દીપડા અને ચિત્તામાં શું ફરક?

થાણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ બે પ્રાણીઓ વચ્ચેનો તફાવત ખબર ન હોવાથી દીપડાથી સાવધાન રહેવાનું જણાવતા બૅનરમાં ચિત્તાના ફોટો વાપર્યા છે. ચાલો, આપણે જોઈએ કે તેમણે ક્યાં થાપ ખાધી

સેજલ પટેલ

આરે કૉલોનીમાં ચિત્તો દેખાયો...

ચિત્તો ચાર વર્ષના બાળકને ઉપાડી ગયો....

આવી અફવાઓ ઘણી વાર સાંભળવા મળે છે. આવું લગભગ છાતી ઠોકીને કહી શકાય, કેમ કે આખા ઇન્ડિયામાં સમ ખાવા પૂરતો એક પણ ચિત્તો નથી. ભારતમાં અને મુંબઈની આસપાસ અવારનવાર જે કાળો કેર વર્તાવે છે એ છે ચિત્તાનો નાનો ભાઈ દીપડો. આમ જનતાને આ બે વચ્ચેનો ફરક ન ખબર હોય એ વાત હજીયે કદાચ સમજી શકાય, પણ થાણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના સરહદીય વિસ્તારના અધિકારીઓને પણ આ વિશે ખબર ન હોય એ અચરજ પમાડે એવું છે. એનો બોલતો પુરાવો છે કે આરે કૉલોનીના રહેવાસીઓને દીપડાથી સાવધાન રહેવાની તાકીદ કરતા બૅનરમાં દીપડાના નહીં પણ ચિત્તાના ફોટો વપરાયા છે.

ખરેખર તો જંગલ ખાતાના લોકો જો પ્રાણીઓના દેખાવ અને વંશાવલી બાબતે થોડાક પણ જાણકાર હોય તો ચિત્તા અને દીપડા વચ્ચેનો ભેદ જોતાંની સાથે જ ખબર પડી જવો જોઈએ. આ બન્ને પ્રાણીઓના હાઇટ-બૉડી, રંગ, સ્વભાવ, શિકાર કરવાની રીતો, જંગલમાં ફરવાની તેમની લાક્ષણિકતાઓ બધું જ ઘણું-ઘણું ડિફરન્ટ છે. ચાલો, આ બહાને આપણે જોઈ લઈએ કે ચિત્તા અને દીપડામાં શું ફરક હોય છે.

સૌથી મોટો ફરક તો જોતાંની સાથે જ ખબર પડી જાય એવો તેમના શરીર પર આવેલાં કાળાં ટપકાંમાં છુપાયેલો છે.

ચિત્તો મોટા ભાગે સોનેરી પીળા રંગની ચામડી પર ઘેરા કાળાં અનિયમિત આકારના ટપકાં ધરાવે છે. આ ટપકાની સાઇઝ દીપડાની સરખામણીએ નાની હોય છે. પેટના નીચેના ભાગની રુંવાટી બાકીના શરીરને મળતા રંગની હોય છે.

દીપડાની મેલા પીળા રંગની ચામડી પર કાળા રંગની અનિયમિત આકારની રિંગો હોય છે. રિંગ એટલે કે કાળા ટપકાની વચ્ચે પીળા કે બ્રાઉન રંગના સ્પૉટ્સ હોય છે. પ્રાણીશાસ્ત્રીઓએ આ ટપકાંને ગુલાબની પાંખડીઓ સાથે મળતા આવતા હોવાનું કહ્યું છે. જોકે એ ટિપિકલ રોઝ શેપનાં નહીં પણ માત્ર ગુલાબ જેવો આભાસ પેદા કરતો આકાર ધરાવે છે. જુદા-જુદા પ્રદેશમાં જોવા મળતા દીપડાના કાળાં ચાઠાંના કદ અને શેપમાં પણ થોડોક ફરક હોય છે. પેટની નીચેના ભાગની રુંવાટી હળવા રંગની અને સુંવાળી હોય છે.

ચિત્તો


આ પ્રાણી ચપળતાથી દોડી શકે છે એનું કારણ છે એની બૉડી-ફ્રેમ. ચિત્તાનું માથું ઓવરઑલ શરીરના પ્રમાણમાં નાનું, હાથ-પગ લાંબા અને ધડનો ભાગ પ્રમાણમાં પાતળો હોય છે. આને કારણે તે શરીરનું બૅલેન્સ જાળવીને વીજળીવેગે દોડી શકે છે.

તે વાયુવેગે દોડી શકે છે એનું બીજું કારણ છે ઓછી ઊંચાઈ અને વધુ લંબાઈ. જસ્ટ ૩૫થી ૭૦ કિલો વજન ધરાવતા પુખ્ત ચિત્તાની ઊંચાઈ ૭૦થી ૯૫ સેન્ટિમીટર જેટલી હોય છે, પણ લંબાઈ ૧૧૦થી ૧૫૦ સેન્ટિમીટર જેટલી હોય છે. પાતળી કમર, લાંબા- પાતળા પગ અને હલકુંફૂલકું વજન હોવાથી ચિત્તો એક છલાંગમાં ૨૩ ફૂટનું અંતર કાપી શકે છે. બીજું કારણ છે નાક દ્વારા વધુ ઑક્સિજન લેવાની ક્ષમતા. રેસ્પિરેટરી રેટ એટલે કે શ્વાસ લેવા-મૂકવાની ગતિ એક મિનિટમાં ૬૦થી ૧૫૦ જેટલી વધારી શકવાની ક્ષમતા ધરાવતી હોવાથી વધુ ઑક્સિજન ફેફસાંમાં ભરી શકે અને એટલે જ દોડવાની સ્પીડમાં પણ જાણે એક્સિલેટર લાગી જાય છે. આ જ કારણોસર ચિત્તો દોડતી વખતે એક-બે સેકન્ડમાં જ ૧૧૨થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લઈ શકે છે.

કપાળ નાનું અને આંખો થોડીક ઉપરની તરફ હોય છે. એટલું જ નહીં, બન્ને આંખોમાંથી જાણે આંસુ નીકળવાને કારણે ભીનાશ પ્રસરી હોય એવી બે કાળી લાઇનો આંખથી લઈને નીચે મોં સુધી ખેંચાયેલી હોય છે.

દીપડાની સરખામણીમાં ચિત્તાના પગના પંજા સંકોચાયેલા હોય છે. એને કારણે એને દોડતી વખતે બૅલેન્સ જાળવવામાં તકલીફ પડે છે, પણ તે પૂંછડીને આમતેમ ફેરવીને બૅલેન્સ જાળવી લે છે.

તે શિકારની પાછળ દોડીને, પછાડીને ગળું રુંધીને મારી નાખે છે.

ચિત્તાનો અવાજ તેના શરીર જેવો જ પાતળો હોય છે. ચિત્તાનું નાનું બચ્ચું કિકિયારીઓ પાડતું હોય તો જાણે મોટો જંગલી ઉંદર ચૂં-ચૂં કરતો હોય એવું લાગે.

ચિત્તો ઠંડા મગજનું પ્રાણી છે. બને ત્યાં સુધી તે અન્ય જંગલી પ્રાણીઓ સાથે લડાઈ કરવાનું ટાળે છે. અન્ય ચિત્તાઓ સાથે પણ સરહદના મામલે બાખડવાને બદલે પોતપોતાના ઇલાકામાં અને બેથી ચારના જૂથમાં ફરે છે.

દીપડો


ચિત્તા કરતાં દીપડાની બૉડી-ફ્રેમ હૅવી અને વધુ મસ્ક્યુલર હોય છે. પગ ટૂંકા હોવા છતાં હાઇટ લગભગ ચિત્તા જેટલી જ હોય છે. માંસલ શરીરનો ભાગ વધુ પહોળો અને ભરાવદાર હોય છે. પૂંછડી એની હાઇટ કરતાં લાંબી અને નીચે ઘસડાતી હોય છે. પુખ્ત વયના દીપડાનું વજન ૪૦ કિલોથી લઈને ૯૨ કિલો જેટલું હોઈ શકે છે. વધુ વજનને કારણે ચિત્તા કરતાં એ વધુ શક્તિશાળી સાબિત થઈ શકે છે.

દીપડો દોડવામાં નહીં પણ ઝાડ પર ચડવામાં માહેર હોય છે. ટૂંકા પગ એ માટે ખૂબ કામના હોય છે. દીપડો ક્યારેય દોડીને પાછળ પડીને શિકાર નથી કરતો, પણ પાછળથી અથવા તો ઝાડ પરથી અચાનક હુમલો કરીને શિકાર કરવાની આદત ધરાવે છે.

ભારે શરીરને કારણે એને લાંબા અંતર સુધી શિકાર પાછળ દોડવું ગમતું નથી. માંસલ અને શક્તિશાળી હોવાને કારણે દીપડો પોતાના વજન કરતાં ત્રણગણા વજનને ઊંચકીને ઝાડ પર ચડાવી શકે છે. સામાન્ય રીતે શિકારને ઝાડ પર લઈ જઈને શાંતિથી ખાવાનું એને ગમે છે.

દીપડાની એક છલાંગ ૧૮ ફૂટની હોય છે અને જીવ બચાવવાનો હોય ત્યારે ૫૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. દીપડો એક છલાંગમાં ૧૦ ફૂટ ઊંચો કૂદકો મારીને ઝાડ પર ઠેકી જઈ શકે છે. દીપડો તરી પણ શકે છે.

એ માત્ર શરીરમાં જ ભારે નહીં, અવાજ પણ વાઘ જેવો ભારે ધરાવે છે. એટલે કે ઘરઘરાટી અથવા તો ત્રાડ પાડતો જોવા મળે છે.

દીપડાનો સ્વભાવ ગુસ્સાવાળો હોવા છતાં એ ડરપોક હોય છે. મોટા વાઘ-સિંહ જેવાં પ્રાણીઓ સાથે બાથ ભીડવાને બદલે એ ઝાડ પર ચડીને સંતાઈ જાય છે. 

જૅગ્વાર પણ દીપડા અને ચિત્તા જેવો જ

મોટા ભાગે અમેરિકાના રેઇન ફૉરેસ્ટ વિસ્તારમાં જોવા મળતા જૅગ્વારનો પણ દીપડા અને ચિત્તા જેવો જ લુક હોવાથી એને ઓળખવામાં પણ ઘણા થાપ ખાઈ જાય છે. જોકે જૅગ્વારની ચામડી પર દીપડાની જેમ કાળી રિંગ જેવા ટપકાની અંદર પણ એક કાળું ટપકું હોય છે. તેના પગ દીપડા કરતાંય ટૂંકા હોય છે અને એ ઓવરઑલ દીપડા કરતાંય ઓછી હાઇટ ધરાવે છે.

જૅગ્વાર એટલો શક્તિશાળી ગણાય છે કે ટચૂકડું કદ હોવા છતાં ૨૫૦ કિલોની ગાય કે ભેંસને પછાડીને મારી નાખી શકે છે. કાચબાની પીઠનું કવચ પણ તે તોડી નાખી શકે એટલો શક્તિશાળી છે. મોટા ભાગે તે શિકારના માથાના હાડકાંને જડબામાં દબાવી, હાડકું તોડી મગજ ખતમ કરીને મારી નાખે છે. ટચૂકડા કદ છતાં એની શક્તિ આફ્રિકન સિંહ સાથે સરખાવવામાં આવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK