ગમે એવા અસભ્ય માણસે પણ દેખાવ તો સભ્યતાનો જ કરવો પડતો હોય છે

નવાઝ શરીફની ડાહી વાતો અને રાજકીય પ્રતિબંધ

nawaz

કારણ-તારણ - રમેશ ઓઝા

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે કરાચીથી પ્રકાશિત થતા ‘ધ ડૉન’ નામના અખબારને શનિવારે આપેલી મુલાકાતમાં કબૂલ કર્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સક્રિય છે.તમે એમને નૉન-સ્ટેટ ઍક્ટર્સ (સરકારની મદદ વિના કામ કરનારા) તરીકે ઓળખાવી શકો છો, પરંતુ શું એમને મુંબઈ જઈને દોઢસો લોકોને મારી નાખવાની મોકળાશ આપવી જોઈએ? શા માટે પાકિસ્તાનમાં શરૂ કરવામાં આવેલો ખટલો રોળી નાખવામાં આવ્યો? આનો સ્વીકાર ન થઈ શકે. રશિયાના પુતિન આવો સવાલ કરે છે, ચીનના શી જિનપિંગ આવો સવાલ કરે છે વગેરે.

નવાઝ શરીફના નિવેદનમાં કોઈ નવી વાત નથી, નવી વાત છે કબૂલાત. ભારતીય મીડિયાએ એની પાકિસ્તાનના ભૂતપૂર્વ શાસકની કબૂલાત તરીકે પ્રાઇમ ટાઇમમાં ધમાલ મચાવી એ જોઈને પાકિસ્તાનના શાસકોને લાગ્યું હતું કે થોડુંક ડૅમેજ કન્ટ્રોલ કરવાની જરૂર છે. ગઈ કાલે નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલ (NSC)ની બેઠક મળી હતી અને બેઠક પછી નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે નવાઝ શરીફનું નિવેદન તથ્યહીન અને ગેરમાર્ગે દોરનારું છે. નિવેદનમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે નવાઝ શરીફના અભિપ્રાયને નકારી કાઢવાનો નિર્ણય NSCમાં સર્વાનુમતે લેવામાં આવ્યો છે. નિવેદનમાં નવાઝ શરીફ સામે બદઇરાદાનો હળવી ભાષામાં આરોપ પણ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનની NSCનું અધ્યક્ષપદ પાકિસ્તાનના વડા પ્રધાન કરે છે. આ ઉપરાંત પાકિસ્તાનની ત્રણેય પાંખના લશ્કરી વડાઓ, ISI નામની ગુપ્તચર સંસ્થાના વડા, વિરોધ પક્ષના નેતા, યુનાઇટેડ નેશન્સ ખાતેના પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ, વિદેશપ્રધાન, સંરક્ષણપ્રધાન તેમના હોદ્દાની રૂએ સભ્ય હોય છે. ટૂંકમાં નાગરિક, લશ્કરી, ગુપ્તચર અને રાજદ્વારી એમ ચારેય પ્રકારના શાસકોનું પ્રતિનિધિત્વ NSCમાં જોવા મળે છે અને માટે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન શાહિદ ખાકન અબ્બાસીની અધ્યક્ષતામાં NSCમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.

અબ્બાસી નવાઝ શરીફના માણસ છે. ભ્રષ્ટાચારના કેસમાં ગયા વરસે નવાઝ શરીફને વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું ત્યારે તેમણે અબ્બાસીને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા હતા. અબ્બાસીને પણ સમજાઈ ગયું હતું કે લશ્કર અને ISI દ્વારા પ્રભાવિત NSCમાં નવાઝ શરીફનો બચાવ થઈ શકશે નહીં એટલે તેઓ NSCની બેઠક મળે એ પહેલાં નવાઝ શરીફને મળવા ગયા હતા અને તેમને નિવેદનને ફેરવી તોળવાની સલાહ આપી હતી. એ પહેલાં નવાઝ શરીફના પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના અધ્યક્ષ, પંજાબના મુખ્ય પ્રધાન અને નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફે નિવેદન બહાર પાડ્યું હતું કે ભારતીય મીડિયાએ નવાઝ શરીફના નિવેદનનો અર્થવિપર્યાસ કર્યો છે.

અહીં સુધી જે ઘટનાઓ વર્ણવી છે એ બધી અપેક્ષા મુજબ છે. વિવાદ પેદા થતો હોય ત્યારે સરકાર તેમ જ સંબંધિત પક્ષના લોકો ડૅમેજ કન્ટ્રોલ કરવાની કોશિશ કરે છે. જોકે આર્યની વાત એ છે કે નવાઝ શરીફને અત્યારે આ બોલવાની જરૂર શું પડી? બીજું આર્ય એ વાતનું છે કે પોતાના સગા ભાઈ અને પોતાના પસંદ કરેલા વડા પ્રધાન જ્યારે નુકસાન રોકવાની કોશિશ કરે છે ત્યારે તેઓ એને પ્રતિસાદ આપતા નથી અને ત્રીજું એનાથી પણ મોટું આર્ય એ છે કે જ્યારે NSC નવાઝ શરીફની ટીકા કરે છે ત્યારે તેઓ પોતાની વાતને પડતી મૂકવાની જગ્યાએ દોહરાવે છે. મેં ખોટું શું કહ્યું એ બતાવો એવો પડકાર ફેંકે છે. મારા કથનને જનરલ પરવેઝ મુશર્રફે અને બીજાઓએ ટેકો આપ્યો છે એમ પણ તેઓ કહે છે.

આ રાજકીય રમત છે. બાકી નવાઝ શરીફ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમણે આતંકવાદીઓને ભારતમાં પ્રવેશતા હંમેશાં રોક્યા હોય એવું બન્યું નથી. કહેવાતા નૉન-સ્ટેટ ઍક્ટર્સ અર્થાત્ ખાનગી આતંકવાદીઓનો ઉપયોગ પાકિસ્તાન પસંદગીના ધોરણે કરે છે અને એમાં નવાઝ શરીફ અપવાદ નહોતા. બીજું, ૬/૧૧ના ગુનેગારો સામેના રાવલપિંડી ખટલાનું કાસળ કાઢવામાં તેમની સરકાર પણ જવાબદાર છે. ૨૦૧૩માં તેઓ સત્તામાં આવ્યા હતા અને ૨૦૧૭ સુધી સત્તામાં હતા. તેઓ ધારત તો ખટલો ચલાવી શક્યા હોત.

જોકે પાકિસ્તાનમાં ચૂંટાયેલા શાસકોને એટલી મોકળાશ નથી હોતી. ૨૦૦૮થી ૨૦૧૩ સુધી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર નહોતી આતંકવાદીઓને ભારતમાં પ્રવેશતાં રોકી શકી કે નહોતો આતંકવાદી પ્રવૃત્તિના ગુનેગારો સામે ખટલો ચલાવીને સજા કરી શકી. ૨૦૧૩થી ૨૦૧૭નાં વર્ષોમાં નવાઝ શરીફ પણ આ બેમાંથી કંઈ નહોતા કરી શક્યા. કંઈક અંશે તેઓ એમ કરવા પણ નહોતા માગતા અને કંઈક અંશે તેમને સાફસૂફી કરવાની મોકળાશ પણ નહોતી. આ પાકિસ્તાનના રાજકારણની વાસ્તવિકતા છે. અત્યારે નવાઝ શરીફ સત્તાની બહાર છે એટલે તેઓ સુફિયાણી વાતો કરે છે.

જોકે આવીબધી સુફિયાણી વાતો અત્યારે કેમ? આનું કારણ એ છે કે પાકિસ્તાનની વર્તમાન લોકસભાની મુદત ૩૧ મેએ પૂરી થાય છે અને જુલાઈ મહિના સુધીમાં સામાન્ય ચૂંટણી યોજાશે. હવે નવાઝ શરીફ આજીવન ચૂંટણી નહીં લડી શકે એવો પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે એમાં પ્રતિબંધની મુદત ઘટાડવી હોય તો પાકિસ્તાનમાં ધીરે-ધીરે ભુલાઈ રહેલા નવાઝ શરીફ પાછા પ્રકાશમાં આવે એ જરૂરી છે. ફરી વાર દલીલ કરી શકાય કે નવાઝ શરીફ જેવા સભ્ય અને માનવતાવાદી માણસ સાથે અદાલતે જરા વધુપડતો આકરો વ્યવહાર કર્યો છે. નવાઝ શરીફની ઠાવકી ભાષા ૨૦૨૪માં પાછા સત્તામાં આવવાની છે.

ગમે એવા અસભ્ય માણસે પણ દેખાવ તો સભ્યતાનો જ કરવો પડતો હોય છે અને એક વાત સ્વીકારવી રહી કે નવાઝ પ્રમાણમાં ઓછા અસભ્ય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK