શા માટે સંશોધનો જ ભારતીય બ્રૅન્ડ્સને બચાવી શકશે

ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં દક્ષિણ મુંબઈમાં સ્ટારબક્સનું પહેલું આઉટલેટ ખૂલ્યું ત્યારે મુંબઈગરાઓમાં એક પ્રકારનો રોમાંચ જોવા મળી રહ્યો હતો.

અરિંદમ ચૌધરી

આ આઉટલેટની મુલાકાત લેવા માટે લાગતી લાંબી કતારો જાણે કે કોઈ મોટી કૉન્સર્ટ યોજાવાની ના હોય એવો આભાસ ઊભો કરતી હતી. લોકો જાણે કે આ કૉફી શૉપની મુલાકાત લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. લોકોમાં પ્રવર્તી રહેલી આ ઉત્તેજનાનો લાભ લેવા માટે સ્ટારબક્સ દ્વારા કેટલી માર્કેટિંગ એનર્જી ઉત્સર્જિત કરવામાં આવી હશે એની કલ્પના કરી જુઓ. પહેલું આઉટલેટ ખોલ્યાના પહેલા જ પાંચ મહિનામાં કંપની દ્વારા મુંબઈ અને દિલ્હીમાં ચાર-ચાર આઉટલેટ ખોલી દેવામાં આવ્યાં હતાં (આમ આખા ભારતમાં કંપનીનાં કુલ નવ આઉટલેટ થઈ ગયાં હતાં). આ બાબતે મને ૧૯૯૦ના પ્રારંભિક દાયકામાં ભારતમાં કોકના રીલૉન્ચિંગ અને પેપ્સી લૉન્ચ કરવામાં આવી એ સમયે પ્રવર્તતા પાગલપનની યાદ અપાવી દીધી હતી. અહીં એક સામાન્ય સત્ય સ્થાપિત થાય છે કે આપણે તમામ સામાજિક અને આર્થિક માપદંડોમાં પ્રગતિ કરી હોવા છતાં વિદેશી બ્રૅન્ડ પ્રત્યેની ઘેલછામાં જરાપણ ઘટાડો થયો નથી. શા માટે? કારણ કે એક રાષ્ટ્ર તરીકે અનુભવે આપણને શીખવ્યું છે કે આપણી બ્રૅન્ડો અમેરિકન, બ્રિટિશ, યુરોપિયન અથવા તો જૅપનીઝ બ્રૅન્ડો જેટલી વ્યવહારુ ક્યારેય રહી નથી. આપણી બ્રૅન્ડોમાં ક્યારેય પ્રભાવ નહોતો કે છે પણ નહીં. આપણી બ્રૅન્ડોમાં પ્રવર્તતા આ અદ્ભુત સમન્વયનો અભાવ ભારતીય બ્રૅન્ડોના નામે અપાતાં ઉત્પાદનો અને સર્વિસોના કારણે જ છે.

જો ભારત દેશ તેના બજારમાં વિદેશી બ્રૅન્ડોના આ ધસારાને ખાળવા અને પ્રવાહ બદલી નાખવા ઇચ્છતો હોય તો તેણે મોટા પાયે નવતર બાબતોમાં એટલે કે કંઈક નવું આપવા માટે મૂડીરોકાણ કરવું જોઈએ અને આ પ્રકારનાં સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે સર્વગ્રાહી નીતિઓનો અમલ કરવો જોઈએ.

ભારતમાં દાખલ કરવામાં આવતી પેટન્ટ માટેની અરજીઓની નાનકડી સંખ્યા ચેતવણીસમાન છે. વર્ષ ૨૦૧૧માં ભારતમાં ફક્ત ૪૨,૨૯૧ અરજીઓ પેટન્ટ માટે દાખલ કરવામાં આવી હતી તો બીજી તરફ ચીનમાં ૫,૨૬,૪૧૨ અરજીઓ દાખલ થઈ હતી જે એ વર્ષની વિશ્વની સૌથી વધુ અરજીઓ હતી. ચીન પછી અમેરિકામાં ૫,૦૩,૫૮૨ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. (ર્સોસ : વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ઑર્ગેનાઇઝેશન : ડિસેમ્બર ૨૦૧૨ દ્વારા રિલીઝ કરવામાં આવેલા વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ઇન્ડિકેટર્સ ૨૦૧૨). ભારતના ઇનોવેશન મશીનમાં પ્રાણ ફૂંકવાના સૅમ પિત્રોડાના પ્રયાસો અને ભારતને ઇનોવેટિવ હબ તરીકે પ્રોત્સાહિત કરવાના વડા પ્રધાન મનમોહન સિંહના આહ્વાન છતાં હતાશાજનક ચિત્ર સામે આવી રહ્યું છે અને આજે પણ ભારત દેશને સ્ક્રૂ ડ્રાઇવર નેશન તરીકે ઓળખવામાં આવે છે. એક એવી છાપ સર્જાઈ છે કે આ દેશ વિદેશી બ્રૅન્ડેડ ઉત્પાદનોના પાર્ટ્સનું અસેમ્બ્લી કામ જ કરી શકે છે.

સનાતન સત્ય એ છે કે માછલીમાં માથાના ભાગથી સડો શરૂ થાય છે. સંશોધનોમાં ભારતની પીછેહઠનું મહત્વનું કારણ એ છે કે આપણા નીતિ ઘડવૈયાઓએ આ હેતુ માટે ક્યારેય પોતાની બાંયો ચડાવી નથી. દેશમાં સંશોધનોને પ્રોત્સાહન આપે એવી કોઈ રચનાત્મક નીતિ ભાગ્યે જ જોવા મળે છે. ચાલુ વર્ષે આપણા વડા પ્રધાને સંશોધન કાર્યોને પ્રોત્સાહન આપવા માટે ૮૮૦ મિલ્યન અમેરિકન ડૉલર જેટલું વિશાળ ભંડોળ ફાળવવાની જાહેરાત કરી હતી અને આ પગલાને તેમણે ગેમ-ચેન્જર તરીકે ગણાવ્યું હતું, પરંતુ આ ઘોષણા પછી કોઈ નક્કર સંશોધન નીતિ તૈયાર કરવામાં આવી નથી.

થોડા દાયકા પહેલાં ચીન ભારત કરતાં વિકસિત દેશ નહોતો. વાસ્તવિકતા તો એ હતી કે વિકાસના માપદંડ પર ચીન ઘણો પછાત દેશ ગણાતો હતો. આ દેશે અસેમ્બ્લી લાઇન પર પ્રોડક્ટોનું ઉત્પાદન શરૂ કર્યું અને આજે એ વૈશ્વિક બ્રૅન્ડોનું ઉત્પાદન કરી રહ્યો છે. આજે એ વિશ્વમાં ગણનાપાત્ર એવી લિનોવો, હાયર, ચાઇના મોબાઇલ અને અન્ય ઘણી બ્રૅન્ડોનું ઉત્પાદન કરી રહ્યો છે. હકીકતમાં સંશોધનો પર કામ કરવા અને એનાં પરિણામો લણવાના કારણે જ આ શક્ય બની શક્યું છે. આજે વિશ્વની ૧૦ મોટી ફૉચ્યુર્ન ૫૦૦ કંપનીઓ પૈકીની ત્રણ ચીની કંપનીઓ છે. એવી જ રીતે છેલ્લા થોડા દાયકામાં જપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં પણ સંશોધનોનો આવો જ પ્રવાહ જોવા મળ્યો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ મોટી બ્રૅન્ડો પણ તેમની વિદેશી સહયોગી કંપનીઓ સાથે અસ્તિત્વ ટકાવી રાખવામાં નિ:સહાયતા અનુભવી રહી છે. આજે ભારતની એવી કોઈ ઑટોમોબાઇલ કંપની નથી જે સંપૂર્ણ અર્થમાં ભારતીય સંશોધન કહી શકાય એવાં વાહનોનું ઉત્પાદન કરી શકતી હોય. ખરેખર તો એવી કોઈ જ ભારતીય કંપની નથી જે સાચા અર્થમાં ભારતીય કહી શકાય એવી બ્રૅન્ડનું ઉત્પાદન કરતી હોય.

સ્વદેશી સંશોધનોને પ્રોત્સાહન આપવાના બદલે જો ભારત દેશ પોતાને હાલની ગર્તામાંથી બહાર કાઢવા માટે વિદેશી બ્રૅન્ડો પર વધુપડતો આધાર રાખવાનું બંધ નહીં કરે તો ભારતને મોટી પછડાટ ખાવી પડશે. આજે આપણને ઇન્ટેલ; બી.એમ.ડબ્લ્યુ. અથવા તો માઇક્રોસૉફ્ટની ઉત્પાદન શાખાઓની નહીં, પરંતુ સિસ્કો; બેલ લૅબ્સ; ર્ફોડ; ઍપલ અથવા તો જી.એમ.ના ભારતીય પડકારની તાતી જરૂર છે. આપણી સંશોધન નીતિએ ચતુર સંગ્રહ અથવા તો રિવર્સ એન્જિનિયરિંગને પ્રોત્સાહન આપવાના બદલે સંપૂર્ણપણે સ્વદેશી સંશોધનોને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણા અર્થતંત્રમાં નવો શ્વાસ ફૂંકવાની તાતી જરૂર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK