કોંગ્રેસના નેતૃત્વમાં UPAની પુનર્રચના થશે, પણ માઇનસ પ્રાઇમ મિનિસ્ટરશિપ

છેલ્લા છ મહિનામાં રાહુલ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી શરદ પવાર અને રાહુલ ગાંધી વચ્ચે ત્રણ વાર બેઠકો યોજાઈ હતી

CONGRESSકારણ-તારણ - રમેશ ઓઝા

મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું જેમાં શરદ પવારે વિપક્ષી એકતાની બહુ વિગતવાર નહીં, પરંતુ મોટા સ્વરૂપમાં ફોર્મ્યુલા રજૂ કરી હતી. એમ કહેવામાં આવે છે કે શરદ પવાર આમાં પહેલ કરી રહ્યા છે અને કોંગ્રેસ સહિત મોટા ભાગના રાજકીય પક્ષોની  સંમતિ છે. છેલ્લા છ મહિનામાં રાહુલ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી શરદ પવાર અને રાહુલ ગાંધી વચ્ચે ત્રણ વાર બેઠકો યોજાઈ હતી. આ ઉપરાંત તેઓ અન્ય પક્ષોના નેતાઓના સંપર્કમાં છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ વડા પ્રધાનપદનો દાવો પાછો ખેંચીને વિપક્ષી એકતા માટેની અનુકૂળતા પેદા કરી આપી છે એમ પણ શરદ પવારે કહ્યું હતું.

શરદ પવારની ફોર્મ્યુલા એવી છે કે જે રાજ્યમાં જે પક્ષનો પ્રભાવ હોય ત્યાં એનું વર્ચસ્વ સ્વીકારવામાં આવે. જેમ કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ કોંગ્રેસનાં. આ રાજ્યોમાં બીજા પક્ષોના દાવા હોય તો એને સમાવવાની જવાબદારી કોંગ્રેસની. જે મતદાર ક્ષેત્રોમાં કોંગ્રેસ નબળી છે અથવા જે મતદાર ક્ષેત્રોમાં વીતેલી ચૂંટણીઓમાં દાવેદાર પક્ષે સારા એવા મત મેળવ્યા હોય તો એ બેઠક દાવેદાર પક્ષને ફાળવવામાં આવે. જે રાજ્યોમાં કોંગ્રેસ ઉપરાંત બીજો પક્ષ છે, પણ સામે BJP મજબૂત છે ત્યાં વીતેલી ચૂંટણીઓમાં પડેલા મતો અને બીજા પક્ષના ઉમેદવારના પરાજયના માર્જિનના આધારે બેઠકોની ફાળવણી કરવામાં આવે. આવાં રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર અને ઝારખંડનો સમાવેશ થાય છે.

કેટલાંક રાજ્યો એવાં છે જ્યાં કોંગ્રેસ અને એનો પ્રતિસ્પર્ધી પક્ષ એમ બે જ પક્ષ દાયકાઓથી એકબીજાની સામે લડતા આવ્યા છે અને BJP એ રાજ્યમાં પ્રવેશવા માગતો ત્રીજો પક્ષ છે. અહીં BJP મુખ્ય પ્રતિસ્પર્ધી નથી. મુખ્ય પ્રતિસ્પર્ધી કોંગ્રેસ અને અન્ય પક્ષ છે પછી એ પ્રાદેશિક હોય કે રાષ્ટ્રીય. કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઓડિશા અને ઇશાન ભારતનાં કેટલાંક રાજ્યોમાં આવી સ્થિતિ છે. આ રાજ્યો પર ભાજપની નજર છે અને અહીં રાહુલ ગાંધીની અને કોંગ્રેસની કસોટી થવાની છે. ભાજપની નજર એટલા માટે છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં જે મતના પ્રમાણમાં અને સઘનતા હોવાને કારણે બેઠકોમાં ગાબડું પડવાનું છે એનું વળતર આ રાજ્યોમાં મળી શકે એમ છે. એ વળતર સઘન નહીં હોય પણ છૂટુંછવાયું હશે એ જુદી વાત છે, પરંતુ અહીં પ્રવેશ માટે જગ્યા છે.

કેરળમાં દાયકાઓથી કોંગ્રેસ અને ડાબેરી પક્ષો એકબીજાની સામે લડતા આવ્યા છે. શું આ બે પક્ષો આ વખતે હાથ મેળવશે? વિધાનસભા માટે નહીં, પરંતુ લોકસભા માટે હાથ મેળવી શકે. આંધ્રપ્રદેશમાં ત્રણ દાયકાથી TDP અને કોંગ્રેસ એકબીજાની સામે લડતા આવ્યાં છે તો ઓડિશામાં બીજુ જનતા દલ અને કોંગ્રેસ વચ્ચે બે દાયકા જૂની સ્પર્ધા છે. તમને યાદ હશે કે અવિશ્વાસ પ્રસ્તાવ વખતે આ જ રાજ્યોમાં વિપક્ષી એકતામાં તિરાડ પડી હતી. તેલંગણા રાષ્ટ્રીય કોંગ્રેસ અને બીજુ જનતા દલે અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન નહોતું કર્યું. બીજી બાજુ આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ BJP સાથે જવામાં ડર અનુભવી રહ્યા છે. ટીડીપીના ખભા પર ચડીને BJP TDPને મારી નાખશે જે રીતે મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે બની રહ્યું છે.

એ પછી આવે છે એવાં રાજ્યો જ્યાં કોંગ્રેસનો ખાસ કોઈ પ્રભાવ જ નથી. આ રાજ્યોમાં કોંગ્રેસ ત્રીજા કે ચોથા ક્રમે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ આવાં રાજ્યો છે. અહીં કોંગ્રેસ પોતાનો દાવો હળવો કરવા તૈયાર છે, પણ બીજા ગેર-BJP મુખ્ય પ્રતિસ્પર્ધીઓનું શું? આમાંથી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે સમજૂતી થવામાં વાંધો નહીં આવે એમ લાગે છે. અનુક્રમે અખિલેશ યાદવ અને માયાવતી બંને સમજૂતી કરવા આતુર છે. તેમણે પેટાચૂંટણી વખતે સમજૂતી કરી પણ હતી. બંને મળીને કોંગ્રેસનું જે રહ્યું સહ્યું અસ્તિત્વ છે એનું કાસળ કાઢશે અને કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. રાષ્ટ્રીય સ્તરે ઊભા થવું હોય તો અત્યારે કેટલાંક રાજ્યોમાં બલિદાન આપવું પડશે. બિહારમાં નીતીશકુમારે પાલો બદલ્યો એને કારણે કોંગ્રેસને ફાયદો થયો છે. બિહારના ગઠબંધનમાં કોંગ્રેસ ત્રીજા ક્રમેથી બીજા ક્રમે આવી ગઈ છે. આ બાજુ નીતીશકુમાર પાલો બદલીને બેવકૂફ બની ગયા છે અને તેમની હતાશા સ્પષ્ટ નજરે પડી રહી છે.

તામિલનાડુમાં પણ ઉત્તર પ્રદેશની જેમ કોંગ્રેસને જેટલી મળે એટલી બેઠકો સાથે જુનિયર પાર્ટનર બનવામાં વાંધો નહીં આવે. એમ લાગે છે કે ડીએમકે નેતૃત્વમાં તામિલનાડુમાં મોરચો રચાશે અને આ વખતે ડીએમકે તરફેણમાં હવા પણ છે. જે કડાકૂટ છે એ પશ્ચિમ બંગાળની છે. અહીં ત્રિપાંખિયા જંગને નિવારી શકાય એમ નથી. મમતા બૅનરજી અને ડાબેરી પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતી થાય તો એને અજાયબી કહેવી પડે. કોંગ્રેસ ઇચ્છે છે કે જેમ બિહારમાં ૨૦૧૫માં જનતા દલ (યુનાઇટેડ), રાષ્ટ્રીય જનતા દલ અને કોંગ્રેસ વચ્ચે મહાગઠબંધન થયું હતું એવું પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવું જોઈએ. એમાં પાછાં મમતા બૅનરજી વડાં પ્રધાન બનવાના સપનાં જોઈ રહ્યાં છે.

તેમને ત્રીજો મોરચો રચવામાં રસ છે કે જેથી કોંગ્રેસને બહાર રાખી શકાય. આગળ કહ્યું એમ જે રાજ્યોમાં કોંગ્રેસ અને સ્થાનિક પક્ષો વચ્ચે સીધી લડાઈ છે અને જ્યાં BJP એ રાજ્યોમાં પ્રવેશવા માટે રિન્ગમાં ઊભી છે એવાં રાજ્યોના મુખ્ય પ્રધાનો ત્રીજા મોરચા માટે આગળ આવી શકે છે. મમતા બૅનરજી ઉપરાંત ચન્દ્રબાબુ નાયડુ, નવીન પટનાયક અને ટી. ચન્દ્રશેખર રાવ કદાચ ત્રીજા મોરચામાં જોડાઈ શકે. સમસ્યા એ છે કે મમતા બૅનરજી અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે, પરંતુ ત્રીજો મોરચો આકાર નથી પામતો.

અહીં જે વિવેચન કર્યું એ તો રાજ્યોનું પરિસ્થિતિવાર કરવામાં આવેલું વર્ગીકરણ છે. આ વર્ગીકરણમાં તમે જોયું હશે કે કોંગ્રેસ નબળી પડી હોવા છતાં કોઈ ને કોઈ સ્વરૂપમાં દરેક રાજ્યમાં એ અસ્તિત્વ ધરાવે છે. હવે જે નવી વાત નજરે પડી રહી છે એ આવી છે. ૧૮૮૯ પછી પહેલી વાર એવું બની રહ્યું છે કે કોંગ્રેસ BJP સામેના મોરચાના કેન્દ્રમાં હોવા છતાં સત્તાની દાવેદારીના કેન્દ્રમાં નહીં હોય. આવું આ પહેલાં ક્યારેય નથી બન્યું. ૧૯૮૯નો અને ૧૯૯૬નો ત્રીજો મોરચો ગેર-કૉન્ગ્રેસી ગેર-ભાજપનો હતો. ૧૯૮૯ના ત્રીજા મોરચાને BJPએ બહાર રહીને ટેકો આપ્યો હતો અને ૧૯૯૬ના મોરચાને કૉન્ગ્રેસે બહાર રહીને ટેકો આપ્યો હતો. ૧૯૮૯ની વી. પી. સિંહની સરકારને  BJPએ ટેકો પાછો ખેંચી લઈને તોડી હતી અને ચંદ્રશેખરની સરકારને કૉન્ગ્રેસે ટેકો પાછો લઈને તોડી હતી. ૧૯૯૬ની દેવગૌડા-ગુજરાલની સરકારો કૉન્ગ્રેસે ટેકો પાછો ખેંચીને તોડી હતી.

આ વખતનો સિનારિયો કદાચ જુદો હશે. સંકેત એવા મળી રહ્યા છે અને શરદ પવાર તેમ જ રાહુલ ગાંધી બંને આવા સંકેત આપી પણ રહ્યા છે. ભારતભરમાં રાજ્યવાર સમજૂતી થશે અને એમાં કોંગ્રેસ એના ગજા મુજબ સ્થાન ધરાવશે. એ સ્થાન પહેલાથી ચોથા ક્રમનું કોઈ પણ હોઈ શકે. બીજું, કોંગ્રેસ વડા પ્રધાનપદ માટેની સ્વાભાવિક દાવેદાર નહીં હોય અને એ સાથે મોરચામાંથી બહાર પણ નહીં રહે જે રીતે ૧૯૯૬માં બન્યું હતું. આનો અર્થ એ થયો કે ત્રીજો મોરચો રચવાની જરૂર નથી. કોંગ્રેસના નેતૃત્વમાં UPAની પુનર્રચના થશે, પણ માઇનસ પ્રાઇમ મિનિસ્ટરશિપ. કોંગ્રેસને બહુ મોટી સંખ્યામાં બેઠકો મળે તો વડા પ્રધાનપદ મળે પણ ખરું અને ન પણ મળે. કૉન્ગ્રેસે એ માટેની અનુકૂળતા બતાવી છે અને માટે મમતા બૅનરજીને ત્રીજા મોરચા માટે બહુ પ્રતિસાદ નથી મળતો.

ત્રણ સંભાવના નજરે પડી રહી છે. એક, જો કોંગ્રેસને સારીએવી બેઠકો મળે તો ડૉ. મનમોહન સિંહ જેવા બિનરાજકારણી પણ આદરણીય તેમ જ સવર્‍સ્વીકૃત માણસને વડા પ્રધાન બનાવવામાં આવે. જો કોંગ્રેસને ધારેલી બેઠકો ન મળે તો શરદ પવાર અથવા માયાવતીનો ચાન્સ લાગી શકે છે. આમાંથી કોનો ચાન્સ લાગશે એ કહેવું મુશ્કેલ છે.

સવાલ એ છે કે વિપક્ષી એકતા સધાશે તો પણ એ ટકશે? વિરોધ પક્ષોને આ વાતની ચિંતા નથી. અત્યારે એમને જે રીતે કચડી નાખવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે એમની તાત્કાલિક જરૂરિયાત છે જાત બચાવવાની. ઊગરવાની. તેમની પૉલિટિકલ સ્પેસ જાળવી રાખવાની. તેઓ કોઈ પણ ભોગે આ કરવાના છે અને એમાં કૉન્ગ્રેસે વડા પ્રધાનપદનો દાવો છોડી દઈને રસ્તો કરી આપ્યો છે. ત્રીજો મોરચો જ અત્યારે તો અપ્રાસંગિક લાગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK