૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઑફિસે મેહુલ ચોકસીને ઑલ ક્લિયરન્સનું પોલીસ-સર્ટિફિકેટ આપ્યું ત્યારે તેની સામે કુલ મળીને ૪૨ ફોજદારી ગુનાઓ નોંધાઈ ચૂક્યા હતા

તો પછી નીરવ મોદી લંડનમાં ગયો કેવી રીતે?

mehul

કારણ-તારણ - ઓઝા

ગયા જૂન મહિનામાં નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે જે માણસનો પાસપોર્ટ રદ કરી નાખવામાં આવ્યો છે તે જગતમાં ફરે છે કઈ રીતે અને એ પણ ઇંગ્લૅન્ડ જેવા દેશમાં જે જગતના પ્રગતિશીલ અને જવાબદાર દેશોમાંનો એક છે? એ પહેલાં તે હૉન્ગકૉન્ગ અને સિંગાપોરમાં જોવા મળ્યો હતો. આ બાજુ ભારત સરકારે ફેબ્રુઆરી મહિનામાં લોકસભામાં કહ્યું હતું કે નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે અને એની આખા જગતને જાણ કરવામાં આવી છે એટલે તે જ્યાં હશે ત્યાંથી આગળ પ્રવાસ નહીં કરી શકે. લોકસભામાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે ભારત સરકારે લુકઆઉટ નોટિસ બહાર પાડી રહી છે એટલે તે જો પ્રવાસ કરશે તો જગતના કોઈ ને કોઈ ઍરપોર્ટ પર પકડાઈ જશે.

BBCએ સમાચાર વહેતા કર્યા એટલે ભારત સરકારે અને આંગળિયાત મીડિયાએ એની નોંધ લેવી જરૂરી બની ગઈ. ભારત સરકારે કમર કસીને બ્રિટિશ સરકારને જણાવ્યું કે નીરવ મોદી અમારો આરોપી છે એટલે જોજો હોં નાસી ન જવો જોઈએ, અમે પ્રત્યાર્પણ માટેની તૈયારી કરી રહ્યા છીએ. ભારત સરકારે કૃતનિયતા બતાવી ત્યારે બ્રિટિશ સરકારે માત્ર બે વાત તરફ ભારત સરકારનું ધ્યાન દોર્યું હતું : એક તો એ કે જો નીરવ મોદી આરોપી છે તો તેનો પાસપોર્ટ કેમ રદ કરવામાં નથી આવ્યો? અમને તો એટલે કે બ્રિટિશ સરકારને તો પાસપોર્ટ રદ કરાયો હોવાની કોઈ જાણકારી આપવામાં આવી નથી. નીરવ મોદી લંડનમાં ભારતીય પાસપોર્ટ પર આવ્યો છે. બીજું એ કે લુકઆઉટ નોટિસ ક્યાં? જો એ કાઢવામાં આવી હોય તો બ્રિટિશ સરકારની વીઝા ઇશ્યુ કરનાર ઑથોરિટીને અને ઍરપોર્ટ ઑથોરિટીને એની જાણ કરવામાં નથી આવી. ઇન્ટરપોલે પણ લુકઆઉટ નોટિસ વિશે આ જ વાત કહી હતી.

પંજાબ નૅશનલ બૅન્કને ૧૩,૦૦૦ કરોડ રૂપિયામાં નવડાવનારા મામા-ભાણેજને નાસી જવા દેવામાં આવ્યા છે એવો વહેમ પહેલેથી જ હતો જે હવે વધુ દૃઢ થયો. આ બ્રિટન છે, કોઈ કૅરિબિયન ટાપુ નથી જ્યાં શાસકોનાં ખિસ્સાં ભરીને રહી શકાય. બ્રિટને ઉઠાવેલા બન્ને મુદ્દાઓનો ભારત સરકારે કોઈ ખુલાસો કર્યો નથી. આ કોઈ નવી વાત નથી. બોફોર્સકૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક ઑક્ટોવિયો ક્વૉટ્રોચીથી લઈને બીજા અનેક લોકોની બાબતમાં આવું બનતું આવ્યું છે. કોઈને છોડવામાં નહીં આવે એવી જાહેરાત કરવાની હોય, બાકી તો છોડવાના જ હોય. અન્નનો ઓડકાર આડો આવતો હોય છે.

આપણા મેહુલભાઈનો કેસ તો નીરવ કરતાં પણ રસપ્રદ છે. ૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઑફિસે ઍન્ટિગા-બમુર્ડા  માટે મેહુલ ચોકસીને ઑલ ઓકેનું પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ઇશ્યુ કર્યું હતું. એ વરસના મે મહિનામાં મેહુલ ચોકસીએ ઍન્ટિગાનું નાગરિકત્વ મેળવવા અરજી કરી હતી. ઑગસ્ટ મહિનામાં ઍન્ટિગાની સરકારે મેહુલ ચોકસીની અરજી માન્ય રાખી હતી અને નવેમ્બર મહિનામાં નાગરિકત્વ આપ્યું હતું. એ વરસની ચોથી જાન્યુઆરીએ મેહુલ ચોકસીએ ઉચાળા ભર્યા હતા અને ૧૫ જાન્યુઆરીએ ઍન્ટિગાના નાગરિક તરીકે મેહુલે સોગંદ લીધા હતા. મામા-ભાણેજ વિદેશમાં સુખરૂપ થાળે પડી ગયા એ પછી ૨૯ જાન્યુઆરીના રોજ પંજાબ નૅશનલ બૅન્કે CBI જાણ કરી હતી કે અમારી સાથે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.

હવે વિચારો કે ગુનામાં ભાગીદારી વિના આવું બને? તમે ગુનો કર્યો હોય તો તમને નસીબ આટલી હદે મદદ કરે? માબાપ બાળકને જે રીતે હૉસ્ટેલમાં મૂકી આવે અને પછી પાડોશીને જાણ કરે કે અમારો બાબો તો હવે હૉસ્ટેલમાં રહીને ભણે છે એ રીતે ભારતની પ્રજાને જણાવવામાં આવ્યું હતું કે મેહુલભાઈ અને તેમના ભત્રીજા હવે ભારતમાં નથી, તેઓ વિદેશમાં રહીને ધંધો કરે છે.

અહીં આટલા સવાલો ઉપસ્થિત થાય છે:

એક. મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકત્વ છોડ્યું એની ભારત સરકારને જાણ નહોતી? કે પછી બેવડું નાગરિકત્વ હતું? એની પણ ભારત સરકારને જાણ હોવી જ જોઈએ.

બે. બૅન્ગલોરમાં જવેરાતનો ધંધો કરનારા હરિ પ્રસાદે છેક ૨૦૧૫માં નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે છેતરપિંડીનો પોલીસકેસ કર્યો હતો. હરિ પ્રસાદે એ પછી એન્ર્ફોસમેન્ટ ડિરેક્ટરેટ, CBI, સેબી, ભારત સરકારનું કૉર્પોરેટ મંત્રાલય અને ખુદ વડા પ્રધાનને પત્ર લખીને જાણ કરી હતી કે મામા-ભાણેજનું પંજાબ નૅશનલ બૅન્ક સાથે કૌભાંડ ચાલી રહ્યું છે અને વિજય માલ્યાની માફક વિદેશ ભાગી જવાના છે. વડા પ્રધાનના કાર્યાલયે ૨૦૧૬ની ૨૬ જુલાઈએ હરિ પ્રસાદને પત્ર લખીને જાણ કરી હતી કે તમારો પત્ર મુંબઈ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને મોકલી આપવામાં આવ્યો છે. એ પછી હરિ પ્રસાદે રજિસ્ટ્રાર સાથે પત્ર વ્યવહાર કર્યો હતો.

ત્રણ. ૨૦૧૬ની ૨૦ જુલાઈએ દિગ્વિજય સિંહ જાડેજા નામના મામા-ભાણેજ દ્વારા છેતરાયેલા માણસે ગુજરાતની વડી અદાલતમાં સોગંદનામું રજૂ કરીને કહ્યું હતું કે બૅન્કો અને વેપારીઓ સાથે કૌભાંડ ચાલી રહ્યું છે. પ્લીઝ નોટ, વડી અદાલતમાં. કોઈ નીચલી અદાલત નહોતી.

ચાર. ૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઑફિસે મેહુલ ચોકસીને ઑલ ક્લિયરન્સનું પોલીસ-સર્ટિફિકેટ આપ્યું ત્યારે મેહુલ ચોકસી સામે કુલ મળીને ૪૨ ફોજદારી ગુનાઓ નોંધાઈ ચૂક્યા હતા.

૪૨ ફોજદારી ગુનાઓ હોય, વડી અદાલતમાં સોગંદનામું રજૂ કરાયું હોય, વડા પ્રધાનના કાર્યાલયથી લઈને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ સુધી ફરિયાદો કરવામાં આવી હોય એ છતાં મુંબઈ પોલીસ ઑલ ઓકે સર્ટિફિકેટ ઇશ્યુ કરે? ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉ. સુબ્રહ્મણ્યમ સ્વામી કહે છે કે એ શક્ય જ નથી. તેમણે નાણાપ્રધાન પાસેથી ખુલાસો માગ્યો છે.

તો સાહેબ આખી વ્યવસ્થા સડેલી છે. ક્રોની કૅપિટલિસ્ટો એનો લાભ લઈ રહ્યા છે. હકીકતમાં શાસકો ક્રોની કૅપિટલિસ્ટોના ખિસ્સામાં છે, કારણ કે તેમને ચૂંટણી લડવા હજારો કરોડ રૂપિયાની જરૂર હોય છે જે ક્રોની કૅપિટલિસ્ટો પાસેથી મળે છે. ભારતમાં થતા દરેક કૌભાંડનું ગોત્રજ એક જ છે : પ્રામાણિક ખુદ્દાર માણસ ચૂંટાઈને પ્રતિનિધિગૃહમાં ન પ્રવેશી શકે એવી મોંઘી ચૂંટણી, ભ્રષ્ટ વ્યવસ્થા અને જાણીબૂજીને રાખવામાં આવતું લકવાગ્રસ્ત ન્યાયતંત્ર જેથી વ્યવસ્થામાં સુધારાઓ ન કરવા પડે.

જો હજી પણ ન સમજાતું હોય તો બોલો ભારત માતા કી જય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK