બાળકની છૂપી ટૅલન્ટને કઈ રીતે ઓળખી શકાય?

આજે મલ્ટિટૅલન્ટેડ લોકોનો જમાનો છે અને બાળકો પણ એમાંથી બાકાત રહી શક્યાં નથી. બાળકની અંદર છુપાયેલી ટૅલન્ટને ઓળખીને એને બહાર લાવવા પેરન્ટ્સ કેવા એફર્ટ નાખે છે તેમ જ એકસાથે અનેક પ્રવૃત્તિમાં બાળકને વ્યસ્ત રાખવાથી તેના ઓવરઑલ પર્ફોર્મન્સમાં શું ફરક પડે છે એ જાણીએ

child


યંગ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

બાળકો હંમેશાં કંઈક નવું કરવા માગે છે. કોઈ ડાન્સ કરે છે તો કોઈ સ્પોર્ટ્સમાં અવ્વલ છે. કોઈ બાળકને પેઇન્ટિંગમાં રસ પડે છે. કેટલાંક બાળકોને રમકડાં તોડીને એને રિપેર કરવામાં અથવા એમાંથી કંઈક નવું બનાવવામાં પણ મજા આવે છે. દરેક બાળકમાં કોઈ ને કોઈ રચનાત્મક કાર્ય કરવાની ખૂબી હોય જ છે, પરંતુ મોટા ભાગના પેરન્ટ્સ બાળકોને એવી પ્રવૃત્તિમાં નાખે છે જેમાં પોતાને રસ હોય અથવા તેમની સુગમતા હોય. ઘણા પેરન્ટ્સ દેખાદેખીમાં અને પોતાનો કૉલર ઊંચો રાખવા બાળકને રીતસર અણગમતી પ્રવૃત્તિ તરફ ધકેલે છે. પરિણામે તેમની રચનાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે. બાળકોમાં મલ્ટિટાસ્કિંગની ખૂબી આજના સમયની જરૂરિયાત છે એમાં કોઈ બેમત નથી. માત્ર સ્ટડી જ નહીં, અન્ય પ્રવૃત્તિઓ તરફ પણ તેમનું આકર્ષણ બરકરાર રહે એ માટે પેરન્ટ્સે તેમને પ્રોત્સાહિત કરવાં જોઈએ; પરંતુ એમાં બાળકની પસંદગીનો ખયાલ રાખવો જરૂરી છે. બાળકની અંદર છુપાયેલી ટૅલન્ટને ઓળખી એને બહાર લાવવા પેરન્ટ્સ કેવા એફર્ટ નાખે છે તેમ જ એકસાથે અનેક પ્રવૃત્તિમાં બાળકને વ્યસ્ત રાખવાથી તેના ઓવરઑલ વિકાસમાં શું ફરક પડે છે એ સંદર્ભે વાત કરીએ.

એકસાથે અનેક પ્રવૃત્તિઓમાં બાળકને જોડી રાખવાથી તેના ઓવરઑલ પર્ફોર્મન્સ પર ઘેરી અસર પડશે એવો અભિપ્રાય આપતાં

ચાઇલ્ડ-કાઉન્સેલર અને મોટિવેટર હિરેન પાસડ કહે છે, ‘આજના પેરન્ટ્સની એક જ ડિમાન્ડ છે, મારું બાળક ઑલરાઉન્ડર બને. તમારે તેને ડાન્સ-ક્લાસ કરાવવા છે, ડ્રૉઇંગમાં મોકલવું છે, કરાટે આવડવું જોઈએ, સ્પોર્ટ્સમાં અવ્વલ હોવું જોઈએ અને આ સાથે તેનું ઍકૅડેમિક રિઝલ્ટ પણ બેસ્ટ હોવું જોઈએ. આટલી બધી અપેક્ષા કઈ રીતે રાખી શકાય? ઑલરાઉન્ડર બનાવવાની લાહ્યમાં તેનો વિકાસ રૂંધાઈ જશે. તમારા બાળકની ક્ષમતા, આવડત અને રસના વિષયમાં મોકલશો તો એમાં તે માસ્ટર બનશે. અભ્યાસની સાથે કોઈ એકાદ ઍક્ટિવિટી બસ છે. જો વધારે ફીલ્ડમાં મોકલવું હોય તો એકસાથે ન મોકલો. એક પ્રવૃત્તિમાં તેનું માઇન્ડ સેટલ થાય ત્યાર બાદ બીજી પ્રવૃત્તિ શરૂ કરો.’

બાળકની ક્ષમતા અને રસનો પરિચય પેરન્ટ્સને કેવી રીતે મળે એ સંદર્ભે વાતચીત કરતાં હિરેનભાઈ કહે છે, ‘કહેવત છેને કે પુત્રનાં લક્ષણ પારણામાં. પેરન્ટ્સનું ઑબ્ઝર્વેશન પાવરફુલ હોય તો ખબર પડે. દાખલા તરીકે જો તમારા બાળકને સંગીતમાં રસ હશે તો નાનપણથી જ ઘરમાં અથવા પાર્ટીમાં મ્યુઝિક વાગતું હશે ત્યારે તેની બૉડી-લૅન્ગ્વેજમાં કેટલાક ચેન્જિસ જોવા મળશે. આવી જ રીતે અન્ય બાબતોનું નિરીક્ષણ કરવું જોઈએ. ઓછામાં ઓછા છ મહિના તેની તમામ હરકતો પર ધ્યાન આપો અને પછી તેની પસંદગીના ફીલ્ડમાં મોકલો. આજે માર્કેટમાં એવાં ટૂલ્સ આવી ગયાં છે જે તમારા બાળકના રસના વિષયોને શોધી કાઢશે. બાયોમેટ્રિક બ્રેઇન-મૅપિંગ ટેસ્ટ દ્વારા બાળકની ક્ષમતા, રસ, એમાં કેટલું આગïળ વધી શકશે એમ બધા જ સવાલોના જવાબ મળી રહેશે. આ એક પ્રકારનું વૈજ્ઞાનિક પરીક્ષણ છે જેમાં બાયોમેટ્રિક, ચાઇલ્ડ સાઇકોલૉજી, ન્યુરોલૉજી, રિફ્લેક્સોલૉજી, ડર્મેટોગ્લાફિક્સ, જિનેટિક્સનો સમાવેશ થાય છે. અનેક રીતે કરવામાં આવતી આ ટેસ્ટમાં બાળકનું ડાબું મગજ કેટલું ઍક્ટિવ છે અને જમણી બાજુનું મગજ કેટલું કામ કરે છે એ જાણી શકાય. ન્યુરો સેલ અને નર્વ સિસ્ટમથી તેના બ્રેઇનમાં શું ચાલી રહ્યું છે એની ખબર પડે. ડર્મેટોગ્લાફિક્સ ડિઝાઇનની મદદથી બાળકના રસના વિષયો અને આગળ વધવાની તેની ક્ષમતાનો પરિચય થાય. આ ટેસ્ટમાં ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે. દરેક વ્યક્તિના આંગળાની રેખાઓ નિર્દેશ કરે છે કે તેના કયા સેલ્સ કેટલા ઍક્ટિવ છે. જેમ ઍક્યુપ્રેશરમાં એક પૉઇન્ટ દબાવવાથી શરીરના અન્ય ભાગમાં રાહત થાય છે એવી જ રીતે ફિંગરપ્રિન્ટ અને મગજનું જોડાણ છે. આ સિવાય રિફ્લેક્સોલૉજી એટલે કે પ્રતિબિંબ દ્વારા પણ બાળકની એબિલિટી, કૅપેસિટી અને ઇન્ટરેસ્ટને જાણી શકાય છે. આપણે મોબાઇલ ખરીદીએ છીએ ત્યારે સાથે મૅન્યુઅલ આવે છે. એનાં ફીચર્સ જાણો તો જ યોગ્ય ઉપયોગ કરી શકો. આપણા બાળકનાં ફીચર્સ જાણ્યા વગર તેના પર બર્ડન નાખશો તો તમારું બાળક પોતાનું બચપણ તો ગુમાવી જ દેશે, કદાચ તમે પણ તમારા બાળકને ગુમાવી દેશો.’

કાંદિવલીની ટીનેજર રાજવી ગાંધી મલ્ટિટૅલન્ટેડ ગર્લ છે. નાનપણથી જ તેને વિવિધ પ્રવૃત્તિઓમાં વધારે રસ પડે છે. સિન્ગિંગ અને ડાન્સિંગ માટે તે ઘણી વાર સ્ટડીને સાઇડ પર મૂકી દે છે. અન્ય ઍક્ટિવિટીમાં વધારે ફોકસ રાખવાનું કારણ જણાવતાં રાજવી કહે છે, ‘આ ફીલ્ડમાં કરીઅર બનાવવાનું મારું સપનું છે. નાની હતી ત્યારથી જ સ્કૂલ અને ફૅમિલી-ફંક્શનમાં પર્ફોર્મ કરતી આવી છું. મને પરાણે કોઈ ક્લાસમાં મોકલવામાં નથી આવી તેમ જ આ સિવાયના કોઈ ક્લાસ પણ નથી કર્યા. આજના કમ્પેટિટિવ વર્લ્ડમાં સિન્ગિંગમાં કરીઅર બનાવવી બહુ અઘરું છે તેથી મારા પપ્પાએ પહેલાં જ કહી દીધું છે કે બૅકઅપ પ્લાન તરીકે ડિગ્રી હોવી જ જોઈએ. સ્ટડી અને પૅશન વચ્ચે બૅલૅન્સ કરી હું મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું છું તો પણ ક્યારેક પૅશન સ્ટડી પર ભારી પડી જાય છે. જેમ કે લાસ્ટ યર હું દસમા ધોરણમાં હતી તો મમ્મીએ કહ્યું કે અત્યારે બધું બંધ, ફક્ત સ્ટડી પર ધ્યાન આપ. પણ નવરાત્રિમાં ગરબા રમવાનું ન છોડી શકું. આમ કોઈક વાર સ્ટડી સાઇડ પર મુકાઈ જાય ખરી, પરંતુ ઓવરઑલ પર્ફોર્મન્સ પર અસર પડતી નથી. દસમામાં ૮૬ પર્સન્ટ લાવીને પણ બતાવ્યા છે.’

રાજવીને સંગીતનું આકર્ષણ કઈ રીતે થયું એ સંદર્ભે વાત કરતાં તેનાં મમ્મી હેમાલી ગાંધી કહે છે, ‘વાસ્તવમાં હું સિંગર બનવા માગતી હતી, પણ કોઈ કારણસર ન બની શકી. પેરન્ટ્સનાં અધૂરાં સપનાં સંતાને પૂરાં કરવાં જોઈએ એવી અપેક્ષા કદાપિ ન રાખી શકાય. તેમનાં સપનાં અલગ પણ હોઈ શકે છે. રાજવીનો અવાજ સરસ છે અને સંગીત પ્રત્યે તેને લગાવ છે એટલે અમે પ્રોત્સાહિત કરીએ છીએ. ડાન્સ અને મ્યુઝિકનો તેને ગાંડો શોખ છે અને એ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. ઑડિશન માટે અને સ્ટેજ-પ્રોગ્રામ માટે કેટલી વાર મને દોડાવી છે. દરેક જગ્યાએ જવાનો મને કંટાળો આવી જાય છે. કોઈક વાર રાજવી સાથે તેના પપ્પાને પણ જવું પડે છે. મારું અંગતપણે માનવું છે કે તમારા બાળકને બધું શીખવાડો, પણ સ્ટડીને સાઇડ ટ્રૅક પર ન જ મૂકી શકાય. એજ્યુકેશનને પ્રાથમિકતા આપ્યા બાદ સમય બચે તો એેકાદ ઍક્ટિવિટીમાં આગળ વધારવા એફર્ટ નાખી શકાય.’

બોરીવલીની આઠ વર્ષની રિતી શાહે સ્વિમિંગ, ડાન્સિંગ, ભરતનાટ્યમ, ડ્રૉઇંગ, અબૅકસ, સ્કેટિંગ જેવાં અનેક ફીલ્ડમાં હાથ અજમાવ્યો છે. આટલી બધી પ્રવૃત્તિઓ તેના માથા પર થોપવામાં આવી એની પાછળ પેરન્ટ્સનો હેતુ શું હોઈ શકે એ સંદર્ભે વાત કરતાં રિતીનાં મમ્મી ઉર્વશી શાહ કહે છે, ‘પેરન્ટ્સ પોતાની પસંદ બાળકો પર ઠોકી બેસાડે છે કે બીજાનું જોઈને ધકેલે છે એવું હું નથી માનતી.

અલગ-અલગ ફીલ્ડમાં હાથ અજમાવવાનું કારણ એ કે તેને ખરેખર શેમાં રસ છે એની ખબર પડે. રિતી પાંચ વર્ષની હતી ત્યારથી અમે તેને અલગ-અલગ ક્લાસિસમાં મોકલીએ છીએ. નાનપણમાં એ ટીવી સામે ઊભી રહીને ડાન્સ કરતી હતી એના પરથી અમે અનુમાન લગાવ્યું કે રિતીને ડાન્સમાં શોખ હોવો જોઈએ. એકાદ મહિનો મોકલ્યા બાદ તેને રસ પડ્યો એટલે અમે પણ તેને પ્રોત્સાહિત કરી. હું ઇચ્છતી હતી કે ફિઝિકલ ફિટનેસ માટે સ્વિમિંગ શીખે એટલે એમાં પણ મોકલી જોઈ, પરંતુ બે-ત્રણ મહિનામાં જ તેને કંટાળો આવવા લાગ્યો એટલે છોડી દીધું. આવી જ રીતે મારી એક ફ્રેન્ડની દીકરી સ્કેટિંગ શીખે છે એ જોઈને મેં પણ રિતીને સ્કેટિંગ માટે મોકલી હતી. થોડા દિવસ બાદ પગ દુખે છે એવી ફરિયાદ કરવા લાગી એટલે છોડાવી દીધું. ફી ભરી છે એટલે કોર્સ પૂરો કરવો જ પડશે એવો આગ્રહ અમે નથી રાખતા. વિવિધ પ્રવૃત્તિમાં જોડાયેલા રહેવાથી બાળકનો ઓવરઑલ વિકાસ થાય છે જ અને સાથે તેઓ ટીવી અને મોબાઇલ જેવાં ગૅજેટ્સથી પણ દૂર રહે એવો જ હેતુ હોય.’

આટલીબધી ઍક્ટિવિટીમાં મમ્મી મોકલે છે તો ગુસ્સો નથી આવતો? રિતી કહે છે, ‘કોઈક વાર કંટાળો આવે અને જીદ કરું તો મમ્મી કહે ઠીક છે, આજે રહેવા દે, કાલે જજે. કોઈક વાર એમ કહે કે થોડી વાર રેસ્ટ કર, પછી જજે. મને ડાન્સ કરવો બહુ ગમે છે એટલે એમાં કંટાળો નથી, પણ મોટા થઈને મારે પપ્પાની જેમ સીએ બનવું છે, કારણ કે અબૅકસમાં મને સ્ટેટ-લેવલની ટ્રોફી મળી છે. ડાન્સને હું મારી હૉબી બનાવીશ.’


બાયોમેટ્રિક બ્રેઇન-મૅપિંગ ટેસ્ટ એક પ્રકારનું વૈજ્ઞાનિક પરીક્ષણ છે જેમાં બાયોમેટ્રિક, ચાઇલ્ડ સાઇકોલૉજી, ન્યુરોલૉજી, રિફ્લેક્સોલૉજી, ડર્મેટોગ્લાફિક્સ, જિનેટિક્સ ટેસ્ટ દ્વારા બાળકની ક્ષમતા, પસંદગીનું ફીલ્ડ, એમાં કેટલું આગïળ વધી શકશે એમ બધા જ સવાલોના જવાબ મળી રહેશે. મોબાઇલનાં ફીચર્સની જેમ બાળકનાં ફીચર્સ જાણ્યા વગર તેના પર બર્ડન નાખશો તો તમારું બાળક પોતાનું બચપણ તો ગુમાવી જ દેશે, કદાચ તમે પણ તમારા બાળકને ગુમાવી દેશો

- ચાઇલ્ડ-કાઉન્સેલર અને મોટિવેટર હિરેન પાસડ, ઘાટકોપર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK