અપશુકનિયાળ કોણ? - (લાઇફ કા ફન્ડા)

ગામમાં એક માણસ બિચારો અપશુકનિયાળ તરીકે પ્રખ્યાત થઈ ગયો.



(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

નાનપણમાં માતા-પિતા મરી ગયાં. અનાથ થયો. મામાને ત્યાં રહેતો. મામાને વેપારમાં નુકસાન થતાં મામીએ અપશુકનિયાળનું બિરુદ આપીને કાઢી મૂક્યો. પછી એવું જ થતું કે તે જ્યાં જતો ત્યાં કંઈક નુકસાન થતું. જેને સામે મળતો તે વ્યક્તિને કોઈક મુશ્કેલી આવતી. ગામના લોકોએ રાજાને ફરિયાદ કરી.

રાજાએ ફરિયાદ સાંભળીને કહ્યું, ‘હું જાતે તપાસ કરીશ, ચકાસણી કરીશ.’

રાજાએ તે માણસને પોતાના મહેલમાં રહેવા બોલાવ્યો અને પોતે મનમાં નક્કી કર્યું કે હું આવતી કાલે સવારે ઊઠીને સૌથી પહેલાં તેનું મોઢું જોઈશ અને પછી મારો દિવસ કેવો જાય છે એના પરથી નિર્ણય લઈશ. નક્કી કર્યા મુજબ બીજા દિવસે સવારે રાજા વહેલો ઊઠીને પેલા અપશુકનિયાળ માણસના કક્ષમાં ગયો. ત્યાં જઈને જોયું તો તે અપશુકનિયાળ માણસ વહેલો ઊઠી, પૂજાપાઠ કરીને ભગવાનનું નામ લઈ રહ્યો હતો. રાજાને જોતાં જ ઊભા થઈને તેણે પ્રણામ કર્યા.

અપશુકનિયાળ માણસનું મોઢું જોઈને રાજા કામકાજમાં લાગી ગયા. આજે દરબારમાં એટલા બધા મુદ્દા પર ચર્ચા થઈ કે ઘણું મોડું થઈ ગયું. રાજાને બપોરનું ભોજન કરવાનો સમય જ ન મળ્યો. સાંજે પણ રાજા અતિ વ્યસ્ત રહ્યા અને છેક મોડી રાત્રે ભોજન પામ્યા. રાજાને થયું કે સાચે જ પેલો માણસ અપશુકનિયાળ છે, તેનું મોઢું જોવાથી હું રાજા હોવા છતાં આખો દિવસ ભોજન ન પામ્યો. બસ, રાજાએ હુકમ આપી દીધો કે મંત્રીને બોલાવો. મંત્રી આવતાં જ કહ્યું, ‘મંત્રીજી, પેલા અપશુકનિયાળ માણસને કાલે જ મૃત્યુદંડ આપી દો. આજે સવારે મેં તેનું મોઢું સૌથી પહેલાં જોયું અને તેથી આખો દિવસ ભૂખા રહેવું પડ્યું એ સાબિત કરે છે કે તે અપશુકનિયાળ છે એટલે તેને મૃત્યુદંડ આપવાનો હુકમ કરું છું.’

મંત્રી ધીમેથી બોલ્યો, ‘રાજન, મારી વાત પર શાંતિથી વિચાર કરજો. તમે તેનું મોઢું સવારે સૌથી પહેલાં જોયું એવી જ રીતે તેણે પણ સવારે સૌથી પહેલાં તમારું મોઢું જોયું છે. તેનું મોઢું જોવાથી તમને આખો દિવસ ભોજન કરવાનો સમય ન મળ્યો એટલું કામ હતું અને કામ થઈ ગયા બાદ અત્યારે તો ભોજન મળ્યું. પેલા માણસે સવારે તમારું મોઢું જોયું અને તેને કોઈ વાંકગુના વિના મૃત્યુદંડ મળશે તો તમે જ વિચારો કે વધુ અપશુકનિયાળ કોણ?’

રાજા સમજી ગયા અને બીજા દિવસે જાહેર કર્યું કે કોઈ અપશુકનિયાળ હોતું નથી અને આ વ્યક્તિ પણ અપશુકનિયાળ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy