંગ, પખવાજ, ઢોલ જેવાં કેટલાંક પરંપરાગત ભારતીય વાજિંત્રો બનાવતી અનેક ફૅમિલીઓએ આવકના અભાવે પોતાનું કામ બદલીને પ્લમ્બિંગ, વેલ્ડિંગ, ટેલરિંગ જેવાં બીજાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લાં ઘણાં વષોર્થી દેશના અનેક ઠેકાણે આ ક્રમ શરૂ થયો છે. સદીઓ જૂની અને પેઢી દર પેઢી વારસાગત મળેલી કળા ધરાવતા કારીગરો પોતાનું કામકાજ ઓછું કરી રહ્યા છે અથવા બંધ કરીને બીજાં કામોમાં ધ્યાન પરોવી રહ્યા છે. હવે એ દિવસો દૂર નથી જ્યાં આવાં વાજિંત્રો અને એને બનાવવાની ટેક્નિક એમ બન્ને નામશેષ થઈ જાય.  

સદીઓથી સંગીત ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલું રહ્યું છે. ભારતીય સંગીત અને વાજિંત્રોની ખૂબી અને મહત્તાના ઉલ્લેખો આપણાં વેદશાસ્ત્રોમાં પણ છે એમ છતાં ગ્લોબલાઇઝેશનને કારણે કલ્ચરલ સંગીત પ્રત્યે દેશના લોકોનો રસ ઘટતો ગયો. જોકે એ ચોક્કસ વિરોધાભાસ ગણાય કે આપણે ત્યાં ન્યુ જનરેશનને જે ક્લાસિકલ વાજિંત્રો ‘કૂલ’ નથી લાગતાં પણ એ વાજિંત્રોના ચાહકો અમેરિકા, જર્મની અને બીજા કેટલાક એશિયાઈ અને યુરોપીય દેશોમાં મોટા ભાગના યંગસ્ટર્સ જ છે.

કારીગરોની દુર્દશા

ભારતના જુદા-જુદા હિસ્સામાં જુદાં-જુદાં વાજિંત્રોનું નિર્માણ થાય છે; જેમ કે દિલ્હી, વારાણસી, કલકત્તા, લખનઉ અને મીરજમાં મુખ્યત્વે તારવાળાં વાજિંત્રો એટલે કે તાનપૂરો, સિતાર, વીણા, સારંગી, સૂરબહાર, દિલરુબા વગેરેનું નિર્માણ થાય છે. હામોર્નિયમ પણ કલકત્તા, લખનઉ, આૈરંગાબાદ વગેરે સ્થળોએ બને છે. માઉથ ઑર્ગન એકમાત્ર રાજકોટમાં બને છે. એ રીતે ઢોલક, વાંસળી, પંજાબી, કરતાલ, મૃદંગ જેવાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ દેશના જુદા-જુદા હિસ્સામાં બને છે. મોટા ભાગે પેઢી દર પેઢી વારસામાં જ આ વાજિંત્રો બનાવવાનો કસબ ઊતરી આવતો હોય છે, પરંતુ અત્યારે એની ડિમાન્ડ ઘટવાને કારણે અને વધુ મહેનતે સાવ ઓછી આવક મળતી હોવાને કારણે કારીગરોએ નાછૂટકે પોતાનું કામ છોડવું પડ્યું છે.

મીરજમાં બશીર મહેબૂબ સિતારમેકર તરીકે જાણીતા મહેબૂબ તારવાળા છેલ્લી સાત પેઢીથી વાજિંત્રો બનાવે છે. જોકે હવે તેમણે આ કામની સાથોસાથ થોડું ધ્યાન ખેતી પર પણ આપવા માંડ્યું છે. કારણ કે માત્ર સિતાર, તાનપૂરો અને વીણા બનાવીને તેમનું ઘર ચાલવાનું નથી એની તેમને બરાબર ખબર છે. તેમના પછીની પેઢી આ કામમાં જોતરાશે નહીં એ પણ નક્કી છે. તેમના ભાઈએ પણ આ કામ છોડીને ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. મહેબૂબભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘દેશ અને વિદેશમાં ઘણી જગ્યાએ અમારે ત્યાંથી બનેલો માલ જાય છે. અમે પોતે મૅન્યુફૅક્ચરર હોવાથી અમારો માલ ડીલર પાસે જાય છે. ત્યાંથી માલ વેચાય તો અમને નવા માલનો ઑર્ડર મળે. ક્વૉલિટી જાળવી રાખી હોવાથી હજી પણ મારું કામ ચાલી રહ્યું છે. આપણે ત્યાં કળાની કદર નથી. સરકાર તરફથી કોઈ મદદ નથી મળતી. ફૉરેનમાં ઇન્ડિયન મ્યુઝિક શીખવા માગતા વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ મળે છે, પણ આપણે ત્યાં આપણી જ કળાના જતન માટે કોઈ જાતની સગવડ નથી મળતી. એ ઉપરાંત ટૅક્સ અને મિડલ મૅનના કમિશનને કારણે વસ્તુનો મેકિંગ-ચાર્જ ઓછો હોવા છતાં એની કિંમત વધી જાય એને કારણે ખરીદદાર એ ખરીદતાં અચકાય છે.’

ભાવનગરમાં રહેતા નીરવ પરમાર છેલ્લી ત્રણ પેઢીથી તબલાં, ઢોલક, ખંજરી વગેરે બનાવી રહ્યા છે. ભાવનગરમાં જ કૃષ્ણ ગૃહઉદ્યોગના ઉપક્રમે દેશભરની લગભગ ૫૫૦થી વધુ રીટેલ દુકાનોમાં ઢોલક-તબલાં સપ્લાય કરનાર નીરવ કહે છે, ‘અમારા ડગ્ગર સમાજમાં મોટા ભાગના લોકોનું કામ ઢોલક બનાવવાનું હતું. જોકે હવે એ કામ ઘણાબધા અંશે લોકો છોડતા ગયા છે. અમારું વાર્ષિક ટર્નઓવર વધ્યું છે એની પાછળનું કારણ અમારી ક્વૉલિટી અને સર્વિસ હોઈ શકે. સમય સાથે પરંપરાગત ટચને હાનિ પહોંચાડ્યા વિના જરૂરી પરિવર્તન અમે લાવ્યા છીએ, પરંતુ જો ઓવરઑલ વાત કરીએ તો ઘણા એવા લોકો મારી આસપાસ છે જેમણે નાછૂટકે આ કામ બંધ કરીને બીજા કામમાં લાગવું પડ્યું છે. આ એક જાતની હસ્તકલા છે જે દરેકના બસની વાત નથી. હું મારા પિતા પાસે શીખ્યો છું એટલે અત્યારે આ કામમાં પારંગત છું, પણ મારો દીકરો આ જ કામ કરતો હશે એની કોઈ ગૅરન્ટી નહીં. એ વાત સાચી છે કે અત્યારના અમારા કામને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે સરકાર તરફથી જોઈતા પ્રયત્નો થતા જ નથી.’

ફૉરેન ક્રેઝ

ભારત કરતાં ભારતીય વાજિંત્રોની બીજા દેશમાં વધુ ડિમાન્ડ છે એ વિશે જણાવતાં ૧૯૨૫માં એસ્ટાબ્લિશ થયેલી દાદરની હરિભાઉ વિશ્વનાથ મ્યુઝિકલ્સ નામની દુકાનના માલિક દિનેશ દિવાણે કહે છે, ‘ભારતીય ક્લાસિકલ મ્યુઝિક કેટલું ઇફેક્ટિવ છે એ માટે ઘણાં રિસર્ચ થયાં છે. કદાચ એમાં રહેલું સાયન્સ અને એમાં અનુભવાતી દિવ્યતાને કારણે જ અત્યારે વેસ્ટર્ન દેશોમાં ભારતીય સંગીત અને વાજિંત્રોની બોલબાલા વધી છે. અમારી દુકાનમાં અહીંના લોકો વેસ્ટર્ન વાજિંત્રો લઈને જાય છે અને ભારતીય વીણા, હામોર્નિયમ, તાનપૂરાને અમે એક્સપોર્ટ કરીએ છીએ, કારણ કે ફૉરેનમાં એની ડિમાન્ડ વધુ છે.’

મહેબૂબભાઈ એમાં ઉમેરે છે, ‘જર્મની, ફ્રાન્સ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઇન્ડિયન વાજિંત્રોનો ઘણોબધો સ્ટૉક જાય છે. હવે તો ઑનલાઇન શૉપિંગ થતી હોવાને કારણે મિડલ મૅન વિના વ્યક્તિગત રીતે જ તેઓ ડાયરેક્ટ ઇન્ટરનેટ પરથી પોતાને જોઈતી પ્રોડક્ટ મગાવી લે છે.’

ગિટાર અને કીબોર્ડ અત્યારે સૌથી હૉટ

મ્યુઝિકનો ક્રેઝ અત્યારે વધ્યો છે અને વધુ ને વધુ સંગીતનો વ્યાપ વધી રહ્યો છે. કાલબાદેવીમાં આવેલી એલ. એમ. ફુર્ટાડો ઍન્ડ કંપનીના માર્કેટિંગ મૅનેજર અભિનય સંખે કહે છે, ‘રિયલિટી શો અને ટેલિવિઝન તથા ફિલ્મોને કારણે સંગીત પ્રત્યેનું આકર્ષણ પણ અકબંધ રહ્યું છે અથવા તો વધ્યું છે એમ કહીએ તો ચાલે. જોકે એમાં વધુપડતો ક્રેઝ છે વેસ્ટર્ન મ્યુઝિકનો અને એટલે જ વેસ્ટર્ન મ્યુઝિકને સિમ્બૉલાઇઝ કરતાં ઇન્સ્ટ્રુમેન્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. અત્યારે ગિટાર અને કીબોર્ડની સૌથી વધુ ડિમાન્ડ છે. લગભગ ૭૦ ટકા માર્કેટ માત્ર ગિટારે કૅપ્ચર કરી છે.’

આ જ વાતને પુષ્ટિ આપતાં ઘાટકોપરના આરસિટી મૉલમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની બીટ્સ ૯૯ નામની શૉપ ધરાવતાં પ્રીતિ ઠક્કર કહે છે, ‘આજકાલ સ્ટુડન્ટ્સમાં ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક શીખવાનો ક્રેઝ વધુ છે એનું એક કારણ છે તેમની સ્કૂલોમાં પણ એ શીખવવામાં આવે છે. લગભગ ૧૦ વર્ષથી અમે આ ફીલ્ડમાં છીએ. શરૂઆતમાં કૅસિયો કીબોર્ડ ખૂબ ટ્રેન્ડમાં હતાં. છેલ્લાં કેટલાંક વષોર્માં આ સ્થાન ગિટારે લીધું છે. એ પછી કીબોર્ડ ઑર્ગન અને ડ્રમ્સ આવે. સિતાર, તાનપૂરો, તબલાં જેવાં ઇન્સ્ટ્રુમેન્ટ્સની ડિમાન્ડ નહીં બરાબર છે, કારણ કે દરેકમાં હવે ઇલેક્ટ્રૉનિક ઑપ્શન આવી ગયા છે જે વધુ કન્વિનિયન્ટ છે.’

આ પ્રકારનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ પાછળ યંગસ્ટર્સનો ક્રેઝ વધવા પાછળનું વધુ એક કારણ આપતાં ખારની મ્યુઝિશ્યન મૉલ નામની શૉપ ધરાવતા સુમીત ચૌધરી કહે છે કે ‘અત્યારના યુથને કોઈ પણ વસ્તુ પાછળ વધુ સમય અને મહેનત લાગે એ પોસાય એમ નથી. ઇલેક્ટ્રૉનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરવામાં ઈઝી અને મલ્ટિપર્પઝ સર્વ કરનારા હોય છે જેને કારણે મ્યુઝિક-લવર્સ માટે એ ઈઝી ઑપ્શન બની જાય છે. બીજું, અત્યારે માત્ર સંગીતના શોખીનો જ ગિટાર કે કીબોર્ડ ખરીદતા નથી, પરંતુ ગિટારને સ્ટાઇલ ઑપ્શન અને સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ આજના યુવાનો જોઈ રહ્યા છે.’

ભારતીય વાજિંત્રોની તુલના ન થાય

અત્યારે ભલે આપણે ત્યાં ઇલેક્ટ્રૉનિક વાજિંત્રોનો ક્રેઝ વધ્યો હોય, પરંતુ હાથે બનાવેલાં ભારતીય વાજિંત્રોની તુલના એની સાથે કરવી યોગ્ય નહીં ગણાય એમ જણાવીને ૧૯૩૫થી ભારતીય વાજિંત્રોની ચિંચપોકલીમાં દુકાન ધરાવતા સૂર્યકાન્ત દત્તારામ પંચાલ કહે છે, ‘જ્યારે કોઈ વસ્તુ હાથે બનતી હોય ત્યારે એમાં બહુ ઝીણી-ઝીણી બાબતો પર ધ્યાન આપવામાં આવતું હોય છે. અમે લોકો લેગ હામોર્નિયમમાં સ્પેશ્યલિસ્ટ ગણાઈએ છીએ. લગભગ એક મહિનાની મહેનત પછી એક હામોર્નિયમ તૈયાર થાય છે. દરેકેદરેક સૂર પ્રૉપર પકડાય એનું ધ્યાન એમાં રખાય છે એટલે જ હૅન્ડમેડ વાજિંત્રોમાં જે ઇફેક્ટ મળે છે અને એમાં જે મનની શાંતિ મળે છે એ ઇલેક્ટ્રૉનિક વાજિંત્રોમાં ક્યારેય ન મળે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK