કાયદાપંચની અમૂલ્ય સલાહ : યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ કેમ? સિવિલાઇઝ્ડ સિવિલ કોડ શા માટે નહીં?

કાયદાપંચની અમૂલ્ય સલાહ : યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ કેમ? સિવિલાઇઝ્ડ સિવિલ કોડ શા માટે નહીં?

કારણ-તારણ - રમેશ ઓઝા

ગઈ કાલના લેખમાં આપણે જોયું કે ભારતીય પ્રજા વચ્ચેના આંતરિક વિખવાદ અને બહુમતી પ્રજાના દુરાગ્રહોને કારણે એક દેશ એક ભાષા તેમ જ એક દેશ એક કાયદાની બસ આપણે ચૂકી ગયા. બંધારણ ઘડતી વખતે પણ આ દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એમાં પણ સફળતા નહોતી મળી. હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં આવે એની સામે માત્ર દક્ષિણ ભારતમાંથી વિરોધ થયો હતો એવું નહોતું, અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વ દ્વારા સમાજમાં સ્વાભાવિક વર્ચસ્વ ધરાવનારા ભદ્રવર્ગે પણ એનો વિરોધ કર્યો હતો અને આજે પણ કરે છે. આવું જ એક દેશ એક કાયદાની બાબતમાં બન્યું હતું.

અહીં એક વાત નોંધી લેવી જોઈએ કે દેશની કાયદાપોથીઓમાં જેટલા કાયદા છે એમાંથી ૯૯ ટકા કાયદાઓ દેશની દરેક પ્રજાને એકસરખા લાગુ પડે છે. માત્ર કૌટુંબિક કાયદાઓ (પર્સનલ લૉઝ) અલગ-અલગ છે. કૌટુંબિક કાયદાઓમાં લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસાહક, બે પત્ની રાખવીનો સમાવેશ થાય છે. બીજું, આવા વૈયક્તિક કે કૌટુંબિક કાયદાઓનો લાભ એકલા મુસલમાનોને મળે છે એવું નથી, ભારતમાં એવી એક પણ પ્રજા નથી જેને તેમના પોતાના વૈયક્તિક કાયદાઓનો લાભ ન મળતો હોય. આદિવાસીઓ માટે પણ તેમના પરંપરાગત રિવાજો અનુસારના કાયદાઓ (કસ્ટમરી લૉઝ) અસ્તિત્વ ધરાવે છે અને એ બધા તેમના પોતાના અલગ-અલગ છે.

હિન્દુત્વવાદીઓ કોમી રાજકારણ કરે છે એટલે હવા એવી પેદા કરી છે કે પર્સનલ લૉઝ જાણે કે એકલા મુસલમાનો માટે છે અને તેઓ એકલા એકસમાન કાયદાનો (યુનિફૉર્મ સિવિલ કોડ)નો વિરોધ કરે છે. હકીકત આનાથી ઊલટી છે. બંધારણ ઘડાતું હતું ત્યારે વૈયક્તિક કાયદાઓ નાબૂદ કરીને એની જગ્યાએ દરેક પ્રજા માટે એકસરખા કાયદા ઘડવામાં આવે એ દરખાસ્તનો વિરોધ કોંગ્રેસમાંના રૂઢિચુસ્ત હિન્દુઓએ અને કોંગ્રેસની બહારના હિન્દુત્વવાદીઓએ કર્યો હતો. એ પછી હિન્દુ સમાજ માટે હિન્દુ કોડ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે પણ તેમણે એનો વિરોધ કર્યો હતો. જો તેમણે વિરોધ ન કર્યો હોત તો ત્યારે યુનિફૉર્મ સિવિલ કોડની એક શક્યતા નજરે પડતી હતી. ટૂંકમાં આજે દેશમાં યુનિફૉર્મ સિવિલ કોડ નથી તો એ માટે મુસલમાનો કરતાં રૂઢિચુસ્ત હિન્દુઓ અને હિન્દુત્વવાદીઓ વધારે જવાબદાર છે.

બંધારણ ઘડનારાઓને જ્યારે ખાતરી થઈ ગઈ કે અત્યારે એક દેશ એક ભાષા તેમ જ એક દેશ એક કાયદો સાકાર કરવા શક્ય નથી ત્યારે તેમણે એને માર્ગદર્શક સિદ્ધાંતોમાં આમેજ કર્યા હતા. માર્ગદર્શક સિદ્ધાંતોમાં કહેવામાં આવ્યું છે કે આપસી મતભેદોને કારણે આટલાં કામ અમારાથી થઈ શક્યાં નથી જે ભવિષ્યમાં અનુકૂળતા પેદા કરીને કરવામાં આવે. શું કહી ગયા છે? અનુકૂળતા પેદા કરવામાં આવે અર્થાત્ સર્વસંમતિ વિકસાવવામાં આવે અને એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે.

સભ્ય રાષ્ટ્રના નર્મિાણ માટે માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનેક બાબત કહેવાઈ છે જેમાં ભાષા મુખ્ય છે. દેશને જોડવા માટે અત્યંત શક્તિશાળી કડી હોય તો એ ભાષા છે. હિન્દુત્વવાદીઓ અને બીજા દેશપ્રેમીઓ એક દેશ એક ભાષા વિશે ઊહાપોહ નથી કરતા, ક્ષુલ્લક વૈયક્તિક કાયદાઓ વિશે ઊહાપોહ કરે છે. આનું કારણ કોમી રાજકારણ છે. જો તેઓ સાચા દેશપ્રેમી હોય તો તેમણે હિન્દી રાષ્ટ્રભાષા બને એ રીતની સવર્‍સંમતિ બનાવવી જોઈએ અને હિન્દીના પક્ષે સવર્‍સંમતિ બને એ રીતની સુલભ હિન્દીનું સ્વરૂપ વિકસાવવું જોઈએ. ઉચ્ચારણ કરવામાં જડબું તોડી નાખે એવી હિન્દી ભાષા દક્ષિણ ભારતીયો તો ઠીક, હિન્દી પ્રદેશનો બહુજન સમાજ પણ નથી સ્વીકારતો. દેખાવ પૂરતા છીછરા દેશપ્રેમ કરતા દેશને જોડનારી નક્કર કડીઓ વિકસાવવા માટે તેમણે કામે લાગી જવું જોઈએ.

તેઓ નથી કરવાના એની ખાતરી રાખજો. બે કારણ છે. એક તો તેઓ રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનું રાજકારણ કરે છે, તેઓ દેશપ્રેમી નથી. બીજું કારણ એ છે કે અંગ્રેજી ટકી રહે એમાં તેમનું પણ સ્થાપિત હિત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એના નવ દાયકાના ઇતિહાસમાં ક્યારેય એક દેશ એક ભાષા માટે અંદોલન કર્યું છે? હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકૃતિ મળે એ માટે દક્ષિણ ભારતમાં હિન્દીનો પ્રચાર કર્યો છે? દરેક પ્રદેશ અને સમાજમાં હિન્દી સ્વીકાર્ય બને એ માટે હિન્દીને  સુલભ કરવાનું કોઈ મિશન સંઘે હાથ ધર્યું છે ખરું? આ બધાં કામ ગાંધીજીએ કયાર઼્ હતાં અને આજે પણ થઈ રહ્યાં છે, કારણ કે ગાંધીજી સાચા દેશપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી હતા. તમને નથી લાગતું કે દેશને જોડનારી સૌથી મહkવની કડી ભાષા છે? ચીન અને જપાનની સફળતા આનું ઉદાહરણ છે. ભારતીયોનો અંગ્રેજીપ્રેમ જોઈને જગત હસે છે.

કહેવાતા દેશપ્રેમીઓને દેશને જોડનારી સૌથી મજબૂત કડી (હિન્દી ભાષા)ને સ્વીકાર્ય બનાવવામાં રસ નથી. એમાં રાજકીય લાભ નથી એટલે કારણ વિના ક્યાં તાકાત ખર્ચવી. તેમને યુનિફૉર્મ સિવિલ કોડમાં રસ છે, કારણ કે એમાં રાજકીય લાભ છે. ખોટી રીતે મુસલમાનોને ટાર્ગેટ બનાવીને ઘેલા દેશપ્રેમીઓને બેવકૂફ બનાવવામાં અને બેવકૂફોની બેવકૂફી ટકાવી રાખવામાં તેમને રસ છે. આપણો એટલે કે સુજ્ઞ નાગરિકોનો કોઈ સ્વાર્થ નથી એટલે આપણે હિન્દીને સુલભ બનાવીને સ્વીકાર્ય બનાવવા માટે કામ કરવું જોઈએ. બાકી યુનિફૉર્મ સિવિલ કોડ ક્ષુલ્લક રાજકીય મુદ્દો છે.

થોભો, એ ક્ષુલ્લક પણ નથી. જે-તે ધર્માનુયાયીઓના વૈયક્તિક કાયદાઓ મુખ્યત્વે સ્ત્રીઓને અન્યાય કરનારા છે. એમાં સ્ત્રીઓને અન્યાય થઈ રહ્યો છે એટલે એમાં સુધારા કરવામાં પુરુષોને રસ નથી અને બીજું એને કારણે સ્ત્રી સમોવડી બની શકે એમ છે એટલે પુરુષો (જેઓ ધર્મના પ્રવક્તા અને ઠેકેદારો છે) તેનો વિરોધ કરે છે. તો આનો અર્થ એ થયો કે વૈયક્તિક કાયદાઓ લૈંગિક અન્યાય કરનારા છે અને એ અર્થમાં ક્ષુલ્લક નથી, ગંભીર છે. આનો બીજો અર્થ એ થયો કે યુનિફૉર્મ સિવિલ કોડ લૈંગિક સમાનતા માટે અને ન્યાય માટે છે, એને ધર્મ સાથે ખાસ કોઈ સંબંધ નથી. ભારત સભ્ય રાષ્ટ્ર હોવાનો દાવો ત્યારે જ કરી શકે જેમાં કાયદા દ્વારા અને રાજ્ય દ્વારા કોઈને અન્યાય ન થતો હોય. અહીં તો કાયદા દ્વારા અને એ રીતે રાજ્ય દ્વારા દરેક ધર્મની સ્ત્રીઓને અન્યાય થઈ રહ્યો છે.

અહીં કાયદાપંચે ૩૧ ઑગસ્ટે દેશ સમક્ષ ચર્ચા માટે રાખેલા કન્સલ્ટેશન પેપર ઑન રિફૉર્મ ઑફ ફૅમિલી લૉનો પ્રવેશ થાય છે. પહેલી વાર નવી પણ નક્કર વાત કહેવાઈ છે. કન્સલ્ટેશન પેપર ઑન રિફૉર્મ ઑફ ફૅમિલી લૉમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય મુદ્દો લૈંગિક અન્યાયનો છે, પરંપરા કે રિવાજજન્ય કાયદાકીય વૈવિધ્યનો નથી. જો સ્ત્રીઓ સહિત કોઈને પણ કાયદો કે રિવાજ અન્યાય ન કરતો હોય તો ભલેને એ કાયદાપોથીમાં રહે ફરક શું પડે છે? નિર્દોષ કાયદાઓનું વૈવિધ્ય કબૂલ રાખો અને અન્યાય કરનારા સદોષ કાયદાઓમાં સુધારા કરો. ટૂંકમાં યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ શા માટે? સિવિલાઇઝ્ડ સિવિલ કોડ શા માટે નહીં? તમને અન્યાય અને અસભ્યતા સામે વાંધો છે કે વૈવિધ્ય સામે વાંધો છે? તમે સ્ત્રીઓને થતો અન્યાય જોઈને શરમ અનુભવો છો કે વૈવિધ્ય જોઈને શરમ અનુભવો છો? આ પ્રfનો આપણા જેવા સુજ્ઞ અને સંવેદનશીલ નાગરિકો માટે છે. આપણે જાગ્રત સંવેદનશીલ નાગરિક બનીશું તો શાસકો પર દબાવ આવશે, બાકી તેમને સત્તા સિવાય બીજી કોઈ ચીજમાં રસ નથી.

કાયદાપંચે સારું કામ એ કર્યું છે કે એણે માત્ર સલાહ નથી આપી, દરેક ધર્મના એકેએક વૈયક્તિક કાયદાની ચકાસણી કરી છે અને કયો કાયદો સુધારવાની જરૂર છે એ બતાવ્યું છે. એમાં હિન્દુ કોડ બિલ અંતર્ગત ઘડાયેલા કાયદાઓનો અને સ્પેશ્યલ મૅરેજ ઍક્ટનો પણ સમાવેશ થાય છે.

નિસબત ન્યાય, સભ્યતા અને સંસ્કારિતા માટેની હોવી જોઈએ. એના પાયા પર રાષ્ટ્રનું નિર્માણ થાય. તારસ્વરીય દેશપ્રેમ તામસી તો હોય છે ઉપરથી વાંઝિયો પણ હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK