નાણાપ્રધાને GSTને હજી વધુ ગ્રાહકલક્ષી, સરળ અને વ્યાપારલક્ષી બનાવવો જોઈએ

શનિવારે GST કાઉન્સિલ નવ કલાક માટે મળી હતી અને એ એની GST લાગુ કરવામાં આવ્યો એ પછીની ૨૧મી રિવ્યુ મીટિંગ હતી.

arun

કારણ-તારણ - રમેશ ઓઝા

આટલી જહેમત GST લાગુ કરતાં પહેલાં લીધી હોત તો ન નાક કપાત કે ન સમર્થક વેપારીઓની ગાળો ખાવી પડત. કમસે કમ આગલી સરકારે GSTનો જે ખરડો બનાવ્યો હતો એને એમ ને એમ સ્વીકારી લીધો હોત તો પણ ગાડું સમુંસૂતરું ચાલ્યું હોત. GSTની દરખાસ્ત પહેલી વખત ત્યારે આવી હતી જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા. એ પછીથી GSTની રૂપરેખા બનવા લાગી હતી. પૂરાં બાર વરસ દરમ્યાન GSTના સ્વરૂપ વિશે ખૂબ વિચારવામાં આવ્યું હતું અને દરેક પક્ષકારને સાંભળીને એમાં સુધારાઓ કરવામાં આવતા હતા. એ સમયે જો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજાં ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોએ વિરોધ ન કર્યો હોત તો GST આજ કરતાં વધારે વ્યવહારુ સ્વરૂપમાં દાયકા પહેલાં લાગુ થયો હોત.

કંઈક બીજા કરતાં નોખું કરવું અને એ પણ લોકો અંજાઈ જાય અને જોતા રહે એવા સ્વરૂપમાં કરવું એની લાયમાં સરકાર ફસાઈ ગઈ છે. ઇવેન્ટ યોજ્યા વિના બગાસું પણ નહીં ખાવું એવું જે વળગણ છે એનું આ પરિણામ છે. જાણે કે ભારતને આઝાદી મળવાની હોય એમ મધરાતે સંસદની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી અને GST લાગુ કરવામાં આવ્યો હતો. જૂના ખરડામાંની જોગવાઈઓ રફેદફે કરી નાખવામાં આવી હતી અને નવી માટે પાકું હોમવર્ક કરવામાં નહોતું આવ્યું. ૧૨ વરસના તપને કંઈક અનોખું કરી બતાવવાની લાલસામાં ધોઈ નાખ્યું હતું. જગતમાં લાખો ચીજવસ્તુઓ છે અને હજારો પ્રકારની સેવાઓ છે. જી હા, લાખોમાં. બીજું, એક ચીજ બીજી દસ ચીજો (કાચો માલ) અને સેવાઓ (શ્રમ, નો હાઉ, ટેક્નૉલૉજી વગેરે) દ્વારા બનતી હોય છે. વન નેશન વન ટૅક્સનો ઉદ્દેશ સાકાર કરવો હોય તો ઘણું હોમવર્ક કરવું પડે. જેમ કે સૅનિટરી નૅપ્કિન. GST કાઉન્સિલે સૅનિટરી નૅપ્કિનને ટૅક્સ-ફ્રી કર્યાં છે જે પહેલાં ૧૨ ટકાના સ્લૅબમાં આવતાં હતાં. સૅનિટરી નૅપ્કિનના ઉત્પાદનમાં જે કાચો માલ વાપરવામાં આવે છે એના પર ૧૨ ટકા અને ૧૪ ટકાનો વેરો છે. સૅનિટરી નૅપ્કિન ટૅક્સ-ફ્રી કરવામાં આવ્યાં છે, પરંતુ આડકતરા વેરાનું શું? નૅપ્કિન બનાવવામાં લાગતા કાચા માલ તેમ જ સર્વિસ પરનો વેરો તો કન્યાની કેડ પર જ આવવાનો છે. આ બધો અભ્યાસ ગયા વર્ષે જ થવો જોઈતો હતો, પરંતુ ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હતી એટલે GSTની બાબતમાં પુરોગામીઓનું શ્રેય છીનવી લઈને એકલા લાડવો ખાઈ લેવો હતો. લાખો ચીજો અને હજારો પ્રકારની સર્વિસોને છ સ્લૅબમાં આવરી લઈને એકસાથે GST લાગુ કરવામાં આવ્યો હતો.

GST નોટબંધી પછીનું બીજું તઘલખી કૃત્ય હતું. નોટબંધીને તો હવે બિહામણા સપનાની જેમ ભૂલી જવામાં આવી છે અને GSTમાં ચાલુ રસ્તે બૂટ-મોજાં પહેરાવવામાં આવી રહ્યાં છે. GST લાગુ કર્યા પછી પૂરા એક વર્ષે વડા પ્રધાને કહ્યું હતું કે મિલ્ક અને મર્સિડીઝને એકસરખો કર લાગુ ન થઈ શકે. આનું ભાન થતાં વડા પ્રધાનને એક વરસ લાગ્યું? એવા તે કેવા વડા પ્રધાન? એક તો હોમવર્ક કરવામાં આવ્યું નહોતું અને એમાં ગાઈવગાડીને મધરાતે સંસદ બોલાવીને GST લાગુ કરવામાં આવ્યો હતો એટલે નજરે પડે એવી મોટી પીછેહઠ પણ થઈ શકે એમ નહોતી. મોટા ઉપાડે કૂદકો માર્યા પછી ખાડામાં પડ્યા હોઈએ તો પણ ખાડામાં પડ્યા રહેવું પડે એના જેવી સ્થિતિ બની.

હવે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણી નજીકમાં છે. સ્થિતિ અનુકૂળ નથી એ ગુજરાત અને કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં અને એક ડઝન પેટાચૂંટણીઓમાં છતું થઈ ગયું છે. આ ને આ સ્વરૂપમાં GSTને રાખવામાં આવશે તો દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીને સાથ આપનારા શહેરી વેપારીઓનો પણ સાથ ગુમાવવો પડે એવી સ્થિતિ છે. આ ઉપરાંત સ્ત્રીઓ નારાજ હતી અને સૅનિટરી નૅપ્કિન પરના ૧૨ ટકાના GSTને પડકારનારી ઝડનબંધ અરજીઓ દેશની વિવિધ અદાલતોમાં પડી છે. એટલે તો GST કાઉન્સિલની બેઠક નવ કલાક માટે મળી હતી. જેટલો સમય કપડું સીવવા માટે નહોતો આપ્યો એના કરતા વધુ સમય થીંગડાં મારવા માટે આપવો પડે છે. આ સ્થિતિ માટે વડા પ્રધાન પોતે જવાબદાર છે.

ભારત સરકારના આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણયમે રાજીનામું આપ્યા પછી કહ્યું હતું કે જે રીતનો GST લાગુ કરવામાં આવ્યો છે એની સાથે તેઓ સહમત નહોતા. તેમણે કહ્યું હતું કે ૨૮ ટકાનો સ્લૅબ તો હોવો જ ન જોઈએ. મર્સિડીઝ કાર પર પણ ૨૮ ટકા વેરો ન લેવો જોઈએ, જ્યારે ભારત સરકારે કેટલીક ઘરવપરાશની ચીજોને પણ ૨૮ ટકાના સ્લૅબમાં નાખી છે. આ બધી ઉતાવળની રામાયણ છે.

કુલ ૮૮ ચીજો પરના વેરાના સ્લૅબ બદલવામાં આવ્યા છે. ૧૩ ચીજોને ૨૮ ટકામાંથી ખસેડીને ૧૮ ટકાના સ્લૅબમાં નાખવામાં આવી છે. એકઝાટકે ૧૦ ટકાનો ઘટાડો કરવો પડે એ જ સાબિત કરે છે કે બધું બરોબર નહોતું. ૧૭ ચીજોને ૧૮ ટકામાંથી ખસેડીને ૧૨ ટકામાં નાખવામાં આવી છે. ૧૨ ચીજોને ૧૨ ટકાના સ્લૅબમાંથી ખસેડીને પાંચ ટકામાં નાખવામાં આવી છે. આઠ ચીજોને વેરામુક્ત (શૂન્ય ટકાનો સ્લૅબ) કરવામાં આવી છે જે પહેલાં ૧૨ ટકાથી ૨૮ ટકા સુધીના સ્લૅબમાં હતી. આમાં દરેક ચીજના ઉત્પાદનમાં લાગતા કાચા માલ અને સર્વિસિસ પરના વેરાનું શું એ કોકડું તો ગૂંચવાયેલું જ છે.

કામ કરતા નાણાપ્રધાન પીયૂષ ગોયલ કહે છે કે GSTના દરમાં કરવામાં આવેલા ઘટાડાને પરિણામે સરકારને અંદાજે નવથી દસ હજાર કરોડના વેરાની આવકમાં નુકસાન થશે, પરંતુ એની સામે ચીજોની ખપત વધશે એટલે સરવાળે સરકાર અને ગ્રાહક બન્ને ફાયદામાં રહેશે. તેમની આ વાત બિલકુલ સાચી છે જે ગયા વર્ષે પણ સાચી હતી અને હજી જેમાં GSTના દરમાં ઘટાડો નથી કર્યો એની બાબતમાં પણ સાચી હોવાની. કરવેરા વ્યાપારલક્ષી હોવા જોઈએ, મહેસૂલલક્ષી નહીં. વ્યાપાર વધશે તો કરવેરાની આવક આપોઆપ વધશે. બીમારીના નામે રજા પર ઉતારી દેવામાં આવેલા નાણાપ્રધાનને આ સમજાતું નહોતું. તેમની નજર સતત મહેસૂલી આવક પર રહેતી હતી. અરુણ જેટલી આજકાલ દેશના નાણાપ્રધાનની જગ્યાએ સરકારની નીતિઓના ભાષ્યકાર તરીકે કામ કરી રહ્યા છે. પીયૂષ ગોયલનો અંદાજ છે કે GST દ્વારા સરકારને ૧૩ લાખ કરોડ રૂપિયાની મહેસૂલી આવક થશે. આ ઉપરાંત GSTનાં રિટર્ન્સ ભરવાની પ્રક્રિયા પણ સરળ કરવાની નાણાપ્રધાને જાહેરાત કરી છે.

જાણકારો GSTને લગતા પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે અને એનો ઉકેલ પણ બતાવી રહ્યા છે. એક અભ્યાસ મુજબ ૧૧ પ્રશ્નોનો ઉકેલ શોધવો પડે એમ છે જેમાં એક GST ભરવાની પ્રક્રિયા છે. કામ કરતા નાણાપ્રધાને GSTને હજી વધુ સરળ, ગ્રાહકલક્ષી અને વ્યાપારલક્ષી બનાવવાનું કામ હાથ ધરવું જોઈએ. એનાથી પ્રજાને પણ લાભ થશે અને સરકારને પણ લાભ થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK