રાહુલ ગાંધીની રાજકીય આવડત વિશે ભલે શંકા હોય, પરંતુ તેમની લોકતંત્રમાંની નિષ્ઠા શંકાતીત છે એ તેમણે સાબિત કરી આપ્યું છે

સુખદ આશ્ચર્ય. દાદ આપવી પડે એવું આશ્ચર્ય. રાહુલ ગાંધી શાલીન માણસ છે એની તો જાણ હતી, પરંતુ લોકતંત્રમાં આટલી નિષ્ઠા ધરાવે છે એની જાણ નહોતી.

rahul

કારણ-તારણ - રમેશ ઓઝા

નેટફ્લિક્સ દ્વારા પ્રસારિત થઈ રહેલી વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં રાજીવ ગાંધીને અપમાનજનક શબ્દ ફટ્ટé (ડરપોક) તરીકે ઓળખાવવામાં આવ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી આ પ્રકારનો ડાયલૉગ રાજીવ ગાંધી માટે બોલે છે. સ્વાભાવિકપણે આપણે ત્યાં વિવાદ પેદા થયો હતો અને રાજીવ સિંહા નામના કલકત્તાના એક કૉન્ગ્રેસી નેતાએ અદાલતમાં વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની અથવા સંવાદ રદ કરવાની માગણી કરી હતી. રાહુલ ગાંધીને જ્યારે આની જાણ થઈ ત્યારે તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અભિવ્યક્તિની તેમ જ બીજી દરેક પ્રકારની સ્વતંત્રતા નાગરિકોનો મૂળભૂત લોકતાંત્રિક અધિકાર છે એટલે એને હણવાની ન હોય.

એ પછી તેમણે કહ્યું હતું કે મારા પિતા દેશ માટે જીવ્યા હતા અને દેશ માટે મૃત્યુ પામ્યા છે એટલે કોઈક કાલ્પનિક કથા કે ચરિત્ર તેમને નુકસાન પહોંચાડી શકે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી. રાહુલ ગાંધીના આ ટ્વીટને જોઈને લોકો દંગ રહી ગયા છે. પેલા કૉન્ગ્રેસીએ ફરિયાદ પાછી ખેંચી લીધી છે. આજે જ્યારે વાતે-વાતે લોકોનું દિલ દુભાય છે અને કહેવાતા ભક્તો કે સમર્થકો રસ્તા પર ઊતરી પડે છે ત્યારે રાહુલ ગાંધીનું આવું વલણ સુખદ આશ્ચર્ય પમાડે છે. રાહુલ ગાંધી સીધા જવાહરલાલ નેહરુના વારસદાર સાબિત થયા છે. આટલી સહિષ્ણુતા તો કદાચ નેહરુ પણ નહોતા ધરાવતા.

કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે કે રાજકીય નેતા તરીકે રાહુલ ગાંધી કેટલું કાઠું કાઢશે એ આપણે જાણતા નથી, પરંતુ તેમણે વારંવાર એ સાબિત કરી આપ્યું છે કે તેઓ ઉમદા માણસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર હતા ત્યારે તેઓ વડા પ્રધાનપદના ઉમેદવારને શોભે નહીં એ રીતે રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડતા હતા. BJPના સાઇબર સેલે અને ટ્રોલ્સે રાહુલ ગાંધીને પપ્પુ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું હતું અને અભદ્ર મજાક કરવામાં આવતી હતી અને આજે પણ એ પ્રવૃત્તિ ચાલુ છે. રાહુલ ગાંધીને એક નમાલા તેમ જ ગતાગમ વિનાના નેતા અને કૉન્ગ્રેસ પરના બોજ તરીકે ઓળખાવવામાં આવતા હતા. રાહુલ ગાંધીએ એ બધાં અપમાનો ધીરજપૂવર્કન સહન કર્યાં હતાં અને ક્યારેય BJPના નેતાઓ પર અભદ્ર પ્રહારો નહોતા કર્યા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ પ્રચાર કરતા હતા ત્યારે એક સભામાં કોઈએ નરેન્દ્ર મોદી વિશે ન શોભે એવી ભાષા વાપરી હતી. રાહુલ ગાંધીએ તરત જ તેમને વારતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસના કોઈ નેતા કે કાર્યકર્તાએ હલકી ભાષા વાપરવાની નથી. એટલે તો ગયા ડિસેમ્બર મહિનામાં રાહુલ ગાંધીની કૉન્ગ્રેસના પ્રમુખ તરીકેની તાજપોશી વખતે તેમનાં માતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે માણસનો આત્મવિશ્વાસ તોડી નાખે એવા નિમ્ન સ્તરના અને ઝેરીલા રાજકારણના યુગમાં રાહુલ ધીરજ ગુમાવ્યા વિના ટકી શક્યો એનો મને સંતોષ છે. આ શબ્દોનો અર્થ સમજવો હોય તો માતાની ભૂમિકાએ જવું જોઈએ. સવર્ત્રી પપ્પુ તરીકે ઠઠ્ઠા કરવામાં આવતી હતી ત્યારે એક માતા તરીકે તેમને કેવું દુખ થતું હશે એની કલ્પના કરી જુઓ.

તમે એક વાત નોંધી? છેલ્લાં ચાર વરસમાં રાહુલ ગાંધીએ એક પણ વાર રાજકીય નેતા તરીકે આપણે આફરીન થઈ જઈએ એવી કોઈ સિદ્ધિ બતાવી નથી અને છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પપ્પુ સતાવે છે. નરેન્દ્ર મોદી જ્યારે પણ મોઢું ખોલે છે ત્યારે તેઓ રાહુલ ગાંધી પર પ્રહારો કરે છે. કૉન્ગ્રેસનો ઇતિહાસ ઉખેળે છે અને કૉન્ગ્રેસના નામે દેશની પ્રજાને ડરાવે છે. જે માણસનો ૨૦૧૪માં નામ લઈને ઉલ્લેખ કરવામાં નહોતો આવતો તેનું અત્યારે નામ લેવું પડે છે એવું કેમ બન્યું? નામ નહીં લેવું એ પણ અપમાનનો એક પ્રકાર છે. જેણે હજી સુધી કોઈ મોટો મીર માર્યો નથી તેનાથી વડા પ્રધાન ડરે છે. આવું કેમ બની રહ્યું છે?

આનો જવાબ સમજવા જેવો છે. મીર તો બેમાંથી કોઈએ નથી માર્યો. નરેન્દ્ર મોદી રાજકીય નેતા તરીકે મોટું કાઠું ધરાવે છે એ વાત સાચી, પરંતુ વડા પ્રધાન તરીકે તેઓ સરિયામ નિષ્ફળ નીવડ્યા છે. બીજી બાજુ તેમની ભાષા વડા પ્રધાનને શોભે એવી શાલીન નથી હોતી એ પણ પ્રજાને સમજાઈ ગયું છે. આ બાજુ રાહુલ ગાંધી જેવા છે એવા પ્રગટ થાય છે અને નિતાંત શાલીનતા સાથે પ્રગટ થાય છે. ટૂંકમાં રાજકીય કાઠું ટૂંકું હોવા છતાં વડા પ્રધાનની અભદ્રતા સામે રાહુલ શાલીનતા દ્વારા મુકાબલો કરે છે.

બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અભદ્ર અને આક્રમક ભાષા માટે જાણીતા હતા, પરંતુ તેમણે બ્રિટનને બીજું વિશ્વયુદ્ધ જિતાડી આપ્યું હતું, પણ એ પછી શું થયું એ જાણો છો? બીજા વિશ્વયુદ્ધ પછી માત્ર બે મહિનાના ગાળામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ચર્ચિલના પક્ષનો પરાજય થયો હતો અને મજૂર પક્ષના ક્લેમેન્ટ ઍટ્લી વડા પ્રધાન બન્યા હતા. પરાજયનું કારણ ચર્ચિલની ભાષા હતી. તેમણે ઍટ્લીને મોઢું જોવું ન ગમે એવા માણસ (અનપ્રીપઝેસિંગ મૅન) તરીકે ઓળખાવ્યા હતા. ચર્ચિલે ઍટ્લીની જાણીતી નમ્રતાને નાછૂટકેની નમ્રતા તરીકે ઓળખાવી હતી. બીજા શબ્દોમાં આવડત વિનાનો માણસ નમ્ર ન હોય તો બીજું શું હોય એમ તેમણે કહ્યું હતું. આપણે ત્યાં જેમ આલોક નાથની જન્મજાત સંસ્કારી બાબુજી તરીકે ઠેકડી ઉડાડવામાં આવે છે એ રીતની આબેહૂબ ઠેકડી ચર્ચિલ ઍટ્લીની ઉડાડતા હતા અને ચૂંટણીસભાઓમાં હાસ્યની છોળો ઊડતી હતી. છેવટે જ્યારે પરિણામ આવ્યું ત્યારે હજી બે મહિના પહેલાં બ્રિટનને યુદ્ધમાં જિતાડી આપનાર ચર્ચિલના પક્ષનો પરાજય થયો હતો અને એનું મુખ્ય કારણ હતું ચર્ચિલની તુમાખી અને અભદ્ર ભાષા.

રાહુલ ગાંધીમાં ઍટ્લી કરતાં પણ ચડિયાતી સંસ્કારિતા છે એ તેમણે એક કરતાં વધુ વખત સાબિત કરી આપ્યું છે, પરંતુ તેમનામાં ઍટ્લી જેટલી રાજકીય આવડત છે કે કેમ એ વિશે મને ખાતરી નથી. હા, તેમની લોકતંત્રમાં નિષ્ઠા પાકી છે એ તેમણે સાબિત કરી આપ્યું છે અને આજના યુગમાં એ સુખદ આશ્ચર્ય પેદા કરનારી ઘટના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK