વડા પ્રધાને વિદેશવ્યવહારના પિરામિડને અનુસરવો જોઈએ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વરસમાં ૩૫૫ કરોડ રૂપિયા ખર્ચીને ૮૫ વખત વિદેશપ્રવાસ કર્યા છે જે એક વિક્રમ છે.

modi1

કારણ-તારણ - રમેશ ઓઝા

જવાહરલાલ નેહરુએ વડા પ્રધાન તરીકેના તેમના ૧૭ વરસના કાર્યકાળમાં ૭૦ વિદેશયાત્રાઓ કરી હતી. ઇન્દિરા ગાંધીએ કુલ મળીને તેમના ૧૫ વરસના વડાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન ૧૧૩ વિદેશયાત્રાઓ કરી હતી. રાજીવ ગાંધીએ પાંચ વરસમાં ૫૯ વિદેશયાત્રાઓ કરી હતી. પી. વી. નરસિંહ રાવે પાંચ વરસ દરમ્યાન પ્રમાણમાં સૌથી ઓછી ૩૭ વિદેશયાત્રાઓ કરી હતી. અટલ બિહારી વાજપેયીએ તેમની કુલ છ વરસની મુદતમાં ૪૭ વિદેશયાત્રાઓ કરી હતી. ડૉ. મનમોહન સિંહે તેમના કુલ દસ વરસના કાર્યકાળમાં ૯૩ વિદેશયાત્રાઓ કરી હતી. આ જગતમાં સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પ્રમુખપદની આઠ વરસની મુદત દરમ્યાન ૧૦૯ વિદેશયાત્રાઓ કરી હતી.

કર્ણાટકના એક રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટિવિસ્ટે મેળવેલી અને પ્રસારિત કરેલી માહિતી મુજબ નરેન્દ્ર મોદીએ વડા તરીકેની તેમની મુદતના કુલ ૧૪૬૦ દિવસમાંથી ૧૬૫ દિવસ વિદેશમાં ગાળ્યા છે. ટકાવારી મુજબ વડા પ્રધાને તેમનો ૧૨ ટકા સમય વિદેશમાં ગુર્જાયો છે. હજી નિર્ધારિત થયેલી ચાર વિદેશયાત્રાઓ બાકી છે. ક્યાં જવાહરલાલ નેહરુની ૧૭ વરસમાં ૭૦ યાત્રા અને ક્યાં ચાર વરસમાં ૮૫. બીજી બાજુ જેઓ વિદેશ ખાતું સંભાળે છે એ સુષમા સ્વરાજે ચાર વરસમાં માંડ ૩૪ વિદેશયાત્રાઓ કરી છે. સામાન્યત: વડા પ્રધાન કરતાં વિદેશપ્રધાન વધુ યાત્રાઓ કરે છે, કારણ કે તેઓ વિદેશ ખાતું સંભાળે છે. વિદેશપ્રધાન વિશ્વદેશોમાં ફરીને અનુકૂળ ભૂમિકા બનાવવાનું કામ કરે છે અને પછી વડા પ્રધાન જ્યાં ભૂમિકા બનાવવામાં આવી હોય એ દેશમાં જઈને સંબંધોને અંતિમ સ્વરૂપ આપતા હોય છે. વિદેશપ્રધાન કરતાં પણ વધુ યાત્રા વિદેશસચિવો કરતા હોય છે, કારણ કે તેમણે પ્રાથમિક ભૂમિકા બનાવવાની હોય છે. કોઈ નિયમ નથી, પરંતુ સાધારણપણે વિદેશસચિવ જે દેશમાં દસ વાર જાય ત્યાં વિદેશપ્રધાન બે કે ત્રણ વાર જાય અને વડા પ્રધાન એક વાર જાય. વિદેશવ્યવહારનો જગતઆખામાં આવો પિરામિડ હોય છે. એટલે તો વડા પ્રધાન કે પ્રમુખોની મુલાકાતને શિખરપરિષદ કહેવામાં આવે છે. સંબંધોનું નીચેથી ચણતર થાય અને શિખરમાં પરિણીત થાય.

પરંતુ વડા પ્રધાને ઘણી પરંપરાઓ તોડી છે જેમાં એક આ પણ છે. તેઓ પોતે જ પ્રાથમિક ભૂમિકા બનાવવાનું કામ હાથમાં લે છે જેને કારણે અડધે રસ્તે સમસ્યા સર્જા‍ય છે. પાડોશી દેશોમાં નેપાલ સાથે આવું થયું, ચીન સાથે આવો અનુભવ થયો અને હવે અમેરિકા સાથે પણ આવો જ અનુભવ થઈ રહ્યો છે. અમેરિકાએ ૨†૨ એટલે કે ભારતનાં વિદેશપ્રધાન તેમ જ સંરક્ષણપ્રધાન અને અમેરિકાના વિદેશપ્રધાન તેમ જ સંરક્ષણપ્રધાન સાથેની સંયુક્ત બેઠક છ મહિનામાં ત્રીજી વાર મુલતવી રાખી દીધી. અમેરિકાએ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં યોજાનારી બેઠક મુલતવી રાખવા પાછળનું કારણ આપવાનો પણ વિવેક બતાવ્યો નથી. ટાળી ન શકાય એવા સંજોગોના કારણે બેઠક મુલતવી રાખવામાં આવી છે એમ કહેવામાં આવ્યું છે.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ તો ચક્રમ છે જ, પરંતુ વડા પ્રધાન પણ શ્રેય કમાવાની લાલચમાં ઉતાવળ કરે છે જેને પરિણામે સંબંધોની પ્રક્રિયા ઘોંચમાં પડે છે. વડા પ્રધાન ગયા વરસના જૂન મહિનામાં અમેરિકા ગયા હતા ત્યારે આવી ૨†૨ બેઠક યોજવાનું નક્કી થયું હતું. પ્રસ્તાવ અમેરિકાનો હતો. વાત એમ હતી કે અમેરિકા ભારતને ચીન સામેના મોરચામાં પહેલી હરોળનો દેશ બનાવવા માગતું હતું. અમેરિકા-ભારત-જપાનની ધરી રચાય એમ અમેરિકા ઇચ્છતું હતું. એ વખતે અમેરિકાએ ભારતનાં ભરપૂર વખાણ કર્યાં હતાં, ભરોસાપાત્ર દેશ તરીકે ઓળખાવ્યો હતો અને લોકતંત્રના બાદરાયણ કે જે કહો એ સંબંધની આણ ઉતારી હતી.

એ સમયે ચીને ભુતાનના ડોકલામ પર કબજો જમાવ્યો હતો એટલે ભારતે હોંશે-હોંશે ધરીમાં પહેલી હરોળનો દેશ બનવાની તૈયારી બતાવી હતી. એ પહેલાંનાં બે વરસ દરમ્યાન ભારતે ચીનને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો જેના જવાબરૂપે ડોકલામની ઘટના બની હતી. એ સમયે વડા પ્રધાનને એટલું ધ્યાનમાં નહોતું આવ્યું કે હજી મહિના પહેલાં ડોનલ્ડ ટ્રમ્પે ચીનના વન બેલ્ટ

વન રોડ માટે બીજિંગમાં યોજાયેલી શિખરપરિષદમાં ભારતને વિશ્વાસમાં લીધા વિના અમેરિકાના પ્રતિનિધિને મોકલીને ભાગ લીધો હતો. મૂળ સમજૂતી એવી હતી કે ભારત અને અમેરિકા વન બેલ્ટ સમિટનો બહિષ્કાર કરશે અને એમાં પોતાના પ્રતિનિધિને નહીં મોકલે. છેલ્લી ઘડીએ અમેરિકાએ નિર્ણય બદલ્યો હતો જેની ભારતને જાણ પણ કરવામાં નહોતી આવી.

ડોનલ્ડ ટ્રમ્પ કેટલા બિનભરોસાપાત્ર છે એનું આ એક ઉદાહરણ છે. ભારતીયોને આપવામાં આવતા વીઝાથી લઈને બીજા આવા કેટલાક અનુભવ ભારતને થયા હતા. હજી એક ઉદાહરણ તપાસીએ, કારણ કે એ પણ એ જ અરસાનું છે. ગયા વરસે ૨૪ જૂને વડા પ્રધાન અમેરિકા ગયા એનાં ત્રણ અઠવાડિયાં પહેલાં પહેલી જૂને અમેરિકા અંચઈ કરીને ક્લાઇમેટ ચેન્જ માટેની બહુરાષ્ટ્રીય પૅરિસ સમજૂતીમાંથી નીકળી ગયું હતું. નથી રહેવું જાઓ, થાય એ કરી લો એવી જ ભાષામાં એણે એમાં રજૂઆત કરી હતી. હદ એ વાતની હતી કે એણે પૅરિસમાં ભારતને જગતના પર્યાવરણને સુધારવા માટેના અનુદાનમાં ફદિયું ન આપનારા પણ લાભ લેનારા મફતિયા દેશ તરીકે ઓળખાવ્યું હતું. ટ્રમ્પના વર્તનની આ બે ઘટના વડા પ્રધાન અમેરિકા ગયા અને ડોનલ્ડ ટ્રમ્પને વળગી-વળગીને ભેટતા હતા એના એક મહિનાની અંદરની છે.

હવે ભારત ચીનની બાબતમાં કૂણું વલણ અપનાવવા લાગ્યું છે એટલે અમેરિકાને ભારતનો વિશેષ ખપ નથી. અમેરિકાએ ભારતીય માલ પરની જકાતમાં વધારો કર્યો છે. અમેરિકા ભારતીયોને આપવામાં આવતા H-૧ બી વીઝા પર અંકુશ મૂકવાનું છે એવા અહેવાલ છે. ઈરાન સાથે અમેરિકાએ અણુસંધી રદ કરી છે અને પ્રતિબંધો મૂક્યા છે એટલે ભારતે પણ ઈરાન સાથે વાણિજ્ય સંબંધ ખતમ કરી નાખવા જોઈએ એવો અમેરિકાનો આગ્રહ છે. ભારત રશિયા પાસેથી S-૪૦૦ ઍર ડિફેન્સ સિસ્ટમ ન ખરીદે અને અમેરિકા પાસેથી ખરીદે એવો આગ્રહ છે. આ દાદાગીરી છે અને દાદાગીરી કરતાં બેશરમી છે. જગતના ચૌટે કેવી રીતે વર્તવું એનું ટ્રમ્પને ભાન નથી.

અહીં વડા પ્રધાનને એટલી જ સલાહ આપવાની કે વિદેશવ્યવહારના પિરામિડને અનુસરો. વિદેશસચિવો નામના રસોઇયા રસોઈ રાંધી આપશે, વિદેશપ્રધાન ચાખી આવશે એ પછી વડા પ્રધાને અન્નકૂટમાં હાજરી આપવા જવું જોઈએ. બાકી ચીપિયા-તવેથા લઈને આપણે જ જગતમાં ફરતા રહીએ તો આવું થાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK