કેટલા પેરન્ટ્સને ખબર છે કે પહેલા અને બીજા ધોરણમાં ભણતા તેમના બાળકને આપવામાં આવતું હોમવર્ક ગેરકાનૂની છે?

બાળકોને પ્રોજેક્ટ્સ કરી આપતા પેરન્ટ્સ પાસેથી બાળક શું શીખે? પોતાને કરવાનું કામ મમ્મી-પપ્પા અથવા તો બહારનાં કોઈ અંકલ કે આન્ટી પાસેથી કરાવી લેવાનું

childસોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

ગયા મંગળવારે મદ્રાસની હાઇકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન ઉર્ફે CBSEનો કાન આમળ્યો હતો. શા માટે એ જાણશો તો મજા આવી જશે. ખાસ કરીને નાનાં બાળકોે અને તેમનાં મમ્મી-પપ્પાઓ તો ખુશ થઈ જશે. મામલો CBSE સ્કૂલોમાં પહેલા અને બીજા સ્ટાન્ડર્ડમાં ભણતાં બાળકોને સ્કૂલમાંથી આપવામાં આïવતા હોમવર્ક અને તેમની સ્કૂલબૅગ વિશેનો છે. આમ તો આ કિસ્સો ઘણો જૂનો છે. છેક ૧૪ વરસ પહેલાં ૨૦૦૪માં, ત્યાર બાદ અદાલતના આદેશને અનુસરીને ફરી ૨૦૦૭માં અને પછી ૨૦૧૬માં પણ CBSE બોર્ડે‍ પોતાની સ્કૂલોમાં પહેલા અને બીજા ધોરણનાં બાળકોને હોમવર્ક ન આપવાની સૂચના આપતો પરિપત્ર બહાર પાડેલો, પરંતુ આ દિશામાં કોઈ બદલાવ નથી આવ્યો. અદાલતે અગાઉ બાળકોના ખભેથી સ્કૂલ બૅગનો બોજો ઓછો કરવાની તાકીદ પણ કરી હતી, પરંતુ આજે પણ ભારેખમ બસ્તા ઉપાડીને સ્કૂલે જતાં ભૂલકાં આપણે જોઈએ છીએ.

ગયા મંગળવારે આવેલા ચુકાદામાં અદાલતે CBSE બોર્ડને ઠપકાના સૂરમાં કહ્યું હતું કે હવે બધાં જ પ્રસારમાધ્યમોમાં ‘નો હોમવર્ક’ના કાયદાનો પ્રચાર કરો અને જે સ્કૂલ બોર્ડના આ નિયમનું ઉલ્લંઘન કરે એની સામે કડકમાં કડક પગલાં લો. આ સાથે જ અદાલતે સીબીએસઈ પ્રતિનિધિને સવાલ કર્યો કે તમારી બધી સ્કૂલો આ નિયમનું પાલન કરે એ માટે તમે શું વ્યવસ્થા કરી છે? અદાલતે એ પણ પૂછ્યું હતું કે તમે કહો છો તમારા બોર્ડ સાથે સંલગ્ન અઢાર હજાર સ્કૂલો છે અન તમારો સ્ટાફ બારસો માણસોનો છે તો આનો અમલ કેવી રીતે કરાવશો? એના જવાબમાં સીબીએસઈ પ્રતિનિધિએ જવાબ આપ્યો કે જ્યારે-જ્યારે આ નિયમના ઉલ્લંઘનની જાણ થશે ત્યારે CBSE પગલાં લેશે!’ આ તે કેવો બેજવાબદાર જવાબ? સહજ છે અદાલતના ન્યાયમૂર્તિએ તેમનો આ ખુલાસો સ્વીકારવાની ના પાડી દીધી હતી.

સીબીએસઈ આ પ્રતિભાવનો મતલબ એ થયો કે કોઈ CBSE સ્કૂલમાં પહેલા કે બીજા ધોરણમાં ભણતા બાળકને હોમવર્ક આપવામાં આવે અને એ વિશે તેના પેરન્ટ્સ બોર્ડને ફરિયાદ કરે તો બોર્ડ એ સ્કૂલ સામે પગલાં લે! પરંતુ આજે એમાંના કેટલા પેરન્ટ્સને ખબર છે કે તેમના બાળકને આપવામાં આવતું હોમવર્ક ગેરકાનૂની છે? મને લાગે છે આ વિશે સર્વે કરવામાં આવે તો મોટા ભાગના પેરન્ટ્સ આ બાબતથી અજાણ જ હોવાના. તો પછી તેમને ફરિયાદ કરવાનો વિચાર જ ક્યાંથી આવે? આ જ કારણ છે કે  અદાલતે CBSE બોર્ડને ‘નો હોમવર્ક અપ ટુ ક્લાસ ટુ’ના નિયમ વિશે પ્રસારમાધ્યમોમાં (આમાં પ્રિન્ટ એટલે કે અખબારો, ઇલેક્ટ્રૉનિક કે ડિજિટલ મીડિયા, બધાં જ આવી જાય) બહોળો પ્રચાર કરવાની કડક તાકીદ કરી છે.

ર્કોટની ઝાટકણી છતાં હજી પણ CBSE બોર્ડ દ્વારા બાળકોના હિતના આ ચુકાદાનો અમલ થશે કે કેમ એ મોટો પ્રfનાર્થ છે, પરંતુ એક વિચાર આવે છે- બાળકોના હિતની જવાબદારી શિક્ષણ બોર્ડ કે સ્કૂલ કે અદાલતની જ છે? પેરન્ટ્સ કે વાલીની નથી?

જેમનાં બાળકો સીબીએસઈની સ્કૂલોમાં પહેલા-બીજા ધોરણમાં ભણતાં હોય એ લોકો જાગ્રત થાય તો આ નિયમનું પાલન જરૂર થઈ શકે! ચમકો નહીં, સોશ્યલ મીડિયાની સગવડવાળા આજના સમયમાં સ્કૂલ બૅગ લઈને જતા તે બાળકનો કે તેને હોમવર્ક કરાવતા પેરન્ટ સાથેનો તેમનો ફોટો ક્લિક કરીને શિક્ષણપ્રધાન કે કાયદાપ્રધાનને અને સીબીએસઈના બોર્ડના અધ્યક્ષને મોકલી આપવાનો. આવું એકલદોકલ પેરન્ટ જ નહીં, એ ક્લાસનાં બધાં જ બાળકોના પેરન્ટ્સ કરે અને આવું વીસ હજાર સ્કૂલોનાં પહેલાં-બીજા ધોરણનાં બાળકોના પેરન્ટ્સ કરે તો? કંઈક તો અસર થાયને! મને લાગે છે જરૂર થાય.

હોમવર્કની વાત ભલે નાની લાગે, પરંતુ આજે મોટા ભાગનાં ઘરોમાં આવડાં નાનાં બાળકોને હોમવર્કમાં જે પ્રોજેક્ટ કે ડ્રૉઇંગ કરવાનાં હોય છે એ તેમના પેરન્ટ્સ કરી આપે છે. કેટલાક પેરન્ટ્સ  તો  પ્રોફેશનલ લોકોને નાણાં ચૂકવીને બાળકોના પ્રોજેક્ટ તૈયાર કરાવે છે. હવે આમાંથી બાળક શું શીખે? એ જને કે પોતાને કરવાનું કામ મમ્મી-પપ્પા પાસે કરાવવાનું અથવા તો બહારનાં કોઈ અંકલ કે આન્ટી પાસેથી કરાવી લેવાનું! એ બાળકને જાતમહેનતના પાઠ કેવી રીતે શીખવીશું? આમ કરીને આપણે બાળકને મોટું નુકસાન પહોંચાડીએ છીએ એનો કદાચ મા-બાપને કે સ્કૂલોને પણ અંદાજ નથી.

બાળકોને નાનપણથી શિસ્ત કેળવવા માટે હોમવર્ક જરૂરી છે એમ માનનારો પણ એક વર્ગ છે, પરંતુ બાળકો પોતાની મેળે રસથી અને ઉત્સાહથી કરી શકે એવું કોઈ લર્નિંગ અસાઇનમેન્ટ તેમને માટે શોધી શકાયને! આજે લગભગ મોટા ભાગનાં ઘરોમાં બે-ત્રણ વરસનાં બાળકો મમ્મી કે પપ્પાના મોબાઇલથી રમતાં જોવા મળે છે. શિક્ષિત

મમ્મી-પપ્પાને ખબર છે કે મોબાઇલ ફોન બાળકને માટે અત્યંત હાનિકારક છે છતાં તેઓ બાળકને જમાડતી વખતે કે પોતે કામમાં બિઝી હોય પોતાની સગવડ ખાતર બાળકના હાથમાં મોબાઇલ પકડાવી દે છે. પછી જ્યારે બાળક પાસેથી મોબાઇલ છોડાવવો હોય ત્યારે એ કેટલો નુકસાનકારક છે એની વાત કરે છે! આજનું સ્માર્ટ બાળક તેમની એ દલીલને કેટલી સ્વીકારશે?

ખેર! હોમવર્ક વિશે પણ એક વિચાર આવે છે. આજે ઘણાંખરાં ઘરોમાં મમ્મી અને પપ્પા બન્ïને બહાર કામ કરતાં હોય છે. ઓછામાં પૂરું બૉસ જેવો મોબાઇલ તો સતત તેમને પોતાની સેવામાં વ્યસ્ત રાખવા તત્પર હોય છે.

એવામાં નાનાં બાળકો સાથે રમવા કે વાતો કરવા માટે તેમની પાસે સમય નથી હોતો. તો મમ્મી-પપ્પા સાથે કંઈક રમવું કે કોઈક પ્રવૃત્તિ કરવી એ જ આ બાળકોનું હોમવર્ક ન હોવું જોઈએ? એનાથી બાળકો અને મમ્મી-પપ્પા બન્નેને ફાયદો થશે અને બીજે દિવસે ટીચરે દરેક બાળકને તેણે હોમવર્કમાં શું પ્રવૃત્તિ કરી એ પૂછે એમાંથી તેને પણ બાળકના પારિવારિક બૅકગ્રાઉન્ડનો અને ભાવનાત્મક  સ્તરે તે કેટલું સલામતી મહેસૂસ કરે છે એનો ખ્યાલ આવી શકે. અને ક્યારેક તો બાળકનાં કેટલાંક અકળ વર્તનનો ખુલાસો પણ ટીચરને આ એક્સરસાઇઝમાંથી મળી જાય એવું પણ બની શકે! અનોખા હોમવર્કનો આ અખતરો કરવા જેવો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK