પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભામાં ૩૪૨માંથી પંજાબની ૧૮૩ બેઠકો હોય ત્યારે જેલમાં રહીને પણ ચૂંટણી જીતી શકાય છે એ નવાઝ શરીફ જાણે છે, પરંતુ છે મોટો જુગાર

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી આડે એક અઠવાડિયું બચ્યું છે અને એમાં કાંઈ પણ થઈ શકે છે.

nawaz

કારણ-તારણ - રમેશ ઓઝા

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ તેમની તકસીરવાર પુત્રી સાથે પાકિસ્તાન પાછા ફર્યા છે અને એ જ દિવસે બલૂચિસ્તાનમાં અને ખૈબર પખ્તુનખ્વા એમ બે જગ્યાએ થયેલા બૉમ્બ-વિસ્ફોટમાં ૧૩૩ જણ માર્યા ગયા હતા. બલૂચિસ્તાનમાં કરવામાં આવેલા હુમલામાં બલૂચિસ્તાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવાબ અસલમ રાયસાનીના ભાઈ સિરાઝ રાયસાનીનું મૃત્યુ થયું છે. દરમ્યાન પાકિસ્તાનના લશ્કરના વડા પ્રધાનપદના ઉમેદવાર અને ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન બેફામ બોલી રહ્યા છે. એમ લાગે છે કે પાકિસ્તાનમાં એક અઠવાડિયું લાંબું નીવડવાનું છે.

છઠી જુલાઈએ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના ગુનામાં દસ વરસની અને તેમની પુત્રીને સાત વરસની સજા કરી ત્યારે તેઓ બન્ને લંડનમાં હતાં. ત્યારે એમ માનવામાં આવતું હતું કે આ લશ્કર અને નવાઝ વચ્ચેની સમજૂતી છે અને આવી સમજૂતી ભૂતકાળમાં અનેક વખત જોવા મળી છે. શાસકને કોઈ ને કોઈ બહાને પદચ્યુત કરવામાં આવે, એ પછી તેમના પર ભ્રષ્ટાચાર કે દેશદ્રોહના આરોપ મૂકવામાં આવે, હાથવગી અદાલતોમાં હાથવગા જજિઝ ખટલો ચલાવે, ઠરાવેલી સજા કરવામાં આવે અને છેવટે પદચ્યુત શાસક જેલમાં જિંદગી કાપવાની જગ્યાએ વિદેશ જતો કે જતી રહે. ભૂતકાળમાં બેનઝીર ભુત્તો, બેનઝીરના પતિ આસિફ અલી ઝરદારી, જનરલ મુશર્રફ અને બે વાર નવાઝ શરીફ પોતે લશ્કરી સરમુખત્યારો સાથે સોદો કરીને વિદેશમાં જતા રહ્યા હતા. એટલે છઠ્ઠી જુલાઈએ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે શરીફ પિતા-પુત્રીની વિરુદ્ધ ચુકાદો આપ્યો ત્યારે તે બન્ને લંડનમાં હતાં એ જોઈને આર્ય નહોતું થયું.

આમાં અપવાદ માત્ર ઝુલ્ફીકાર અલી ભુત્તોનો હતો. જનરલ ઝિયા-ઉલ-હકે લશ્કરી બળવો કરીને પાકિસ્તાનના લોકપ્રિય વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુત્તોને પદભ્રષ્ટ કર્યા હતા અને પછી નકલી ખટલો ચલાવીને તેમને ફાંસીની સજા કરી હતી. એ સમયે અમેરિકા અને સાઉદી અરેબિયાએ ભુત્તોને દેશની બહાર જવા દેવાની સલાહ આપી હતી, પરંતુ ભુત્તો દ્વારા કરવામાં આવેલા અપમાનને કારણે વેરથી ભડકે બળતા જનરલ ઝિયાએ એમની વાત નહોતી માની અને ભુત્તોને ફાંસીએ ચડાવ્યા હતા. એ પછીનો પાકિસ્તાનનો જે ઇતિહાસ છે એ આત્મઘાતનો ઇતિહાસ છે. જનરલ ઝિયાએ પાકિસ્તાનને મુસલમાનોની પાક ભૂમિ બનાવવાની જગ્યાએ ત્રાસવાદીઓની નાપાક ભૂમિમાં ફેરવી નાખી હતી.

ગયા વરસે પનામા પેપર્સની વિગતો બહાર પડી એ પછીથી વિદેશમાં સંપત્તિ ધરાવવાના ગુના માટે નવાઝ શરીફને આજીવન સત્તા ભોગવવા માટે નાલાયક ઠેરવવામાં આવ્યા હતા. નવાઝે રાજીનામું આપવું પડ્યું હતું અને શાહિદ ખાકાન અબ્બાસીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા જે વાસ્તવમાં વચગાળાના વડા પ્રધાન હતા. આ આખી યોજના લશ્કરની હતી. આજના યુગમાં પાકિસ્તાનમાં લશ્કરી બળવો કરીને ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા આંચકી લેવી એ અઘરું કામ છે એટલે સરકારની પાછળ રહીને લશ્કર દોરીસંચાર કરે છે. પાકિસ્તાનમાં દાયકાઓના લશ્કરી શાસન દરમ્યાન લશ્કરનાં સ્થાપિત હિતો વિકસ્યાં છે અને કોઈ ચૂંટાયેલી સરકાર એના પર તરાપ મારે એ લશ્કર સહન કરવા તૈયાર નથી. પાકિસ્તાનમાં નવાઝ શરીફ ધીરે-ધીરે લશ્કરની પાંખ કાપતા જતા હતા અને લશ્કરી અધિકારીઓ મોકાની શોધમાં હતા જે તેમને પનામા પેપર્સમાં મળી ગયો હતો.

૨૦૧૮ના જુલાઈ મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાવાની હતી અને એ નવાઝ શરીફ ગુમાવવા નહોતા માગતા. આજીવન સત્તા ભોગવવા નાલાયક ઠરેલા નવાઝ શરીફ પાકિસ્તાનના રાજકારણના કેન્દ્રમાંથી નહોતા હટતા. નવાઝને ખાતરી હતી કે અદાલત ખટલો ચલાવીને રીતસર સજા કરશે અને તેમને પાકિસ્તાનના રાજકારણમાંથી દેશવટો આપવાનો પ્રયાસ કરવામાં આવશે, પણ એ છતાં તેઓ કેન્દ્રમાંથી નહોતા હટતા. જે દિવસે સજા સંભળાવવામાં આવી એ દિવસે નવાઝ પિતા-પુત્રી લંડનમાં હતાં એ જોતાં એમ લાગતું હતું કે કદાચ લશ્કર અને નવાઝ વચ્ચે સોદો થઈ ગયો છે, પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે નવાઝ લશ્કર અને લશ્કરના ટટ્ટé ઇમરાન ખાન સામે લડી લેવા માગે છે. પાકિસ્તાનના લશ્કરે ઇમરાન ખાનને ટેકો આપ્યો છે. એક સમયે નવાઝ શરીફ આજના ઇમરાન ખાનની જેમ જનરલ ઝિયા-ઉલ-હકના ટટ્ટé હતા એ જુદી વાત છે અને એને આજે ત્રણ દાયકા વીતી ગયા છે.

નવાઝ શરીફે બહુ મોટો દાવ લગાવ્યો છે અને એ દાવ પાકિસ્તાનના લોકતંત્ર માટે ઉપકારક છે એમાં કોઈ શંકા જ નથી. શરીફ અને તેમનો પરિવાર ભ્રષ્ટાચારના આરોપમાં તકસીરવાર ઠર્યો છે, પરંતુ એમાં કેટલું રાજકારણ છે અને કેટલો ન્યાય છે એ આપણે નથી જાણતા. મોટાભાગે ભ્રષ્ટાચારના આરોપ સાચા પણ હશે, પરંતુ અત્યારે જે બની રહ્યું છે એ શુદ્ધ રાજકારણ છે. પાકિસ્તાનમાં ૨૫ જુલાઈએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને એમાં ફક્ત એક અઠવાડિયું આડે છે. નવાઝ શરીફને એ વાતની પણ ખાતરી હતી કે પાકિસ્તાનમાં પગ મૂકતાંની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવશે. સજા પામેલા રાષ્ટ્રીય નેતા દેશવટો ભોગવીને જેટલી રાજકીય વગ ધરાવે છે એના કરતાં દેશની અંદર સજા પામીને જેલમાં રહીને વધુ રાજકીય વગ ધરાવે છે. આમાં જોખમ છે, પણ લાભ પણ મોટો છે. નવાઝને પ્રચંડ પ્રમાણમાં સહાનુભૂતિનો લાભ મળશે એમ માનવામાં આવે છે અને એ જોઈને ઇમરાન ખાન અકળાઈ ગયો છે. નવાઝના આગમન વખતે વિમાનમથકે જે આવકારનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં એ જોઈને ઇમરાન ખાને એલફેલ નિવેદનો કર્યાં હતાં.

પાકિસ્તાનની સંસદ (રાષ્ટ્રીય ધારાસભા)માં કુલ ૩૪૨ બેઠકો છે જેમાંથી સીધી ચૂંટણી માત્ર ૨૭૨ બેઠકો માટે યોજાય છે. ૭૦ બેઠકો મહિલાઓ અને લઘુમતી કોમ માટે અનામત છે જેને ૨૭૨ બેઠકોમાં જે-તે રાજકીય પક્ષને મળેલા વિજયના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. હવે સમસ્યા એ છે કે કુલ ૩૪૨ બેઠકોમાંથી એકલું પંજાબ ૧૮૩ બેઠકો (સીધી અને આરક્ષિત બન્ને મળીને) ધરાવે છે જે અડધા કરતાં વધુ છે. આ પંજાબ નવાઝનો ગઢ છે. જ્યાં ઇમરાન ખાનનું વર્ચસ્વ છે એ ખૈબર પખ્તુનખ્વા રાષ્ટ્રીય ધારાસભામાં માત્ર ૪૩ બેઠકો ધરાવે છે. સિંધ ૭૫ બેઠકો ધરાવે છે જ્યાં ઇમરાન ખાનનું કોઈ વજૂદ નથી. પંજાબની ૧૮૩ બેઠકો હોય ત્યારે જેલમાં રહીને પણ ચૂંટણી જીતી શકાય છે એ નવાઝ જાણે છે, પરંતુ છે મોટો જુગાર. રાજકીય તો ખરો જ નવાઝ શરીફે જિંદગીનો પણ જુગાર ખેલ્યો છે એની કદર તો કરવી જ રહી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK