એક દેશ એક કાયદો : રાષ્ટ્રીય પ્રશ્નો રાષ્ટ્રીય હોય છે જેને ધર્મના કે બીજા કોઈ પણ અસ્મિતાના ટૂંકા આયનાથીમાપવાના ન હોય. જો એવું કરો તો બસ ચૂકી જવાનો વારો આવે

ભારતની દરેક કોમ માટે એકસરખા કાયદા હોય એનો વિરોધ ઇસ્લામીસ્ટોએ,  હિન્દુત્વવાદીઓએ અને વિવિધ ધર્મોના બીજા ઠેકેદારોએ કર્યો હતો
કારણ-તારણ - રમેશ ઓઝા


આખા દેશની પ્રજા માટે એકસરખો કાયદો હોય અને એક જ ભાષામાં રાજકીય-સામાજિક વ્યવહાર ચાલતો હોય અર્થાત્ એક રાષ્ટ્રભાષા હોય એ બન્ïને કલ્પનાઓ મનભાવક છે. આ બન્ïને કલ્પનાઓ દેશમાં પહેલી વાર આજકાલના રાષ્ટ્રવાદી દેશભક્તો કરી રહ્યા છે અને કૉન્ગ્રેસ એનો વિરોધ કરતી હતી એમ જો તમે માનતા હોય તો એ તમારું અજ્ઞાન છે. આ બન્ïને કલ્પનાઓ પહેલી વાર છેક ૧૯મી સદીમાં રજૂ કરવામાં આવી હતી અને ત્યારે જ એનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ભારતની દરેક કોમ માટે એકસરખા કાયદા હોય એનો વિરોધ ઇસ્લામીસ્ટોએ,  હિન્દુત્વવાદીઓએ અને વિવિધ ધર્મોના બીજા ઠેકેદારોએ કર્યો હતો. હકીકતમાં ૧૮૫૭માં જે વિદ્રોહ થયો એની પાછળનાં કેટલાંક કારણોમાં મુખ્ય કારણ અંગ્રેજો દ્વારા ભારતની ધાર્મિક-સામાજિક બાબતોમાં કરવામાં આવતી દખલગીરી હતું. અંગ્રેજોએ સતીપ્રથા પર પ્રતિબંધ મૂક્યો, તાજી જન્મેલી બાળકીને દૂધ-પીતી કરવા પર પ્રતિબંધ મૂક્યો વગેરે. સૈનિકોને આપવામાં આવતી એનફીલ્ડ રાઇફલના ગુન્દામાં ગોમાંસ કે ડુક્કરનું માંસ વાપરવામાં આવે છે અને એ રીતે અંગ્રેજો હિન્દુઓ અને મુસલમાનોને વટલાવી રહ્યા છે વગેરે પ્રકારની માન્યતાઓ ત્યારે દૃઢ થઈ હતી. આ ઉપરાંત હિન્દુઓને અને મુસલમાનોને એમ લાગતું હતું કે તેમનો ધર્મ સંપૂર્ણ છે એટલે એમાં કોઈ સુધારાઓની જરૂર જ નથી. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ બે કામ પડતાં મૂક્યાં- એક તો રિયાસતોને ખાલસા કરવાનું બંધ કર્યું અને બીજું, દરેક કોમમાં સામાજિક સુધારાઓ કરવાનું બંધ કર્યું.

૧૯૫૭નો વિદ્રોહ આઝાદી માટેનો હતો અને એ પહેલું સ્વાતંhય યુદ્ધ હતું એ રાષ્ટ્રવાદી ઈતિહાસકારોએ ઉમેરેલો દેશપ્રેમ છે. એ અંગ્રેજો કહે છે એમ એ સિપાઈઓનો સાવ બળવો પણ નહોતો અને રાષ્ટ્રવાદી ઇતિહાસકારો કહે છે એમ પહેલું સ્વાતંhય યુદ્ધ પણ નહોતું. એ વિદ્રોહ હતો જેના મૂળમાં મુખ્યત્વે ધર્મપ્રેમ અને કાંઈક અંશે દેશપ્રેમ હતો. આપણી આજની ચર્ચાનો મુદ્દો આ નથી એટલે એ વાત જવા દઈએ.
હા, એટલું નક્કી કે જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો જે સામાજિક સુધારાઓ આજ સુધી નથી થયા એમાંના મોટા ભાગના ત્યારે થઈ ગયા હોત. અંગ્રેજોએ કોઈના મત માગવા જવાનું નહોતું એટલે કોઈના અનુનયની જરૂર નહોતી. જો ૧૮૫૭નો વિદ્રોહ ન થયો હોત તો દેશભરમાં દરેક પ્રજા માટે એકસરખા કાયદા હોય એ માટેની અનુકૂળ ભૂમિ પણ બની ગઈ હોત અને ત્રીજું, જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો ભારતમાતાના શરીર પર રિયાસતોના નામનાં જે ૫૫૬ ગૂમડાં ટકી રહ્યાં એનો અંત આવી ગયો હોત. એ સ્થિતિમાં સૌથી મોટો લાભ ગુજરાતને અને સૌરાષ્ટ્રને થયો હોત. ભારતની કુલ ૫૫૬ રિયાસતોમાંથી અડધી ગુજરાતમાં હતી અને એકલા સૌરાષ્ટ્રમાં ૨૨૨ હતી. ગુજરાતીઓના માનસ પર હજી પણ મધ્યકાલીન મૂલ્યવ્યવસ્થાના જે જાળાં બાઝેલાં છે એ ૧૮૫૭ના વિદ્રોહના પરિણામે ટકી ગયેલી રિયાસતોનું પરિણામ છે. રિયાસતોને કારણે આધુનિકતા ગુજરાતમાં સમયસર અને મોટા પ્રમાણમાં પ્રવેશી શકી નહોતી. અહીં આપણે એ ચર્ચા પણ પડતી મૂકીએ.

સમગ્ર ભારતની પ્રજા માટે એક ભાષા હોય એનો પણ ૧૯મી સદીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. પહેલો સવાલ તો એ હતો કે કઈ ભાષા? આજે આપણે જેને હિન્દી ભાષા તરીકે ઓળખાવીએ છીએ એ ખડી બોલી ત્યારે વિકસાવવામાં આવી રહી હતી અને વિકસાવવાની એ પ્રક્રિયા સામે જ ઉત્તર ભારતમાં કેટલાક લોકો વિરોધ કરતા હતા. શા માટે ખડી બોલી ખાતર અમારે અમારી અવધિ ભાષાને હોમી દેવી જેમાં તુલસીદાસે રામચરિતમાનસ લખ્યું છે? આવો સવાલ ભોજપુરી, મૈથિલી અને બીજી ભાષાવાળાઓ પણ કરતા હતા. બીજું; સંસ્કૃત, અરબી અને પર્શિયનના મિશ્રણથી બનેલી હિન્દુસ્તાની ભાષા દેશભરમાં વત્તાઓછા પ્રમાણમાં ચાલતી હતી જે હિન્દુ-મુસ્લિમ અને ઉત્તર-દક્ષિણ એમ મહદંશે સ્વીકાર્ય પણ હતી. સ્વીકાર્ય હિન્દુસ્તાનીની જગ્યાએ સંસ્કૃતપ્રચુર હિન્દી ભાષા વિકસાવવામાં આવતી હતી જેનો પ્રાદેશિક ભાષાવાળાઓ, મુસલમાનો અને દક્ષિણ ભારતીયો વિરોધ કરતા હતા. ખડી બોલી વિકસાવવા પાછળનું મુખ્ય કારણ મુસ્લિમદ્વેષ હતું અને એટલા માટે હિન્દી ભાષાને સંસ્કૃતપ્રચુર કરવામાં આવી હતી જેના પરિણામે દક્ષિણ ભારતે એનો અસ્વીકાર કર્યો હતો. તેમને એમ લાગ્યું હતું કે દક્ષિણની દ્રવિડ સંસ્કૃતિ પર ઉત્તરની આર્ય સંસ્કૃતિ લાદવામાં આવી રહી છે.

તો વાતનો સાર એટલો કે આખા દેશની તમામ પ્રજા માટે એકસરખા કાયદા હોય અને એક જ ભાષા હોય એની તજવીજ ૧૯મી સદીથી થવા લાગી હતી, પરંતુ ૧૮૫૭ના વિદ્રોહને કારણે અને મુખ્યત્વે ભારતીય પ્રજાની અંદરના આંતરિક વિખવાદને કારણે સંમતિ બની શકી નહોતી. સંભાવના એવી ખરી કે જો મિશ્રિત ભાષા હિન્દુસ્તાનીની જગ્યાએ સંસ્કૃતપ્રચુર શુદ્ધ હિન્દીનો આગ્રહ રાખવામાં ન આવ્યો હોત તો કદાચ હિન્દુસ્તાની રાષ્ટ્રભાષા બની શકી હોત. બે બિલાડીઓની લડાઈમાં વાંદરો રોટલી ખાઈ ગયો એમ અંગ્રેજી ભાષા અત્યારે જે રાજ કરે છે એવું ન બન્યું હોત. આજે હિન્દી ભાષા સત્તાવાર ભાષા છે, રાષ્ટ્રભાષા નથી અને એ પણ અંગ્રેજીની સામે ઓરમાયું સ્થાન ધરાવે છે.

પચરંગી સમાજમાં બહુમતી પ્રજા સંખ્યાના જોરે દુરાગ્રહ રાખે તો આવું થાય. સંખ્યા દરેક બાબતે નર્ણિાયક નીવડે છે એવું નથી હોતું. વધુમાં વધુ તમે સત્તા કબજે કરો, કાયદો ઘડી કાઢો પણ એને સ્વીકૃત કેવી રીતે કરાવો? પ્રજા જ્યાં સુધી કોઈ ચીજ સ્વીકારે નહીં ત્યાં સુધી એ સ્વીકાર્ય ન બને. આપણી કાયદાપોથીમાં ઘણા એવા કાયદા છે જે માત્ર અસ્તિત્વ ધરાવે છે, પ્રજાકીય સ્વીકૃતિ નથી ધરાવતા. સત્તાવાર રાજભાષા હિન્દી આનું ઉદાહરણ છે. એક દેશ એક ભાષાનું કાસળ નીકળી ગયું એને માટે ઉત્તર ભારતના ભદ્ર વર્ગના હિન્દુ અસ્મિતાના ઠેકેદારો જવાબદાર છે. અસ્મિતાઓના દુરાગ્રહોને કારણે આપણે બસ ચૂકી ગયા.

ત્યારે આપણે ભલે બસ ચૂકી ગયા, પણ દેશહિતમાં એને પકડવી તો જોઈએ જ. તો પછી વિકલ્પ શું છે? એક દેશ એક કાયદાની દિશામાં કાયદાપંચે ૩૧ ઑગસ્ટે કન્સલ્ટેશન પેપર ઑન રિફૉર્મ ઑફ ફૅમિલી લૉ નામનું એક પેપર દેશની જનતા સમક્ષ ચર્ચા માટે રજૂ કર્યું છે. આહ્વાન રાષ્ટ્રીય ચર્ચાનું છે એટલે આપણે પણ એ વિશે ચર્ચા કરવી જોઈએ જે આવતી કાલે કરીશું.

એક વાત ગાંઠે બાંધી લો : રાષ્ટ્રીય પ્રશ્નો રાષ્ટ્રીય હોય છે જેને ધર્મના કે બીજા કોઈ પણ અસ્મિતાના ટૂંકા આયનાથી માપવાના ન હોય. જો એવું કરો તો બસ ચૂકી જવાનો વારો આવે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK