મનમાં જ્યારે શકનો કીડો સળવળે ત્યારે

રિસર્ચ કહે છે કે સ્ત્રીની શંકાનો દાયરો મર્યાદિત હોય છે, પરંતુ પુરુષ જ્યારે શંકાશીલ બને છે ત્યારે સંબંધોમાં ઝંઝાવાત આવી જાય છે અને બધું જ તહસનહસ કરી નાખે છે. આ સંદર્ભમાં એક્સપર્ટ તેમ જ પુરુષોના અભિપ્રાય જાણીએ

worldમૅન્સ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

એક કહેવત છે કે ‘લંકાના રાવણને મારી શકાય, શંકાના રાવણને મારી ન શકાય.’ દુનિયામાં દરેક સમસ્યાનો ઇલાજ શક્ય છે, પણ શંકાનું સમાધાન શક્ય નથી. સામાન્યપણે આપણે સૌ એવું માનતા હોઈએ છીએ કે સ્ત્રીઓનો સ્વભાવ શંકાશીલ હોય છે, પરંતુ રિસર્ચ કંઈક જુદું જ કહે છે. થોડા સમય પહેલાં સ્ત્રી અને પુરુષના સ્વભાવ વિશે કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મYયું હતું કે પત્નીની અમુક પ્રકારની ગતિવિધિ અને વર્તણૂક પુરુષના મનમાં શંકા ઊપજાવે છે. અનેક પ્રયાસો અને સાબિતી બાદ પણ પુરુષ પોતાના આ સ્વભાવને બદલી શકતો નથી. પરિણામે સંબંધમાં કાયમી ધોરણે ખટરાગ ઊભો થાય છે. પુરુષના આ સ્વભાવ પાછળના કારણ વિશે ખણખોદ કરવામાં આવતાં તારણ નીકYયું હતું કે ૮૦ ટકા પુરુષો માને છે કે સ્ત્રીને છેતરવી સહેલી છે. તેની પત્ની જ્યારે સ્વતંત્ર રીતે જીવવાનું શરૂ કરે છે ત્યારે પુરુષને તેનો આ સ્વભાવ આડે આવે છે અને તે અસલામતીની ભાવનાથી પીડાય છે. શંકાનો કીડો તેનો પીછો છોડતો નથી. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? આ સંદર્ભે એક્સપર્ટ અને પુરુષોના વિચારો જાણીએ.

શંકા એટલે કે ડાઉટ કોઈને પણ હોઈ શકે છે એમ જણાવતાં કાંદિવલીનાં રિલેશનશિપ કાઉન્સેલર અને સાઇકોલૉજિસ્ટ દીપાલી પંડ્યા કહે છે, ‘શંકા કોને કહેવાય? રિલેશનશિપમાં જ શંકાને સ્થાન હોય એવું જરૂરી નથી. શંકાના અનેક પ્રકાર છે. તમે કોઈ અજાણી જગ્યાએ ફરવા ગયા હો અને ટૅક્સીવાળો કઈ દિશામાં લઈ જઈ રહ્યો છે એ વાત તમારા મનમાં શંકા ઊપજાવે. તમે કોઈ કામ કરવા માગતા હો પણ કરી શકીશ કે નહીં એવો સવાલ મનમાં આવે એને પણ શંકા જ કહેવાય. સાદી ભાષામાં શંકા sign of insecurity and low self esteem. સકારાત્મક અને નકારાત્મક વિચારો વચ્ચેની અથડામણનું નામ જ શંકા છે.’

આ પ્રકારની શંકાનો ઇલાજ શક્ય છે એમ જણાવતાં દીપાલીબહેન આગળ કહે છે, ‘આપણા મગજમાં ન્યુરોલૉજિસ્ટિક પ્રોગ્રામિંગ જેવી એક સિસ્ટમ હોય છે. અહીં ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે. તમે સતત એમ વિચારો કે આ કામ મારાથી નહીં થાય તો કદાપિ નહીં કરી શકો. ઘણી વાર આપણે બીજાને સફળ જોઈને પોતાના પર શંકા કરીએ છીએ અને કેટલીક વાર સામેવાળાની લીટીને નાની કરવાના પેંતરા રચીએ છીએ. બીજાની લીટી નાની કરવા કરતાં પોતાની લીટી મોટી કરવાના પ્રયાસો કરવા જોઈએ. ત્રણ અઠવાડિયાં સુધી તમારા મગજને સકારાત્મક દિશામાં વાળો તો પોતાની જાત પર જે શંકા છે એ દૂર થઈ જશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. એક તબક્કો એવો આવશે જેમાં તમારું વ્યક્તિત્વ નિખરીને બહાર આવશે. હા, સલામતીની દૃષ્ટિએ અમુક જગ્યાએ અલર્ટ રહેવું જરૂરી છે. આ વાત રિલેશનશિપમાં પણ લાગુ પડે છે. લગ્નની શરૂઆતનાં વર્ષોમાં તમને પૂરો વિશ્વાસ હોય છે કે મને મારી પત્ની કે પતિ ખૂબ પ્રેમ કરે છે. ધીમે-ધીમે આ વિચારોથી વ્યક્તિ ભટકી જાય છે. શા માટે? આપણે બીજાની લાઇફથી અને ફિલ્મી તેમ જ કાલ્પનિક દુનિયાથી પ્રભાવિત થઈ જઈએ છીએ એટલે મનમાં શકનો કીડો સળવળવા લાગે છે. આ કમજોર માનસિકતાની નિશાની છે. આવી શંકાનાં બીજ તમે જાતે રોપો છો.’

પુરુષ જ્યારે શંકા કરે છે ત્યારે બધું તહસનહસ કરી નાખે છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે એવા પ્રશ્નનો જવાબ આપતાં દીપાલીબહેન કહે છે, ‘જર, જમીન અને જોરુ પુરુષની જાયદાદ છે એવી માન્યતા આપણા સમાજનું સૌથી મોટું દૂષણ છે. મારી મિલકતમાં કોઈ ભાગ પડાવે એ મને મંજૂર નથી એ સ્તરે વાત પહોંચે તો બધું તહસનહસ થાય. જોકે સમયની સાથે આ વિચારધારામાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. આજે તો પુરુષો સમાધાન કરતા થયા છે. મારી પાસે એક કેસ આવ્યો હતો જેમાં પતિને ખબર પડી કે પત્ની બીજાને ડેટ કરી રહી છે. આ કેસમાં પતિએ ઘરને તૂટતું બચાવવા અને સમાજમાં ઊહાપોહ ન થાય એ માટે સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો, પણ કોઈ કારણોસર શક્ય ન બન્યું તો બન્ને છૂટાં પડી ગયાં. શંકાશીલ સ્વભાવની પાછળનાં કારણો અલગ-અલગ હોય છે, જેમાં ઘરનું વાતાવરણ મુખ્ય કારણ છે. હવે નાનપણમાં કોઈ બાળક - પછી તે પુત્રી હોય કે પુત્ર - તેના પેરન્ટ્સને ઝઘડતા જુએ તો તેનો સ્વભાવ શંકાશીલ બની શકે છે. પેરન્ટ્સ લડતી વખતે એકબીજા પર જે આક્ષેપો અને દલીલો કરે છે એ બાળક જુએ છે. જ્યારે આક્ષેપબાજી થાય છે ત્યારે સામેવાળાને કઈ રીતે નીચા દેખાડવું એ મુદ્દો સૌથી ઉપર હોય છે. સામેવાળાને હીન ચીતરવા વ્યક્તિ ગમે એમ બોલે છે અને એની અસર બાળકના માનસ પર પડે છે. સ્ત્રી પુરુષનું અટેન્શન ન મળે ત્યારે બહાર રિલેશન રાખે છે, જ્યારે પુરુષને ઘરમાં સેક્સ ન મળે ત્યારે તે બહાર નજર દોડાવે છે. આ વાત જો બન્ને સમજી જાય તો શંકા જાગે એવી પરિસ્થિતિ ઉદ્ભવે જ નહીં.’

સમયના બદલાવ સાથે શંકાશીલ વૃત્તિની તીવþતા ઘટી છે : વીરચંદ વિસરિયા, ઘાટકોપર

હવે લોકોની વિચારસરણી બદલાઈ છે એમ જણાવતાં ઘાટકોપરના વીરચંદ વિસરિયા કહે છે, ‘પહેલાંના સમયમાં સ્ત્રીઓ વધારે શંકાશીલ હતી એનું કારણ એ કે તેઓ વધારે સમય ઘરની અંદર જ રહેતી હતી. આજની યુવતીઓ ખુલ્લા વિચારોની છે. તેઓ શિક્ષિત છે અને બહાર જઈને કામ કરે છે. તેમને પણ પુરુષમિત્રો હોય છે એટલે પતિની સ્ત્રીમિત્રને શંકાની નજરે જોતી નથી. આજે બન્ને પક્ષે શંકાનું પ્રમાણ ઘટી ગયું છે. એમ છતાં પરિસ્થિતિ અને સંજોગો વ્યક્તિને શંકાશીલ બનાવે છે. મારી સામે એવા અનેક દાખલા છે જેમાં શંકાને કારણે સંબંધ તૂટ્યા હોય. પત્નીની વર્તણૂક અને હિલચાલ જો પુરુષના મનમાં શંકા ઊપજાવે તો સંબંધ તૂટવાની શક્યતા છે. પુરુષના મનમાં એક વાર શંકા જાગે એટલે એ વાત તેના મનમાં ઘૂમરાયા કરે છે. ઘરમાં રહે તો પણ વિચાર્યા કરે અને બહાર નીકળે તો ધંધામાં ધ્યાન ન આપી શકે. તેને હંમેશાં ટેન્શન રહ્યા કરે. શંકા અને ચિંતા ભેગી થાય એટલે તબિયત પર પણ અસર પડે. શંકા એવી બીમારી છે જેમાં કોઈ દવા કામ લાગતી નથી. મારા મતે શંકાનો એકમાત્ર ઇલાજ છે વિશ્વાસ. જો બન્નેને એકબીજા પર વિશ્વાસ હોય તો દરેક પ્રશ્નનો હલ નીકળે. શંકા જાગે ત્યારે વ્યક્તિએ મનને બીજી દિશામાં વાળવાના પ્રયાસો કરવા જોઈએ. સમયાંતરે ધાર્મિક વિચારસરણીમાં ફેરફાર થવાને કારણે પણ એકબીજા પ્રત્યેના અભિગમમાં પરિવર્તન આવે છે અને તૂટતા સંબંધો બચી જાય છે.’

પુરુષનો હિસાબ ચોખ્ખો હોય, આ પાર કે પેલે પાર : નીલેશ પંચાલ, ગોરેગામ

એન્ટરટેઇનમેન્ટની દુનિયા સાથે સંકળાયેલા ગોરેગામના નીલેશ પંચાલનું માનવું છે કે પુરુષનો નહીં પણ સ્ત્રીનો સ્વભાવ વધારે શંકાશીલ હોય છે. તેઓ કહે છે, ‘સ્ત્રીને હસબન્ડની લાઇફમાં શું ચાલી રહ્યું છે એ જાણવામાં બહુ રસ હોય છે. હસબન્ડની દરેક હિલચાલ પર તેની બાજનજર હોય છે. પત્ની બહુ પઝેસિવ હોય છે. તેને હંમેશાં એવું લાગે છે કે મારા પતિને કોઈ છીનવી લેશે, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. મારી અંગત વાત કરું તો હું કી-બોર્ડ પ્લેયર છું અને ગ્લૅમર વર્લ્ડ સાથે જોડાયેલો છું. પ્રોગ્રામને કારણે મારે રાતે મોડા આવવાનું બને છે અને સ્ત્રીમિત્રો સાથે ઇન્ટરૅક્શન મારું કામ છે. મારી વાઇફ ગૃહિણી છે અને તેને દુનિયામાં શું ચાલી રહ્યું છે એની ઝાઝી ખબર હોતી નથી. હું ફોનમાં કંઈક ટાઇપ કરતો હોઉં તો પણ તેની નજર હોય. તે મને કંઈ કહે નહીં, પણ તેના ચહેરા પરથી ખબર પડી જાય કે ગમ્યું નથી. જોકે સ્ત્રીઓની શંકાનો એક દાયરો હોય છે. તેમનામાં સહનશક્તિ બહુ છે અને કોઈ પણ ભોગે ઘરને તૂટતું બચાવી લેવાનો ગુણ તેમનામાં છે એટલે લાંબું વિચારતી નથી. શંકાનો દાયરો વિસ્તરે નહીં એ માટે હસબન્ડે કેટલીક તકેદારી રાખવી જોઈએ. હું કોઈ કામ ચોરીછૂપીથી કરતો નથી એટલે ફોનમાં પાસવર્ડ રાખવાની જરૂર નથી. મારી સાથે કામ કરતી સ્ત્રીઓ સાથે સમયાંતરે તેની ઓળખાણ પણ કરાવતો રહું છું જેથી તેને ધરપત રહે. પુરુષ શંકાશીલ હોતો નથી, પણ જો તેને શંકા જાય તો તેનામાં એક પ્રકારની બેચેની જોવા મળે છે. પુરુષોનો હિસાબ ચોખ્ખો હોય, આ પાર કે પેલે પાર. સ્ત્રીઓની જેમ તે સમાધાન કે બાંધછોડ કરતો નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK