Wow! આ તો જીવનનો સૌથી ધન્ય સમય છે, એને માણી લો

કોણે કહ્યું કે બુઢાપો અભિશાપ છે? એ વાત સાવ સાચી કે તમારામાંથી કોઈકનું શરીર નબળું પડ્યું છે, સાંધામાં દુખાવા શરૂ થયા છે, આંખે ઓછું દેખાય છે અને કાને ઓછું સંભળાય છે, યાદશક્તિ ઘટી છે; પરંતુ એનો અર્થ એવો તો નથી થતોને કે આ સંધ્યાકાળ માત્ર ખરાબ જ છે. ઘડપણ સાથે તમને પ્રાપ્ત થયેલા કેટલાક આર્શીવાદની અને માણવા જેવી પણ પુષ્કળ વસ્તુઓ છે એને કેમ ભૂલી જાઓ છો?

amitabh

રુચિતા શાહ

૧૯૬૬માં આવેલી ‘તીસરી કસમ’ ફિલ્મનું ગીતકાર શૈલેન્દ્રએ લખેલું અને મુકેશે ગાયેલું ગીત ‘સજન રે જુઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ’ યાદ છે? એ ગીતની એક બહુ પ્રખ્યાત કડી છે, ‘લડકપન ખેલ મેં ખોયા, જવાની નીંદભર સોયા; બુઢાપા દેખકર રોયા, વહી કિસ્સા પુરાના હૈ...’ ગીતોના શોખીન તમામ વડીલોને આજે કહેવું છે કે આ ગીતને બિલકુલ સાચું માનતા નહીં. જરાય એટલે જરાય નહીં. શું કામ ભાઈ? શેના માનમાં બુઢાપો જોઈને રડવું છે? કોઈ જરૂર નથી. અરે, આ તો ગ્રેસ પિરિયડ છે જીવનનો. ઇંગ્લિશમાં ગ્રેસ પિરિયડનો અર્થ થાય છે છૂટનો સમય. ગ્રેસ એટલે ઔર ઝ્યાદાવાળી વાત. એક્સ્ટ્રા. ફ્રી. પછી એ સમયની બાબતમાં હોય કે માક્ર્સની બાબતમાં હોય. કૉલેજના દિવસોમાં ગ્રેસ માર્કથી પાસ થવાની સગવડ યાદ છે? ગ્રેસનો એક અર્થ ઉમેરો છે તો બીજો અર્થ મોહકતા છે. આકર્ષકતા. ગ્રેસફુલ દેખાઓ છો એટલે કે તમે શાલીન અને મોહક દેખાઓ છો. મૉરલ ઑફ ધ સ્ટોરી, બુઢાપો એ ગ્રેસફુલ સમય છે. વધારાનો પણ અને મોહક પણ. એમાં રડવાનું હોય? રડવું આવે તો પણ એ ખુશીનાં જ આંસુ હોય કે નહીં? એક તો કંઈક એક્સ્ટ્રા મળ્યું અને મોહક મળ્યું. તમે શૉપિંગ માટે જાઓ અને કોઈ દુકાનવાળો તમને કંઈક ફ્રી ગિફ્ટ આપે તો તમે રડવા બેસો છો? નહીંને? તો બુઢાપામાં આવીને શેની નિરાશાઓ ઘેરી વળે છે? શેનાં વારંવાર ઝળહળિયાં આવી જાય છે? ફરીથી કહું છું, નો. બિલકુલ નહીં ચાલે. બુઢાપો ઉત્સવ છે. તમને અભિનંદન કે તમે ઘડપણમાં આવ્યા. બાળપણ જીવ્યા, યુવાની જીવ્યા અને હવે ઘડપણને જીવવાનો અવસર પણ તમને મળ્યો એ ઈશ્વરની કૃપાનું પરિણામ છે. એને સેલિબ્રેટ કરો. બુઢાપાની પણ કેટલીક શ્રેષ્ઠતમ બાબતો છે. યસ, કેટલીક એવી મજાની બાબતો જેની તરફ નિરાશા, ગ્લાનિ અને અંત તરફના પ્રયાણને કારણે ધ્યાન જ નથી આપી શકતા અને આ કોઈ ફિલોસૉફિકલ બાબત નથી. ફિલોસોફી હોઈ પણ ન શકે, કારણ કે આ જીવનની વાસ્તવિકતા છે. ઘડપણની ગમવા માંડે એવી બાબતો કઈ એના વિશે આજે થોડીક વાત કરીએ...

૧. હવે તમે મુક્ત છો


યસ, ઘણી જવાબદારીઓ ઓછી થઈ છે. દીકરાઓના ભણવાની ચિંતા નથી. મોટા ભાગના વડિલાના સંતાનો તો પરણી પણ ગયા હશે. તેમને ત્યાં પણ બાળકો. તેઓ પોતાની મસ્તીમાં મસ્ત અને તમે તમારી મસ્તીમાં. યાદ કરો એ દિવસો જેમાં તમારે બાળકોની એક્ઝામ મુજબ તમારાં વેકેશન પ્લાન કરવા પડતાં હતાં. યાદ કરો એ દિવસો જ્યારે તમારે બાળકોની ફીની ચિંતામાં ઓવરટાઇમ કામ કરવો પડતો કે ફિલ્મ જોવા જવાનું મુલતવી રાખવું પડતું હતું. હવે એવું કંઈ નથી કરવાનું. મોટા ભાગના વડીલો આ બાબતને નેગેટિવલી જુએ છે. જેમ કે તેમના મોઢે ફરિયાદ હોય કે મેં તો મારાં બાળકો માટે કેવો- કેવો ભોગ આપ્યો છે, પણ એ લોકો આજે અમારી જરાય કદર નથી કરતા. પોતાની મસ્તીમાં મસ્ત છે. અરે, ભલા વડીલ, તમારો દીકરો કે દીકરી તો ખરેખર શ્રવણનો અવતાર કહેવાય કે તે તમને તમારી રીતે જીવવાની લિબર્ટી આપે છે. તમારે શું કામ ઊંધી રીતે જ વાતને જોવી છે? પ્રયત્ન કરોને એ રાહતને અનુભવવાની જેમાં જવાબદારીઓનો ભાર નથી. હળવાશ છે. શાંતિ છે. ચિંતાનાં કારણો ઘટuાં છે. એને માણવાનું હોય કે એ ઘટી કેમ ગયાં એની પણ ચિંતા કરતા બેસવાનું? શાણાને સાન. સમજાઈ ગયુંને?

૨. ભરપૂર સમય છે

યાદ કરો તમારું બાળપણ અને યુવાનીના દિવસો. સમયનો કેટલો અભાવ સહ્યો છે તમે. પરિવાર માટે તો શું, જાત માટે પણ સમય નહોતો મળતોને. કેટલીયે વાર તમે તમારાં મનગમતાં કામને પણ મોકૂફ રાખ્યાં છે માત્ર ને માત્ર આ સમયના અભાવે. વહાલા વડીલ, સમય છે હવે તમારી પાસે. ભરપૂર સમય. એમ કહોને કે અત્યાર સુધી માત્ર તમે જિંદગીને વેંઢારી હતી, પણ હવે જિંદગીને જીવવાનો સમય છે. અહીં એક સ્પષ્ટતા કરી લઈએ કે સમયને કાળ તરીકે જોવાને બદલે સમયને હળવાશ તરીકે જોવાનો મહાવરો કેળવશોને તો જીવવાની બહુ મજા આવશે. ક્યારેક કંઈ જ કર્યા વિના બેઠા રહેવાનો સમય, અંધારી રાતે આકાશમાં ઊગતા તારાઓને જોઈને કૌતુક કરવાનો સમય, ગાર્ડનમાં બેઠાં-બેઠાં ફૂલ પર બેઠેલા નાનકડા પતંગિયાના રંગોનો આનંદ લૂંટવાનો સમય, ચાની ચૂસકી લેતી વખતે એના સ્વાદ સાથે જૂના મિત્રો સાથે માણેલી રંગતને મમળાવવાનો સમય, ભૂતકાળની મીઠી યાદોને વાગોળવાનો સમય, ચારેય બાજુ વેરાયેલા વર્તમાનના સૌંદર્યને સ્પર્શવાનો સમય, જેની સાથે જીવનની સર્વાધિક અંગત ક્ષણો જીવી છે એ પત્નીના સ્વરૂપમાં અને તેની મોહકતામાં આવેલા બદલાવોને ધ્યાનથી જોવાનો સમય, પૌત્રની આંખમાં દેખાતી ચમત્કૃતિમાં ખોવાઈ જવાનો અને તેના પર વાત્સલ્ય વરસાવવાનો સમય. દુનિયાની શ્રેષ્ઠ સંપત્તિ સમય છે. ઘડપણમાં તમને એ છપ્પર ફાડીને મળે છે. તમારાથી વધુ અમીર કોણ છે બીજું? માણોને આ સમયને. આખી જિંદગી ઊંધા માથે માત્ર દોડતા રહ્યા છો, એક ઘડીની નવરાશ કાઢીને જિંદગી જીવવાની મોકળાશ નથી ભોગવી. હવે ભોગવી લો, કારણ કે તમારી પાસે હજી સમય છે. એ પણ ભરપૂર.

૩. મનગમતું કરવાનો સુવર્ણ અવસર

ગમતું એ બધું જ કરવાની તક જિંદગીનો આ પડાવ તમને ઉપલબ્ધ કરી આપે છે. જે તમે બાળપણમાં ભણવાના પ્રેશર વચ્ચે અને યુવાનીમાં પરિવાર તથા પૈસા કમાવાના પ્રેશર વચ્ચે નથી કરી શક્યા એ કરવાની તક તમારી સેવામાં હાજર છે. આ જ જિંદગીનો એ સુવર્ણ સમય છે જેમાં તમે તમને પ્રિય તમામ બાબતો કરી શકો છો. પછી એ ફિલ્મો જોવાની વાત હોય, તમારા પ્રિયજન સાથે રોમૅન્ટિક સમય પસાર કરવાની વાત હોય, ડાન્સ, સંગીત, નાટકો જેવી કોઈ પણ ગમતી બાબતો શીખવાની વાત હોય. અરે, મનમાં ક્યારેક સીટી વગાડવાની ઇચ્છા જાગી હોય અને ન વગાડી હોય તો એ વગાડવાની પણ છૂટ. જોકે ધ્યાન રહે કે એ ઉત્સાહમાં ક્યાંક ખોટી વ્યક્તિ સામે હોય ને આ હરકત ન થઈ જાય. અરે નવા મિત્રો બનાવો, વિવિધ ગ્રુપ્સમાં જાઓ અને ઍક્ટિવિટી કરો. પૈસાનો પ્રૉબ્લેમ હોય તો જેમાં ઓછામાં ઓછા પૈસા લાગતા હોય એવી કોઈ ઍક્ટિવિટીમાં સમય ફાળવો. પૉસિબલ બધું જ છે, મનમાં જો વિઝન ક્લિયર છે તો રસ્તાઓ તો ક્યાંયથી પણ નીકળશે. વિઝન બનાવવા માટે તમારે કોઈ બહુ મોટા બિઝનેસમૅન બનવાની જરૂર નથી. જીવન જીવવાનું, જીવનને આનંદપૂર્વક અને ગમતીલું બનાવીને જીવવાનું પણ એક વિઝન કેમ ન હોઈ શકે?

૪. જિંદગીના રંગમંચના નિરીક્ષક બનવાની તક

શેક્સપિયરે તો આ કહેલું જ, પણ તેમના વિશે બહુ ખબર ન હોય તો ‘આનંદ’ ફિલ્મમાં રાજેશભાઈ ખન્ના પણ આ કહીને ગયા છે, જેનો ભાવાર્થ એવો છે કે જિંદગી એક રંગમંચ છે અને આપણે બધા એના કિરદાર છીએ. બધાએ પોતપોતાનો કિરદાર ભજવવાનો અને પછી ટા ટા-બાય બાય. મૉરલ ઑફ ધ સ્ટોરી એટલો જ કે જિંદગીમાં આપણે એક કિરદાર ભજવવા માટે જન્મ્યા, બાળપણ અને યુવાનીમાં અનુભવોનું ભાથું ભેગું કર્યું. હવે તમને ઘણી બાબતો સમજાય છે અને તમે ખાધેલી ઠોકરોનો સામનો તમારા પછીની પેઢીએ ન કરવો પડે એ માટે તમે તેમને કંઈક શિખામણ આપવા માગો છો. જોકે નવી પેઢીને તમારી સુફિયાણી સલાહમાં જરાય રસ નથી અને વિશ્વાસ પણ નથી અને આ વાત વડીલોને સૌથી વધુ પીડે છે. સાલું, હું સાચું કહું છું, તારા લાભ માટે કહું છું તો એનો આભાર માનવાને બદલે તું સાવ એહસાન ફરામોશની જેમ શું કામ વર્તે છે? પેલી કહેવત સાંભળી છેને કે માગ્યા વિના તો મા પણ ન પીરસે. આ નિયમ તમારે અપનાવવો પડશે. તમે તમારો કિરદાર ભજવી લીધો છે અને હવે તમારી પાસે આ રંગમંચના દર્શક બનવાની તક છે. પહેલો નિયમ બનાવો, વણમાગી સલાહ કોઈને આપવી નહીં અને દર્શક બનીને જીવવું. તમારી પાસે જે અનુભવોનું ભાથું છેને એનો ઉપયોગ તમે માત્ર તમારા માટે કરો. જેમ કે સલાહ નહીં આપવાની, પણ ઑબ્ઝર્વર તો બનવાનું. ધારો કે દીકરો ઇન્વેસ્ટમેન્ટનો વિચાર કરે છે, પણ તમારી પાસે સલાહ નથી માગી તો પણ તમને ખબર પડી છે તો એમાં શું-શું થઈ શકે છે એનું મગજમાં લિસ્ટ બનાવો. તમારું ફોરકાસ્ટ, ભવિષ્યવાણીનો વિચાર કરો. છ મહિના કે એક વર્ષ પછી જ્યારે એ ફોરકાસ્ટ સાચું પડે ત્યારે જાતે જ પોતાના કૉલર ટાઇટ કરી લો, તમારો અંદાજ સાચો પડ્યો એની ખુશીમાં. જોકે શરત એટલી જ કે આ બધું તમારે તમારા પૂરતું જ કે તમારા ખાસ મિત્રો પૂરતું જ રાખવાનું. બહુ એને લગતા ઢંઢેરા નહીં પીટવાના. દૃષ્ટા બનવાનો અને ઑબ્ઝર્વર બનવાનો આ શ્રેષ્ઠ સમય છે.

૫. સમાજ માટે કંઈક કરવાનો અવકાશ

અહીં ઘરે-ઘરે જઈને ધાબળાઓ વેચવાની વાત નથી ચાલી રહી, પણ નાનામાં નાનું કામ પણ સમાજના હિતમાં તમારાથી થાય એ પણ રોજ એવી ઍક્ટિવિટીને જીવનમાં ઉતારવાની વાત ચાલી રહી છે. જેમ કે તમારા વિસ્તારમાં કચરો ભેગો થયો છે અને મુંબઈ મહાનગરપાલિકાની ગાડી નથી આવી તો તમારી વૉર્ડ-ઑફિસમાં એક ફોન કરી લો. રસ્તામાં એકાદ નાનકડો પથરો પણ ઉઠાવીને એની જગ્યાએ મૂકવાનું કાર્ય સમાજનું કાર્ય છે. કોઈકે એક જોક સંભળાવી ને તેના ચહેરા પર સ્મિત પાથરવાનું કામ પણ સમાજનું કાર્ય છે. તમારા ઘરની નજીકમાં કોઈ ગાય કે કૂતરાને રોટલી ખવડાવીને એના માથે વહાલથી હાથ ફેરવવાની ઍક્ટિવિટી પણ તમને ભરપૂર એનર્જી આપી શકે છે. નક્કી કરો કે રોજ એવી ઓછામાં ઓછી એક ઍક્ટિવિટી તમે કરશો.

ટ્રેન-પાર્ટીમાં જવું છે?


આ રવિવારે સવારે સાડાસાત વાગ્યે કિશોર કૂવાવાળા અને તેમના મિત્રોનું વતુર્ળ ચર્ચગેટ સ્ટેશનથી બોરીવલીની ધીમી લોકલમાં એક અનોખો મેળાવડો યોજી રહ્યા છે. ચર્ચગેટથી બોરીવલી અને બોરીવલીથી ચર્ચગેટ એમ લગભગ અઢી-ત્રણ કલાકની જર્નીમાં સૌ મળીને અંતાક્ષરીથી લઈને જોક્સ, લાફ્ટર સેશન, નાસ્તાપાણી એમ અનેક ઍક્ટિવિટી કરવાના છે. સસ્તામાં સિદ્ધપુરની યાત્રા જેવો નજીવા બજેટમાં મૅક્સિમમ આનંદ લૂંટવાનો આ પ્રયાસ પહેલી વાર થવા જઈ રહ્યો છે. એમાં તમે પણ જોડાઈ શકો છો.

ખુશીનો ધોધ તમારી સામે છે, તમારે તો માત્ર એને શોધીને જીવનમાં લાવવાનો અનુભવ કેળવવાનો છે. લાફ્ટર ક્લબમાં આવતા ઘણા વડીલો આજે ઘણીબધી રીતે સ્વસ્થ થતા જોયા છે. સફેદ વાળ અને મોઢા પર પડેલી કરચલીઓથી કંઈ તમારી વિચારવાની, અનુભવવાની કે જિંદગીને માણવાની કૅપેસિટી ઘટી નથી જતી. એ વાત દરેક વડીલે યાદ રાખવી જોઈએ

- કિશોર કૂવાવાળા, લાફ્ટર થેરપિસ્ટ

અત્યારના વડીલોને ત્રણ બાબતો ખૂબ ખરાબ રીતે પીડે છે. તંદુરસ્તી, પૈસાનો અભાવ અને એકલતા; આ ત્રણેય બાબતોમાં ચેન્જિસ લાવી શકાય એમ છે. પહેલેથી જ પૈસાની બાબતમાં ધ્યાન અપાવું જોઈએ અને ધારો કે ન અપાયું હોય તો પણ રિટાયરમેન્ટ પછી પોતાના છેલ્લા શ્વાસ સુધી પોતાની મિલકત અને સંપત્તિ પોતાના હિસ્સામાં રાખવી એ બહુ મહત્વની બાબત છે. બીજું, એકલતા દૂર કરવા માટે ગ્રુપ્સમાં જોડાઓ. હવે તો એવાં પુષ્કળ ગ્રુપ અવેલેબલ છે. આપણે ત્યાં હાઉ ટુ ગ્રો ઓલ્ડનો કોઈ કન્સેપ્ટ જ નથી. એટલે જ વ્યસનો, કસરતનો અભાવ અને ખાવાપીવાની ખોટી આદતોનાં દુષ્પરિણામો વધતી વયે ભોગવવાનાં આવે છે. એમાં જ્યારે આંખ ખૂલે ત્યારથી હલકી કસરતો, ખોરાકમાં થોડુંક નિયમન અને અધ્યાત્મનું ચિંતન કરવાથી ઘણો લાભ થઈ શકે છે

- શૈલેશ મિશ્રા, સિનિયર સિટિઝનના હિતમાં કામ કરતા ઍક્ટિવિસ્ટ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK