જવાબદાર કોણ?

પર્યટન ક્ષેત્રે થતા આકસ્મિક ઍક્સિડન્ટ વખતે કુદરતને ગમ્યું એ ખરું એવી માનસિકતા છોડીને સહેલાણીથી લઈ સત્તાવાળાઓ પ્રામાણિક રહે, સંવાદિતામાં રહે તો દર વર્ષે થતી મોટી ને ખોટી જાનહાનિ ટાળી શકાયઅલ્પા નિર્મલ

ગયો રવિવાર ભારતનો ગરમ દિવસ સાથે ગમખ્વાર દિવસ પણ રહ્યો. હૈદરાબાદની વિજ્ઞાન જ્યોતિ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ ટેક્નૉલૉજીમાં ભણતા ૨૪ હોનહાર વિદ્યાર્થીઓ હિમાચલ પ્રદેશની બ્યાસ નદીમાં તણાઈ ગયા. શિમલાથી મનાલી બસમાં જતા આ સ્ટુડન્ટ્સ મંડી જિલ્લાના પાંડોહ ડૅમથી ચારેક કિલોમીટર દૂર શાલાનાળા પાસે બ્યાસ નદીની સીનિક બ્યુટી ફોટોસ્વરૂપે કૅપ્ચર કરવા નદીના પટમાં ઊતર્યા હતા ત્યારે ચેતવણી વગર લાર્જી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાંથી પાણીનો મોટો જથ્થો છોડાતાં ટૂર-ઑપરેટર સહિત ૧૮ યુવાનો અને ૬ યુવતીઓ પાણીના પ્રવાહ સાથે તણાઈ ગયાં, જેમાંથી આ લખાય છે ત્યાં સુધી ફક્ત ચાર વ્યક્તિની લાશ મળી છે.

વેલ, વ્યાપક નજર કરીએ તો વર્ષોથી વેકેશનના પિરિયડમાં આ પ્રકારની સામુદાયિક મોતની વણજાર લાગેલી રહે છે. ધાર્મિક સ્થાનોમાં ધક્કામુક્કીમાં મોટું ટોળું મરે કે ઉતારુઓથી ભરેલાં વાહનો પાણીમાં ખાબકે, ખીણમાં ગબડે કે અકસ્માતગ્રસ્ત થાય અને એકસાથે અનેક વ્યક્તિઓ મરણને શરણ થાય. એ સમયે સવાલ એ થાય છે આવું શાને કારણે થાય છે. આવા બનાવો પાછળ ખરેખર જવાબદાર કોણ? સરકાર કે સત્તાવાળાઓ, ટૂર-ઑપરેટરો, સ્થાનિક લોકો કે પછી સહેલાણીઓ?

હિમાચલ પ્રદેશની જ વાત કરીએ તો પશ્ચિમે જમ્મુ-કાશ્મીરની બેમિસાલ બ્યુટી અને પૂર્વે ઉત્તરાખંડની ઊંડી ધાર્મિક શ્રદ્ધાને કારણે હિમાલયની ગોદમાં આવેલા હિમાચલ પ્રદેશની મોહકતા ઘણાં વર્ષો સુધી પ્રવાસીઓને લોભાવી શકી નહીં. આ તો બે-અઢી દાયકા પહેલાં કાશ્મીરમાં આતંકવાદના ઓછાયા પથરાયા અને અચાનક મનાલી, ડેલહાઉઝી, કુફરી, અંબાઘાટી, કાંગડા, ચૈલ, કુલુ, સોલાન, સ્પીતિ જેવાં ગિરિમથકો પૉપ્યુલર થયાં અને લોકોનું ધ્યાન અહીં ખેંચાયું. દરેક વખતે થાય છે એમ જ લોકોના ધસારાને પહોંચી વળવા, વધુ ને વધુ સવલતો આપવા કુદરતી નિયમોને મારીમચડીને અહીં અદ્યતન હોટેલ-રિસૉર્ટ્સ ઊભાં થયાં અને અનેક કૃત્રિમ આકર્ષણો ઊભાં કરવામાં આવ્યાં.

આ દરમ્યાન રાજ્યે કોઈ સમુચિત ઢાંચો ન વિકસાવ્યો અને સડક, યાતાયાત સેવા અને અનેક જનોપયોગી સુવિધા પરત્વે દુર્લક્ષ જ સેવ્યું. ન એનો વિકાસ કર્યો, ન એને બહેતર બનાવી. આજે પણ આ રાજ્યના માર્ગો એ જ છે જે ચાર-પાંચ દાયકા પહેલાં બન્યા હતા અને સહેલાણીઓનો રશ દિવસોદિવસ વધતો જ જાય છે. પરિણામે જાહેર વ્યવસ્થાપનના નામે મીંડું છે. લોકસુરક્ષાની કોઈ જોગવાઈ નથી. એથી જ દર વર્ષે અહીં અનેક લોકોને સાંકળતી ટ્રૅજેડી બનતી જ રહે છે. સરકાર કે સત્તાવપશ્ચિમાળાઓને આ બાબતની પડી નથી. તેમને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી ધમધોકાર કમાવી આપે છે એટલું જ પૂરતું છે. બરફના જંગલનો જાદુ સહેલાણીઓમાં અકબંધ રહેશે એ વાત તેઓ સારી રીતે જાણતા હોવાથી નઘરોળ બની ‘જૈસે થે’ની સ્થિતિમાં રહે છે અને રહેશે. નહીં તો રાજ્યની બારમાસી હૃષ્ટપુષ્ટ રહેતી બ્યાસના કાંઠે ઠેકઠેકાણે અલર્ટનાં બોર્ડ કે પાણી છોડવા પૂર્વે વગાડાતી સાયરનની સજાગતા કેળવવી કાંઈ અઘરું કામ તો નથી જ.

હવે ટૂર-ઑપરેટરોની વાત કરીએ તો ભારતના ઉત્તરના છેવાડે આવેલા આ રાજ્યમાં હિન્દુસ્તાન અને દુનિયાભરના દેશી-વિદેશીઓનાં એટલાં મોટાં ધાડાં ઊતરી આવે છે કે અહીંનો દરેક દસમો માણસ ટૂર-ઑપરેટર બની જાય છે. ન તેમની પાસે કોઈ કાબેલિયત હોય છે કે નહીં કોઈ કેળવણી. ટેબલ અને બે સેલફોનથી એક સામાન્ય માણસ દર સીઝનમાં સેંકડો સહેલાણીઓને હેરફેર કરાવે છે જે સાઇટ-સીઇંગ સ્વરૂપે  હોય કે એક સ્થળેથી બીજે સ્થળે લાવવા-લઈ જવાના હોય. અરે, તેમને સ્થાનિક હવામાન, ખાસિયત, ખામી, ભૌગોલિક સ્થિતિ, કલ્ચર, કુદરતનો પણ કોઈ અંદેશો નથી હોતો; નહીં તો હૈદરાબાદની કૉલેજના સ્ટુડન્ટ્સ સાથે પાણીમાં પડેલો ટૂર-ઑપરેટર શું નહીં જાણતો હોય કે શાલાનાળા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાંથી પાણી છોડવામાં આવતાં ડેન્જર બની શકે છે અને જળનો વિરાટ જથ્થો જીવલેણ બની શકે છે. જો તે આ વાતથી પરિચિત હોત તો ચોક્કસ ૨૪ જાન બચી જાત. ખેર, આટલું જ નહીં, પહાડોમાં બેફામ ઓવરટેકિંગ, દારૂ પીને ઘાટમાં વાહનો ચલાવવાં, વાહનની ક્ષમતાથી વધુ પૅસેન્જરો ભરવા, જૂનાં-ક્ષતિગ્રસ્ત વેહિકલ્સ ચલાવવા સાથે ટૂરિસ્ટો સાથે નક્કી કર્યા મુજબનાં સ્થળો ન બતાવવાં, વધુ પૈસા માગવા, હલકી કક્ષાની હોટેલોમાં ઉતારો આપવો, ટૂરની અધવચ્ચે દાંડાઈ કરવી, ચીટિંગ કરવી, ત્રાગાં-ઝઘડા કરવાં એ પણ ટૂર-ઑપરેટરનું એક અપલખણ છે જે મોટા ભાગના સહેલાણીઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભોગવવું જ પડે છે.

હૈદરાબાદના બચી ગયેલા સ્ટુડન્ટ્સે સમાચારમાં કહ્યું હતું કે અમે સ્થાનિક લોકોને પૂછીને પછી પાણીમાં ઊતર્યા હતા. આવા સમયે લોકલ લોકો પ્રત્યે પણ પ્રશ્ન થાય છે કે તેમણે હા કેમ કહી હશે. ખેર, અહીંના રહેવાસીઓ બહુ રેગ્યુલર ધોરણે નદીના માધ્યમે ચાલીને આ કાંઠાથી સામા કાંઠે જાય છે. પશુ માટે ચારો લાવવો હોય કે બીજે ગામ જવું હોય તો નદી પાસ કરવી તેઓ માટે સાવ સરળ કામ છે. કદાચ એટલે જ તેમણે સ્ટુડન્ટ્સને સંમતિ આપી હશે, પણ આટલી વાતથી સ્થાનિક લોકો ખરેખર સહેલાણીઓ માટે કૅરિંગ છે એવું માનતા હો તો થોભી જાઓ, કારણ કે બહુ અંતરિયાળ ક્ષેત્રોને બાદ કરતાં રૂટીન પ્રવાસન સ્થળોના સ્થાનિક લોકો પણ જબરા છે. તેમને પ્રવાસીઓની કોઈ પરવા નથી. જેનું મુખ્ય કારણ એ છે કે અહીંના સ્થાનિક લોકોની વાર્ષિક ઇન્કમ મિનિમમ ૮થી ૧૦ લાખ રૂપિયા સુધીની છે. ફ્રૂટ્સના બગીચાઓ, ઍપલના ઑર્ચાર્ડ્સ, મકાઈ, જવ, ઘઉં, ચોખાની ખેતી તેમને ભારતના ફૅમિલીદીઠ ઇન્કમના ઇન્ડેક્સમાં ચોથા ક્રમે રાખે છે. વળી કસદાર પર્યટન ઉદ્યોગ પણ છે જ અને સાથે સરકારી નોકરી પણ છે જ. એથી જ અહીંના પુરુષો લગભગ આખો દિવસ દારૂના નશામાં રહે છે અને ખેતીવિષયક કામો કરવા બિહારી-નેપાલી મજૂરો રાખીને પોતે ફ્રી રહીને જલસા કરે છે. પૈસાનો પાવર અને સહેલાણીઓ ગરજવાન છે ક્યાં જશે એવા ઍટિટ્યુડને કારણે તેમને ટૂરિસ્ટ માટે કોઈ સન્માન કે સદ્ભાવ નથી અને સહકાર આપવાની ભાવના તો બિલકુલ નથી.

ધારો કે સત્તાવાળાઓએ ઠેકઠેકાણે ડેન્જર જણાવતાં બોર્ડ મૂક્યાં હોત, પાણી છોડતાં પૂર્વે સાયરન પણ વગાડી હોત, ટૂર-ઑપરેટર અને સ્થાનિક લોકોએ પાણીમાં જવાની મના ફરમાવી હોત તો... તો એ એન્જિનિયરિંગ કૉલેજના સ્ટુડન્ટ્સ કે પછી કોઈ પણ સહેલાણીઓ કોઈની વાત માન્યા હોત? ના... કદાચ ના... કારણ કે બીજાથી નોખું કરીને ફોટા પાડવા, મનાઈ છતાં કોઈ કાર્ય કરવું કે નિયમો અવગણીને ચીલો ચાતરવામાં દરેક સહેલાણીને એટલી મજા પડે છે કે વાત ન પૂછો. શિમલા-મનાલી તો બધા જ જાય છે, પણ અમે ત્યાં આમ નવતર કર્યું એ વૃત્તિ દરેક પ્રવાસીમાં એવી બળવત્તર હોય છે જેની સામે પાણીમાં તણાઈ જવાના કે ધક્કામુક્કીમાં કચડાઈ જવાના બનાવો બનવાના જ છે.

ફિલ્મી ટ્રેકિંગ અને રિયલ ટ્રેકિંગમાં આસમાન-જમીનનો ફરક છે

દરેક યુવાનમાં સાહસવૃત્તિ ખીલવવી જ જોઈએ અને ડુંગરાઓમાં ટ્રેકિંગ વ્યક્તિને ઍડ્વન્ચરસ બનાવવાનો મસ્ત પ્રકાર છે. જોકે અત્યાર સુધી આ સાહસિક પ્રવૃત્તિઓ બહુ જૂજ વર્ગમાં વ્યાપક હતી, પણ ગયા વર્ષે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મમાં નાયક-નાયિકાએ મનાલીમાં ટ્રેકિંગ કર્યું એ જોઈને આજનો યુથ ક્લાસ પર્વતારોહણનો અચાનક પ્રેમી થઈ ગયો. પરિણામે આ રીજનમાં બિલાડીના ટૉપની જેમ ટ્રેકિંગ ઑપરેટર ફૂટી નીકળ્યા અને અગેઇન, એ લોકો પાસે નથી પૂરતી સ્કિલ્સ કે નથી પૂરતાં સાધનો. સહેલાઈથી નાના-મોટા ડુંગરાઓ ચડી જતા અને લોકલ રસ્તાઓના જાણકાર ટૂર-ગાઇડ બની બેસે છે અને જરૂરી ઇક્વિપમેન્ટ્સ વગર જ ટ્રેકરોને બરફમાં લઈ જાય છે. ડેન્સ બરફમાં ચાલવા માટે નથી તેમની પાસે આઇસ-કટર કે નથી કોઈ સિમ્પલ આફતોને પહોંચી વળવા સાદા દોરડા જેવો સામાન અને સ્નો-ટ્રેકિંગ ફિલ્મમાં બતાવવામાં આવે છે એમ સરળ થોડી હોય છે. જામેલી ગ્લૅસિયર કે સરોવરમાં પગ મૂકતાં પહેલાં એ બરફ કેટલો પાકો છે એની ચકાસણી કરવાની રહે છે. જો એ પોકળ હોય તો કોઈ એમાં ગરક થઈ શકે છે અથવા લસરીને સીધું ખીણમાં પટકાઈ જઈ શકે છે. એ જ રીતે ખડકાળ ડુંગરાઓ ચડતી વખતે જમીન-પથ્થર પોચાં છે કે નક્કર એ જાણ્યા વગર જ ઍડ્વેન્ચરના નામે અણઘડ ટ્રેક-ઑપરેટર નવા-સવા ટ્રેકરો પાસે આ બધું જ કરાવે છે. નથી તેમને કોઈ ટ્રેઇનિંગ આપતા કે નથી માઉન્ટન્સ એટિકેટ શીખવાડવામાં આવતી.

સામા પક્ષે યુવા વર્ગ પણ ફિલ્મમાં બતાવેલી ફૅન્ટસીને સાચી માનીને કોઈ પૂર્વ તૈયારી વગર પર્વતારોહણ માટે આવી જાય છે અને પછી એક પણ માઉન્ટન ટ્રેકિંગ રૂલ્સ ફૉલો કર્યા વગર પોતાને અને બીજાનો જાન જોખમમાં મૂકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK