કૉન્ટ્રાસેપ્ટિવ પિલથી સ્ત્રીની સેક્સ્યુઅલ ડિઝાયર પર અસર થઈ શકે?

વર્ષો સુધી સતત ગર્ભનિરોધક ગોળીના સેવનથી સ્ત્રીની સમાગમની ઇચ્છા પર નકારાત્મક અસર થાય છે એવું તારણ નીકળ્યુ છે. અનિચ્છિત ગર્ભ ન રહે એ માટેના સૌથી સલામત ઉપાય તરીકે લેવામાં આવતી આ ગોળીના ફાયદા અને આડઅસર વિશે જાણીએ

pillsલેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

મહિનો પૂરો થઈ જાય અને માસિક ન આવે એટલે ચિંતામાં વધારો થાય. ક્યાંક ગર્ભ તો નહીં રહી ગયો હોયને એવો ભય સતાવવા લાગે. દર મહિને આવી ચિંતાથી છુટકારો મેળવવા સ્ત્રીઓ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે ગર્ભનિરોધક ગોળીનું સેવન કરે છે. લગ્નજીવનના શરૂઆતનાં વર્ષોમાં માતા બનવાની ઉતાવળ ન હોય અને સમાગમના અન્ય સુરક્ષિત માર્ગો પસંદ ન પડતાં સ્ત્રીઓ ગોળી લેવાનું શરૂ કરે છે. જ્યારે બાળક જોઈતું હોય ત્યારે ગોળી બંધ કરી દે અને ફરી પાછી શરૂ કરે. આ સિલસિલો આમ જ ચાલતો રહે છે. જેમ અમુક રોગના દરદીને આજીવન કેટલીક દવા ફરજિયાત લેવાની હોય છે એવી જ રીતે સ્ત્રીઓ પણ સમય જતાં ગર્ભનિરોધક ગોળીના સેવનની આદી થઈ જાય છે. થોડા સમય પહેલાં સ્ત્રીઓના જાતીય આવેગમાં ઘટાડો થવાનાં કારણો વિશે કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ગર્ભનિરોધક ગોળીના સેવનથી સ્ત્રીની સેક્સ્યુઅલ ડિઝાયર પર નકારાત્મક અસર પડે છે. અનિચ્છિત ગર્ભ ન રહી જાય એ માટે વર્ષો સુધી એકધારું ગોળીનું સેવન કરવાથી તેના માસિકચક્રમાં બહુ મોટું પરિવર્તન આવે છે જે તેની સેક્સની ઇચ્છાને લગભગ ખતમ જ કરી નાખે છે. શું વર્ષો સુધી ગર્ભનિરોધક ગોળી લેવી જોઈએ? કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સના ફાયદા અને આડઅસર વિશે જાણીએ.

લાંબા સમય સુધી ગર્ભનિરોધક ગોળી લેવાથી સ્ત્રીના જાતીય જીવન પર કેવી અસર થાય છે એ સંદર્ભે વાત કરતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. વીણા ઔરંગાબાદવાલા કહે છે, ‘ગર્ભનિરોધક ગોળીની શોધથી સ્ત્રીઓને ઘણી રાહત થઈ છે અને વર્ષોથી લાખો સ્ત્રીઓ એનું સેવન કરે છે. સૌથી પહેલાં તો આપણે બર્થ કન્ટ્રોલ પિલ તરીકે ઓળખાતી આ ગોળીના લાભ વિશે જાણીએ. ગર્ભનિરોધક ગોળીનો સૌથી મોટો ફાયદો એ છે કે એના સેવનથી ગર્ભ રહેવાની શક્યતા એક લાખ મહિલાએ માત્ર બે જ છે. એનો અર્થ લગભગ સો ટકા સલામત છે. ગર્ભ રહેવાનો ભય સ્ત્રીને સતાવે છે એની પાછળનાં કારણો માત્ર શારીરિક નથી, ગર્ભપાતની પીડા એક સ્ત્રી જ સમજી શકે છે. સામાન્ય રીતે આપણે એમ સમજતા હોઈએ છીએ કે ગર્ભ ન રહે એ માટે ગોળી લેવી જોઈએ, પરંતુ ગર્ભનિરોધક ગોળીના બીજા પણ લાભ છે. જે સ્ત્રીના અંડાશયમાં પાણી ભરાઈ જતું હોય અથવા ગર્ભાશયની ગાંઠ હોય એવી સ્ત્રીને સારવાર દરમ્યાન ગર્ભનિરોધક ગોળી લેવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રીમેન્સ્ટ્રુએશન સિસ્ટમને લગતી સારવાર ચાલતી હોય તો બેથી ત્રણ મહિના ગર્ભનિરોધક ગોળી લેવી પડે છે.’

ગર્ભનિરોધક ગોળીના ગેરફાયદા વિશે જણાવતાં ડૉ. વીણા કહે છે, ‘પહેલાં એક જ પ્રકારની ગોળી આવતી હતી અને એની આડઅસર વધારે જોવા મળતી, પરંતુ હવે ગોળીઓમાં વેરિએશન આવી ગયું છે. બધી સ્ત્રીઓ માટે એક જ પ્રકારની ગોળી ન ચાલે. ગર્ભનિરોધક ગોળી લેતાં પહેલાં કેટલાંક પરીક્ષણ કરાવી લેવાં જોઈએ અને ડૉક્ટરની સલાહ અનુસાર એનો ઉપયોગ કરવો જોઈએ. એમ નહીં કે બાળક નથી જોઈતું તો ગોળી શરૂ કરી દો. લાંબા સમય સુધી આવી ગોળીનું સેવન કરવાથી ફાઇબ્રોએડેલોસિસ એટલે કે સ્તનના દુખાવા સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. ગર્ભનિરોધક ગોળી લેતી સ્ત્રીઓને માસિક સમયે બ્રેસ્ટમાં દુખાવો થાય છે.

બ્રેસ્ટ-કૅન્સરના અનેક કેસમાં ગર્ભનિરોધક ગોળીનું અતિસેવન એક કારણ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય પિગમેન્ટેશન, ખીલ, વજન વધી જવું, ઊંઘ ડિસ્ટર્બ થવી વગેરે સામાન્ય લક્ષણો છે.

ક્યારેક-ક્યારેક લિવર પર પણ એની અસર થાય છે. આજકાલ યુવતીઓને નાની વયે માતા બનવું નથી એના કારણે લગ્નનાં ચાર-પાંચ વર્ષ સુધી સળંગ ગોળી લે છે. લાંબા સમય સુધી ગોળીનું સેવન કરે તો ફળદ્રુપતામાં ઘટાડો થઈ શકે છે, પરિણામે જ્યારે બાળકનો નર્ણિય લે ત્યારે ગર્ભ રહેવામાં વિલંબ થાય છે. જો કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળે તો ગોળી બંધ કરી દેવી જોઈએ અને અન્ય સલામત માર્ગો અપનાવવા જોઈએ. વજાઇનલ રિન્ગ અને કૉપર-ટીનો વિકલ્પ પસંદ કરી શકાય. જો બાળક ન જોઈતું હોય અને ૩૫ વર્ષની વય થઈ ગઈ હોય તો ઑપરેશન કરાવી લેવું જોઈએ. જોકે સૌથી શ્રેષ્ઠ, સરળ અને સલામત માર્ગ એ જ છે કે હસબન્ડે કૉન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.’

ગર્ભનિરોધક ગોળીના સેવનથી સ્ત્રીના જાતીય જીવન પર થતી અસર વિશે વાત કરતાં ડૉ. વીણા કહે છે, ‘ગોળી લેવાથી સેક્સ્યુઅલ ડિઝાયર ખતમ થઈ જાય છે એવા કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ સામે આવ્યાં નથી. ગર્ભનિરોધક ગોળીથી જાતીય જીવન પર નકારાત્મક અસર થાય છે એમ ન કહી શકાય. સમાગમની અનિચ્છાનાં અનેક કારણો હોઈ શકે છે. વાસ્તવમાં ગર્ભનિરોધક ગોળીને કારણે લોકલ વજાઇનલ ઍસિડ બેઝમાં ઊથલપાથલ જોવા મળે છે, જેના કારણે વારંવાર ફંગલ ઇન્ફેક્શન થાય છે. ફંગલ ઇન્ફેક્શન અને લ્યુબ્રિકેશનનો અભાવ એમ બે વસ્તુ ભેગી થવાને લીધે સ્ત્રીઓ સેક્સ કરવાનું ટાળે છે. ઘણા કેસમાં હસબન્ડ એક્સેસિવ સેક્સમાં રસ ધરાવતો હોય એ બાબત સ્ત્રીને ગમતી ન હોય એવું પણ બને. દંપતી વચ્ચે લાગણીનો અભાવ હોય એની અસર પણ જાતીય જીવન પર પડવાની. જાતીય જીવનને લગતી અમુક બાબતો કાઉન્સેલિંગ અને થેરપીથી જ દૂર કરી શકાય. એના માટે મેડિકલ ટ્રીટમેન્ટની ખાસ આવશ્યકતા નથી.’

માત્ર ગર્ભનિરોધક ગોળી જ નહીં, કોઈ પણ પ્રકારની ઍલોપથી દવાઓ લાંબા સમય સુધી એકધારી લેવામાં આવે તો એની આડઅસર થવાની જ એવો અભિપ્રાય આપતાં હોમિયોપૅથ અર્ચના ઠક્કર કહે છે, ‘વર્ષો સુધી ગર્ભનિરોધક ગોળીનું સેવન સ્ત્રીના મૂડસ્વિંગ્સ પર અસર કરે છે. પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (oOCID) અને કૉન્ટ્રાસેપ્ટિવ પિલ બન્નેનાં લક્ષણો લગભગ સરખાં જ છે. બન્નેમાં સેક્સ્યુઅલ પ્રોજેસ્ટરોન અને એસ્ટ્રોજન હૉર્મોનની મોટા પાયે ઊથલપાથલ જોવા મળે છે. વજાઇનલ ડ્રાયનેસને કારણે શારીરિક સંબંધો પીડાદાયક બને છે. ગર્ભનિરોધક ગોળીના અતિ સેવનથી મેનોરેજિયા એટલે કે એક્સેસ બ્લીડિંગની શક્યતા નકારી ન શકાય. માસિકસ્રાવમાં વધારો થાય એની જાતીય જીવન પર અસર દેખાવાની. ગર્ભપાતના ભયથી સ્ત્રીઓ ગોળી લે તો છે. પણ લાંબા ગાળે તેનું શરીર બીજા રોગનું ઘર પણ બની જાય છે.’

સામાન્યપણે આપણે કોઈ પણ ગોળીના પૅકેટ પર લખવામાં આવેલી અમુક માહિતીને ગંભીરતાથી નથી લેતાં એમ જણાવતાં અર્ચના કહે છે, ‘ગર્ભનિરોધક ગોળીના પૅકેટ પર જ એની આડઅસર વિશે માહિતી આપવામાં આવી હોય છે. જો તમે લેબલિંગ વાંચ્યા વગર કોઈ પણ દવા લો તો શુગર અને બ્લડ-પ્રેશરની ગોળીની પણ આડઅસર થાય. ગર્ભનિરોધક ગોળીની આડઅસરથી બચવા હવે કૉન્ટ્રાસેપ્ટિવ ઇન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે. અનિચ્છિત ગર્ભ ન રહી જાય એ માટે આપવામાં આવતા આ ઇન્જેક્શન બાદ ત્રણ મહિના સુધી ગર્ભ નથી રહેતો. દર ત્રણ મહિને એને રિપીટ કરી શકાય. સ્ત્રીઓએ એક વાત યાદ રાખવી જોઈએ કે તમે જે પણ ગોળી લો છો એ તમારા શરીરમાં આર્ટિફિશ્યલ હૉર્મોનને ઇન્જેક્ટ કરવાનું કામ કરે છે. આર્ટિફિશ્યલ હૉર્મોનની માત્રા કેટલી હોવી જોઈએ એ બાબતની જાણકારી જરૂરી છે. હવે એક સામાન્ય દાખલો લો, તમે અતિશય બહારનું ખાઓ તો તબિયત બગડે છેને. એવી જ રીતે આ ગોળી પણ બહારની વસ્તુ છે. બહારની ચીજ તમારા શરીરમાં વધારે માત્રામાં જાય તો એ શરીરની અંદર

રહેલાં કુદરતી તત્વોને નષ્ટ કરવાનું કામ કરશે. લાંબા સમય સુધી નૅચરલ હૉર્મોન ડિસ્ટર્બ થાય એટલે એક તબક્કે બ્લાસ્ટ થવાનો જ.’

ગર્ભનિરોધક ગોળી લેવાથી સેક્સ્યુઅલ ડિઝાયર ખતમ થઈ જાય છે એવાં કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ સામે નથી આવ્યાં, પરંતુ લાંબા સમય સુધી આવી ગોળીનું સેવન કરવાથી ફાઇબ્રોએડેલોસિસ એટલે કે સ્તનના દુખાવા સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. જો કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળે તો ગોળી બંધ કરી વજાઇનલ રિન્ગ, કૉપર-ટી અથવા કૉન્ડોમ જેવા અન્ય સલામત વિકલ્પ અપનાવવા જોઈએ.

- ગાયનેકોલૉજિસ્ટ વીણા ઔરંગાબાદવાલા

વર્ષો સુધી ગર્ભનિરોધક ગોળીનું સેવન સ્ત્રીના મૂડસ્વિંગ્સ પર અસર કરે છે. ભ્ઘ્બ્D અને કૉન્ટ્રાસેપ્ટિવ પિલ બન્નેનાં લક્ષણો લગભગ સરખાં જ છે. બન્નેમાં સેક્સ્યુઅલ પ્રોજેસ્ટરોન અને એસ્ટ્રોજન હૉર્મોનની મોટા પાયે ઊથલપાથલ જોવા મળે છે. વજાઇનલ ડ્રાયનેસને કારણે શારીરિક સંબંધો પીડાદાયક બને છે. હવે કૉન્ટ્રાસેપ્ટિવ ઇન્જેક્શન આવી ગયાં છે. એક ઇન્જેક્શન બાદ ત્રણ મહિના સુધી ગર્ભ નથી રહેતો. દર ત્રણ મહિને એને રિપીટ કરી શકાય.

- હોમિયોપૅથ અર્ચના ઠક્કર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK