ભારતીય દંડસંહિતાનું સેક્શન ૩૭૭ હવે માત્ર ઇતિહાસ બની ગયું છે

૧૮૬૦માં ભારતીય દંડસંહિતા ઘડવામાં આવી ત્યારે સેક્શન ૩૭૭નો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો

કારણ-તારણ - રમેશ ઓઝા

છેવટે જે ચુકાદો દાયકાઓ પહેલાં આવવો જોઈતો હતો એ દાયકાઓ મોડો આવ્યો છે, પણ એ છતાં આપણે એનું સ્વાગત કરવું જોઈએ. એ ચુકાદો સમલિંગી સંબંધો વિશેનો છે. ભારતીય દંડસંહિતાના સેક્શન ૩૭૭ મુજબ સ્ત્રી, પુરુષ અને પ્રાણીઓ સાથેના અકુદરતી શારીરિક સંબંધને સજા થઈ શકે એવો ફોજદારી ગુનો ગણવામાં આવે છે અને એ માટે ગુનેગારને દસ વરસથી લઈને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતના ગુરુવારના ચુકાદા મુજબ હવે પછી અકુદરતી શારીરિક સંબંધ ગુનો નહીં ગણાય. અહીં એક ફરક સમજી લેવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે સેક્શન ૩૭૭ને માત્ર ગુનારહિત (ડીક્રિમિનલાઇઝ્ડ) જાહેર નથી કર્યું, એને બંધારણ-વિસંગત ઠરાવ્યું છે એટલે આપણે એમ કહી શકીએ કે સેક્શન ૩૭૭ હવે ઇતિહાસ બની જશે.

આ કાયદો દોઢસો વરસ જૂનો છે. ૧૮૬૦માં ભારતીય દંડસંહિતા ઘડવામાં આવી ત્યારે સેક્શન ૩૭૭નો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કેટલાંક સામાજિક મૂલ્યો, નૈતિકતા તેમ જ મર્યાદા વિશેની વ્યાખ્યાઓ સમયસાપેક્ષ હોય છે. એક યુગમાં જેને પાપ, ગુનો કે મર્યાદાલોપ સમજવામાં આવતાં હોય એને બીજા યુગમાં એ રીતે જોવામાં ન પણ આવતાં હોય. આજે અફીણની ખેતી અને વેચાણ અનૈતિક માનવામાં આવે છે અને કાયદાકીય ગુનો પણ છે, પરંતુ ૧૯મી સદીમાં અંગ્રેજોની સહાયથી ભારતીય વેપારીઓ ચીનમાં અફીણની નિકાસ કરતા હતા અને એ જમાનામાં લાખો રૂપિયા કમાયા હતા. મૂડીવાદીઓની પહેલી ભારતીય પેઢી ચીનમાંના અફીણના વેપારે પેદા કરેલી પેઢી હતી.

ભારતીય દંડસંહિતામાં સેક્શન ૩૭૭નો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે નૈતિકતાના અને મર્યાદાના બ્રિટિશ માપદંડો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. મૂળમાં આ કાયદો ૧૬મી સદીના બ્રિટિશ લૉનો હિસ્સો છે જેને બગરી ઍક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ બગરી ઍક્ટ ૧૫૩૩માં ઘડાયો હતો અને એ બ્રિટિશ સામ્રાજ્યના ભાગરૂપે ભારતમાં આવ્યો હતો. બાકી ભારતમાં વાત્સાયનના ‘કામસૂત્ર’માં ગુદામૈથુનની વાત કહેવાઈ છે અને ખજૂરાહોનાં શિલ્પોમાં ગુદામૈથુનના શિલ્પો કંડારવામાં આવ્યાં છે.

આ કૉલમમાં મેં અનેક વાર લખ્યું છે કે ભારતનું બંધારણ ઘડનારાઓએ અદાલતોને એક ચાળણી આપી હતી. જે કોઈ કાયદા બંધારણ-વિસંગત હોય એને અદાલતો આપોઆપ ચાળણીમાંથી ચાળી નાખે. તેમને એમ લાગતું હતું કે ધીરે-ધીરે જેટલા ભારતના બંધારણ-વિસંગત જુનવાણી કાયદાઓ છે એ ચળાઈ જશે અને એ રીતે શરમાવું ન પડે એવું આધુનિક સભ્યરાષ્ટ્ર અસ્તિત્વમાં આવશે. ભારતનું બંધારણ અમલમાં આવ્યે ૬૮ વરસ વીતી ગયાં છે, પણ એ છતાં અનેક કાયદાઓ હજી ચળાયા વિના કાયદાપોથીમાં પડ્યા છે.

સેક્શન ૩૭૭ને રદ કરવામાં આવે એવી માગણી પહેલી વાર ૧૯૯૧માં કરવામાં આવી હતી. ૨૦૦૧માં કેટલાક સમલિંગીઓએ દિલ્હીની વડી અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. ૨૦૦૪માં દિલ્હીની વડી અદાલતે આ આખો મામલો બૌદ્ધિક ચર્ચાનો (ઍકૅડેમિક ઇશ્યુઝ) છે એમ કહીને અરજી ફગાવી દીધી હતી. અરજદારો સર્વોચ્ચ અદાલતમાં ગયા ત્યારે સર્વોચ્ચ અદાલતે કેસ પાછો દિલ્હીની વડી અદાલતમાં મોકલ્યો હતો અને ખટલો સાંભળવાનો આદેશ આપ્યો હતો. છેવટે ૨૦૦૯માં દિલ્હીની વડી અદાલતે સેક્શન ૩૭૭ને બંધારણ-વિસંગત ગણાવતો ચુકાદો આપ્યો હતો. એ ચુકાદો આપનારા ન્યાયમૂર્તિ હતા અજિત પ્રકાશ શાહ અને ન્યાયમૂર્તિ એસ. મુરલીધર.

દિલ્હીની વડી અદાલતના ચુકાદાને સંસ્કૃતિરક્ષકોએ સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો અને આખી દુનિયાના આર્ય વચ્ચે સર્વોચ્ચ અદાલતે ૨૦૧૩ની સાલમાં હાથ ખંખેરી નાખતો પછાત ચુકાદો આપ્યો હતો. અદાલતે કહ્યું હતું કે અરજદારો જો કાયદો રદ કરાવવા માગતા હોય તો તેમણે સંસદસભ્યો પાસે જવું જોઈએ, બાકી અદાલતોનું કામ કાયદાપોથીમાં રહેલા કાયદાઓનું અર્થઘટન કરવાનું છે. સર્વોચ્ચ અદાલતનો એ ચુકાદો ખોટો હતો. સર્વોચ્ચ અદાલતનું કામ બંધારણનું અર્થઘટન કરવાનું છે, નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું છે અને બંધારણ-વિસંગત કાયદાઓને કે સરકારી આદેશોને રદ કરવાનું છે.

હદ તો ત્યારે થઈ જ્યારે સર્વોચ્ચ અદાલતે ૨૦૧૪માં અરજદારોની રિવ્યુ પિટિશનને પણ ફગાવી દીધી હતી. એ પછી અરજદારોએ મળીને ક્યુરેટિવ પિટિશન કરી હતી જેનું પરિણામ ગુરુવારનો ચુકાદો છે. સર્વોચ્ચ અદાલતે સેક્શન ૩૭૭ને બંધારણ-વિસંગત જાહેર કર્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ કહ્યું હતું - આઇ ઍમ વૉટ આઇ ઍમ, સો ટેક મી ઍઝ આઇ ઍમ. બસ આમાં નાગરિકની આઝાદીની વાત આવે છે. પરસ્પર સંમતિ સાથે, બે પુખ્ત વયની વ્યક્તિ એકાંતમાં જાતીય સંબંધ બાંધે એમાં કોઈને શું કામ વાંધો હોવો જોઈએ? જાતીય સંબંધના સ્વરૂપ સાથે ત્રીજી વ્યક્તિને શું લેવાદેવા છે?

પ્રારંભમાં કહ્યું એમ જે ચુકાદો દાયકાઓ પહેલાં આવવો જોઈતો હતો એ દાયકાઓ મોડો આવ્યો છે. બીજું, કાયદાપોથીઓમાં હજી બીજા અનેક આવા કાયદાઓ છે જેને રદ કરનારા ચુકાદાઓ દાયકા પહેલાં આવવા જોઈતા હતા, પરંતુ હજી ચુકાદા આવવાના બાકી છે. ખટલા જ ચાલવાના બાકી છે. કાયદાપંચે પર્સનલ લૉઝના કાયદાઓને એક-એક કરીને ચકાસવાની દરખાસ્ત રજૂ કરી છે એમ કાયદાપોથીઓમાંના તમામ કાયદાઓ ચકાસીને કાલબાહ્ય કાયદાઓને રદ કરવાની માગણી કરતી એક સવર્‍ગ્રાહી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવી જોઈએ. ભારતની આઝાદીના અમૃત મહોત્સવ પહેલાં દેશ કલંકિત કાયદાઓથી મુક્ત થવો જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK