હિન્દુત્વવાદીઓના ટોળાએ સ્વામી અગ્નિવેશને પીટ્યા શું કામ? કારણ એ છે કે તેઓ આર્યસમાજી હિન્દુ છે અને ટીલાંટપકાંની જગ્યાએ બુદ્ધિપૂર્વકના વિવેકમાં માને છે

સર્વોચ્ચ અદાલત મંગળવારે ટોળાશાહી સામે સખત શબ્દોમાં ટીકા કરી રહી હતી અને સરકારોએ એને રોકવા માટે શું કરવું જોઈએ એ વિશે નિર્દેશો આપતી હતી ત્યારે ઝારખંડમાં પાકુડ નામના કસ્બામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો જય શ્રીરામના નારા સાથે જાણીતા સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશને પીટતા હતા.

hindu

કારણ-તારણ - રમેશ ઓઝા

સ્વામી અગ્નિવેશ સાધુ છે અને એ પણ આર્યસમાજી સાધુ છે. જય શ્રીરામના નારા સાથે તેમને પીટનારા જંગલીઓને જાણ પણ નહીં હોય કે આર્ય સમાજ શું છે? ભારતમાં હિન્દુ પુનર્જા‍ગરણનો પાયો સ્વામી દયાનંદ સરસ્વતીએ નાખ્યો હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એનું હિન્દુત્વ આંશિક અર્થમાં આર્ય સમાજના આંદોલનનું પરિણામ છે. ખેર, કોમી રાજકારણ કરનારાઓને અભ્યાસ કરવાની જરૂર નથી પડતી અને જેને વાંચતા અને વિચારતા આવડે છે એ કોમવાદી-ફાસીવાદી રાજકારણ નથી કરતા, બલકે એનાથી જોજન દૂર રહે છે. હિન્દુત્વવાદી કે ઇસ્લામવાદી બનવા માટે એક ખાસ પ્રકારની અસંસ્કારિતા અને અંધાપાની જરૂર પડે છે જે આપણા જેવા માનવીય ગુનો ધરાવનારાઓ નથી ધરાવતા.

સંઘપરિવાર એક રાષ્ટ્ર, એક ભાષા, એક કાનૂનનો આગ્રહ સેવે છે. રાષ્ટ્રવાદી પરિભાષામાં તેઓ એક રાષ્ટ્ર એક આત્માની અર્થાત એકત્વની સુફિયાણી વાતો કરે છે. જો એનો અર્થ તેઓ જાણતા હોત તો તેમણે સ્વામી અગ્નિવેશને પ્રણામ કર્યા હોત. સ્વામી અગ્નિવેશ દક્ષિણ દેશમાંથી આવે છે. આંધ્ર પ્રદેશમાં તેમનો જન્મ થયો હતો, છત્તીસગઢમાં તેમનો ઉછેર થયો હતો અને કલકત્તાની પ્રસિદ્ધ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેઓ મૅનેજમેન્ટ ભણાવતા હતા. કલકત્તાની વડી અદાલતમાં પાછળથી ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બનનારા સબ્યસાચી મુખરજીના જુનિયર તરીકે પ્રૅક્ટિસ કરતા હતા. ૧૯૭૦માં તેમણે સંન્યાસ લીધો હતો અને સ્વામી અગ્નિવેશ નામ ધારણ કર્યું હતું અને હરિયાણામાં જઈને બંધુઆ મઝદૂરો (બૉન્ડેડ લેબર)ની મુક્તિ માટે કામ કર્યું હતું. જનતા પાર્ટીનાં વર્ષોમાં સ્વામી અગ્નિવેશ હરિયાણાની વિધાનસભામાં સભ્ય હતા અને હરિયાણાના શિક્ષણપ્રધાન પણ હતા.

આંધ્ર પ્રદેશમાં જન્મેલો છોકરો છત્તીસગઢમાં શિક્ષિત થાય, બંગાળમાં સફળ કારર્કિદી બનાવે, ઉત્તરમાં હરિયાણામાં જઈને આર્ય સમાજમાં દીક્ષિત થાય અને હરિયાણામાં પ્રધાન બને, જે પ્રદેશ અને સમાજ સાથે લાગતુંવળગતું ન હોય એ સમાજના લોકોનાં આંસુ લૂછે, તેમના માટે સંઘર્ષ કરે, જેલમાં જાય, બંધુઆ મઝદૂરોની મુક્તિ માટે અદાલતોના દરવાજા ખખડાવે, કાયદાઓ ઘડાવે એ હિન્દુ સમજે ગર્વ લેવા જેવો સાચો ભારતીય હિન્દુ કે જય શ્રીરામના નારા બોલીને એકલવીરને ટોળે મળીને મારનારા નમાલાઓ સાચા હિન્દુ? વિચારી જુઓ. એક રાષ્ટ્ર એક આત્માનું મૂર્તિમંત પ્રતીક સ્વામી અગ્નિવેશ છે. હિન્દુત્વવાદીઓ જો સાચા રાષ્ટ્રવાદી હોય તો તેમણે સ્વામી અગ્નિવેશને સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ.

તો પછી સ્વામી અગ્નિવેશને ટોળે મળીને કાયરોની જેમ પીટ્યા શા માટે? આનું એક કારણ એ છે કે સ્વામી અગ્નિવેશ આર્યસમાજી હિન્દુ છે અને હિન્દુત્વવાદી હિન્દુઓમાં અને આર્યસમાજી હિન્દુઓમાં ફરક છે. સ્વામી દયાનંદ સરસ્વતી અને આર્ય સમાજ હિન્દુ ધર્મ અને હિન્દુ સમાજમાં સુધારાઓ કરવાનો આગ્રહ રાખે છે. રૂઢિ, રિવાજ, કર્મકાંડ, ટીલાંટપકાંની જગ્યાએ બુદ્ધિપૂર્વકના વિવેકમાં માને છે. તેમણે એક વાર કહ્યું હતું કે જગન્નાથપુરીના મંદિરને વિધર્મીઓ માટે ખુલ્લું કરવું જોઈએ. ભગવાન જો વિધર્મીના પડછાયાથી અભડાઈ જાય તો એ ભગવાન ન કહેવાય, એટલે હિન્દુઓએ પેદા કરેલી આભડછેટ ભગવાન પર આરોપિત કરીને ભગવાનને આપણા જેવા નાના નહીં બનાવવા જોઈએ. આવી જ રીતે અમરનાથનું બરફનું શિવલિંગ એ શિવલિંગ નથી, પરંતુ બરફ છે એટલે એના દર્શને જવા માટે હિન્દુઓએ આટલી જહેમત ઉઠાવવાની જરૂર નથી એમ અસ્સલ દયાનંદીય શૈલીમાં તેમણે કહ્યું હતું. યાદ રહે, સ્વામી અગ્નિવેશે આવો અભિપ્રાય આપ્યો હતો, કોઈને અમરનાથ જતાં રોક્યા નહોતા.

જે વાચક સ્વતંત્ર બુદ્ધિ અને વિવેક ધરાવતો હશે એ સ્વામી સાથે સંમત થશે, પરંતુ હિન્દુત્વવાદીઓએ સ્વામીનો વિરોધ કર્યો હતો. સ્વામી અગ્નિવેશને જે લોકો સ્વીકારી શકતા નથી એ લોકો દયાનંદ સરસ્વતીનું ‘સત્ય પ્રકાશ’ વાંચે તો સનાતની હિન્દુઓ શુંનું શું કરે એવો પ્રશ્ન થાય છે. દયાનંદ સરસ્વતીને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હતા એમ કહેવાય છે અને સ્વામી અગ્નિવેશની ઘટના જોતાં એમાં આર્ય ન થવું જોઈએ. દયાનંદ સરસ્વતી હિન્દુને હિન્દુ તરીકે વિવેકી બનાવવા માગતા હતા જ્યારે હિન્દુત્વવાદીઓ હિન્દુને હિન્દુ તરીકે સંખ્યાનો અર્થાત ટોળાનો હિસ્સો બનાવવા માગે છે. હિન્દુ વ્યક્તિ બને તો વિચારતો થાય, શંકા કરે, પ્રશ્નો કરે. ટૂંકમાં વિવેક કરતો થાય અને વિવેકી માણસ ટોળાનો હિસ્સો ન બને. આ બાજુ ધર્મ આધારિત બહુમતી રાષ્ટ્રવાદીઓને સંખ્યાની જરૂર છે, પ્રબુદ્ધ હિન્દુની નહીં. દયાનંદ સરસ્વતી હિન્દુને પ્રબુદ્ધ હિન્દુ બનાવવા માગતા હતા અને દર્શનમાં પ્રબુદ્ધ ગણાતા હિન્દુ ધર્મને વ્યવહારમાં પણ પ્રબુદ્ધ બનાવવા માગતા હતા. હિન્દુત્વવાદીઓને આવો હિન્દુ પરવડે એમ નથી એટલે સ્વામી અગ્નિવેશને કાયરની જેમ ટોળે મળીને ઢોરમાર મારવામાં આવ્યો હતો.

એક સરખામણી કરી જુઓ : હિન્દુત્વવાદીઓની અને ઇસ્લામવાદીઓની કાર્યપદ્ધતિ એક સમાન છે.

એક. વિધર્મીઓથી ડરાવો. ડરાવવા માટે આવી દલીલ કરવામાં આવે છે - આપણને અન્યાય થઈ રહ્યો છે, આપણી વિરુદ્ધ કાવતરાં રચવામાં આવી રહ્યાં છે, દુશ્મનો સંગઠિત થઈ રહ્યા છે, તેમને વિદેશી મદદ મળી રહી છે, તેઓ સંખ્યા વધારવા મોટી સંખ્યામાં પ્રજોત્પત્તિ કરી રહ્યા છે વગેરે. ટૂંકમાં આપણી ચારેબાજુ દુશ્મનો છે અને આપણે તેમના શિકાર છીએ. હિન્દુત્વવાદીઓ, ઇસ્લામવાદીઓ, મ્યાનમાર અને શ્રીલંકામાં બૌદ્ધવાદીઓ વગેરે જેટલા પ્રકારના કોમવાદીઓ છે એ એકસરખી દલીલ કરે છે. તેમની દલીલ એકસરખી હોવાનું કારણ એ છે કે તેઓ પોતાના ધર્મના ધર્માનુયાયીઓને વાડે બાંધવા માગે છે. જેટલી સંખ્યા મોટી એટલી તાકાત વધુ.

બે. તેમની નજર સત્તા પર હોય છે. સત્તાની લાલચ એ મુખ્ય કારણ નથી હોતું, પણ રાજ્યને અમુક પ્રકારના બહુમતી રાષ્ટ્રવાદના ઢાંચામાં ફેરવવું એ મુખ્ય ઉદ્દેશ હોય છે. આવા રાજ્યને ફાસીવાદી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે જેમાં શંકા અને લેબલ ન્યાય કરવા માટે અને દંડવા માટે પર્યાપ્ત કારણ હોય છે. અદાલતોની, કાયદાઓની, પુરાવાઓની, બંધારણની જરૂર જ શું છે જ્યારે બહુમતી રાષ્ટ્રવાદીઓએ કોઈને દેશદ્રોહી, ધર્મદ્રોહી કે રાષ્ટ્રદ્રોહી ઠરાવી દીધો હોય. એટલે તો ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને ટેકો આપનારા જમણેરી બૌદ્ધિકો આજે કાંપી ઊઠ્યા છે. શા માટે?

ત્રણ. એક નજર મુસ્લિમ દેશો પર કરો જ્યાં ઇસ્લામવાદીઓ ઇસ્લામિક રાષ્ટ્ર સ્થાપવા માગે છે અને યુદ્ધે ચડ્યા છે. તેમનું યુદ્ધ વિધર્મી દેશો સામે છે કે આંતરિક? તેઓ વિધર્મીઓને મોટી સંખ્યામાં મારી રહ્યા છે કે સધર્મીને? પોતાની સગી આંખે તપાસી જુઓ. મુસ્લિમ દેશોમાં રોજ સરેરાશ સો મુસલમાન મુસલમાનના હાથે માર્યા જાય છે અને એમાં વિધર્મી તો ભાગ્યે જ કોઈ હોય છે.

ચાર. ફાસીવાદી રાજ્યના સ્વભાવ અને સ્વરૂપને લોકો પામી ન જાય એ માટે બહુમતી પ્રજાને દેશપ્રેમના નશામાં ડુબાડી રાખવામાં આવે છે. જાગ્યો નહીં કે દુશ્મનનો ડર બતાવીને સુવડાવ્યો નહીં.

આવતી કાલે તમારું સંતાન શંકા અને પ્રશ્ન કરતું નહીં થાય એની કોઈ ખાતરી છે? આજે તમે જે ફાસીવાદી વ્યવસ્થાને મંજૂરીની મહોર મારી રહ્યા છે એ વ્યવસ્થા આવતી કાલે તમારા સંતાનનો ટોળે મળીને મારી નાખશે જે રીતે સ્વામી અગ્નિવેશને મારવામાં આવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK