આજે છે હસવાનો, હસાવવાનો દિવસ સ્માઇલ પ્લીઝ

મધુરું સ્મિત આપણને અનેક સોગાતો આપે છે. ક્યારેક અમસ્તા જ કોઈના ફેસ પર સ્માઇલ લાવવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએફ્રાઇડે-ફલક - રોહિત શાહ

સંસારમાં કેટલાક માણસો એટલા બધા ગરીબ હોય છે કે તેમની પાસે લાખો-કરોડોના બૅન્ક બૅલેન્સ સિવાય બીજું કશું જ નથી હોતું. ગરીબ એ નથી કે જેની પાસે સંપત્તિ નથી, ગરીબ તો એ છે જેની પાસે સ્મિત નથી. કોઈકને અમસ્તું હસાવી શકાય એ માટે કહેવા જેવા બે-ચાર જોક્સ પણ જેની પાસે ન હોય એ માણસ આ દુનિયાનો સૌથી કંગાળ માણસ ગણાય.

સ્મિતનું રહસ્ય

સ્મિત-સ્માઇલ એ ભીતરની પ્રસન્નતાની ઝેરોક્સ નકલ છે. ભીતરની પ્રસન્નતા શુદ્ધ હશે તો ચહેરા પરનું સ્મિત પણ ભેળસેળ વગરનું હશે. કેટલીક વખત કોઈ મહેમાનને સ્મિતપૂર્વક ‘વેલકમ’ કહેવાતું હોય ત્યારે એ સ્મિતનો સ્ટડી કરવા જેવો હોય છે. અંદરનો અણગમો ઝંખવાયેલા સ્મિતને પ્રદૂષિત કરે છે. કરવા ખાતર કરેલા સ્મિતમાં માત્ર ચળકાટ હોય છે, રણકો નથી હોતો.

એક જગ્યાએ ડાન્સના કાર્યક્રમનું રિહર્સલ ચાલી રહ્યું હતું. ડાન્સ-કલાકાર ક્ષોભ અને સંકોચ સાથે ડાન્સ કરતો હતો. કોરિયોગ્રાફર વારંવાર તેની પાસે જઈને કહેતો હતો કે ડાન્સ કરતી વખતે ફેસ પર સ્માઇલ હોવું અનિવાર્ય છે. માણસ ડાન્સ ક્યારે કરે? જ્યારે ભીતરથી તેને છલોછલ આનંદની તીવþ અનુભૂતિ થતી હોય ત્યારે! ડાન્સ કદી ડરતાં-ડરતાં ન કરાય. સરકસમાં રિંગમાસ્ટરની સામે સિંહ કે રીંછ ડાન્સ કરે છે એ રીતે ડાન્સ ન કરાય. વસંત•તુમાં વન-વનમાં મોર થનગનાટપૂર્વક નાચી ઊઠે છે એ રીતે ડાન્સ કરવાનો હોય. ડાન્સ કરનારે ઑડિયન્સને મનોરંજન અને આનંદ પૂરાં પાડવાનાં હોય છે. સોગિયો કે ડરેલો ચહેરો બીજાને આનંદનો અનુભવ શી રીતે કરાવી શકે? જેની ખુદની જ પાસે પ્રસન્નતા ન હોય એ વ્યક્તિ બીજાને પ્રસન્નતા ક્યાંથી આપશે?

આપણે શું કરીએ?

સ્માઇલને શ્વાસોચ્છ્વાસ જેટલું મહત્વ આપવું જોઈએ. અંગ્રેજીમાં એક સરસ વાક્ય છે : લાફ ઍઝ મચ ઍઝ યુ બ્રીધ, લવ ઍઝ લૉન્ગ ઍઝ યુ લાઇવ. શ્વાસ લો ત્યાં સુધી હસતાં રહો અને જીવો ત્યાં સુધી પ્રેમ કરતા રહો.

સ્માઇલની વાત કરવાની હોય ત્યારે એક નાનકડી કથા હંમેશાં સ્મરણમાં આવે છે.

એક માણસ પોતાની લાઇફથી કંટાળી ગયો હતો. તાપ-સંતાપ અને પરિતાપને કારણે તે ત્રાસી ગયો હતો. તેને એમ લાગતું હતું કે આ જગતમાં મારું કોઈ સ્વજન છે જ નહીં. એકલતાના અભિશાપમાં ડૂબેલો તે માણસ એક વખત ઘરેથી આત્મહત્યા કરવા નીકળી પડે છે. જતાં-જતાં રસ્તામાં તે માણસ વિચારે છે કે જો રસ્તામાં મારી સામે સ્માઇલ કરે એવો કોઈ એકાદ માણસ પણ મને મળી જશે તો હું આત્મહત્યા કર્યા વગર પાછો વળી જઈશ.

તે માણસનું પછી શું થયું એ જાણવા નથી મળ્યું, પરંતુ એક પ્રશ્ન સતત દિમાગમાં ઘૂમરાતો રહ્યો છે કે જો હું પોતે જ એ માણસને રસ્તામાં સામો મળ્યો હોત તો તેણે પછી શું કર્યું હોત? તમનેય તમારી જાતને આવો સવાલ પૂછવાની છૂટ છે. તમે તે માણસને સામે મળ્યાં હોત તો તેને પાછા વળવાનું નિમિત્ત જડ્યું હોત? કે પછી તે જે કરવા માટે નીકળ્યો હતો એ જ તેણે કરવું પડ્યું હોત?

હજારો શાસ્ત્રો વાંચ્યા પછીયે જે ઉપદેશ નથી મળતો, એવો બોધ એક ફિલ્મગીત દ્વારા મળતો રહ્યો છે :

કિસીકી મુસ્કુરાહટોં પે હો નિસાર

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર...

જિના ઇસી કા નામ હૈ...


કોઈક દુભાયેલા દિલને-કોઈક હતાશ હૈયાને સ્મિતની દીક્ષા આપવી એ જગતનું શ્રેષ્ઠ પુણ્ય છે.

સમર્થ ભાષા

સ્માઇલ અનેક પ્રકારનાં હોય છે. ચોમાસામાં ભીની સડક પરથી જતો કોઈ છેલછોગાળો યુવાન લપસી પડે તો આપણને હસવું આવે છે, પણ એ જ જગ્યાએ કોઈ રૂપસુંદરી લપસી પડે તો આપણને ખેદ થાય છે. વળી કોઈ વૃદ્ધ કે અપંગ માણસ લપસી પડે તો તરત આપણે તેને હેલ્પ કરવા પહોંચી જઈએ છીએ. બીજાની ટીખળ માટે કરેલું સ્માઇલ બહુ બદસૂરત હોય છે.

રમૂજ જેવું સૌંદર્ય-ટૉનિક આ ધરતી પર બીજું કોઈ નથી. રમૂજ સ્માઇલ આપે છે અને સ્માઇલ તો અનેક સોગાત આપે છે. સ્માઇલ સૌંદર્ય આપે છે. સ્માઇલ સ્વાસ્થ્ય આપે છે. સ્માઇલ સંબંધો સ્થાપી આપે છે. સ્માઇલની ખૂબી એ છે કે સામેની વ્યક્તિ ભલે કોઈ પણ દેશની હશે અને તે આપણી ભાષા નહીં જાણતી હોય તોય સ્મિત દ્વારા તેને સ્નેહનો સંદેશો પહોંચાડી શકાશે. કમ્યુનિકેશન માટે સ્મિત-સ્માઇલ સૌથી સમર્થ ભાષા છે.

ઈશ્વર શોધે છે

કોઈકને સ્માઇલ આપવામાં આપણને એક ફૂટી કોડીનોય ખર્ચ થતો નથી અને સામેની વ્યક્તિને કરોડો રૂપિયા ખર્ચવા છતાં ન મળે એવી પ્રસન્નતા મળે છે. કેટલીક લુચ્ચી યુવતીઓ ભોળા અને રસિક પુરુષોને ફસાવવા માટે જે મંદ હાસ્ય કરે છે એને ફંદ હાસ્ય કહેવું જોઈએ. એ સ્માઇલ ફાંસીના ફંદા કરતાંય વધુ ડેન્જરસ હોય છે. આપણે તો એવા મંદ હાસ્યની વાત કરવી છે, જે બીજાને જીવવાનું પ્રોત્સાહન આપે. એક ખાનગી વાત કહેવી છે. જો તમે સો ટકા શુદ્ધ સ્માઇલ દ્વારા કોઈ વ્યથિત હૈયાને આશ્વાસન કે સુખ આપો તો ઈશ્વર તમારાં તમામ પાપ માફ કરવા તૈયાર છે. ઈશ્વરનેય સ્વર્ગમાં - વૈકુંઠમાં અને મોક્ષમાં કદાચ એવા જ પુણ્યાત્માની જરૂર હશે કે જેના ચહેરા પર સદા સ્મિત વિલસતું હોય. ઈશ્વર જાણે છે કે કોઈ ગમેતેટલો મોટો તપસ્વી કે યોગી-મહાત્મા હોય, પણ જો તેનો ચહેરો સ્માઇલ વગરનો હશે તો તે અહીં આવીને સ્વર્ગનેય નરક જ બનાવી દેશે. સ્વર્ગને સ્વર્ગ બનાવી રાખે એવા સ્માઇલવાળા સજ્જનો ઈશ્વર પણ શોધતો હોય છે.

તમે આવા તો નથીને?

ફિલિપીન્સ દેશનું નામ તમે સાંભળ્યું જ હશે. ત્યાંની રાજધાની મનિલાના રોક્સાસ બુલેવાર્ડ પર અમેરિકન દૂતાવાસની બહાર એક વખત બહુ ભારે ભીડ જમા થઈ ગઈ હતી. ફિલિપીન્સ છોડીને અમેરિકા જવા માટે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો લાંબી કતારમાં ઊભાં રહેલાં. એ વખતે ફર્ડિનાન્ડ માકોર્સ અને તેની વાઇફ ઇમેલ્ડા માકોર્સ ત્યાંથી પસાર થયાં. તે બન્નેએ લાંબી-લાંબી કતારો અને ભારે ભીડ જોઈને કોઈને એનું સસ્પેન્સ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે તમામ લોકો ફિલિપીન્સ કાયમ માટે છોડીને અમેરિકા જઈ રહ્યા છે. માકોર્સદંપતીને થયું કે જો આટલા બધા લોકો અમેરિકા જવા તૈયાર થયા હોય તો નક્કી ત્યાં કંઈક ફાયદો હશે. આપણે પણ તેમની જેમ અમેરિકા ચાલ્યા જવું જોઈએ. તે બન્ને પણ પેલી કતારમાં આવીને ખડાં રહી ગયાં. ત્યાં જ એકાએક કંઈક વિચિત્ર ઘટના બની. કતારમાં ઊભેલી ભીડ તરત જ વીખરાઈ જવા લાગી. જતાં-જતાં કોઈક ધીમા અવાજે બોલતું સંભળાયું કે જો આ બન્ને જણ (માકોર્સદંપતી) ફિલિપીન્સ છોડીને જતાં હોય તો પછી આપણે અહીં જ રહીશું.

વિચાર તો કરો, એ માકોર્સદંપતીના ત્રાસથી ફિલિપીન્સના લોકો કેટલા ત્રાહિમામ થઈ ગયા હશે!

વર્લ્ડ સ્માઇલ ડે

દર મહિનાના પહેલા શુક્રવારે વિશ્વભરમાં વર્લ્ડ સ્માઇલ ડે ઊજવાય છે. વિશ્વભરમાં સ્મિતનો ફેલાવો કરવાના ઉદ્દેશથી આ દિવસ ઊજવવાની શરૂઆત અમેરિકાના કમર્શિયલ આર્ટિસ્ટ હાર્વે બૉલે કરી હતી. આજકાલ ઑનલાઇન ચૅટિંગમાં તેમ જ મોબાઇલના મેસેજિંગમાં સ્માઇલી જેવા જે ઇમોટિકન્સ જોવા મળે છે એની શોધ હાર્વેએ ૧૯૬૯માં કરી હતી. ૨૦૦૧માં તેમનું અવસાન થયું. તેમની યાદમાં અમેરિકામાં હાર્વે બૉલ વર્લ્ડ સ્માઇલ ફાઉન્ડેશનની સ્થાપના પણ થઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK