ડૉલર સામે રૂપિયો તૂટી રહ્યો છે ત્યારે વડા પ્રધાન ચૂપ કેમ છે?: અરુણ જેટલી નાણાખાતાના પ્રધાન નથી, નાણાખાતાના વકીલ છે

ભારતીય અર્થતંત્રને થાળે પાડવા નરેન્દ્ર મોદીએ અવતાર ધારણ કરવાનો સંકલ્પ કર્યો ત્યારે ૨૦૧૪ની પહેલી જાન્યુઆરીએ અમેરિકન ડૉલર સામે રૂપિયાની કિંમત ૬૨.૩૨ રૂપિયા હતી.

jaitley

કારણ-તારણ - રમેશ ઓઝા

ભારતમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે એપ્રિલ-મે મહિનામાં રૂપિયાની કિંમત સરેરાશ ૬૦ રૂપિયાની આસપાસ હતી અને દોકડાની પણ આવડત ન ધરાવતા ડૉ. મનમોહન સિંહે સત્તાનાં સૂત્રો અવતારપુરુષને સોંપ્યાં ત્યારે રૂપિયાની કિંમત ૫૮.૫૨ રૂપિયા હતી. અને આજે? આજે રોજ અઢાર-અઢાર કલાક પરિશ્રમ કરનારા વડા પ્રધાન એટલો પરિશ્રમ કરી રહ્યા છે કે ડૉલર સામે રૂપિયાની કિંમત ૭૨ રૂપિયે પહોંચી ગઈ છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં શ્ભ્ખ્ સરકારની અણઆવડત વિશે જે ભાષામાં અને જે શારીરિક હાવભાવ સાથે જાહેર સભાઓમાં પ્રહારો કર્યા હતા એની વિડિયો-ક્લિપ્સ પર એક નજર કરવી જોઈએ. ત્યારે નરેન્દ્ર મોદીના તેવર જોઈને એમ લાગતું હતું કે ડૉ. મનમોહન સિંહ ઘરમાં લપાઈને રહે એમાં જ તેમની સલામતી છે.

દેશપ્રેમ જાગૃત થયો છે અને દેશપ્રેમ જ્યારે જાગૃત થાય ત્યારે વટવૃક્ષો ધરાશાયી થઈ જતાં હોય છે. ગાંધીજીએ એ કરી બતાવ્યું હતું અને નરેન્દ્ર મોદીએ અભિનય સાથે એ બોલી બતાવ્યું. આજે ડૉલર સામે રૂપિયો ૭૨ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે અને વડા પ્રધાન અભિનય તો બાજુએ રહ્યો, મોઢું પણ ખોલતા નથી. દેશની જનતાને એટલું પણ કહેવામાં આવતું નથી કે ધીરજ ધરો, અમે પ્રયત્નશીલ છીએ; હવે રૂપિયો વધારે નહીં ગગડે કારણ કે રિઝર્વ બૅન્કે દરમ્યાનગીરી કરી છે. દરમ્યાનગીરી કરવી પડે એમ છે, કારણ કે ક્રૂડની આયાત મોંઘી પડી રહી છે. માત્ર વિદેશી હૂંડિયામણનું ધોવાણ નથી થઈ રહ્યું, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને કારણે ફુગાવો વધી રહ્યો છે. આમ તો ડૉલર સામે રૂપિયો તૂટે ત્યારે નિકાસમાં ફાયદો થતો હોય છે, પરંતુ ભારત એ મોરચે પણ ચીન સામે માર ખાઈ રહ્યું છે.

ભગવાને અને ભક્તોએ ૨૦૧૪માં અને એ પછીનાં વષોર્માં વિચારવું જોઈતું હતું કે એવું શું હતું કે અર્થશાસ્ત્રી તરીકેની જાગતિક કીર્તિ ધરાવતા ડૉ. મનમોહન સિંહ ઘૂંટણિયાં વાળીને બેસી ગયા છે? એવું શું છે કે જગતની સૌથી મોટી આર્થિક તાકાત ગણાતું અમેરિકા અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે? એવું શું છે કે પશ્ચિમના તમામ દેશો GDPમાં બે-અઢી ટકાથી લઈને નેગેટિવ ગ્રોથમાં અટવાઈ પડ્યા છે અને બહાર જ નથી નીકળી શકતા? એવું શું છે કે જપાન જેવા જપાનનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે? એવું શું છે કે જગતમાં જે કંઈ વિકાસ થાય છે એ રોજગારીરહિત વિકાસ છે? અંગ્રેજીમાં કહીએ તો જૉબલેસગ્રોથ. એવું શું છે કે આખા જગતમાં ખેતીઉદ્યોગ મોટા સંકટનો સામનો કરી રહ્યો છે અને એમાં ભારત અપવાદ નથી? તેમણે એ પણ વિચારવું જોઈતું હતું કે જ્યારે આખું જગત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હોય ત્યારે ભારતનો વિકાસદર સાત-સાડાસાત ટકાની આસપાસ શા કારણે જળવાઈ રહ્યો છે? ચારે બાજુનાં લેખાંજોખાં કરવાં જોઈતાં હતાં.

૧૯૯૧માં ભારત આવા જ એક ત્રિભેટે ઊભું હતું જ્યારે વિધાતાએ પી. વી. નરસિંહ રાવને વડા પ્રધાન બનાવ્યા હતા. નરસિંહ રાવ ઓછું બોલનારા ઠરેલ અને ગંભીર માણસ હતા. તેમને સમજાઈ ગયું હતું કે ભારતનું ભાંગી પડેલું અર્થતંત્ર તેમની કબર બની શકે એમ છે. અનેક મિત્રો સાથે સલાહમસલત કર્યા પછી તેમણે એક નીવડેલા અર્થશાસ્ત્રીને નાણાપ્રધાન બનાવ્યા. ૨૦૧૪માં પણ એમ લાગ્યું હતું કે ભારતની નિયતિને એક નિર્ણાયક વળાંક આપવાનો દાવો કરનારા નરેન્દ્ર મોદી કોઈ વિચક્ષણ અર્થશાસ્ત્રીને નાણાખાતું સોંપશે. જ્યારે પ્રધાનમંડળની રચના થઈ અને અરુણ જેટલીને નાણાખાતું અને સ્મૃતિ ઈરાનીને શિક્ષણખાતું સોંપવામાં આવ્યું ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે આ સરકાર વિકાસલક્ષી નથી, હિન્દુત્વલક્ષી છે. વિકાસના જે દાવાઓ કરવામાં આવતા હતા અને સપનાંઓ બતાવવામાં આવતાં હતાં એ ખોટાં હતાં.

અહીં એક કમાન રચવા જેવી છે. પી. વી. નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી. આ ત્રણેય આર્થિક સુધારાના યુગના વડા પ્રધાન. નરસિંહ રાવને સમજાઈ ગયું હતું કે જો આર્થિક ગતિરોધ દૂર કરવામાં નહીં આવે તો તેઓ મુદત પણ પૂરી નહીં કરી શકે. અટલ બિહારી વાજપેયીને એમ લાગ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ઢાળ પર છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. કેટલાક લોકોને એના લાભ નથી મળતા, પરંતુ તેમની નારાજગી ઇન્ડિયા શાઇનિંગના રાષ્ટ્રીય મૂડમાં ઓગળી જશે. ૨૦૦૪માં ભારત આર્થિક મોરચે ધસમસતી પ્રગતિ કરી રહ્યું છે એવો રાષ્ટ્રીય મૂડ પેદા કરવામાં આવ્યો હતો. ગરીબોને લાભ મળે એ માટે તેમણે ખાસ કોઈ ચિંતા કરી નહીં જેની કિંમત તેમણે ચૂકવવી પડી હતી. 

આ ત્રણમાં નરેન્દ્ર મોદી સામે અનેકગણો મોટો પડકાર હતો. એક તો આખું જગત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને માનવીય વહેવારોમાં આર્થિક વહેવાર વધારે પરસ્પરાવલંબી હોય છે અને આ તો પાછો ગ્લોબલાઇઝેશનનો યુગ. ભારત પાસે આખા જગતમાં સૌથી મોટી યુવાશક્તિ છે જેના બે હાથને કામ જોઈએ છે. ભારતમાં કૃષિવિકાસ અટકી પડ્યો છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને નવી પેઢી ખેતી કરવા તૈયાર નથી. ડૉલર સામે રૂપિયો તૂટી રહ્યો છે અને તેલના ભાવ વધી રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વાત એ હતી કે આર્થિક ગતિરોધના કારણે જગતઆખામાં પ્રતિક્રિયાવાદી ઉભાર આવ્યો છે એટલે દરેક દેશમાં દરવાજા બંધ કરવાની માગણી થઈ રહી છે. પરદેશી માલ અને પરદેશી વ્યક્તિ અમારા દેશમાં નહીં જોઈએ. જગતઆખું આવું વલણ ધરાવતું થયું છે.

પી. વી. નરસિંહ રાવ સામે નવા યુગમાં નવી જરૂરિયાત પ્રમાણે યાત્રા શરૂ કરવાનો પડકાર હતો. અટલ બિહારી વાજપેયી સામે ગરીબલક્ષી દિશા બદલવાનો પડકાર હતો અને નરેન્દ્ર મોદી સામે અટકી પડેલી અને અટવાઈ ગયેલી યાત્રાને પાછી શરૂ કરવાનો પડકાર હતો. થાકીને બેસી ગયેલા બળદને ઊભો કરવો એ મોટો પડકાર હોય છે. પૂછી જોજો કોઈ ખેડૂતને. જ્યારે અસીલની જરૂરિયાત અનુસાર કોઈ પણ દિશાની દલીલ કરનારા વકીલ સાહેબને નાણાપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે ખ્યાલ આવી ગયો હતો કે નરેન્દ્ર મોદી પાસે ચાલવા માટે કોઈ આર્થિક એજન્ડા નથી. હા, જ્યારે પણ સરકારના બચાવમાં પેરવી કરવી પડે ત્યારે કામ આવેલા વકીલ નાણાપ્રધાન છે. અરુણ જેટલી નાણાખાતાના પ્રધાન નથી, નાણાખાતાના વકીલ છે. જરૂરિયાત જ આટલી હતી. અરુણ જેટલી નિષ્ફળ નાણાપ્રધાન નથી, પરંતુ નાણામંત્રાલયે રોકેલા પણ અસરકારક દલીલો ન કરી શકનારા નિષ્ફળ વકીલ છે.

હવે ચૂંટણી નજીક આવી રહી છે અને પ્રતિકૂળતાઓ વધી રહી છે. સમય બચ્યો નથી એટલે વિકલ્પો પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો વિકલ્પ છે જ નહીં એમ કહેવામાં આવી રહ્યું છે અને રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડીને તેમને બહાર ધકેલવામાં આવી રહ્યા છે. આના કરતા ૨૦૧૪માં જ પાટી-પેન લઈને એકડો ઘૂંટવાનું શરૂ કર્યું હોત તો કેટલું સારું થાત!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK