વડા પ્રધાનના લાલ કિલ્લા પરના ભાષણમાં આત્મવિશ્વાસની જગ્યાએ અસમંજસતા અને થોડી નર્વસનેસ નજરે પડતાં હતાં

૨૦૧૩-૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પોતાની જાતને પ્રોજેક્ટ કરતા હતા ત્યારે તેમના માટે પુષ્કળ અનુકૂળતાઓ હતી

MODI


કારણ-તારણ - રમેશ ઓઝા

લાલ કિલ્લા પરથી સત્તાવાર રીતે રાષ્ટ્રને સંબોધવાનો અવસર વરસમાં એક વાર વડા પ્રધાનને મળે છે. આમ તો વડા પ્રધાન સેંકડો ભાષણો કરતા હોય છે કે રૅલીને સંબોધતા હોય છે; પરંતુ એ ખાનગી, સરકારી કે પક્ષીય કાર્યક્રમ હોય છે, રાષ્ટ્રીય નથી હોતા. સત્તાવારપણે રાષ્ટ્રને સંબોધવાનો અવસર પંદરમી ઑગસ્ટનો આઝાદી દિનનો છે. એટલે જવાહરલાલ નેહરુએ પંદરમી ઑગસ્ટે રાષ્ટ્ર સાથે સહચિંતન કરવાની પરિપાટી શરૂ કરી હતી. રાજકીય સ્વાર્થ કે પક્ષાપક્ષી છોડીને તેઓ દેશ સામે શું પ્રશ્નો છે, જગતના રાજકીય પ્રવાહો દેશ માટે કેટલા અનુકૂળ છે અને કેટલા પ્રતિકૂળ છે એની વાત કરતા. ટૂંકમાં રાષ્ટ્રીય અવસરને રાષ્ટ્રીય તરીકે જ લેવો જોઈએ અને એ મુજબ વાત કરવી જોઈએ. પંદરમી ઑગસ્ટને પક્ષીય પ્રચારનો અને રાજકીય લાભનો અવસર બનાવવાનું ઇન્દિરા ગાંધીએ શરૂ કર્યું હતું.

 

નવી સરકાર રચાય એ પછીનું વડા પ્રધાનનું લાલ કિલ્લા પરથી આપવામાં આવતું પહેલું ભાષણ આશાઓથી ભરેલું હોય છે. લોકોની હજી અપેક્ષા હોય છે અને વડા પ્રધાન પણ શાસક તરીકે કંઈક કરી બતાવવા ઉત્સુક હોય છે. બીજા વરસે લોકોની ઘટતી આશા જળવાઈ રહે એ માટે એક બાજુ અનુનય અને બીજી બાજુ કૃતનિયતાનું પ્રદર્શન કરનારું હોય છે. ત્રીજા વરસથી લાલ કિલ્લા પરનાં ભાષણો ચૂંટણીસભા જેવાં થવા લાગે છે. વિપક્ષોને આડે હાથે લેવાના, નિષ્ફળતાઓને છાવરવાની, હું તો દેશ માટે બધું કરી છૂટવા માગું છું, પરંતુ વિપક્ષો કામ કરવા નથી દેતા એવી ચાટી કૂટવાની વગેરે. વડા પ્રધાનના તેમની મુદતના છેલ્લા ભાષણમાં વળી નમ્રતા આવી જાય છે, કારણ કે સામાન્ય ચૂંટણી નજીક હોય છે. વાચકોએ નોંધ્યું હશે કે વડા પ્રધાનનું તેમની મુદતનું છેલ્લું ભાષણ આ રીતનું હતું. જુમલાઓ વિનાનું, વિપક્ષો પર પ્રહારો વિનાનું, સરકારની સિદ્ધિઓ વર્ણવનારું, નિષ્ફળતાઓ તરફ આંખ આડા કાન કરનારું અને એકંદરે અનુનય કરનારું.

 

૨૦૧૩-૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે પોતાની જાતને પ્રોજેક્ટ કરતા હતા ત્યારે તેમના માટે પુષ્કળ અનુકૂળતાઓ હતી. ડૉ. મનમોહન સિંહની સરકાર તેમની બીજી મુદત દરમ્યાન સરિયામ નિષ્ફળ નીવડી હતી. આર્થિક ગતિરોધ અને ભ્રક્ટાચારની ઘટનાઓએ દેશમાં નિરાશા પેદા કરી હતી. આ બાજુ નરેન્દ્ર મોદી ચુટકી વગાડતાં વિકાસ કેમ થાય એના સફળ મૉડલ તરીકે ગુજરાતને પેશ કરતા હતા. એક તરફ ઊંડો રોષ અને નિરાશા અને બીજી બાજુ આશાઓનો મહાસાગર. લોકોએ ત્યારે નરેન્દ્ર મોદીના શબ્દો પર ભરોસો મૂકીને ભારતીય જનતા પાર્ટીને સ્પક્ટ બહુમતી આપીને ચૂંટી હતી. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. આશાઓ ઠગારી નીવડી છે. કોઈ મોરચે સરકાર સફળતાનો કોઈ મોટો દાવો કરી શકે એમ નથી. ઊલટું દુસ્સાહસો મોંઘાં પડ્યાં છે. સરકારની સાડાચાર વરસની સિદ્ધિઓ વર્ણવતાં વડા પ્રધાને નોટબંધીનો ઉલ્લેખ સુધ્ધાં નહોતો કર્યો એ સૂચક છે.

 

માત્ર ચાર વરસ થયાં, પણ ૨૦૧૪ તો જાણે ક્યાંય પાછળ છૂટી ગયું હોય એમ લાગે છે અને ૨૦૧૯ અનિિત ભાસે છે. જાદુગરીના રાજકારણનું આ પરિણામ છે. હવે શો ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે વડા પ્રધાન નવર્‍સનેસ અનુભવતા હોય એ સ્વાભાવિક છે. વિદ્વાન સમીક્ષકો ભારતને રિપબ્લિક ઑફ ફિયર તરીકે ઓળખાવે છે. દેશમાં ઇમર્જન્સી લાદï્યા વિના ઇમર્જન્સી જેવું વાતાવરણ છે. લઘુમતી કોમ ડરેલી છે. તેમની રાજકીય રીતે ઉપેક્ષા થઈ રહી છે. કાયદો અને વ્યવસ્થાના નામે લિન્ચિંગની ઘટનાઓ બની રહી છે. હિન્દુત્વવાદીઓ કાયદો હાથમાં લઈને મનમાની કરે છે. ૨૦૧૩ની નર્ભિયાની ઘટના પછી બળાત્કારની ઘટનાઓમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો છે. ટૂંકમાં દેશમાં અસુરક્ષાનું વાતાવરણ છે, પરંતુ વડા પ્રધાને તેમના ભાષણમાં આ બધી બાબતોનો ઉલ્લેખ નહોતો કર્યો, માત્ર બળત્કારની વધતી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, પણ એ ઉલ્લેખ નૈતિકતાના દૃષ્ટિકોણથી હતો, કાયદો અને વ્યવસ્થાના દૃષ્ટિકોણથી નહીં.

 

૨૦૧૯ની સામાન્ય ચૂંટણી શું કહીને લડવી એ બાબતે વડા પ્રધાન અસમંજસમાં લાગે છે. ૨૦૧૪માં પૂરપાટ દોડી શકાય એવી અનુકૂળતા હતી. ૨૦૧૯માં ખૂબ પ્રતિકૂળતા છે અને એમાંની કેટલીક પ્રતિકૂળતાઓ તો સરકારે અને શાસક પરિવારે સામે ચાલીને પેદા કરી છે. રિપબ્લિક ઑફ ફિયર આમાં મુખ્ય છે. ઇમેજ એટલી હદે ખરડાઈ છે કે હવે એમાં સુધારો થઈ શકે એમ નથી. જો સુધારવાનો પ્રયાસ કરવામાં આવે તો હિન્દુ મતદાતાઓના મત ગુમાવવા પડે એનો ભય છે. આ સ્થિતિમાં વડા પ્રધાને ચૂપ રહેવાનું અને નજર ફેરવી લેવાનું વલણ અપનાવ્યું હતું. તેમના ૯૦ મિનિટના ભાષણમાં માત્ર એક વાર એક શબ્દ આવે છે કાયદાનું રાજ્ય. બસ.

 

વડા પ્રધાને દેશમાં અત્યારે જે વાતાવરણ પેદા થયું છે એની નિંદા કરવી જોઈતી હતી. વડા પ્રધાન તરીકે એમાં તેમની શોભા હતી. કદાચ ઇમેજ સુધારવામાં એ ઉપયોગી પણ થાત. જે લોકોએ વિકાસની વાત પર ભરોસો મૂકીને ૨૦૧૪માં મત આપ્યા હતા એ કદાચ બીજી વાર ચાન્સ પણ આપે. હવે હાથમાં જે થોડા મહિનાઓ બચ્યા છે એનો ઉપયોગ દેશમાં પેદા કરવામાં આવેલી કોમી તિરાડો પૂરવા માટે વાપરવા જોઈએ, પરંતુ વડા પ્રધાને આવો પ્રયાસ નથી કર્યો. તેમને કદાચ એમ લાગે છે હવે વિકાસના નામે મત મળે એમ નથી ત્યારે કોમી તિરાડો તારી શકે. ટૂંકમાં વડા પ્રધાનના ભાષણમાં આત્મવિશ્વાસની જગ્યાએ અસમંજસતા અને થોડી નર્વસનેસ નજરે પડતાં હતાં.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK