બિચ્ચારા નીતીશકુમાર : લાલુ પ્રસાદ યાદવને મળીને તેઓ BJPનું નાક દબાવી રહ્યા છે

રાજકારણમાં દોસ્તી કે દુશ્મની કાયમી નથી હોતાં, કાયમી હોય છે રાજકીય સ્વાર્થ.

nitish

કારણ-તારણ - રમેશ ઓઝા

સ્વાર્થ બદલાય એમ સંબંધો બદલાય છે. લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમાર આનું ઉદાહરણ છે. લાલુ પ્રસાદ યાદવ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો એને હજી એક વરસ પણ થયું નથી ત્યાં વળી નીતીશકુમાર પાછા સંબંધ સુધારવાના કામે લાગ્યા છે. ગયા મહિને તેઓ લાલુના પુત્ર તેજપ્રતાપ યાદવનાં લગ્નમાં હાજર રહ્યા હતા અને મંગળવારે નીતીશકુમાર ખાસ પટનાથી મુંબઈ લાલુના ખબર કાઢવા આવ્યા હતા. આ રાજકીય રમત સમજતાં પહેલાં બન્ને વચ્ચેના સંબંધોના ઉતાર-ચઢાવ પર એક નજર કરી લઈએ. 

૧૯૭૦ના દાયકામાં બિહારમાં જ્યારે સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન ચાલતું હતું ત્યારે લાલુ પ્રસાદ યાદવ વિદ્યાર્થીઓના નેતા હતા અને નીતીશકુમાર વિદ્યાર્થી આંદોલનના સિપાઈ હતા. ત્યારનો સંબંધ નેતા અને અનુયાયીનો હતો. બન્નેએ સાથે સંઘર્ષ કર્યો હતો અને સાથે જેલમાં પણ હતા. ૧૯૭૭માં ઇમર્જન્સીનો અંત આવ્યો અને જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે બન્નેએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકામાં લાલુ બિહારના જનતા દલના સર્વોચ્ચ નેતા હતા અને નીતીશકુમાર તેમના જમણા હાથ સમાન ખાસ માનીતા હનુમાન હતા.

લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્ય પ્રધાન બન્યા એ પછી બન્ને વચ્ચેનો સંબંધ બગડવા લાગ્યો હતો. એનાં બે મુખ્ય કારણ હતાં. એક તો એ કે લાલુ પ્રસાદ યાદવની સરકારમાં નીતીશકુમારને પ્રધાન બનાવવામાં નહોતા આવ્યા અને તેમને પક્ષ માટે ફાજલ રાખવામાં આવ્યા હતા અને બીજું, નીતીશકુમારને તેઓ જે જાતિમાંથી આવે છે એ કુર્મી સમાજની વોટબૅન્કની કિંમત સમજાઈ ગઈ હતી. યાદવોની સામે કુર્મીઓની વોટબૅન્ક વટાવી શકાય છે. લાલુ પ્રસાદ યાદવે જ્યારે કુર્મી વોટબૅન્કની પૂરી રાજકીય કિંમત ચૂકવવાની ના પાડી દીધી ત્યારે તેમણે જ્યૉર્જ ફર્નાન્ડિસ સાથે મળીને પોતાની વોટબૅન્ક BJP સાથે વટાવી હતી. આમ ૧૯૯૪થી બિહારનું રાજકારણ દ્વિધ્રુવીય બની ગયું હતું. કૉન્ગ્રેસ તો પહેલાંથી જ ફેંકાઈ ગઈ હતી અને BJP નીતીશકુમારની આંગળિયાત હતી. આ ૨૦૧૪ સુધીની રાજકીય વાસ્તવિકતા હતી.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીનો ઉદય થયો અને બિહારના રાજકારણનો ચહેરો બદલાઈ ગયો જેની કિંમત નીતીશકુમાર ચૂકવી રહ્યા છે અને હજી આજે પણ એનો અંત નથી આવ્યો. ૨૦૧૪માં તેમને ડર લાગ્યો હતો કે નરેન્દ્ર મોદીની વિકાસની વ્યાપક વોટબૅન્કમાં તેમની પોતાની કુર્મી તેમ જ અતિ પછાત વોટબૅન્ક ધોવાઈ જશે તો? આ ઉપરાંત NDAમાં રહેવાથી મુસલમાનોની વધારાની વોટબૅન્ક પણ હાથમાંથી જાય એવી શક્યતા છે. હવે જે BJP નજરે પડી રહી છે એ વાજપેયી-અડવાણીની BJP નથી, નરેન્દ્ર મોદી અને અમિત શાહની BJP છે અને એમાં મોટો ફરક છે. નીતીશકુમાર પોતાનું રાજકીય ભવિષ્ય બચાવવા NDAમાંથી નીકળી ગયા હતા. 

lalu

એ નિર્ણય ખોટો સાબિત થયો હતો. BJPને લોકસભાની ચૂંટણીમાં ૪૦માંથી બાવીસ બેઠકો મળી હતી. ૨૦૦૯માં BJPને ૧૨ બેઠકો મળી હતી. આ બાજુ નીતીશકુમારના પક્ષ JD(શ્)ની બેઠકો ૨૦માંથી બે થઈ ગઈ હતી. ૧૮ બેઠકો નીતીશે ગુમાવી હતી. લાલુ પ્રસાદ યાદવના પક્ષ RJDની ચાર બેઠકો હતી એ જળવાઈ રહી હતી અને ઉપરથી એને મળેલા કુલ મતમાં એક ટકાનો વધારો થયો હતો, JD(શ્)એ ૮.૨૪ ટકા વોટ ગુમાવ્યા હતા. હવે નીતીશકુમાર પાસે બે વિકલ્પ હતા; કાં તો NDAમાં પાછા જાય અથવા લાલુના શરણે જાય. NDAમાં પુન: પ્રવેશ થોડો મુશ્કેલ પણ હતો. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો જોતા ત્યારે BJPના નેતાઓને એમ લાગતું હતું કે હવે બિહારમાં નીતીશની કાખઘોડીની જરૂર નથી. પાછા આવવું હોય તો જુનિયર પાર્ટનર તરીકે આવે, બાકી અમને નીતીશની જરૂર નથી.

ઘેરાઈ ગયેલા નીતીશકુમારે લાલુના શરણે જઈને ચૂંટણીજોડાણ કર્યું હતું. ૨૦૧૫માં બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે RJD, JD(U) અને કૉન્ગ્રેસ વચ્ચે મહાગઠબંધન થયું હતું જેણે BJPને ધૂળ ચાટતી કરી મૂકી હતી. એ ચૂંટણીમાં JD(U)ને BJP કરતાં આઠ ટકા ઓછા અને RJD કરતાં બે ટકા ઓછા મત મળ્યા હતા. બેઠકોની વાત કરીએ તો લાલુ યાદવના પક્ષને JD(U) કરતાં નવ (અનુક્રમે ૮૦ અને ૭૧) બેઠકો ઓછી મળી હતી. નીતીશકુમાર બે ટકા મત અને નવ બેઠકથી પાછળ હોવા છતાં લાલુ યાદવે નીતીશકુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. નીતીશકુમારને ગઠબંધનના મુખ્ય પ્રધાન તરીકે પેશ કરવામાં આવ્યા હતા અને લાલુ પ્રસાદે વચન પાળ્યું હતું.

ગયા વરસે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં BJPને મળેલા અકલ્પનીય અને અસાધારણ વિજય પછી નીતીશકુમારને એમ લાગવા માંડ્યું હતું કે ભવિષ્ય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJPનું છે એટલે ઉત્તર પ્રદેશની માફક BJP એક દિવસ આપણને કચડી નાખે એ પહેલાં દોસ્તી કરી લેવી જોઈએ. ગયા વરસના જુલાઈ મહિનામાં નીતીશકુમારે તેમના એક સમયના ગુરુ સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને NDAમાં જોડાઈ ગયા હતા. ત્રણ વરસના ગાળામાં નીતીશકુમારે કરેલી એ બીજી હિમાલય જેવડી ભૂલ હતી. તેમણે BJP સાથે હાથ મિલાવ્યા એના પછી તરત નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા ઝાંખી પડવા લાગી હતી અને હવે તો લગભગ તળિયે છે. ખોટા ટાણે ખોટા ઘરે લૂગડાં નાખ્યાં એનો અત્યારે નીતીશને વસવસો થઈ રહ્યો છે.

જેમનું એક સમયે સેક્યુલર મોરચાના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નામ લેવાતું હતું એ નીતીશકુમાર અત્યારે ગદ્દાર તરીકે ઓળખાય છે. વિધાનસભામાં નવ બેઠક અને બે ટકા ઓછા મત હોવા છતાં મુખ્ય પ્રધાન બનાવનારા લાલુ યાદવ સાથે ગદ્દારી? આ બાજુ લાલુ યાદવની પ્રતિષ્ઠા અને પૉપ્યુલરિટી બન્ને વધી રહ્યાં છે એનાં ત્રણ કારણ છે. એક તો લાલુ યાદવને કરવામાં આવેલી જેલની સજા. જગન્નાથ મિશ્ર અને બીજા સવર્ણોને છોડી મૂકવામાં આવ્યા અને લાલુને સજા કરાઈ એને સવર્ણ-અવર્ણના જાતિના રાજકારણ સાથે જોડવામાં આવે છે. બીજું કારણ તેમની સાથે કરવામાં આવેલી ગદ્દારી છે અને ત્રીજું કારણ તેમનું રાજકીય સાતત્ય છે. તેમણે ક્યારેય સેક્યુલર મૂલ્ય સાથે સમાધાન કરીને રાજકીય જોડાણ નથી કર્યાં. પ્રાદેશિક પક્ષોમાં લાલુ યાદવ એકમાત્ર એવા નેતા છે જે સતત BJPની વિરુદ્ધ રહ્યા છે.

હવે? નીતીશકુમાર સામે પ્રશ્ન છે. એક તો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઓટ આવી છે અને ૨૦૧૯માં BJPને બહુમતી મળે એવા કોઈ આસાર નજરે નથી પડતા. નીતીશકુમારને સમજાઈ ગયું છે કે તેમણે ગોળા સાથે ગોફણ ગુમાવી છે. BJP સાથે રહેવામાં ત્રણ રીતે નુકસાન છે. એક તો કેન્દ્ર સરકાર સામેની લોકોની નારાજગીની કિંમત નીતીશકુમારના પક્ષે પણ ચૂકવવી પડે. બીજું, તેમની પોતાની સરકાર સામેની નારાજગીની કિંમત તો ખરી જ અને ત્રીજું સૌથી મોટું નુકસાન લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં થવાનું છે. BJP બેઠકોની ફાળવણીમાં ૨૦૧૪નાં પરિણામોને રેફરન્સ તરીકે લેવાનો આગ્રહ રાખે છે. ૨૦૧૪માં ૪૦માંથી બાવીસ બેઠકો મળી હતી એ સ્વાભાવિકપણે છોડવા નથી માગતી. આ ઉપરાંત NDAના બીજા બે સાથીપક્ષોને નવ બેઠકો મળી હતી અને એ પક્ષો પોતાની બેઠક છોડવાના નથી. નીતીશને તો માત્ર બે જ બેઠકો મળી હતી.

તો પછી કરવું શું? રાજકીય અસ્તિત્વ કઈ રીતે ટકાવી રાખવું? ફરી પાછી ગુલાંટ મારીને મહાગઠબંધનમાં પાછા ફરવું? લાલુ યાદવ પ્રવેશ આપશે? આ બધા પ્રશ્નો છે, પરંતુ એની વચ્ચે એક ફાયદો થઈ શકે એમ છે. BJP પણ ક્યાં અનુકૂળતા ધરાવે છે? બિહારમાં નીતીશકુમારની મદદ વિના BJPને દસ બેઠક પણ મળે એમ નથી ત્યાં ૨૦૧૪ની બાવીસ બેઠકો તો બહુ દૂરની વાત છે. નીતીશકુમાર આ જાણે છે એટલે નરેન્દ્ર મોદીની ટીકા કરીને, કેન્દ્ર સરકારની નીતિઓની નિંદા કરીને અને લાલુ પ્રસાદ યાદવને મળતાં રહીને તેઓ નાક દબાવવા માગે છે.

જુઓ આગળ આગળ શું થાય છે. આ રાજકારણ છે જેમાં કાંઈ પણ થઈ શકે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK