મેહબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીરની અત્યારની સ્થિતિ માટે જવાબદાર ઓછાં છે, નવી દિલ્હીની નીતિનાં શિકાર વધુ છે

એક તો BJP અને PDP જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી એકબીજાની આકરી નિંદા કરીને લડ્યાં હતાં.

mufti

કારણ-તારણ - રમેશ ઓઝા

સાડાત્રણ વરસ પછી કેન્દ્ર સરકારને અને BJPને સમજાયું છે કે જમ્મુ અને કાશ્મીરમાં મેહબૂબા મુફ્તી પોતે, તેમની સરકાર અને પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP) આતંકવાદીઓનો સામનો કરવામાં નિષ્ફળ તો નીવડ્યાં છે; ઉપરથી તેઓ આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે. જમ્મુ અને કાશ્મીરને બચાવવા માટે અને દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે BJPએ PDPને આપેલો ટેકો પાછો ખેંચ્યો છે જેને પરિણામે મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તીએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે.

હવે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં લાગુ કરવામાં આવેલાં આઠ વખતનાં રાષ્ટ્રપતિશાસનનો અનુભવ એવો છે કે રાષ્ટ્રપતિશાસનના પરિણામે દેશ અને કાશ્મીરની વચ્ચે અંતર ઘટવાની જગ્યાએ વધે છે. આમાં બે મુદતનાં જગમોહનર્વષો તો નેકદિલ ઇન્સાનના હૃદયમાં કંપારી છૂટી જાય એવાં હતાં. જોકે જમ્મુ અને કાશ્મીરના અત્યારના ગર્વનર એન. એન. વોહરા જગમોહન જેવા જલ્લાદ નથી, ઓછામાં ઓછું અત્યાર સુધી તેમની એવી ખ્યાતિ નથી; પરંતુ જો એન. એન. વોહરાને બદલવામાં આવે તો લખી રાખજો કાશ્મીરની ખીણમાં દમનનો દોર શરૂ થવાનો છે.

સાચી વાત તો એ છે કે મેહબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીરની અત્યારની સ્થિતિ માટે જવાબદાર ઓછાં છે, નવી દિલ્હીની નીતિનાં શિકાર (વિક્ટિમ) વધુ છે. આખી દુનિયા આ જાણતી હતી અને મેહબૂબા મુફ્તી પણ આ વાત જાણતાં હતાં, પરંતુ તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની હિંમત બતાવી નહોતી અને પરિસ્થિતિ વણસતી રહી. આજે કાશ્મીરની ખીણમાં જે વણસેલી સ્થિતિ છે એને માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.

એક તો BJP અને PDP જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી એકબીજાની આકરી નિંદા કરીને લડ્યાં હતાં. એ પછી ચૂંટણીનાં પરિણામો એવાં આવ્યાં હતાં જેમાં ત્રણ ઊભી-આડી તિરાડો પડી હતી. હિન્દુ બહુમતી જમ્મુમાં BJPને ૩૭માંથી ૨૫ બેઠકો મળી હતી, પરંતુ કાશ્મીરની ખીણ અને લદ્દાખમાં એક પણ બેઠક નહોતી મળી. PDPને કાશ્મીરની ખીણમાં અને જમ્મુ પ્રદેશમાં મળીને ૨૮ બેઠકો મળી હતી, પરંતુ એને પણ લદ્દાખમાં એક પણ બેઠક નહોતી મળી. જમ્મુ BJPનું, ખીણ PDPની અને લદ્દાખ PDP કે BJPમાંથી કોઈનું નહીં એવી સ્થિતિ હતી. એ પછી PDP અને BJPએ મળીને સરકાર રચી હતી. એ આપદ્ધર્મ હતો એમ PDPના નેતા અને મુખ્ય પ્રધાન મરહૂમ મુફ્તી મોહમ્મદ સૈયદે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે કહ્યું હતું. એ પછી થોડા દિવસે વળી પોતાની ભૂમિકા સુધારતાં આ બન્ને નેતાઓએ કહ્યું હતું કે PDP-BJP જોડાણ એ ઐતિહાસિક તક (હિસ્ટોરિકલ ઑપોચ્યુર્નિટી) છે.

શેની ઐતિહાસિક તક એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એક પક્ષ ખીણના બહુમતી મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતો હોય અને બીજો જમ્મુના બહુમતી હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતો હોય અને છતાંય બન્ને મળીને જમ્મુ અને કાશ્મીરને સ્ર્વગ બનાવવા માગતા હોય ત્યારે બે છેડાનું રાજકારણ કરનારા પક્ષોનું ઉત્તરદાયિત્વ વધી જાય છે એમ મુફ્તી મોહમ્મદ સઈદ અને PDP સાથે દોસ્તીનો સેતુ બાંધનારા BJPના નેતા રામ માધવે કહ્યું હતું. એટલે તો એકબીજાને ગાળો દઈને અને એકબીજાની સામે લડેલા બે છેડાના પક્ષો વચ્ચે જ્યારે જોડાણ થયું અને જમ્મુ અને કાશ્મીરમાં એક રીતે હિન્દુ-મુસ્લિમ મિશ્ર સરકાર રચાઈ ત્યારે આ લખનાર સહિત અનેક લોકોએ એનું સ્વાગત કર્યું હતું.

 એ જો ઐતિહાસિક પળ હતી અને બે છેડાનું રાજકારણ કરનારા પક્ષો ઉત્તરદાયિત્વના સંપૂર્ણ ભાન સાથે ભાગીદાર બન્યા હોય તો એમની નીતિ કેવી હોવી જોઈતી હતી? સાવ સાદી બુદ્ધિથી વિચારો કે તમે હો તો શું કરો? એ કરો જે BJPએ અને કેન્દ્ર સરકારે કાશ્મીરમાં કર્યું છે? જમ્મુને કાશ્મીર સામે મૂકીને વિભાજન કરવાનું, કાશ્મીરને દેશ સામે મૂકીને વિભાજન કરવાનું, કાશ્મીરની હિંસાની ઘટનાઓનો ઉપયોગ કરીને બાકીના ભારતમાં હિન્દુ માનસમાં કોમવાદી ઝેર રેડવાનું, કાશ્મીરનો ઉપયોગ કરીને દેશમાં હિન્દુ અને મુસ્લિમ ધþુવીકરણ કરવાનું, આંગળિયાત ચૅનલો પર દેશપ્રેમ અને દેશદ્રોહની ઘાંટાફાડ ચર્ચાઓ કરાવવાની અને સૌથી મોટી વાત; જમ્મુ અને કાશ્મીરમાં તેમ જ દેશમાં સત્તામાં હોવા છતાં અશાંત છોકરાવ સામે નજર પણ નહીં નાખવાની અને ઉપરથી તેમની ઉપેક્ષા કરવાની. આવી હોય ઐતિહાસિક પળ? જો કાશ્મીરનો બાકીના ભારતમાં કોમી રાજકીય ઉપયોગ કરવો હતો તો જમ્મુ અને કાશ્મીરમાં સરકારમાં ભાગીદાર નહોતું થવું જોઈતું. કોઈએ સોગંદ તો આપ્યા નહોતા.

મુફ્તી મોહમ્મદ સઈદ ગુજરી ગયા એ પછી ત્રણ મહિના રાહ જોઈને મેહબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીરનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં. આ ઘટના એપ્રિલ-૨૦૧૬ની છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેહબૂબાને અભયવચન આપ્યું હતું કે ચિંતા ન કરો, સરકાર રચો, અમે તમને સાથ આપીશું. એ પછી ત્રણ મહિને બુરહાન વાણીનું બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનના હાથે મૃત્યુ થયું હતું અને એ સાથે કાશ્મીરની ખીણ પર કાળાં વાદળો ઘેરાવા લાગ્યાં. કાશ્મીરની ખીણમાં લોકો રણે ચડ્યા હતા અને યુવકો સલામતી-દળો પર પથ્થરમારો કરતા હતા. પ્રારંભમાં એ લોકોને શાંત પાડવામાં આવ્યા હોત તો ત્યારે જ સ્થિતિ થાળે પડી ગઈ હોત; પરંતુ કેન્દ્ર સરકારે વાતચીત કરવાની ના પાડી દીધી હતી અને આંદોલનકારીઓને આતંકવાદી, અલગતાવાદી અને પાકિસ્તાનતરફી તરીકે લેબલ લગાડવાનું શરૂ કર્યું હતું. કેન્દ્ર સરકાર અને BJPને બાકીના ભારતમાં રાજકીય લાભ લેવા માટે કાશ્મીર બળતું રહે એનો ખપ હતો. દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનું રાજકારણ હતું.

લાભ તો જેટલો ધાર્યો હતો એટલો મળ્યો નહીં, પરંતુ કેન્દ્ર સરકારનો પગ કૂંડાળામાં પડી ગયો છે. હવે એને કાઢવો કઈ રીતે એ પ્રશ્ન છે. કાશ્મીરની ખીણમાં વાસ્તવિક સ્થિતિ કેવી છે અને કેન્દ્ર સરકાર પાસે કેટલા વિકલ્પો છે એની વાત આવતી કાલે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK