આને કહેવાય દેશપ્રેમ. રાફેલસોદામાં થઈ ગઈ રાતોરાત ગેમ

આ કૉલમમાં મેં મેહુલ ચોકસી અને નીરવ મોદીને કઈ રીતે દેશની બહાર જવા દેવામાં આવ્યા અને કઈ રીતે તેઓ જગતના જવાબદાર અને સમૃદ્ધ દેશોમાં ફરીને ધંધો કરી રહ્યા છે એની વિગતો આપી હતી.

nirav

કારણ-તારણ - રમેશ ઓઝા

બહાર આવેલી વિગતો એટલી જડબેસલાક છે કે હજી સુધી સરકાર પક્ષે એનો કોઈએ જવાબ આપ્યો નથી. જવાબ આપવાની જરૂર પણ શું છે જ્યારે તેઓ સ્વયંસિદ્ધ દેશપ્રેમીઓ હોય. જેઓ લોકોને દેશપ્રેમનાં અને દેશદ્રોહનાં સર્ટિફિકેટ આપતા હોય ત્યારે કોઈની મજાલ છે કે તેમની દેશભક્તિ વિશે કોઈ સવાલ કરે? એટલે તો દેશપ્રેમીઓની દેશભક્તિ વિશેની બીજી જડબાતોડ વિગતો પ્રકાશમાં આવી ત્યારે બે-ચાર અપવાદ છોડીને મીડિયાએ ચુપકીદી સેવી હતી.

ભ્રષ્ટાચાર તો કૉન્ગ્રેસીઓ કરે, દેશભક્તો ઓછા કરે? તેમના દેશપ્રેમ વિશે શંકા જ કરવાની ન હોય અને જો કોઈ શંકા કરે તો તેને દેશદ્રોહીનું લેબલ ચોડી દેવાનું જે રીતે સામ્યવાદી દેશોમાં શાસકો સામે શંકા કરનારાઓને મૂડીવાદી દેશોના એજન્ટ અને સર્વહારાના દુશ્મન તરીકે ઓળખાવવામાં આવતા હતા અને સાઇબીરિયામાં ગાયબ થઈ જતા હતા.

હા, તો જડબાતોડ વિગતો ડાસ્સો એવિયેશન નામની કંપની સાથે કરવામાં આવેલા રાફેલ લડાકુ પ્લેનના સોદાની છે. બે દિવસ પહેલાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી, યશવંત સિંહા અને જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે એક પત્રકાર-પરિષદ બોલાવી હતી અને એમાં દસ્તાવેજો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આવડું મોટું કૌભાંડ અને એનાથી પણ વધારે અકળાવનારી ચુપકીદી. ભાગ્યે જ કોઈ મીડિયાએ એની નોંધ લીધી હતી એટલે તમને તો આ ઘટનાની જાણ પણ નહીં થઈ હોય. મીડિયા અને ભક્તો દેશપ્રેમના યજ્ઞના સમિધા બની ગયા છે. પહેલાંને પૈસા મળે છે અને બીજાને મનગમતું સુખ.

હવે સોદાની વિગતો તપાસીએ. ૨૦૦૬માં હવાઈ દળે સંરક્ષણ મંત્રાલયને કહ્યું હતું કે મિગ-૨૧ લડાકુ પ્લેનો જૂના થઈ ગયાં છે એટલે મીડિયમ મલ્ટિ-રોલ કૉમ્બેટ ઍરક્રાફ્ટ (MMRCA)ની જરૂર છે. ૨૦૦૭માં ભારત સરકારે ૧૨૬ MMRCA ખરીદવા માટે ઇન્ટરનૅશનલ ટેન્ડર બહાર પાડ્યું હતું. કુલ સાત કંપનીઓએ ટેન્ડર ભર્યાં હતાં જેમાંથી લશ્કરી અધિકારીઓ દ્વારા ફ્રેન્ચ કંપની ડાસ્સોનાં રાફેલ અને અમેરિકન ટાયફૂનને શૉર્ટલીસ્ટ કરવામાં આવ્યાં હતાં. એ પછી વાટાઘાટો થઈ હતી અને છેવટે UPA (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ) સરકારે રાફેલ પ્લેનો ખરીદવાનો નિર્ણય લીધો હતો. ભાવ પણ એનો બીજી કંપનીઓ કરતાં ઓછો હતો.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણી યોજાઈ એના મહિના પહેલાં ૧૩ માર્ચે ભારત સરકારની હિન્દુસ્તાન ઍરોનૉટિક લિમિટેડ (HAL) અને રાફેલ પ્લેન બનાવનાર ડાસ્સો વચ્ચે ભાગીદારીનો કરાર થયો હતો. કરારમાં સમજૂતી એવી હતી કે ભારત સરકાર રાફેલનાં ૧૮ પ્લેન ફ્લાય અવે કન્ડિશનમાં એટલે કે લશ્કર તાત્કાલિક ઉપયોગમાં લઈ શકે એ રીતે આપશે. ૧૨૬માંથી બાકીનાં ૧૦૮ પ્લેનોનું ઉત્પાદન ભારતમાં થશે જેને માટે ડાસ્સો HALને પ્લેન બનાવવાની ટેક્નૉલૉજી આપશે. આ રીતે રાફેલ પ્લેનોનું ૭૦ ટકા ઉત્પાદન ભારતમાં HAL કરશે અને ૩૦ ટકા કામ ડાસ્સો કરશે. વાચકને જાણ હશે કે HAL ભારત સરકારની માલિકીની છે અને પ્લેન બનાવવાનો ૬૦ વરસનો અનુભવ છે.

૨૦૧૪ના મે મહિનામાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને છે અને અનેક સૂત્રોની માફક મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આપે છે. અમને તમારી મૂડી, ટેક્નૉલૉજી અને નફા સામે વાંધો નથી; ઉત્પાદન ભારતમાં કરો એ મેક ઇન ઇન્ડિયાનું તાત્પર્ય છે. એના દ્વારા રોજગારી મળશે, પુરજાઓની સપ્લાય કરનારાઓને ધંધો મળશે અને સરકારને કરવેરાની આવક થશે. હવે રાફેલ પ્લેનોનું તો ૭૦ ટકા ઉત્પાદન ભારતમાં થવાનું હતું અને ઉપરથી ટેક્નૉલૉજી (નો હાઉ)નો લાભ મળવાનો હતો. માત્ર ૧૮ પ્લેન ખરીદવાનાં અને ૧૦૮ ભારતમાં બનાવવાનાં.

UPA સરકારે સોદાને આખરી સ્વરૂપ નહોતું આપ્યું, પરંતુ સોદાની સમજૂતી બની ગઈ હતી. પ્રારંભમાં અરુણ જેટલી સંરક્ષણપ્રધાન હતા અને તેમણે ક્યારેય નહોતું કહ્યું કે રાફેલસોદાની સમજૂતી વિશે ફેરવિચાર કરવામાં આવશે. એ પછી નવેમ્બર-૨૦૧૪માં મનોહર પર્રિકરને સંરક્ષણપ્રધાન બનાવવામાં આવ્યા હતા અને તેમણે પણ ક્યારેય નહોતું કહ્યું કે રાફેલસોદા વિશે પુર્નવિચાર કરવાની જરૂર છે. બધું જ બરોબર ચાલતું હતું અને ૨૦૧૫ની ૧૦ એપ્રિલે વડા પ્રધાનની ફ્રાન્સની મુલાકાતની તૈયારી ચાલી રહી હતી.

પચીસ માર્ચે ડાસ્સો કંપનીના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) અંતિમ સોદાની તૈયારી વિશે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમની HALના અધ્યક્ષ સાથેની વાતચીત સફળ રહી હતી. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને સમજૂતીની વિગતો સ્પષ્ટ થઈ ગઈ છે. તેમના શબ્દોમાં : હું કેટલો ખુશ છું એની કલ્પના તમે કરી શકો છો. ડાસ્સો અને HALની જવાબદારીઓની ભાગીદારી (ટેક્નૉલૉજી આપવાની અને ૭૦ ટકા ઉત્પાદન HAL ભારતમાં કરશે)ની બાબતમાં અમે પ્રતિબદ્ધ છીએ. મને હવે ખાતરી છે કે બહુ જલદી સોદા પર હસ્તાક્ષર થવાના છે અને એ વાતે હું ઉત્સાહિત છું. આ નિવેદન વડા પ્રધાન ફ્રાન્સ જાય એના ૧૬ દિવસ પહેલાંનું છે.

વડા પ્રધાન ફ્રાન્સ જવાના હતા એના એક અઠવાડિયા પહેલાં ભારત સરકારના વિદેશસચિવ શું કહે છે જુઓ : ના-ના, તેમણે સૂર બદલ્યો હતો એવા અનુમાન પર તમે પહોંચ્યા હો તો તમે ભૂલ કરો છો. તેમણે પણ એ જ વાત કરી હતી જે ડાસ્સોના CEOએ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાફેલ પ્લેન બનાવનારી ફ્રેન્ચ કંપની, દેશનું સંરક્ષણ મંત્રાલય અને હિન્દુસ્તાન ઍરોનૉટિક લિમિટેડ સોદાને આખરી ઓપ આપી રહ્યાં છે. આ ભારતના વિદેશસચિવનું નિવેદન છે.

૨૦૧૫ની ૧૦ એપ્રિલે વડા પ્રધાન ફ્રાન્સ જાય છે અને રાફેલના કરવામાં આવેલા સોદામાંથી હિન્દુસ્તાન ઍરોનૉટિક કંપની ગાયબ થઈ જાય છે. જે કંપની ભારત સરકારની માલિકીની છે અને ૬૦ વરસથી પ્લેન બનાવવાનો અનુભવ ધરાવે છે એ સોદામાંથી સાવ ગાયબ થઈ જાય છે. અચાનક. કોઈ ખુલાસા વિના. નવા સોદા મુજબ ભારત સરકાર ૩૬ પ્લેન રેડી ટુ ફ્લાયની કન્ડિશનમાં ખરીદશે. કેટલા રૂપિયામાં? UPA સરકારે ઠરાવેલા ભાવ કરતાં બમણી કિંમતે. વડા પ્રધાન ૧૦ એપ્રિલે ફ્રાન્સ હતા અને ૧૩ એપ્રિલે એ સમયના સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરે દૂરદર્શનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ૧૨૬ પ્લેન ખરીદવાનો સોદો ૯૦ હજાર કરોડ રૂપિયાનો હશે.

ખેલની ચરમસીમા હવે આવે છે. રિલાયન્સ ડિફેન્સ (મૂળ નામ પીપાવાવ શિપયાર્ડ લિમિટેડ, એ પછી નામ બદલીને પીપાવાવ ડિફેન્સ ઍન્ડ ઑફશૉર એન્જિનિયરિંગ કંપની લિમિટેડ, એ પછી નામ બદલીને રિલાયન્સ ડિફેન્સ ઍન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ અને હવે તાજું નામ રિલાયન્સ નેવલ ઍન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ)ના અધ્યક્ષ અનિલ અંબાણી પાછળ-પાછળ ફ્રાન્સ જાય છે અને રાફેલ પ્લેન બનાવવા માટે જૉઇન્ટ વેન્ચર કંપનીની રચના કરે છે. કાગળ પર રચના કરે છે, સ્થાપના તો થાય ત્યારે. રિલાયન્સને પ્લેન બનાવવાનો શૂન્ય અનુભવ છે. જેમ મોટા ભાઈની જીઓ યુનિવર્સિટીને એની સ્થાપના થાય એ પહેલાં એક્સલન્સીનો દરજ્જો આપી દેવામાં આવ્યો હતો એમ નાના ભાઈને કંપની સ્થપાય એ પહેલાં ભારત સરકાર માટે વિદેશી કંપની સાથે મળીને પ્લેન બનાવવાનો સોદો આપી દીધો.

કેવો ધગધગતો દેશપ્રેમ! રાષ્ટ્રવાદ હો તો આવો હજો! મેક ઇન ઇન્ડિયા માટે કેવી પ્રતિબદ્ધતા! સરકારના વડા તરીકે પોતાની માલિકીની કંપની માટે કેવો અનુરાગ! હવે જ્યારે સવાલ ઉઠાવવામાં આવે છે ત્યારે સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન કહે છે કે ફ્રાન્સ સરકાર સાથેનો ગુપ્તતાનો ક્લોઝ વચ્ચે આવે છે એટલે સરકાર વિગતો જાહેર કરી શકતી નથી. ગુપ્તતા? ચૂંટણી પહેલાં તો પારદર્શકતાની વાતો કરવામાં આવતી હતી તો આ ગુપ્તતા ક્યાંથી આવી? શા માટે સામે ચાલીને કાંડાં કાપી આપ્યાં? દેશદ્રોહી અને ભ્રષ્ટ UPAના શાસકોએ તો કાંડાં કાપીને નહોતાં આપ્યાં તો દેશભક્તોને એની શી જરૂર પડી?

દેશભક્તિ એક અમલ છે જે બેવકૂફ ભક્તોને કેફમાં રાખે છે. જો સુરતમાં હો તો આટલા સવાલ પૂછી જુઓ:

એક. UPA સરકારે કરેલી સમજૂતી ખામીવાળી છે એમ નરેન્દ્ર મોદીની સરકારના સંરક્ષણપ્રધાને, સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિએ, લશ્કરી અધિકારીઓએ, સુરક્ષાનિષ્ણાતોએ કે બીજા કોઈએ કહ્યું હતું ખરું?

બે. હિન્દુસ્તાન ઍરોનૉટિક પ્લેનો બનાવવાની ક્ષમતા નથી ધરાવતી એવો ઊપોહ કોઈએ કર્યો હતો ખરો?

ત્રણ. મનોહર પર્રિકરે સોદાની કિંમત ૯૦ હજાર કરોડ રૂપિયા બતાવી છે એ વિશે ખુલાસો કેમ કરવામાં નથી આવતો? કમસે કમ રદિયો તો આપો? આનો અર્થ એ થયો કે દેશના સંરક્ષણપ્રધાનને સુધ્ધાં રિલાયન્સના થઈ રહેલા પ્રવેશની જાણ નહોતી.

ચાર. રિલાયન્સે બહુ અદ્ભુત ટેક્નૉલૉજી હાંસલ કરી છે અને એ ડિફેન્સ પ્રોડક્શનમાં ક્રાન્તિ કરવાની છે એવું કોઈએ કહ્યું છે ખરું? અહીં તો એવું પણ નથી.

પાંચ. જો હિન્દુસ્તાન ઍરોનૉટિકને હટાવી દેવાની હતી તો એના અધ્યક્ષ વડા પ્રધાન ફ્રાન્સ ગયા એના પખવાડિયા પહેલાં સુધી ડાસ્સો સાથે વાતચીત શા માટે કરતા હતા? શું તેમને પણ અંધારામાં રાખ્યા હતા?

છ. વડા પ્રધાન ફ્રાન્સ ગયા એના અઠવાડિયા પહેલાં ભારત સરકારના વિદેશસચિવ ણ્ખ્ન્નો ઉલ્લેખ કરે છે. ભારતના વિદેશસચિવને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા?

સાત. હવે કહો તો ખરા કે ભારતને ચોક્કસ શું ભાવે પ્લેનો પડવાનાં છે?

આને ગેમ કરી નાખી કહેવાય. તમે આ નહોતા જાણતાને?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK