બદલાવું આવશ્યક છે અને બદલાતા રહેવું અનિવાર્ય છે

જો એના માટે તૈયારી રાખશો તો ને તો જ અસ્તિત્વ ટકાવી રાખવાનું સામર્થ્ય જાળવી શકશો. અન્યથા ભૂતકાળ બની જશો અને કોઈ તમને યાદ પણ નહીં કરે

manoj



સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

બદલાવું જરૂરી છે. ઋતુ મુજબ રંગ પણ લઈ આવવો પડે અને જો એ લઈ આવવામાં ક્યાંય પણ પાછળ રહી ગયા, ક્યાંય પણ તમને તમારો મૂડ નડ્યો કે તમારા જડ જેવા સ્વભાવે તમને રોક્યા તો અસ્તિત્વ ટકાવી રાખવાનું કામ પણ માત્ર અઘરું નહીં, અશક્ય થઈ જશે અને એ અશક્યતાઓ અસંભવના મૂડમાં આવી જશે તો ખોવાઈ જતાં અને ભૂતકાળ બનતાં તમને કોઈ રોકી નહીં શકે. યાદ રાખજો કે બદલાવું અનિવાર્ય છે, આવશ્યક છે અને જરૂરી છે. જો મોસમ બદલાઈ શકતી હોય તો પછી હું અને તમે તો હાડમાંસના જીવ છીએ. સમય અનુસાર બદલાવામાં શું તકલીફ પડે અને શું કામ તકલીફ પડવી પણ જોઈએ? નહીં બદલાયેલા તમામનું નિકંદન નીકળી ગયું છે. આ જ વાત પ્રોડક્ટને પણ લાગુ પડે છે અને આ જ વાત પર્સનાલિટીને પણ લાગુ પડે. જો તમે તમારામાં મસ્ત રહેવા માટે સર્જાયા હો, જો તમે તમારી જાતને જ કેન્દ્રમાં રાખવા માટે તૈયાર થયા હો તો પણ તમારે સમયને માન આપીને, સમયને મહત્વનો ગણીને અને સમયને સનાતન સત્ય ગણીને બદલાવું પડે. ભલભલા ખેરખાં પણ આવું ન કરીને ખોવાઈ ગયા અને ભલભલા ધુરંધરો પણ પોતાની અકડાઈ અને અવળચંડાઈમાં ભુલાઈ ગયા. ભુલાવું ખોટું નથી. આગંતુક માટે સ્થાન ખાલી કરવું એ પણ સમયચક્રની નિશાની છે, પણ સ્થાન ખાલી કરી આપવાનો સમય હોવો જોઈએ અને એ માટેની ઉંમર પણ હોવી જોઈએ.

નોકિયાની કોઈ ઉંમર નહોતી ઍપલના આઇફોન કે પછી ગૂગલના ઍન્ડ્રૉઇડ પ્લૅટફૉર્મને ખાલી કરી આપવા માટેની અને એ પછી પણ એણે જગ્યા કરી જ આપવી પડી. સિમ્બિયન પ્લૅટફૉર્મ પર મુસ્તાક રહેનારી નોકિયા કંપનીના મોબાઇલ આજે ભૂતકાળ છે અને એ મોબાઇલ કેમ વાપરવા એનું સંશોધન કરનારી પેઢી ટ્રેન્ડસેટર બની ગઈ છે. એક સમયની નંબર વન મોબાઇલ કંપની પણ જો રાતોરાત ભૂતકાળ બની જાય, રાતોરાત એણે પણ પોતાના હરીફો માટે રસ્તાઓ ખાલી કરી આપવા પડે તો સાહેબ, સાસુઓને જોર શેનું ચડે છે? સફેદ વાળને છુપાવવા માટે મહેનત કરતાં સાસુ અને વહુના કજિયામાં જો કંઈ નડી રહ્યું છે તો આ જ ન બદલાવાની માનસિકતા છે. તે જ્યારે ઘરમાં વહુ બનીને આવી ત્યારે ચેન્જની અપેક્ષા રાખતી હતી, પણ જ્યારે સાસુ બનવાનું બન્યું ત્યારે તેને જ ઘરમાં થઈ રહેલા બદલાવો નડવાના શરૂ થઈ ગયા. વહુની વર્તણૂકમાં પરિવારની બાગડોર છીનવી લેવાની ભાવના દેખાઈ આવી, પણ આ જ કામ જ્યારે ભૂમિકા જુદી હતી ત્યારે તેણે પણ કર્યું હતું અને ચેન્જ જરૂરી છે એવાં ગાણાં તેણે પણ ગાઈ જ લીધાં હતાં તો પછી આજના આ ચેન્જનો વિરોધ શું કામ અને આજના આ ચેન્જનો અસ્વીકાર શું કામ?

નવું શાસન આવશ્યક છે અને જો એ સ્વીકારવામાં આવે તો જ નવા શાસન સાથે તાલમેલ મિલાવવાની ક્ષમતા ઊભી થાય. નવું રાજ, નવો વિચાર અને નવી વિચારધારા પાણી જેવાં છે. એ પોતાની જગ્યા કરી લેશે અને પોતાનું સ્થાન બનાવી લેશે. મહત્વનું એ જ છે કે જો એને પોતાનું સ્થાન બનાવવામાં તકલીફ નથી પડવાની તો પછી તમને તમારા સ્થાનમાંથી થોડી જગ્યા આપવામાં જોર ક્યાં પડી જાય છે? સિમેન્ટ જો પોતાની આૈકાત સમજી લે તો પાણીએ પોતાનો માર્ગ કરવા માટે જોર કરવું ન પડે અને જો એણે જોર કરવું ન પડે તો સિમેન્ટને લાગનારો ઘસારો પણ સિમેન્ટે સહન ન કરવો પડે. જોકે એવું નથી થતું અને એટલે જ ઘર્ષણ જન્મે. આ જ ઘર્ષણ તો પ્રfન છે, આ જ ઘર્ષણ જીવનને અસ્તવ્યસ્ત કરવાનું કામ કરે છે. આગળ કહ્યું એમ પ્રોડક્ટ હોય કે પર્સનાલિટી, વ્યક્તિ હોય કે વસ્તુ; તમારે બદલાવની તૈયારી રાખવી પડશે, તમારે બદલાવ માટે તૈયાર રહેવું પડશે અને જરા પણ ભૂલતા નહીં તમે. બદલાવ ક્યારેય ખરાબ હોતો નથી. ચોમાસામાં આંબાને પોષણ મળે છે અને મોર આવે છે, શિયાળો આવતા સુધીમાં આ મોર કાચી કેરીમાં પરિવર્તિત થાય છે અને એટલે જ ઉનાળામાં પાકી કેરીનો આનંદ લઈ શકાય છે. જો આંબો બદલાવ સ્વીકારવાની ના પાડી દે તો એનું મૂલ્ય બાવળ સમું થઈ જાય અને બાવળનું કોઈ મૂલ્ય નથી એવી કોઈ સ્પષ્ટતાની જરૂર નથી. જો મોરથી આફૂસ સુધીની સફર પૂરી કરવી હોય તો ચેન્જ સ્વીકારવો પડશે, એને અપનાવવો પડશે. આ ચેન્જમાં ના કહેવાની ક્ષમતા પણ કેળવવી પડશે અને હા કહેવાનું કૌવત પણ વિકસાવવું પડશે.

આ ચેન્જ અપનાવવા માટેની સક્ષમતા ત્યારે જ આવે જ્યારે મક્કમતા મનમાં ધરી શકાવાની હોય અને એ મક્કમતાની સાથે વાજબી રીતે વળવાની પણ તૈયારી હોય. વૉટ્સઍપ પર ફરી-ફરીને વાસી થઈ ગયેલું એક ક્વોટેશન યાદ આવે છે. જંગલમાં એ જ વૃક્ષ પહેલાં કપાય છે જે અડગ અને ટટ્ટાર હોય છે. જો અડગ રહેશો, અક્કડ રહેશો, ટટ્ટાર રહેશો અને ટણી રાખશો તો પરિવારમાં પહેલાં તમે જ કપાશો અને એ પણ બધાની સહમતી સાથે કપાશો, બધાની ઇચ્છા મુજબ કપાશો અને બધાની મરજીથી કપાશો. જગતે ક્યાંય તમને એકલા પાડવાની રીત અપનાવવા નહીં જવું પડે, એ કામ આપોઆપ તમે જ કરી નાખશો અને એની રીત પણ તમે જ બધાને શીખવી દેશો અને પહેલી વખત એવું બનશે કે તમારી ગેરહાજરીમાં ખાલી પડેલી ખુરસીના ચહેરા પર ખુશી હશે. વિદાય વસમી હોવી જોઈએ, એ પાંચ-પંદરની આંખમાં આંસુ આપનારી અને પચીસ-ત્રીસના ચહેરા પર માયૂસી પાથરનારી હોય; પણ વસમી વિદાયની વાત છે. નોકિયાની વિદાય વસમી નહોતી. હવે નક્કી તમારે કરવાનું છે કે નોકિયા જેવી એક્ઝિટ લેવી છે કે પછી સમજુ સિમેન્ટની જેમ પાણીને જગ્યા કરી આપવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK