રોબો લઈ શકે કામવાળી બાઈનું સ્થાન

ઘરકામ માટે વિદેશમાં મહિલાઓ રોબો વાપરે છે. ભારતમાં પણ હવે રોબોની એન્ટ્રી થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે બહેનોને પૂછીએ કે કામવાળી બાઈની છુટ્ટી કરી દેનારા આ સાધનનો સ્વીકાર કરવાની તેમની માનસિક તૈયારી છે કે નહીં

smart robo

પ્રતીકાત્મક તસવીરલેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

મહિલાઓને હસબન્ડ વગર ચાલે પણ કામવાળી વગર ઘડીકે ન ચાલે. આ રમૂજ નહીં, વાસ્તવિકતા છે. કામવાળી બાઈ એક દિવસની રજા પર હોય તો પણ તેઓ ઊંચી-નીચી થઈ જાય. બહેનોની લાઇફની આ સૌથી અગત્યની વ્યક્તિનું સ્થાન કોઈ બીજું લઈ લે તો? જી હા, કામવાળી બાઈની છુટ્ટી કરી દેતી એક જાહેરાત હાલમાં મહિલાઓના સોશ્યલ મીડિયા ગ્રુપમાં ચર્ચાનો વિષય બની છે. થોડા સમય પહેલાં ઑનલાઇન બિઝનેસ કરતી એક કંપનીએ જાહેર કર્યું હતું કે ૨૦૧૯થી તેમની સાઇટ પરથી ઘરકામ માટે રોબો ખરીદી શકાશે. આ સમાચારથી મહિલાઓમાં આનંદ જોવા મïળ્યો છે તો કેટલીક બુદ્ધિશાળી મહિલાઓનું માનવું છે કે ભારતમાં રોબો ન ચાલે, હાથેથી જે રીતે કામ થઈ શકે એ કામ રોબો કદાપિ ન કરી શકે તેમ જ એનાં ફીચર્સ સમજવામાં પણ સામાન્ય ગૃહિણીઓને મુશ્કેલી નડશે. આ વર્ષ પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુંબઈની મહિલાઓ કામવાળીના વિકલ્પ તરીકે રોબો પર પસંદગીનો કળશ ઢોળશે કે પછી એને જાકારો આપશે એ તેમને જ પૂછી જોઈએ.

રોબો આવે તો કામવાળાનાં નખરાંથી છુટકારો મળે - પુષ્પા પટેલ, બોરીવલી

ભારતમાં રોબો આવી જાય તો ગૃહિણીઓનું કામ સરળ થઈ જશે એવો અભિપ્રાય આપતાં બોરીવલીનાં ગૃહિણી પુષ્પા પટેલ કહે છે, ‘વર્તમાન સમયમાં કામવાળા શોધવા એ ગૃહિણીઓ માટે પડકાર છે. અત્યારે મોટા ભાગની બાઈઓ મૉલ્સ અને કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં કામ કરવા જાય છે. આવાં સ્થળોએ કામ ઓછું હોય છે અને પગાર વધુ મળે છે એટલે તેઓ ઘરકામ માટે આવતી નથી. અમારા એરિયામાં તો એક કામના હજાર રૂપિયા ચૂકવતાં પણ જોઈએ એવી બાઈ મળતી નથી. એવામાં જો રોબો આવી જાય તો ગૃહિણીઓને મોટી રાહત થશે. બે-ત્રણ કામ એકસાથે થશે તો સમયની બચત થશે. રોબોનાં ફીચર્સ સમજવામાં શરૂઆતમાં કદાચ થોડી મુશ્કેલી નડશે, પરંતુ ગૃહિણીઓ સ્માર્ટ છે એટલે ઑપરેટ કરતાં શીખી જશે. પહેલાં આપણને વૉશિંગ મશીનમાં ધોયેલાં કપડાં નહોતાં ગમતાં, હવે ગમે છેને? એવી જ રીતે રોબોનાં કામ ધીમે-ધીમે ગમવા લાગશે. અમારી પેઢી રોબોના હાથની રસોઈ નહીં ચલાવે, પણ આગામી પેઢી તો એના હાથની બનાવેલી રસોઈ પણ ખાતી થઈ જશે. હવે કામવાળાનાં બાળકો શિક્ષિત થઈ રહ્યાં છે તેથી ભવિષ્યમાં આપણે મશીન પર આધાર રાખવાનો જ છે તો વહેલાસર સ્વીકારી લેવામાં શું વાંધો છે.’

રોબો વાપરવા ઘણી માથાકૂટ કરવી પડશે - ખુશ્બૂ સોની, ખારઘર

હું તો વર્ષોથી ઘરનાં સઘળાં કામ જાતે જ કરું છું એટલે કામવાળીનો મને અનુભવ નથી એમ જણાવતાં ખારઘરનાં ગૃહિણી ખુશ્બૂ સોની કહે છે, ‘મેં શરૂઆતથી જ કામવાળી રાખી નથી, પણ અન્ય ગૃહિણીઓને જે રીતે આતુરતાથી તેમની રાહ જોતા જોઉં છું એના પરથી કહી શકું કે રોબો કામવાળીનું સ્થાન ક્યારેય નહીં લઈ શકે. કામવાળીને જોઈને બહેનોના ચહેરા પર જે ખુશી જોવા મળે છે એવી ખુશી ઘરના ખૂણામાં પડેલા નર્જિીવ રોબોને જોઈને નથી મળવાની. અમારા ઘણા સંબંધીઓ વિદેશમાં રહે છે અને મેં સાંભળ્યું છે કે તેઓ વાસણ ઘસવાના મશીનથી પણ કંટાળી જાય છે. તેઓ કહેતા હોય છે કે મશીનમાં વ્યવસ્થિત ગોઠવણી કરી વાસણ મૂકવાના અને ગાઇડલાઇન્સ પ્રમાણે એને ઑપરેટ કરવામાં એટલીબધી માથાકૂટ છે કે હાથેથી કામ જલદી પતી જાય. આપણા દેશની ગૃહિણીઓ આવી માથાકૂટમાં પડશે એવું મને તો નથી લાગતું. વિદેશમાં રોબો ચાલે છે, કારણ કે ત્યાં ભાગ્યે જ એવી jાી મળશે જે વર્કિંગ ન હોય. એ લોકો તો બે દિવસની વાસી રસોઈ પણ જમી લેતા હોય છે. આપણી લાઇફ-સ્ટાઇલ સાથે રોબો મૅચ થશે જ નહીં.’

મશીન ખરીદીને ગરીબ માણસના પેટ પર લાત ન મરાય - આરતી શાહ,  અંધેરી

મને ‘કામવાળી બાઈ’ આ શબ્દ જ નથી ગમતો એમ જણાવતાં અંધેરીનાં ગૃહિણી આરતી શાહ કહે છે, ‘અમે ઘરકામ કરવા આવનાર બહેનને નામથી બોલાવવાનું પસંદ કરીએ છીએ. બાઈ કહીને તેનું અપમાન ન કરાય. રોબો જેવા સાધનનો ઉપયોગ કરવાનું હું તો વિચારી જ ન શકું. જો આપણે પણ વિદેશીઓની જેમ સાધનો વાપરવા લાગીશું તો ગરીબીની રેખા નીચે જીવતા આ લોકો ક્યાં જશે? ઘરકામ કરતી બહેનોનો રોજગાર છીનવી લેવાનો અધિકાર રોબોને ન આપી શકાય. અમારા ઘરે તો એક નહીં, બે બહેન કામ કરે છે. તેઓ ભરોસેમંદ છે અને જે કામ કરી જાણે છે એ મશીન નથી કરવાનું. દાખલા તરીકે આપણે બહારગામ ગયા હોઈએ ત્યારે તેઓ ઘરની કાળજી લે છે. જરૂર પડે તો પુરુષોને રસોઈ પણ બનાવી આપે. વર્ષોથી કામ કરતી હોય એટલે તેમને કંઈ ચીંધવું ન પડે. વાસ્તવમાં તેઓ દુખિયારી હોય છે. આપણી સાથે વાત કરીને બે ઘડી તેમને પણ સારું લાગતું હોય છે. કોઈક વાર કામનો ઓવરલોડ હોય તો વૉશિંગ મશીન કે વૅક્યુમ ક્લીનર જેવું સાધન વાપરવા આપી શકાય પણ તેમની છુટ્ટી તો ન જ કરાય.’

રોબોનો આવિષ્કાર સમસ્ત માનવજાતિ માટે વરદાન - ભૂમિ પટેલ, ઘાટકોપર

રોબોની એન્ટ્રીથી માત્ર ગૃહિણીઓને જ નહીં, કુટુંબની દરેક વ્યક્તિને લાભ થશે એવો મત વ્યક્ત કરતાં ઘાટકોપરનાં ગૃહિણી ભૂમિ પટેલ કહે છે, ‘હાઉસવાઇફનો જીવ એટલો ઉચાટભર્યો હોય છે કે કામવાળી ન આવે તો બ્લડ-પ્રેશર વધી જાય. તમે કલાકો સુધી રાહ જુઓ અને પછી જાતે કામ કરવું પડે ત્યારે બહુ અઘરું લાગે. સવારથી રાત દોડધામ અને ઘરકામની ચિંતાના કારણે જ ગૃહિણીઓ માસિકને લગતી સમસ્યાઓ તેમ જ થાઇરૉઇડ જેવી બીમારીનો સામનો કરી રહી છે. રોબોના આવવાથી ઘણાબધા હેલ્થ ઇશ્યુઝ સૉલ્વ થઈ જશે એટલું જ નહીં, તેમની પાસે પોતાના માટે જીવવાનો સમય મળી રહેશે. કોઈ મનગમતી પ્રવૃત્તિ કરી જીવનનો આનંદ લઈ શકશે. વાસ્તવમાં રોબોનો આવિષ્કાર સમસ્ત માનવજાતિ માટે વરદાન છે. હાઉસવાઇફની ગેરહાજરીમાં પુરુષો અને બાળકો પણ રોબો પાસેથી કામ લઈ શકશે. રોબોના આવવાથી આ સમસ્યા પણ ઉકેલાઈ જશે. તમે એને કમાન્ડ આપી દો એટલે કામ થઈ જશે. મુંબઈ જેવા શહેરમાં ડોમેસ્ટિક હેલ્પરના કારણે જે બનાવો બને છે એ જોતાં સુરક્ષાની દૃષ્ટિએ પણ રોબો ખૂબ જ ઉપયોગી સાધન છે. મને લાગે છે કે ઇમોશનલ અટૅચમેન્ટ સિવાય બીજો કોઈ ડ્રૉબૅક નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK