ચોથું વિશ્વયુદ્ધ પાર્કિંગ અને ટ્રાફિક માટે થશે

 ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થવાની ચર્ચા-આગાહી વરસોથી થઈ રહી છે, કારણો અને સમસ્યા આપણી સામે છે. માણસો પર્યાવરણ અને કુદરત સાથે ચેડાં કરી રહ્યા છે એનું આ પરિણામ હશે, જ્યારે ચોથા વિશ્વયુદ્ધની તૈયારી પણ અત્યારથી નાની-નાની લડાઈ સાથે શરૂ થઈ ગઈ છે. કઈ રીતે અને શા માટે? ચાલો જોઈએ

SOCIAL SCIENCE


સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

આ લખનાર તો ત્યારે નહીં હોય, આ વાંચનાર પણ નહીં હોય તેમ છતાં સમય હશે અને એનો ઇતિહાસ હશે જે કહેશે, હા! કોઈએ તો આ કથન કર્યું હતું કે ચોથું વિશ્વયુદ્ધ પાર્કિંગ અને ટ્રાફિક માટે થશે. હા ભાઈ હા, અમને ત્રીજા વિશ્વયુદ્ધની આગાહી યાદ છે. ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના નામે થવાનું છે એ લખાઈ ગયું છે અને કહેવાઈ પણ ગયું છે. પાકું ખબર નથી, પરંતુ ત્રીજું વિશ્વયુદ્ધ જ ટ્રાફિક-પાર્કિંગ માટે થઈ જાય તો પણ નવાઈ નહીં.

ખેર, આ વાત મસ્તી-મજાક લાગી શકે. આવી કોઈ આગાહી પણ કરી શકાય નહીં, પણ  આપણે રોજેરોજ મોટાં શહેરોમાં પાર્કિંગની દશા અને ટ્રાફિકની વ્યથા સાંભળીએ-જોઈએ છીએ તો આવું લાગવું સહજ થઈ જાય છે. આમ પણ આ બન્ને કારણસર અત્યારે પણ રસ્તાઓ પર નાના-મોટા ઝઘડા ચાલે જ છે. એ પણ રોજ, દરેક માર્ગમાં, દરેક મકાનમાં, દરેક ગલીમાં, હાઇવે હોય કે સામાન્ય રોડ કે પછી નાની ગલી; જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જોવા મળે છે અને આડેધડ પાર્કિંગ જોવા મળે છે. કાર, બાઇક, ટ્રક, સ્કૂટર, સાઇકલ, ટેમ્પો કે કોઈ પણ વાહન ચલાવવાની શિસ્ત આપણને વારસામાં મળી જ નથી. ઉપરથી વારસામાં ખરાબમાં ખરાબ રોડ, ખાડા અને ચિક્કાર વાહનોની વસ્તી મળી છે. ઘરદીઠ એક વાહન છે. અમુક શહેરોમાં તો વ્યક્તિદીઠ એક વાહન (સ્કૂટર કે બાઇક) પણ છે.

બહાર જવાની ચિંતા

આઇ ઍમ શ્યૉર કે હવે જ્યારે પણ તમે મુંબઈમાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનું નક્કી કરતા હશો, દાખલા તરીકે બોરીવલીથી ઘાટકોપર યા ઘાટકોપરથી કાંદિવલી કે  બોરીવલીથી એરપોર્ટ તો જેટલો સમય લાગે એના કરતાં ડબલ સમય ગણી લેતા હશો. જો અંતર માત્ર એક કલાકનું હશે તો તમે બે કલાક ગણતા હશો. આ એક વાત થઈ. આ જ બહાર જવાનો વિચાર શનિવાર કે રવિવારે યા જાહેર રજાના દિવસ માટે કરતા હશો તો આનાથી પણ વધુ સમય કાઉન્ટ કરીને પ્લાન કરશો. ઓકે, માની લઈએ કે આ તો હવે કૉમન થઈ ગયું છે. હવે તો મોટા ભાગે લોકો આવા દિવસોમાં બપોરે અર્થાત્ ઑડ ટાઇમે નીકળવાનું પસંદ કરે છે અથવા નીકળવાનું જ ટાળે છે અને બીજો દિવસ અથવા બીજા વિકલ્પો પસંદ કરે છે, જેમ કે પોતાની કાર હોય તો પણ ટ્રેનમાં જવું કે પછી ઓલા યા ઉબરમાં જવું જેથી કાર ચલાવવાનો કે ટ્રાફિકનો કંટાળો તમારા માથે આવે નહીં. ક્યારેક  વળી કાંદિવલીથી કલ્યાણ જવાની નોબત આવે તો એમ બોલાઈ જાય કે બહારગામ જવાનું છે. ટ્રાફિકની અને પાર્કિંગની સમસ્યાને કારણે ઘણા તો બહાર જવાનું, ખાસ કરીને દૂર જવાનું ટાળે છે. આમ પણ હવે સામાજિક વ્યવહારોનું પ્રમાણ ઘટતું જાય છે. અલબત્ત,  સમસ્યાના ઉપાય થઈ રહ્યા છે, પરંતુ ઉપાયની સાથે-સાથે સમસ્યા નવા-નવા સ્વરૂપે વધતી પણ જાય છે.

ટ્રાફિકનું સ્ટ્રેસ અને ફ્રસ્ટ્રેશન

ટ્રાફિકની સમસ્યા એટલી હદે વધતી રહી છે કે હવે તો ટ્રાફિકની સમસ્યા લોકોમાં સ્ટ્રેસ પણ ઊભું કરવા લાગી છે. ક્યાંય પણ જવાનું થાય, પહેલો વિચાર ટ્રાફિકનો (કોઈ પણ સમયે અને પીક અવર્સમાં તો ધીરજની પરીક્ષા થઈ જાય છે) આવે છે. બીજો વિચાર, જ્યાં જઈશું ત્યાં પાર્કિંગ મળશે કે નહીં? આવા વિચાર હવે ચિંતામાં, ટેન્શનમાં અને જાણતાં-અજાણતાં ફ્રસ્ટ્રેશન અને સ્ટ્રેસમાં પણ પરિવર્તિત થઈ રહ્યા છે. આનું પરિણામ એ આવે છે કે વાહનચાલકો નાની-નાની વાતમાં એકબીજા પર ગુસ્સે થઈ જાય છે, ગાળાગાળી પર ઊતરી આવે છે અને વાત વધુ વકરે તો મારામારી પર પણ! શું આ વિશ્વયુદ્ધથી કમ છે? આપણે રોજ લડવું પડે એ પણ યુદ્ધ જ છે અને જે યુદ્ધ આપણા જીવનના વિશ્વને અશાંત કરી નાખે એ પણ વિશ્વ અશાંતિ જ કહેવાય.


આ રોડ તમારા પિતાશ્રીનો છે?

તાજેતરમાં ટ્રાફિક-વિભાગ દ્વારા એક ચોટદાર મેસેજવાળી ટૂંકી ફિલ્મ (જાહેરખબર) બની છે, જેમાં અક્ષયકુમારે ટ્રાફિક-પોલીસ તરીકે અભિનય કર્યો છે. આ ફિલ્મમાં એક સજ્જન પરિવાર સાથે ખોટી રીતે પોતાની કાર વન વે રોડ પર લઈ લે છે, જ્યાં તેને ટ્રાફિક-પોલીસ તરીકે અક્ષયકુમાર રોકે છે અને હસતાં-હસતાં કહે છે, ‘માફ કરજો, મેં તમારી કારને રોકી. મારી ભૂલ થઈ ગઈ, આ રોડ તો તમારા પિતાશ્રીએ બનાવ્યો છે. કેટલું મોટું યોગદાન છે તમારા પરિવારનું, પિતાનું!’ એમ કહી અક્ષયકુમાર તેને એક જાણીતી હસ્તી (જેના નામે એ રોડ હોય છે) તેનું નામ આપે છે. પેલા કારવાળા ભાઈ તેને કહે છે, પરંતુ આ તો મારા પિતાનું નામ નથી. આવું જ કંઈક દૃશ્ય છે અને આવો જ કંઈક સંવાદ છે જેમાં ટ્રાફિક અને શિસ્તનો મેસેજ આવી જાય છે. ઇન શૉર્ટ, કહેવાનો ઉદ્દેશ અને લક્ષ્ય એ છે કે જે રોડ પર તમે વાહન ચલાવો છો એ રોડ તમારા પિતાશ્રીએ બનાવ્યો નથી (સ્પક્ટ શબ્દોમાં કહીએ તો આ રોડ તમારા બાપનો નથી) કે ગમે ત્યાં અને ગમે તે રીતે ક્યાંય પણ ઘૂસી જાઓ છો,  આડેધડ નિયમોનું ઉલ્લંઘન કરો છો.

ક્યાંક સમસ્યા અને ઉપાય તમારા હાથમાં પણ છે

પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાનું કારણ સરકાર અને સત્તાવાળાઓ તો છે જ, તેમના બનાવેલા ચંદ્રની જમીન જેવા રસ્તા પણ છે. વધતી જનસંખ્યા અને વાહનસંખ્યા પણ છે. પરંતુ આ બધા વચ્ચે માનવીની માનસિકતા પણ છે. દરેકને જલદી નીકળી જવું છે, આગળ નીકળી જવું છે, બીજાનું જે પણ થાય; પોતે પોતાનું કામ કરી લેવું છે.ï આ મનોવૃત્તિને લીધે વાહનચાલકો નિયમોના પાલનની ઐસી-તૈસી કરતા રહે છે, એક કરે એટલે બીજો કરે અને બીજો કરે એટલે બધા જ કરે. સિગ્નલ તોડવાં, ગમે ત્યાં ગાડી પાર્ક કરવી, ગમે ત્યાં ગાડી ઊભી રાખી દેવી, લાઇન તોડવી, ગમે ત્યાં ઘૂસી જવું, આડેધડ સ્પીડ પર ચલાવી અકસ્માત કરવા, પોતાના સ્વાર્થ માટે બીજા અનેકને ધક્કે ચડાવવા વગેરે જેવી બાબતો માણસોની  ઊભી કરેલી સમસ્યા છે. જો દરેક માનવી ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરે તો પણ આ સમસ્યા ક્યાંક ને કંઈક હળવી થઈ શકે છે. પ્રજા સરકાર પર સારા માર્ગ માટે દબાણ લાવે તો પણ થોડી રાહત થઈ શકે. ટોલનાકાનાં સૉલ્યુશન કરાય તો પણ કંઈક હળવાશ થઈ શકે. રોડનું બાંધકામ યોગ્ય થાય તો પણ ફરક પડે. શાસન, શિસ્ત તેમ જ સ્વશિસ્ત વિના આ સમસ્યાનો વહેલો ઉપાય નહીં થાય. આ રોડ મારા બાપાનો નથી, બધાના બાપાઓનો છે એથી દરેકે એકબીજાને સહકાર આપવો અને નિયમોને અનુસરવું એ નર્ણિય લેવાય તો રોજેરોજનું આ યુદ્ધ ટળી શકે છે. દોસ્તો, કમ સે કમ આપણામાંથી દરેક જણ આ બાબત પ્રત્યે સચેત થાય અને પોતે નિયમપાલન કરવાનો આગ્રહ રાખે તો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK