આધાર વિશે પુર્નવિચાર કરવાની જરૂર છે

દેશમાં જ્યાં સુધી કૉન્ગ્રેસનું શાસન હતું ત્યાં સુધી આ દેશ અત્યંત પછાત હતો.

aadhaar

કારણ-તારણ - રમેશ ઓઝા

કેટલાક લોકો પછાતપણા માટે શરમ અનુભવતા હતા અને કૉન્ગ્રેસના ફૂવડ નેતાઓને ફટકારતા હતા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા અને આપણને ખબર પણ ન પડી અને દેશ વિકસિત થઈ ગયો. એવો વિકસિત કે વાત ન પૂછો. જ્યાં વિકાસ ઓછો પડતો હતો ત્યાં વિકાસના માપદંડ (પૅરામીટર્સ) બદલી નાખ્યા. વિકાસ નજરે પડવો જોઈએ અને પાછો નજરે પડે પણ છે. GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) આનું એક ઉદાહરણ છે. GDPનો જૂનો માપદંડ વાપરવામાં આવે તો GDP એકથી દોઢ ટકા ઘટી જાય.

એમાં વળી વડા પ્રધાને દરેકને આત્મવિશ્વાસપૂર્વક બોલતાં શીખવાડ્યું છે. શું બોલો છો એ મહત્વનું નથી, આત્મવિશ્વાસ સાથે ખોંખારો ખાઈને બોલો એટલે લોકો ભરોસો મૂકશે, મૂકવો જ પડશે. ભાષામાં આત્મવિશ્વાસનો રણકો જ છે. કેટલાક વળી હજી આગળ વધીને વિકાસ વિશે શંકા કરનારાઓને પછાતપણું સાબિત કરી આપવા લલકારે છે. આ પણ વિરોધીઓને ચૂપ કરી દેવાનું અને ભોળા ભક્તોને ભ્રમમાં રાખવાનું અસરકારક સાધન છે. ટેલિકમ્યુનિકેશન પ્રધાન રવિ શંકર પ્રસાદ વખતોવખત આનો ઉપયોગ કરે છે.

ભૂતપૂર્વ ર્નિવાચન આયુક્ત અચલ કુમાર જોતીએ શંકા કરનારાઓને લલકારવાની કોશિશ કરી હતી જે સરવાળે ખોટનો સોદો સાબિત થયો હતો. આ જોતી કુમાર ખોળાધારી આયુક્ત હતા જેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી હતી. જોતીસાહેબે પડકાર ફેંક્યો હતો કે EVM (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન) સાથે કોઈ ચેડાં કરી આપે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની વિધાનસભામાં આખું જગત જુએ એમ કૅમેરાની આંખ સામે સાબિત કરી આપ્યું કે EVM સાથે ચેડાં થઈ શકે છે. આનું પરિણામ એ આવ્યું કે VVPAT (વોટર-વેરિફાઇડ પેપર ઑડિટ ટ્રેલ) નામનું સુરક્ષા-કવચ કમિશને EVM મશીન સાથે જોડવું પડ્યું, જેથી મતદાતાને ખબર પડે કે તેણે આપેલો મત તેની પસંદગીના ઉમેદવારને ગયો છે કે નહીં. લલકારવાને કારણે આ બૈલ મુઝે માર જેવી સ્થિતિ બની. ચૂંટણીપ્રક્રિયામાં જે મોટું ગાબડું હતું એ બંધ કરવું પડ્યું. અત્યારે તો એમ લાગે છે, પછી તો ભગવાન જાણે. માણસ અને મશીન પર ભરોસો મૂકવામાં હું માનતો નથી અને ઉપરથી ખોંખારો ખાઈને આત્મવિશ્વાસપૂર્વક બોલતા આવડતું નથી.

હું એમ માનું છું કે વ્યવસ્થા ચેડાં ન થઈ શકે એવી હોવી જોઈએ અને એ પછી પણ જો કોઈ ચેડાં કરે તો ચેડાં કરનારને દંડવા માટે મજબૂત ન્યાયતંત્ર હોવું જોઈએ. ઝડપથી દંડી શકાય એવું મજબૂત અને સ્વતંત્ર ન્યાયતંત્ર હુકમનું પાનું છે જે માણસ અને મશીન ક્યારેય ન બની શકે. જોકે આજકાલ ભક્તોને વ્યવસ્થાની જગ્યાએ વ્યક્તિ પર અને શાસકોને મશીન પર ભરોસો છે. એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણી વહેલી યોજવા ઇચ્છતી હતી, પરંતુ VVPATનો પુરવઠો પૂરો પડી શકે એમ નથી એટલે વહેલી ચૂંટણી નહીં યોજી શકાય.

હવે આવી એક બીજી ઘટના સામે આવી છે. ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (વ્ય્ખ્ત્-ટ્રાઇ)ના નિવૃત્ત થઈ રહેલા અધ્યક્ષ આર. એસ. શર્માએ જતાં-જતાં શંકા કરનારાઓને પડકારવાનું દુસ્સાહસ કર્યું. શર્માસાહેબ ટ્રાઇના અધ્યક્ષ બન્યા એ પહેલાં દેશના નાગરિકોને આધાર કાર્ડ આપનારી યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા સાથે હતા. શર્માજી આધાર કાર્ડને ભગવાન માને છે અને દાવા સાથે કહે છે કે કોઈના બાપની તાકાત નથી કે આધારના ડેટા લીક કરી બતાવે. તેમણે જતાં-જતાં (કદાચ નિવૃત્તિ પછી વધુ સારું પોસ્ટિંગ મળે એવા વહાલા થવાના ઇરાદે હશે) પોતાનો આધાર-નંબર જાહેરમાં મૂક્યો અને પડકાર ફેંક્યો કે કોઈ માઈનો લાલ હૅકર્સ તેમના અંગત ડેટા લીક કરી વતાવે.

શું થયું ખબર છે? ભારતની સિલિકૉન વૅલી ગણાતા બૅન્ગલોરના એથિકલ હૅકર્સે ચોવીસ કલાકમાં શર્માજીની આખી કુંડળી જાહેરમાં મૂકી દીધી એટલું જ નહીં, તેમના બૅન્ક-અકાઉન્ટમાં એક રૂપિયો પણ જમા કરાવ્યો. શર્માજીનો મોબાઇલ-નંબર, ખાનગી મોબાઇલ-નંબર, વૉટ્સઍપ સ્ટેટસ, તેમનો પ્રોફાઇલ અને ફોટો, પાંચ બૅન્કનાં બૅન્ક-અકાઉન્ટ્સ નંબર, વોટર ID, પૅન-નંબર બધું જ. સામાન્ય રીતે શર્માજી જે વિગતો અજાણ્યા સાથે શૅર ન કરે એ બધી જ વિગતો સાવ અજાણ્યા સકળ વિશ્વ સમક્ષ ખુલ્લી પડી ગઈ. બૅન્ગલોરના હૅકર્સે શર્માજીને સલાહ પણ આપી છે કે વધુપડતા આત્મવિશ્વાસ અને લલકારવાના મોડમાં રહેવામાં ફાયદો નથી. આવતી કાલે કોઈ ગુનેગાર તેના ખાતામાંથી તમારા ખાતામાં પૈસા જમા કરાવીને તમને બ્લૅકમેઇલ કરી શકે છે. હૅકર્સ આખા દેશને એમ કહે છે કે દાઉદ ઇબ્રાહિમ વડા પ્રધાનના ખાતામાં પૈસા જમા કરાવી શકે છે.

શર્માજીનું જે થવું એ થાય, આપણે આત્મવિશ્વાસથી છલકાતા શાસકોના યુગમાં સુરક્ષિત નથી એનું શું? એ લોકો વાસ્તવિકતા સ્વીકારવા જ તૈયાર નથી કે મશીનમાત્ર સાથે ચેડાં થઈ શકે છે અને સોમાંથી ૯૯ માણસને ડરાવી કે ખરીદી શકાય છે. આપણી અંગત સુરક્ષા (દરેક પ્રકારની સુરક્ષા) સાથે કોઈ ચેડાં કરે તો દંડવા માટે સક્ષમ ન્યાયતંત્ર પણ નથી. જવું ક્યાં? કોને ફરિયાદ કરવી? અંગ્રેજી અખબાર ‘હિન્દુ’માં અઠવાડિયા પહેલાં એક સ્ટોરી છપાઈ હતી. આંધþ પ્રદેશમાં એક એજન્ટે સોશ્યલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે કે આંધþ પ્રદેશના ચાર લાખ વિદ્યાર્થીઓના ડેટા ઉપલબ્ધ છે. રૉ ડેટા જોઈતા હોય તો ૧૭,૦૦૦ રૂપિયા અને વિદ્યાર્થીનું નામ, સરનામું, અત્યાર સુધીનું શિક્ષણ, આગળ શું ભણવા માગે છે, કેવી કારર્કિદી ઘડવા માગે છે, એન્ટ્રન્સ એક્ઝામમાં મેળવેલા માર્ક્સ, પરિવારની આર્થિક સ્થિતિ કેવી છે વગેરે જુદી-જુદી રીતે વગીકૃત કરેલા ડેટા જોઈતા હોય તો ભાવતાલ માટે સંપર્ક કરવામાં આવે. આ મેસેજ ફ્રેન્ચ સિક્યૉરિટી રિસર્ચર હોવાનો દાવો કરનારા એલિયટ ઍન્ડરસને વહેતો કર્યો છે.

એક કલ્પના કરી જુઓ : બિહામણી છે, પરંતુ સાચી નીવડી શકે છે. કદાચ નીવડતી પણ હશે. તમે ધાર્મિક વૃત્તિ ધરાવો છો એની જાણ થાય તો બાવાઓ અને તાંત્રિકો તમને ટાર્ગેટ બનાવશે. તમારા ઘરમાં અપરિણીત દીકરી છે તો વિચારી જુઓ. હાંજા ગગડી જાય એવી કારમી સંભાવનાઓ નજરે પડી રહી છે. આવતી કાલ અસહ્ય નીવડવાની છે.

ચાર વાસ્તવિકતા ગાંઠે બાંધી લો:

૧. ચપટી વગાડતાં કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. જે પ્રશ્નને સમજે છે અને ઉકેલ શોધવા મથે છે તેની ભાષામાં નમ્રતા અને મર્યાદા નજરે પડશે. તે આત્મવિશ્વાસપૂર્વક ક્યારેય દાવાઓ નહીં કરે અને નહીં કોઈને લલકારે.

૨. માણસ અને મશીનના ખોળામાં માથું મૂકીને જીવાય નહીં. સાબદા રહેવું જ પડે.

૩. આપણો દેશ શરમાવું પડે એ હદે પછાત છે, છે અને છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે આનું તાજું ઉદાહરણ છે. ગયા મે મહિનામાં વડા પ્રધાને એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમની આદત મુજબ રોડ-શો કર્યો હતો. એક વરસાદમાં ગાઝિયાબાદમાં રોડની જમીન એટલી હદે નીચે ધસી ગઈ કે એમાં આખી કાર ધરબાઈ ગઈ હતી. આવું પાછું એક નહીં અનેક જગ્યાએ બન્યું છે. હવે સ્થિતિ આવી હોય ત્યાં આધારમાંની અંગત વિગતોની જાળવણી તો બહુ દૂરની વાત છે. દેશમાં કેટલા વ્હિસલ બ્લોઅર્સ (ખોટું થતું હોય તો આંગળી ચીંધનારાઓ)ની ઓળખ ગુપ્ત રહે છે? તેઓ બિચારા જાન ગુમાવે છે. પ્રજા તરીકે આપણે બેદરકારી અને બેજવાબદારીના ગુણ ધરાવીએ છીએ.

૪. કાયદાનું રાજ અને ન્યાયતંત્ર એટલી હદે નબળાં છે કે તમને દાયકાઓ સુધી ન્યાય મળી શકે એમ નથી. આ સ્થિતિમાં ટેક્નૉલૉજીનો આંધળો ઉપયોગ કરીને જિંદગીને વધારે અસુરક્ષિત કરવી એ ખોટનો સોદો છે. કોના ભરોસે? ટ્રાઇના અધ્યક્ષના ભરોસે, જેના પોતાના ડેટા સુરક્ષિત નથી?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK