સુપ્રીમ કોર્ટે દિલ્હીના લેફ્ટનન્ટ જનરલનું નાક નથી કાપ્યું, કેન્દ્ર સરકારનું કાપ્યું છે

સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપી દીધો છે કે દિલ્હીમાં લોકોએ ચૂંટેલી સરકાર સત્તાધીશ છે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી સરકારના નિર્ણયોને મંજૂર રાખવાના છે.

supreme

કારણ-તારણ - રમેશ ઓઝા

દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી એનો અર્થ એવો નથી કે લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હી સરકારના દરેક નિર્ણયને નામંજૂર કરે અને કેટલીક વાર તો એની વિરુદ્ધ નિર્ણય લે. ખરી સત્તા દિલ્હીની ચૂંટાયેલી સરકાર ધરાવે છે. સર્વોચ્ચ અદાલતે જોકે જમીન, પોલીસ અને કાયદો અને વ્યવસ્થાની બાબતે કેટલીક સત્તાનો સ્વીકાર કર્યો છે.

દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર આવો અધિકાર ધરાવે એટલે પરંપરા એવી હતી કે દિલ્હીમાં જમીન, પોલીસ અને કાયદો તેમ જ વ્યવસ્થાને લગતા કોઈ નિર્ણય લેવાના હોય ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર અને ચૂંટાયેલી સરકાર સલાહ-મસલત કરતાં હતાં અને નિર્ણય લેતાં હતાં. આ પરંપરા દિલ્હી શહેર સો ટકા યુનિયન ટેરિટરી હતું ત્યારે પણ હતી અને ૧૯૯૧માં દિલ્હીને મર્યાદિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો એ પછી પણ હતી. આ પરંપરા હમણાં સુધી જળવાઈ રહી હતી એ ત્યાં સુધી કે દિલ્હી અને કેન્દ્રમાં અલગ-અલગ પક્ષોની સરકાર હોય તો પણ જળવાતી હતી. દિલ્હીમાં શીલા દીક્ષિતની કૉન્ગ્રેસની સરકાર હતી અને કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, પરંતુ ત્યારે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અથડામણ થઈ હોય એવું જાણમાં નથી.

૨૦૧૫માં નરેન્દ્ર મોદીની સરકારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને સલાહ આપી હતી કે તેમણે કોઈ મુદ્દે દિલ્હીની ચૂંટાયેલી સરકાર સાથે સલાહ-મસલત કરવાની જરૂર નથી એટલું જ નહીં, દિલ્હી સરકારના કોઈ નિર્ણયો લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી વિના લાગુ ન થવા જોઈએ. આ સલાહ કે આદેશનું તાત્પર્ય સ્પષ્ટ છે. લેફ્ટનન્ટ ગવર્નર તેમનો બંધારણીય અધિકાર વાપરે અને અરવિંદ કેજરીવાલની સરકારને કામ કરવા ન દે. લેફ્ટનન્ટ ગવર્નર જો આવા અધિકાર ધરાવે છે તો એ ૨૦૧૫ પહેલાં પણ હતા, પરંતુ ત્યારે કેન્દ્રમાં ખારીલા શાસકો શાસન નહોતા કરતા જે ગમે એ માર્ગે પ્રતિસ્પર્ધીને ખતમ કરી નાખવાની માનસિકતા ધરાવતા હોય. પ્રજાએ જેને તક આપી છે એની રાજકીય/શાસકીય ભૂમિનો આદર કરવા જેટલી સભ્યતા તેઓ ધરાવતા હતા. આને કારણે એનું એ બંધારણ અને દિલ્હીનો એનો એ દરજ્જો હોવા છતાં અથડામણો નહોતી થતી. ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ નહોતા કરતા.

નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિલક્ષણ સંસ્કાર ધરાવે છે. ૨૦૧૫માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૭૦માંથી ૬૭ બેઠકો મળી અને ભારતીય જનતા પાર્ટીને માંડ ત્રણ બેઠકો મળી ત્યારે નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર એનો ખેલદિલીપૂર્વક સ્વીકાર નહોતાં કરી શક્યાં. બે વાતનો ડર હતો. એક તો એ કે આ તેજસ્વી છોકરાઓ શાસન કેમ કરાય એટલું જ નહીં, સડી ગયેલી વ્યવસ્થામાં વ્યવસ્થાકીય સુધારાઓ કેમ કરાય એ બતાવી આપશે તો? જુમલાઓ ફેંકીને અને ખેલ પાડીને પ્રજાને ભ્રમમાં રાખવાની જ્યારે આખી રમત હોય અને એ સિવાય બીજી કોઈ આવડત ન હોય ત્યારે આ છોકરાઓ ભૂમિ ભાંગશે તો? તો-તો મોઢું બતાવવું ભારે પડે.

બીજી ચિંતા તેમને એ વાતની હતી કે જો તેઓ શાસનમાં સફળ થાય અને ભૂમિ ભાંગી બતાવે તો આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ઊભરે અને એમાં તો વધારે નુકસાન થાય. કૉન્ગ્રેસ આમ પણ નિર્બળ બની ગઈ છે એટલે કેન્દ્રની ડાબે એક રાજકીય પક્ષની દેશને જરૂર છે જે જગ્યા આમ આદમી પાર્ટી લઈ શકે એમ છે. અરવિંદ કેજરીવાલે તાનાશાહીનું પ્રદર્શન કરીને યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પક્ષમાંથી કાઢી નહોતા મૂક્યા ત્યાં સુધી આવી સંભાવના નજરે પડતી હતી. ચૂંટણી પછી તરત જ કેજરીવાલે તાનાશાહીનું પ્રદર્શન કર્યું અને રાષ્ટ્રીય વિકલ્પ બનવાની સંભાવના પર તેમણે પોતે જ પાણી ફેરવી દીધું. આમ નરેન્દ્ર મોદી માટે બીજી ચિંતાનો તો અંત આવ્યો, પરંતુ પહેલી ચિંતા સતાવતી હતી. આ તેજસ્વી છોકરાઓ શાસન કેમ કરાય અને વ્યવસ્થામાં સુધારા કેમ કરાય એ બતાવી આપશે તો?

આવી ચિંતાથી પ્રેરાઈને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને કહેવામાં આવ્યું હતું કે તમારે દિલ્હીની સરકાર સાથે સલાહ-મસલત કરવાની નથી, સરકાર તરફથી જો કોઈ પ્રસ્તાવ આવે તો એ વિશે તમારે તમારી શાસનિક સત્તા (એક્ઝિક્યુટિવ પાવર) વાપરીને નિર્ણય લેવાનો છે. લેફ્ટનન્ટ ગવર્નરને સમજાઈ ગયું હતું કે આદેશમાં શું કરવાનું કહેવામાં આવ્યું છે. સનદી અધિકારીઓ બે લાઇન વચ્ચેનું લખાણ વાંચવામાં આમ પણ ચાલાક હોય છે અને અહીં તો આદેશ ઘણો સ્પષ્ટ હતો. પહેલા લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ અને એ પછી તેમની જગ્યાએ આવેલા અનિલ બૈજલ દિલ્હીની સરકારને કામ કરવા નહોતા દેતા. અનિલ બૈજલ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપિત વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશનનું ફરજંદ છે.

દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેના સંઘર્ષનો સાડાત્રણ વરસનો લાંબો ઇતિહાસ છે. એમાં ૨૦૧૬માં દિલ્હીની વડી અદાલતે લેફ્ટનન્ટ ગવર્નરની શાસનિક સત્તાને મંજૂર રાખનારો ચુકાદો આપ્યો એટલું જ નહીં, દિલ્હીની ચૂંટાયેલી સરકાર કરતાં લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા વધુ છે એમ કહ્યું એ પછીથી કેન્દ્ર સરકારને દિલ્હીની સરકારનું ગળું ટીપી નાખવાનો મોકો મળી ગયો હતો. નવાબ જંગને નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ બૈજલને સંઘની સંસ્થામાંથી ખાસ લાવવામાં આવ્યા હતા. ઉદ્દેશ એક જ હતો : આ તેજસ્વી છોકરાંવ કામ કરવામાં સફળ ન નીવડવાં જોઈએ.

આમ છતાં બન્ને પગે લેફ્ટનન્ટ ગવર્નરે ડામણ બાંધ્યાં હોવા છતાં દિલ્હીમાં તેજસ્વી છોકરાઓએ શિક્ષણ અને આરોગ્યના મોરચે એવી કમાલ કરી છે જેની કોઈની સાથે સરખામણી ન થઈ શકે. આમ આદમી શિક્ષણ અને આરોગ્યની બાબતે પરેશાન છે અને કેજરીવાલે એને લક્ષ બનાવ્યાં હતાં. આ જમીન, પોલીસ અને કાયદો તેમ જ વ્યવસ્થા સાથે સંબંધિત નથી એટલે એમાં લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરીની કોઈ જરૂર નહોતી. આમ છતાં દિલ્હીની વડી અદાલતના ચુકાદા પછી અનિલ બૈજલે એમાં પણ અડચણો પેદા કરવાનું શરૂ કર્યું હતું. લોકો ડામણ બાંધેલી ગાય દ્વારા આપવામાં આવતા દૂધના પ્રમાણ સાથે છુટ્ટી ફરતી અને લીલું-લીલું ઘાસ ખાતી તાજીમાજી ગાય દ્વારા આપવામાં આવતા દૂધના પ્રમાણની તુલના કરવા લાગ્યા હતા.

અનેક વિઘ્નો છતાં દિલ્હીની સરકાર કેન્દ્ર સરકાર સહિત ભારતની બીજી કોઈ પણ સરકાર કરતાં વધુ સફળ સરકાર છે એમાં કોઈ શંકા નથી. હવે સર્વોચ્ચ અદાલતે પણ લેફ્ટનન્ટ ગવર્નરને કહી દીધું છે કે બંધારણની મર્યાદામાં રહો અને દિલ્હી સરકારને એનું કામ કરવા દો. સર્વોચ્ચ અદાલતનો આવો ચુકાદો બે વરસ વહેલો આવ્યો હોત તો દિલ્હી સરકાર હજી વધુ કામ કરી શકી હોત. ભારતમાં ન્યાયતંત્ર પોતે પણ એક સમસ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK