કાશ્મીર છે અંજીરનું પાન : દરેક મોરચે નિષ્ફળ નીવડ્યા પછી હવે કાશ્મીરમાં પૌરુષત્વ બતાવવામાં આવશે

પહેલી વાત, મેહબૂબા મુફ્તીની સરકારને BJPએ બહારથી ટેકો નહોતો આપ્યો, BJP સતામાં ભાગીદાર હતી.

modi

કારણ-તારણ - રમેશ ઓઝા

પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP) અને BJP મળીને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર રચે એને મુફ્તી મોહમ્મદ સઈદે અને નરેન્દ્ર મોદીએ બન્નેએ ઐતિહાસિક પળ ગણાવી હતી જે અત્યારે નિષ્ફળતાની પળમાં ફેરવાઈ ગઈ છે. આને માટે જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તી જવાબદાર છે એમ કહીને BJPએ હાથ ખંખેરી નાખ્યા છે. આ વાત ખોટી છે. જેટલાં જવાબદાર મેહબૂબા મુફ્તી છે એના કરતાં વધુ જવાબદાર BJP અને કેન્દ્ર સરકાર છે.

પહેલી વાત, મેહબૂબા મુફ્તીની સરકારને BJPએ બહારથી ટેકો નહોતો આપ્યો, BJP સતામાં ભાગીદાર હતી. પ્રધાનમંડળમાં દસ પ્રધાનો ટીડીપીના હતા તો દસ પ્રધાનો BJPના હતા. નાયબ મુખ્ય પ્રધાન અને સ્પીકર પણ BJPના હતા. બીજું, જમ્મુ અને કાશ્મીરની પોલીસને છોડીને તમામ સલામતી-દળો કેન્દ્ર સરકારના અંકુશમાં છે. ત્રીજું, જમ્મુ અને કાશ્મીરમાં લશ્કર ધ આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર ઍક્ટ (AFSPA) હેઠળ અમર્યાદિત સત્તાઓ ધરાવે છે અને એમાં એ રાજ્ય સરકારની ઉપેક્ષા કરી શકે છે. જમ્મુ અને કાશ્મીર તેમ જ ઈશાન ભારતની સરકારો AFSPAનો વિરોધ કરે છે એનું કારણ લશ્કરને આપવામાં આવેલી અમર્યાદિત સત્તા છે. ચોથું, ભારતના અન્ય નાગરિકોની તુલનામાં જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પ્રમાણમાં ઓછા નાગરિક અધિકારો ધરાવે છે અને નાગરિક અધિકારોના સંકોચનને દેશહિતમાં ઉચિત ઠરાવવામાં આવે છે. પાંચમું, દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો એવો ઉભાર પેદા કરવામાં આવ્યો હતો કે સરવાળે જમ્મુ અને કાશ્મીરની સરકાર કરતાં કેન્દ્ર સરકાર લોકોની વધુ સહાનુભૂતિ ધરાવતી હતી. એ જે કરે એને દેશહિતમાં ઉચિત ઠરાવવામાં આવતું હતું.

અને છેલ્લે ૨૦૧૬ની ૮ જૂનની રાતે વડા પ્રધાને નોટબંધી કરી એની પાછળના ત્રણ મુખ્ય ઉદ્દેશોમાં એક ઉદ્દેશ આતંકવાદીઓના હાથમાંનું ફન્ડ સૂકવી નાખવાનું હતું. આતંકવાદીઓના હાથમાં જે પૈસા છે એ એકઝટકામાં ખોટા થઈ જાય તો બેટા આતંકવાદીઓ આતંકવાદી પ્રવૃત્તિ કરશે કેવી રીતે? કાળું ધન એકઠું કરનારાઓ અને આતંકવાદીઓ ખતમ થઈ જશે એવી આશાએ લોકોએ ત્રણ-ત્રણ મહિના સુધી નોટબંધીની હાડમારી સહન કરી લીધી હતી. રિઝર્વ બૅન્ક દોઢ વરસ પછી પણ કુલ કેટલા રૂપિયા પાછા આવ્યા એના આંકડા જાહેર કરતી નથી એનું કારણ એ છે કે કાળું નાણું તો ઠીક નકલી નાણું પણ અસલી બની ગયું છે. ટૂંકમાં, જેટલી નોટો હતી એના કરતાં વધુ પાછી આવી છે એટલે રિઝર્વ બૅન્ક અને ભારત સરકાર શરમાય છે.

રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકાર પાસે વધુ સત્તા હોવા છતાં, રાજ્ય સરકારમાં BJP બરાબરની ભાગીદાર હોવા છતાં અને નોટબંધી દ્વારા આતંકવાદીઓને ખંખેરી નાખ્યા હોવાનો દાવો કરાતો હોવા છતાં જમ્મુ અને કાશ્મીરમાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો છે એમ કેન્દ્ર સરકાર કહે છે. પાછો વધારો પણ કેવો? ઇન્ડો-પાક કૉãન્ફ્લક્ટ મૉનિટર નામની સંસ્થાના આંકડા તપાસવા પડે એમ છે.

ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ બાકીના ભારતમાં ચૂંટણી જીતવા જમ્મુ અને કાશ્મીરમાં જે મસ્તી કરી હતી એને પરિણામે કાશ્મીર સળગ્યું હતું. માંડ બે દાયકે પરિસ્થિતિ થાળે પડી હતી અને એનું મુખ્ય શ્રેય અટલ બિહારી વાજપેયીને જાય છે. જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં પહેલી વાર તેમણે મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી હતી. જે માણસે BJPમાં રહીને આર્ટિકલ ૩૭૦ને રદ કરવાની જપમાળા કરી હતી એ માણસે ઇન્સાનિયત, જંબૂરિયત અને કાશ્મીરિયતના દાયરામાં જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. તેમના અને તેમના અનુગામી ડૉ. મનમોહન સિંહના ડહાપણભર્યા પ્રયાસોના પરિણામે ૨૦૦૮ સુધીમાં આતંકવાદી ઘટનાઓ ઘટીને ૮૬ સુધી નીચે આવી ગઈ હતી અને ૨૦૦૯માં તો માત્ર ૩૫ ઘટનાઓ બની હતી. એ પછી ૨૦૧૦માં ૭૦, ૨૦૧૧માં ૬૨, ૨૦૧૨માં ૧૧૪ ઘટનાઓ બની હતી.

૨૦૧૩ પછીથી વળી પાછો હિંસક ઘટનાઓમાં વધારો થયો હતો અને ૩૪૭ ઘટનાઓ બની હતી. એ સમયે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનો ઉદય થયો હતો અને તેમણે મર્દાનગીના વાયદાઓ કર્યા હતા. ૩૪૭ હિંસાની ઘટનાઓને તેમણે કેન્દ્ર સરકારની નિર્બળતા તરીકે ઓળખાવી હતી. લોકોએ એ વાયદાઓ માની લીધા હતા અને નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી સાથે વડા પ્રધાન બન્યા હતા. પણ પરિણામ? ૨૦૧૪માં આગલા વરસ કરતાં વધીને ૫૮૩ હિંસક ઘટનાઓ બની હતી. ૨૦૧૫માં ઘટીને ૪૦૫, ૨૦૧૬માં ૪૪૯ અને ૨૦૧૭માં લગભગ બેગણી ૯૭૧ હિંસાની ઘટનાઓ બની હતી. ૨૦૧૮? ૨૮ મે સુધીમાં ૧૨૫૨. આવું કેમ બન્યું? રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકાર પાસે વધુ સત્તા હોવા છતાં, રાજ્ય સરકારમાં BJP બરાબરની ભાગીદાર હોવા છતાં અને નોટબંધી દ્વારા આતંકવાદીઓને ખંખેરી નાખ્યા હોવાનો દાવો કરાતો હોવા છતાં આવું પરિણામ? મેહબૂબા મુફ્તી આ સ્થિતિ માટે જવાબદાર હતાં એમ જો તમે માનતા હો તો તમે તમારી જાતને છેતરી રહ્યા છો. જમ્મુ અને કાશ્મીરમાં જે ભુંહડિયો વાળ્યો છે એ કેન્દ્ર સરકારે વાળ્યો છે.

૨૦૧૬માં બુરહાન વાણીના બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનના હાથે થયેલા મૃત્યુની ઘટના પછી કાશ્મીરની ખીણમાં સ્થિતિ વણસી હતી. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ, વિરોધ પક્ષના નેતા ઓમર અબદુલ્લાએ, જમ્મુ અને કાશ્મીરની સ્થિતિના જાણકારોએ, એ. એસ. દુલાત જેવા રૉના નિવૃત્ત વડાએ, જમ્મુ અને કાશ્મીર ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે, એના અધ્યક્ષ અને હમણાં સુધીના BJPના નેતા યશવંત સિંહાએ, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અખબારોએ, કાશ્મીરનાં ઉર્દૂ અને અંગ્રેજી અખબારોએ અને વિશ્વભરના કાશ્મીર વૉચરોએ ગુહાર લગાવી હતી કે કાશ્મીરની પ્રજાનાં પ્રાતિનિધિક સંગઠનો સાથે વાત કરવામાં આવે. એમની પીઠ પર વહાલનો હાથ ફેરવશો તો પરિસ્થિતિ સચવાઈ જશે, માત્ર પ્રેમનો તકાદો છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે પ્રજાના રોષની ઉપેક્ષા મોંઘી પડી શકે એમ છે અને દમનનીતિ તો હજી વધુ મોંઘી પડી શકે એમ છે જે રીતે ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં મોંઘી પડી હતી. કેન્દ્ર સરકારે તેમની એક પણ વાત નહોતી સાંભળી એ ત્યાં સુધી કે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોને અને એના નેતા યશવંત સિંહાને વડા પ્રધાને મળવાનો સમય પણ નહોતો આપ્યો.

કારણ બે હતાં. એક તો સળગતા કાશ્મીરને દેશપ્રેમ અને દેશદ્રોહનું ધ્રુવીકરણ કરીને બાકીના ભારતમાં વટાવવું હતું. ઉત્તર પ્રદેશ, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ચૂંટણી જીતવાની હતી. ખેડૂતો આંદોલન કરતા હોય ત્યારે એ સમાચાર દબાવી દેવા માટે શ્વાન ચૅનલો દેશપ્રેમનો દેકારો બોલાવતી હતી. બીજું કારણ અભિમાન હતું. ભારતકેસરી એમ બે બદામના છોકરડાઓ સામે ઝૂકી જાય તો ૫૬ ઇંચની છાતી લાજે. માત્ર કાશ્મીર નહીં, અનેક પ્રશ્ને વડા પ્રધાન સહાનુભૂતિના કે મીઠાશના બે બોલ બોલવામાં શરમ અનુભવે છે; પછી એ ખેડૂતો હોય, યુવાનો હોય, દલિતો હોય, નિવૃત્ત લશ્કરી જવાનો હોય કે સ્ત્રીઓ હોય. પ્રેમ અને વાત્સલ્યને તેઓ દુર્બળતા સમજે છે. પૌરુષત્વનું વિકૃત સ્વરૂપ આમાં જોવા મળશે. 

સવાલ એ છે કે પ્રત્યક્ષ પરિણામ શું આવ્યું? કેન્દ્રમાં એકહથ્થુ શાસન હોવા છતાં, જમ્મુ અને કાશ્મીરની સરકારમાં ભાગીદાર હોવા છતાં, લશ્કર પર અંકુશ હોવા છતાં, લશ્કરને છૂટો દોર આપ્યો હોવા છતાં, નોટબંધી કરવા છતાં, આંદોલનકારીઓને ઘાસ ન નાખવાની નીતિ અપનાવવા છતાં હાથમાં શું આવ્યું? આ બધું હોવા છતાં આતંકવાદી ઘટનાઓમાં ત્રણગણો વધારો થયો છે. ભારતકેસરી કરતાં તો કહેવાતા નિર્બળ વડા પ્રધાનો સારા નીવડ્યા.

વાત એમ છે કે વડા પ્રધાને ગુજરાતભરોસે ચાર વરસ વેડફી નાખ્યાં છે. ગુજરાતભરોસે એટલે કે ગુજરાતની જેમ ખેલ પાડતા બે મુદત કાઢી નાખીશું એવો ભરોસો. આટલું ઓછું હતું તે એમાં તેમણે નોટબંધીનો અને એકસાથે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ લગાડવાનો એમ બે મૌલિક નિર્ણયો લીધા જેનાં દુષપþરિણામો નજરે પડી રહ્યાં છે. હવે દસ મહિના બચ્યા છે અને લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દરેક મોરચે નિષ્ફળ નીવડ્યા પછી હવે કાશ્મીરમાં પૌરુષત્વ બતાવવામાં આવશે. કાશ્મીરને અંજીરનું પાન બનાવવાનું છે. આના સંકેતો પણ મળવા લાગ્યા છે.

Comments (1)Add Comment
...
written by PH Bharadia, June 24, 2018
રમેશ ઓઝા સાહેબ, તમે દર સમયે જ્યારેને ત્યારે મોદી ને ડાહી ડાહી સલાહ તમારા સમાચાર પત્રના કાર્યાલયના ‘એર કંડીશન્ડ’ રૂમમાંથી આપે રાખો છો તે વાત આજનાં તાજા સમાચાર બીજે દિવસે જેમ
જુના થઇ જાય છે તેમ તમારી ડાહી ડાહી વાતનું પણ છે.
ભાજપની સરકાર કે પક્ષના નેતાઓ શું તમને તમારા ‘પોકેટ મની’ નથી પહોચાડતા તેમનું દુ:ખ છે ?
તમારી દેશદાઝનું એક પણ ચિન્હ તમારા લેખોમાં નથી જણાતું બસ વડા પ્રધાન મોદીને, ભાજપને અને તેના અન્ય પ્રધાનોને ભાંડવા સિવાય તમારી પાસે કોઈ બીજો વિષય નથી?
તમે પોતે પણ હવે ટૂંકમાં સીનીયર સીટીઝન થવાની તૈયારીમાં છો તો શું તમારે પણ રાજકારણમાં
ઝંપલાવવું છે ? અગર એવો જો વિચાર હોય તો સારો છે અને તમે રાહુલ ગાંધીને સારી સલાહ પણ
આપી શકો કે હવે ‘સાહેબ બીજો કોઈ વિકલ્પ શોધો’ અને રોજ બરોજ ભાજપને ગાળો ભાંડો છો તે
સારું નથી કરતા.
અમે અગર જો સામ્યવાદી કે દલિત ભાંગફોડયા સાથે જોડાઈ જાઓ તો તમે ‘લીડર’ પણ બની શકો.
હું મારું ગુજરાતી સમાચારનું વાંચન કરું છું તેમાં તમારા લેખો પણ વાંચતો રહેતો હોઉં છું કેમકે
એક સહજ અભ્યાસી હોવાને નાતે વાંચન થાય છે.


report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK