જન્માષ્ટમીના દિવસે રાસ રચતી વખતે શ્રીકૃષ્ણની મુરલીમાં ઓછો પડેલો એક સૂર હેમુ ગઢવીના ગળામાં જઈને બેઠો હતો

મૌત ઉસકી હૈ ઝમાના જિસકા કરે અફસોસ, યૂંૂ તો મરને કો સભી લોગ મરા કરતે હૈં!

માણસ એક રંગ અનેક – પ્રવીણ સોલંકી

સામાન્ય રીતે માણસ મરે છે ને લાકડાંભેગો થઈ બળીને ખાક થઈ જાય છે. કોઈ કબરમાં દટાઈને માટીમાં ભળી જાય છે તો કોઈ વિરલાનું મર્યા પછી સ્મારક બંધાય છે. શરીર નાશવંત બને ને નામ નામવંત બને. પહેલાં લોકોના કાળજામાં કોતરાય અને પછી આરસની તકતી પર. સોરઠી દુહો આ વાતની પુષ્ટિ કરતો હોય એમ કહે છે...નામ રહંતા ઠકરાં, નાણાં ઈ નવ રહંત

કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત


ઑગસ્ટ મહિનો આખો ખૂબ વ્યસ્ત રહ્યો. મોટા ભાગે સ્ટેજ પર જ વીત્યો એવું કહું તો ચાલે. ઘણા કાર્યક્રમો કર્યા અને ઘણા માણ્યા. એમાં વળી ૨૪ ઑગસ્ટ એટલે ગુજરાતી દિન, કવિ નર્મદનો જન્મદિવસ. પછી તો પૂછવું જ શું? ૨૪ ઑગસ્ટની આસપાસના દિવસોમાં ચોમાસામાં અળસિયાં ફૂટી નીકળે એમ ‘ગુજરાતી દિન’ નિમિત્તે કાર્યક્રમો ફૂટી નીકળે. સ્કૂલો, કૉલેજો અને સંસ્થાઓમાં ‘જય જય ગરવી ગુજરાત’, ‘ગુજરાત મોરી મોરી રે’ના હાકોટા-તાબોટા સંભળાવા લાગે.

મેં એક વાત નોંધી છે કે જ્યાં-જ્યાં અને જ્યારે-જ્યારે ગુજરાતી ભાષા કે ગુજરાતી અસ્મિતા કે લોકસાહિત્ય કે ગુજરાતી ગીત-સંગીતનો કાર્યક્રમ હોય ત્યાં-ત્યાં ‘મોર બની થનગાટ કરે’ અચૂક સાંભળવા મïળે જ. ‘તારી આંખનો અફીણી’ અને ‘મોર બની...’ ગુજરાતી સંગીતના કાર્યક્રમનું જાણે રાષ્ટ્રગીત બની ગયું છે કે ગયાં છે! જાણે રાષ્ટ્રગીત બેલડી! ભાગ ૧ અને ભાગ ૨. ‘મોર બની...’ મેં અસંખ્ય વાર સાંભYયું છે, જુદી-જુદી રીતે સાંભïYયું છે, જુદા-જુદા સ્વરમાં સાંભYયું છે, જુદા-જુદા ઢંગમાં સાંભYયું છે. આ અતિરેક અણગમો જાણે બની ગયો!

અમારા ઘાટકોપરના ત્રણ રાજકારણીઓ પ્રકાશ મહેતા, કિરીટ સોમૈયા અને પ્રવીણ છેડા લોકસાહિત્ય-સંગીતના ભારે રસિયા. અલખને ઓટલે મોજ માણનારા. રાજકારણીઓ સંગીત-સાહિત્ય અને કલામાં રસ ધરાવે એટલું જ નહીં, એને પ્રોત્સાહન પણ આપે એ આવકારદાયક અને આનંદદાયક વાત છે. પ્રવીણ છેડાએ યોજેલા એક કાર્યક્રમમાં અમે બન્ને બાજુ-બાજુમાં બેઠા હતા ત્યાં અચાનક ‘મોર બની...’ શરૂ થયું. હું ચમક્યો, થોડો અસ્વસ્થ પણ થયો. ગાયક સ્વરના ધોબીઘાટ પર શબ્દોના ધોકા મારતાં-મારતાં તાનમાં ઝીંક્યે રાખતો હતો. વાજિંત્રો એ મારની પીડાથી જાણે ચીસો પાડતાં હોય એમ થડકી રહ્યાં હતાં. તબલાં-ઢોલક એના પડઘા પાડતાં હતાં. શબ્દોનાં ચીંથરેચીંથરાં ઊડતાં લાગ્યાં, શબ્દોનો કોઈ મહિમા સમજાતો ન’તો! કોરસ ભૂવાની જેમ ધૂણી રહ્યું હતું. તાલ અને તાળીઓ એ ભૂવાઓને પ્રોત્સાહિત કરી રહ્યાં હતાં.

મારી અસ્વસ્થતા જોઈને પ્રવીણભાઈએ પૂછ્યું, ‘શું થયું?’

 મેં કહ્યું, ‘આ ગીતની મને ઍલર્જી થઈ ગઈ છે. મારો આ વ્યક્તિગત પ્રતિભાવ છે. માનો કે પૂર્વગ્રહ છે.’ જોકે એક સવાલ ચોક્કસ ઊઠે છે કે મેઘાણી પછી એવો કોઈ સર્જક કેમ ન પાક્યો કે આવાં અદ્ભુત, નવાં ગીતો સર્જી શકે? કેટલાં વર્ષો સુધી ટૂંકી મૂડી પર લાંબો વ્યાપાર કરી શકીશું? નવા સ્વર, નવા સૂર, નવાં ગીતોને પ્રચલિત કરનારા ક્યારે મïળશે?

૨૦ ઑગસ્ટે ફરી પાછું આ ગીત મને સાંભળવા મળ્ુંયું. રાત આખી હું સૂઈ ન શક્યો. અચાનક મારી સ્મૃતિ સળવળી ઊઠી. ૨૦ ઑગસ્ટ એટલે કયો દિવસ? આ દિવસ હું, હું ભૂલી ગયો? મેઘાણીએ રવીન્દ્રનાથ ટાગોરની રચનાને કાગળ પર સૌરાષ્ટ્રની ધીંગી ભાષામાં ઉતારી તો દીધી, પણ એને વિશ્વભરમાં પ્રચલિત કોણે કરી? મને વર્ષો પહેલાં અજિત ગઢવીએ લખેલું લખાણ-વાત યાદ આવી ગઈ.

જન્માષ્ટમીના દિવસે વૈકુંઠમાં કૃષ્ણ ભગવાને રાસ રચ્યો. પ્રભુશ્રીએ મોરલીના સૂર છેડ્યા. પણ આ શું? મુરલીમાં એક સૂર ઓછો પડતો જણાયો. મુરલી બરાબર વાગે નહીં. ભગવાને રાસ અટકાવીને બધા સામે જાહેર કર્યું કે મુરલીનો એક સૂર ખોવાણો છે, ક્યાંક ગુમ થઈ ગયો છે, શોધો એ સૂરને શોધો... બધા કામે લાગી ગયા. ક્યાં ગયો હશે એ સૂર? આખરે એક સંગીતજ્ઞે એ રહસ્ય શોધી કાઢ્યું. તેણે કહ્યું કે એ સૂર તો મૃત્યુલોકના સૌરાષ્ટ્રના વતની ગાયક હેમુ ગઢવી નામના ચારણના ગળામાં જઈને બેઠો છે જેનો અવાજ મોરલા જેવો મીઠો અને મધુર છે એટલે જો સ્વર્ગલોકમાં રાસની રંગત જમાવવી હોય તો બોલાવી લો એ ચારણને અહીં. અને ભગવાન કૃષ્ણે હેમુ ગઢવીને સ્વર્ગલોકમાં બોલાવી લીધો.

એ દિવસ હતો ૧૯૬૫ની ૨૦ ઑગસ્ટનો. લોકસાહિત્યના ધૂળધોયાસમા હેમુ ગઢવી એ દિવસે સ્વર્ગે સિધાવ્યા. જી હા, સૂરતાની વાડીના મીઠા મોરલાનો એ મૃત્યુદિન. મેઘાણીના ‘મોર બની થનગાટ કરે’ને ઘરે-ઘરે પહોંચાડનાર સૂરનો આ ખેપિયો એ દિવસે ખપી ગયો હતો. લોકસાહિત્યની ગંગાને શેરીએ-શેરીએ વહાવનાર ઊધ્ર્વગામી બનીને પોતે જ શિવની જટામાં સમાઈ ગયો. આજની યુવાન પેઢી, ડિસ્કો દીવાની પ્રજાને હેમુ ગઢવીની શું હેસિયત હતી એ ખબર છે? ૨૪ ઑગસ્ટે આપણને નર્મદ યાદ આવે છે, ગુજરાતી ભાષા યાદ આવે છે; પણ ૨૦ ઑગસ્ટે હેમુ કેમ યાદ નથી આવતા?

ચોટીલાની બાજુનું નાનુંએવું ગામ ઢાંકણિયા. બસો માણસની વસ્તી. એમાં પણ મોટા ભાગના ચારણ. એ ગામમાં ૪-૯-૧૯૨૯એ હેમુ ગઢવીનો જન્મ થયો. મૃત્યુ ૧૯૬૫માં! ૩૬ વર્ષની ટૂંકી આવરદામાં તે કીર્તિ તણા કોટડા કંડારી ગયો. વિચાર કરો કે કેવી તપસ્યા હશે તેની? કેટલી સાધના-આરાધના કરી હશે તેણે? કેવી ખંત અને ધીરજથી તેણે કામ કર્યું હશે? અને છેલ્લે કેટલી ઈશ્વરકૃપા હશે તેના પર! હેમુભાઈના પિતા નાનાભાઈ ઢાંકણિયામાં ખેતી કરતા. આર્થિક સ્થિતિ નબળી, પણ દિલના દિલાવર. આર્થિક સ્થિતિને કારણે પાંચમા ધોરણથી અભ્યાસ છોડી દીધો; પણ નાનપણથી જ તેજસ્વી, ચતુર, ચબરાક. નવું-નવું જાણવાનો શોખ, ગાવાનો તો જબરો શોખ. રોજ રાતે ઢાંકણિયાના ચોરામાં મંડળી જામે. નાનકડો હેમુ એ મંડળીમાં કંઠનાં કામણ કરે અને ‘હીરો’ બની જાય. અજિત ગઢવીના કથન મુજબ બચપણમાં હેમુનો અતિપ્રિય દુહો હતો:કોયલડી ને કાગ, ઈ ને વાને વરતાશે નહીં

(પણ) એની જીભલડીમાં જવાબ, સાચું સોરઠિયો ભણે!

આ મતલબનો જ સંસ્કૃતમાં એક શ્લોક-સુભાષિત છે...

કાક: કૃષ્ણ: પિક: કૃષ્ણ: કો ભેદ: પિકકાકયોહો

વસંત સમયે પ્રાપ્ત: કાક: કાક: પિક: પિક:


કાગડો પણ કાળો છે અને કોયલ પણ કાળી છે તો પછી બન્નેમાં ફરક શું છે? વસંતનો સમય આવે છે ત્યારે ખબર પડે છે કે કાગડો કાગડો છે ને કોયલ કોયલ છે.

ખૂબ નાની ઉંમરે હેમુ ગઢવી માસાની નાટક કંપનીમાં જોડાયા ૧૫ રૂપિયાના માસિક પગારે. જોગાનુજોગ જુઓ. સૂરતાના આ મોરલાનું પ્રથમ નાટક હતું ‘મોરલીધર’, જેમાં તેણે કૃષ્ણની ભૂમિકા ભજવેલી. પછી તે રાજકોટની ‘તરુણ’ નાટક મંડળીમાં ૫૧ રૂપિયાના પગારે જોડાયા.

અસંખ્ય નાટકો કરીને ખ્યાતિ તો મેળવી, પણ હેમુને હેમુ ગઢવી બનાવનાર તો આકાશવાણી જ! આકાશવાણી-રાજકોટથી રેડિયો પર પ્રસારિત થતા અસંખ્ય કાર્યક્રમોએ હેમુનું કલેવર બદલી નાખ્યું.

કાળની ક્રૂર ગતિએ અચાનક ૧૯૬૫ની ૨૦ ઑગસ્ટે ભગવાને તેમનો ખોવાયેલો સૂર શોધીને પાછો બોલાવી લીધો! આપણા માટે એ કાળની ક્રૂર ગતિ હતી, ભગવાન માટે કદાચ સદ્ગતિ હશે. મૃત્યુ પણ કેવું? સૂરમય સાધના સાથે સ્વર્ગવાસ. લોકગીતોનું રેકૉર્ડિંગ કરવા હેમુભાઈ પડધરી ગામે ગયા. રિહર્સલ કરતાં-કરતાં અસ્વસ્થ થઈ ગયા. મગજની નસો ખેંચાવા લાગી ને ભૂલોકનો લોકગાયક સ્વર્ગલોકનો બની ગયો. હેમુભાઈ વિશેની કેટલીક રસિક વાતો આવતા સપ્તાહે. છેલ્લે હેમુભાઈના અવસાન પછી જુદા-જુદા કવિઓએ આપેલી શ્રદ્ધાંજલિની કેટલીક પંક્તિઓ...આકાશવાણી કંઠ ઓપતો, હેમુ હીરાનો હાર

ઈ કોડીલો કલાકાર ચોરી ગયો તું શામળા

હેમુ થવા કૈંક હવે બઢાળા કરે બકવાદ

પણ એક આની નવ મળે સુરીલો કૈં સ્વાદ

- બારોટ બોઘાભાઈથોકે થોક લોક ઊમટતા, સાંભળતા હેમુનો સૂર

ગુજરાતને કરી ગાંડીતૂર, હાલ્યો ગયો ઈ હેમલો

- લક્ષ્મણ પરમારમેઘાણી મૂઆ પછી ચડ્યો કસુંબી રંગ

પણ પડ્યો રંગમાં ભંગ હાલી જાતાં હેમુડા

ગઢવી છંદા મૂકશે, થાશે છંદા ભંગ

તારા વિના ઈ રંગ, કોણ રાખશે હેમુડા!

- હરજીભાઈ

હેમુ તું હીરો ‘રત્નુ’ કુળદીપકનો તાજ

તારે જાવું નો’તું આજ છોડી આ સંસારને

ગામ નાનું ગઢવી તણું, ઢાંકણિયા મુકામ

એમાં થાક્યો તું રતન, રત્નુકુળ સુકાન

- જોરાવરદાન ગઢવી

ગળું ગયો, ગાનાર ગયો, થઈ હલકની હાણ

માંડી રાગે મોકાણ, હેમુ તું જાતાં જોને હવે

- સામતભાઈઅને સમાપન... કવિ ‘દાદ’થી

ચડશે ઘટા ઘનઘોર ગગને,

મેઘ જળ વરસાવશે

ને નીલ વરણી ઓઢણી જઈ

ધરા સર પર ધારશે

ગેહકાટ થાતા ગીર મોરા,

પિયુ ધન પોકારશે

તે વખત આ ગુજરાતને

હા, યાદ હેમુ આવશે


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK