પૉકેટ-મનીથી કરી સેવા પર્યાવરણની

કુદરતને બચાવવા માટે મોટી-મોટી સંસ્થાઓ સાથે જોડાવાની કે મોટા સેમિનારો કરવાની જરૂર નથી, આ કામ તમે પોતાના ઘરમાં જ કરશો તો પણ કુદરતને ફાયદો થશે એવું કહેતાં મલાડના જયેશ હરસોરા લો-પ્રોફાઇલ રહીને પર્યાવરણની ઘણી મોટી સેવા કરી રહ્યા છેપલ્લવી આચાર્ય


તમે તમારા ઘરના ટીવીને રિમોટથી બંધ કર્યા પછી સ્વિચ બંધ કરી દેવા જેટલું એક નાનકડું કામ રોજ કરશો તો પણ પર્યાવરણને બચાવવામાં તમારો ફાળો નોંધનીય હશે એવું કહેતાં ૪૪ વર્ષના જયેશ હરસોરા પર્યાવરણ માટે નાનું પણ ઘણું મહત્વનું કામ કરી રહ્યા છે. મલાડ (વેસ્ટ)માં રહેતા અને ગોરેગામમાં પોતાની એન્જિનિયરિંગ ફૅક્ટરી ધરાવતા જયેશે પર્યાવરણની સેવા માટે પોતાના પૉકેટ-મનીના ૫૦૦ રૂપિયા વડે વસુંધરા ગ્રીન ક્લબ નામની એક સંસ્થા બનાવી છે જે માત્ર અને માત્ર તેમના પોતાના પૉકેટ-મનીથી ચલાવે છે એટલું જ નહીં, સામાન્ય લોકો અને સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સ સહિત લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે નોંધનીય કામ કરી રહ્યા છે.

પર્યાવરણ માટે જાગૃતિ આવી કેવી રીતે?

૨૦૦૩માં મલાડમાં રોડ મોટો કરવા માટે ઝાડ કપાઈ રહ્યાં હતાં એ જોઈને જયેશભાઈનો જીવ કપાઈ ગયો, પણ તેઓ આમાં શું કરી શકે? તેઓ માનતા હતા કે ઝાડ છે તો જીવન છે, ઝાડ છે તો આપણે છીએ. આ ઝાડને શું કામ કાપવાં? એને ટ્રિમ ન કરી શકાય? હજારો સવાલ સાથે પણ તેઓ આ રોકવા માટે કાંઈ ન કરી શક્યા, પણ એ પછી તેમણે નક્કી કર્યું કે આને અટકાવવું જ પડશે. આ માટે પહેલાં ઝાડને જાણવાં જરૂરી છે એથી તેમણે એના વિશે વાંચવાનું શરૂ કર્યું, બૉટની થોડું શીખ્યા, બોન્સાઇ વિશે જાણ્યું, ગાર્ડનિંગ શીખ્યા અને આ બધાને લઈને તેમને એ સમજાયું કે પર્યાવરણ શું છે અને એને કેમ જાળવવું જોઈએ. આ સમયમાં જ તેમને ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ મળ્યા જે પર્યાવરણ માટે કામ કરી રહ્યા હતા તેમની સાથે પર્યાવરણ માટે કામ કરતી બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી અને ધ નૅશનલ સોસાયટી ઑફ ફ્રેન્ડ્સ ઑફ ટ્રી જેવી સંસ્થાઓ સાથે કામ કરવા લાગ્યા. તેઓ કહે છે, ‘આ રીતે હું વૃક્ષ સાથે જિંદગી જીવતાં શીખ્યો. પર્યાવરણ માટેની જાગૃતિ અને પ્રવૃત્તિ મારી ત્યારથી જ વધી.’

હું શીખ્યો, હવે લોકોને શીખવું

પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓને લઈને તેમનો અનુભવ કેળવાતો ગયો અને દૃષ્ટિકોણ વિકસતો ગયો. આ સાથે તેમણે પોતાની આસપાસના લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા અને એને કેવી રીતે બચાવી શકાય એ શીખવવાનું શરૂ કર્યું. પોતે જે સ્કૂલમાં ભણ્યા હતા અને તેમનાં બાળકો અત્યારે જે સ્કૂલમાં ભણે છે એ મલાડ (વેસ્ટ)માં ચિંચોલી ફાટક પાસે આવેલી સ્કૉલર્સ ઍકૅડેમી સ્કૂલનાં બાળકોમાં પર્યાવરણની જાગૃતિ લાવવા માટે મોટિવેશનલ કેટલાક કાર્યક્રમો કરવા લાગ્યા જેમાં તેમણે શીખવ્યું કે પર્યાવરણ શું છે, એને કેવી રીતે જાળવી શકાય, તમારે તમારી લાઇફ-સ્ટાઇલ કેવી રાખવી જોઈએ, કુદરત સાથે સંબંધ કેળવો તો સ્ટ્રેસ ઓછું થાય, ગુનાહિત પ્રવૃત્તિ ઘટે, મન સારી પ્રવૃત્તિ તરફ વળે. સ્કૂલ ઉપરાંત પોતાની આસપાસની સોસાયટીઓમાં પણ તેમણે આવા પ્રોગ્રામ કરવાનું શરૂ કર્યું. ચારેક વર્ષ આવા પ્રોગ્રામ કરી લીધા પછી ૨૦૦૭માં વસુંધરા ગ્રીન ક્લબ નામની એક સ્વયંસેવી સંસ્થા તેમણે શરૂ કરી. પર્યાવરણના ક્ષેત્રમાં તેમને વધુ કામ કરવું હતું ઉપરાંત પોતાના કામને વધુ ઑથેન્ટિક બનાવવા માટે તેમણે આ સંસ્થા બનાવી છે. પૉકેટ-મનીના માત્ર ૫૦૦ રૂપિયાથી શરૂ કરેલી આ સંસ્થા આજે પણ કામ કરી રહી છે.

કેવી પ્રવૃત્તિઓ

સૌથી પહેલાં તેમણે પોતાની સોસાયટીમાં વાઇલ્ડ-લાઇફ ફોટોગ્રાફી તથા નેચર ડ્રૉઇંગ એટલે કે પર્યાવરણની માહિતી આપ્યા પછી દરેકે પોતાની ઇમેજિનેશનથી ચિત્રો દોરવાની કૉમ્પિટિશન રાખી. જયેશને તેમના કેટલાક ફોટોગ્રાફર મિત્રોએ એમાં મદદ કરી.

ત્રણેક વર્ષ પોતાની રીતે આવી પ્રવૃત્તિઓ કર્યા પછી જયેશ ધ નૅશનલ સોસાયટી ઑફ ધ ફ્રેન્ડ્સ ઑફ ધ ટ્રીના મેમ્બર બનીને એની સાથે પ્રવૃત્તિ શરૂ કરી, કારણ કે તેમને લાગ્યું કે પોતે અલગ રીતે કામ કરીને એનર્જી વેસ્ટ કરે છે. આ સંસ્થા સાથે જ તેઓ ફ્રૂટ અને વેજિટેબલ ગાર્ડનિંગ માટેના શો અરેન્જ કરે છે, એનું પ્રદર્શન કરે છે, પોતાના ઘરે કૂંડાંમાં જ આ બધું કેવી રીતે ઉગાડી શકાય એ શીખવે છે. આ પ્રદર્શનમાં મેડિસિનલ પ્લાન્ટ્સ પણ હોય છે.

સ્કૂલ, કૉલેજ અને સોસાયટીઓ કે બીજી પણ જે સંસ્થાઓ બોલાવે ત્યાં જઈને પર્યાવરણ વિશે જાગૃતિ માટેનાં લેક્ચર્સ આપે છે. આમાં તેઓ ગ્રીન બેલ્ટનું મહત્વ લોકોને સમજાવે છે, જેટલાં ઝાડ વધુ એટલું પૃથ્વી પર ગરમીનું પ્રમાણ ઘટે.

જયેશે ૪૦૦૦ લોકો પાસે કાર્બન ફૂટપ્રિન્ટનાં ફૉર્મ ભરાવ્યાં છે. આ કાર્બન ફૂટપ્રિન્ટ શું છે? આ એક એવું ફૉર્મ છે જેમાં ૨૦ સવાલો હોય છે જેને આખા પરિવારે સાથે બેસીને ભરવાનું હોય છે. આ ફૉર્મ ભરાયા પછી તેમને કહેવામાં આવે કે તમે જીવનમાં કાર્બનને ઓછું કરવા માટે શું કરી શકો છો. એને કેવી રીતે ઓછું કરી શકાય એ પણ સમજાવે છે.

આ ઉપરાંત જયેશે વેસ્ટ મૅનેજમેન્ટ માટે પણ ઘણું કામ કર્યું છે. ઘરના કચરામાંથી તેઓ રીસાઇક્લિંગમાં જતો હોય એ અલગ કરે છે અને કિચન વેસ્ટ તથા બીજા કચરામંાથી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. એ માટેની કિટ તેમણે પોતાની ફૅક્ટરીમાં જ બેસાડી છે. જયેશનું કહેવું છે કે જો તમે પ્રૉપર વેસ્ટ મૅનેજમેન્ટ કરો તો ટનબંધ કચરો ગંધાવાથી જે વાતાવરણ પ્રદૂષિત થાય છે એમાં ઘટાડો થાય અને કચરાના નિકાલ માટે જે કોઈ ખર્ચ કરવો પડે છે એ પણ બચે. જયેશભાઈ લોકોને એ પણ શીખવે છે કે કચરો ઓછો કેવી રીતે કરવો અને કચરામાંથી ખાતર કેવી રીતે બનાવવું.

જયેશે ફૅક્ટરીમાં વર્મી કમ્પોસ્ટ બનાવવાની કિટ રાખી છે જેમાં ફૂલ, પાંદડાં, કિચન વેસ્ટ વગેરે કચરાને નાખતા જાય છે અને એમાંથી બનતું ખાતર જેને જોઈએ એને આપે છે એટલું જ નહીં, એમાંથી નીતરતું પાણી તે ઝાડવાંને પીવડાવે અથવા તો એના પર સ્પિþન્કલ કરે છે.

તેઓ અવારનવાર પૉટ પ્લાનિંગ વર્કશૉપ લે છે જેમાં ઘરે જ શાકભાજી અને ફળ-ફૂલ કેવી રીતે ઉગાડી શકાય એ શીખવે છે. એ ઉપરાંત બટરફ્લાય ગાર્ડન બનાવવાનું શીખવે છે.

મલાડ (ઈસ્ટ)ની ફાતિમાદેવી સ્કૂલમાં હરિત નામની તેમની નેચર ક્લબ છે જેના નેજા તળે તેઓ સ્કૂલમાં પર્યાવરણને લગતા વિવિધ પ્રોજેક્ટ કરે છે.

પર્યાવરણને બચાવવા ડે-ટુ-ડે લાઇફમાં શું કરી શકાય?

ટીવી અને ઍરકન્ડિશનરને રિમોટથી બંધ કરીને મેઇન સ્વિચ તરત બંધ કરી લો. ઘરમાં બધે એનર્જીસેવર બલ્બ યુઝ કરો. ઘરના રંગ હંમેશાં લાઇટ કલરના રાખો જેથી પૂરતો પ્રકાશ લાગે. ઘરમાં ફર્નિચર હલકું રાખો, બહુ ગીચ ન રાખો. જોઈતું જ રાખો. સનમાઇકાનું ન રાખો. ફ્લોરિંગ માર્બલનું રાખો. ઘરની દીવાલો પર આખી ટાઇલ્સ લગાવવાથી ગરમીનું પ્રમાણ વધે એથી ખાલી બૉર્ડર જ રાખો. ઘરનો કચરો અલગ પાડીને રાખો. રીસાઇકલ થાય એવો કચરો અલગ રાખો, બાકીનાનું ખાતર બનાવો. જીન્સ કે કોઈ પણ રેડીમેડ વસ્ત્રોને તમારાં માપનાં કરાવો ત્યારે બચેલા ટુકડાઓને લઈ લો. એમાંથી પાઉચ વગેરે બનાવી શકાય. ફ્રિજને રોજ અડધો કલાક બંધ રાખો. એને કૉટન કપડાં અને પાણીથી જ લૂછો. ફ્રિજમાં વાસ આવે તો ફૂલનો ગજરો મૂકો. ઘરનો નળ લીકેજ હોય તો તરત રિપેર કરાવો. શાવર કે બાથટબ ન વાપરો. સાબુનો ઉપયોગ ઓછો કરો. કરો તો ઓછા સ્ટાર્ચવાળા ખાદીભંડાર બનાવે છે એવા સાબુ વાપરો. શૅમ્પૂને બદલે અરીઠા વાપરો. દીવાસળીઓ આડેધડ ન વાપરો. દૂધને ગરમ કરતાં પહેલાં ગરમ ગૅસની બાજુમાં રાખો. જમવાનું માપનું અને પ્લાનિંગથી બનાવો જેથી વેસ્ટ ન થાય. જમવાના કલાક પહેલાં જ રસોઈ બનાવો. બને તો આખો પરિવાર સાથે જ જમો જેથી વારે-વારે એને ગરમ ન કરવું પડે.

પર્યાવરણ બચાવવા ડે-ટુ-ડે લાઇફમાં શું કરે છે?

પર્યાવરણને બચાવવા તેઓ રોજ ત્રણ કિલોમીટર ચાલે છે. તેમનું કહેવું છે કે ચાલવાથી આપણે સ્વસ્થ રહી શકીએ તો ઓવરઑલ દવાખાનાના ખર્ચથી દૂર રહીને પણ પર્યાવરણ બચાવી શકાય.

રોજ ૧ બાલદી પાણીથી જ નહાય છે.

થેલી કપડાંની જ વાપરવાની.

ઘરમાં ઉગાડેલા પ્લાન્ટ્સ અને ફૅક્ટરીના પ્લાન્ટ્સને રોજ પાણી પાવાથી સ્ટ્રેસ થોડું કમ થાય છે.

કામ આડેધડ કરવાને બદલે પ્લાનિંગપૂર્વક કરે અને બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ જ યુઝ કરે છે.

પોતાની ફૅક્ટરીમાં લંચ-ટાઇમ દરમ્યાન રોજ પોણો કલાક લાઇટો બંધ રાખે છે. તેમના કારીગરો પણ આ માટે ટેવાઈ ગયા છે. તેમની સલાહને માનીને આજુબાજુના ચાર ગાળાઓવાળા પણ લંચ-ટાઇમ દરમ્યાન લાઇટો બંધ રાખીને વીજળી બચાવે છે.

કાગળના ડૂચા અને નકામા કાગળો રોજ તેઓ એક થેલીમાં ભેગા કરે છે અને પછી પસ્તીવાળાને આપી દે છે. એમાંથી જે કાંઈ પૈસા મળે એ પોતાની સંસ્થાના કામમાં વાપરે છે.

ઘરે પણ લાઇટ-પંખા અને ઍરકન્ડિશનર જરૂર હોય ત્યારે જ વાપરે છે. ફ્રિજ રોજ અડધો કલાક બંધ રાખે છે.

હોટેલમાં જમવા જાય તો સ્ટાર્ટર માટે આપેલી ડિશમાં જ જમવાનું પીરસવાનું કહે છે. વધુ ડિશો નથી બગાડતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK