સોશ્યલ મીડિયા જીવતો જ્વાળામુખી છે જેમાં આવતી કાલે તમારાં નિર્દોષ સંતાનો પણ હોમાઈ શકે છે

મહારાષ્ટ્રમાં ધુલિયા જિલ્લામાં લોકોએ વહેમના આધારે એકસાથે પાંચ જણની હત્યા કરી નાખી એ હૃદયને નિચોવી દેનારી ઘટના તો છે જ પણ એ જ સાથે સમાજના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચાર કરવો પડે એવી ઘટના છે.કારણ-તારણ - રમેશ ઓઝા

આ પાછી એકલદોકલ ઘટના પણ નથી, વારંવાર એવું બનતું રહે છે. એક માણસને વહેમ જાય. એ મોબાઇલ દ્વારા વહેમ શૅર કરે, મદદ માગે, જોતજોતાંમાં સેંકડો કે હજારો લોકો જમા થઈ જાય અને પછી તેઓ કાયદો હાથમાં લે એવું આજકાલ વારંવાર બની રહ્યું છે. છેલ્લા એક મહિનામાં છત્તીસગઢ, તેલંગણ, આંધþ પ્રદેશ, તામિલનાડુ, બૅન્ગલોર, આસામ, ત્રિપુરા, પિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ બની હતી જેમાં કુલ ૧૬ જણને શંકાના આધારે લોકોનાં ટોળાંએ મારી નાખ્યા હતા.

મને યાદ છે ત્યાં સુધી પહેલી મોટી ઘટના ૨૦૧૨ની ૧૬ ઑગસ્ટે બૅન્ગલોરમાં બની હતી જ્યારે બૅન્ગલોરમાં ભણતા કે કામ કરતા ઈશાન ભારતના હજારો વિદ્યાર્થીઓ જીવ બચાવવા રેલવે-સ્ટેશને ભાગ્યા હતા. અઠવાડિયા પહેલાં આસામમાં કોકરાઝારમાં બોડો ઉગ્રવાદીઓએ બંગાળી મુસલમાનોની હત્યા કરી એ પછી બૅન્ગલોરમાં અફવા ઊડી હતી કે કર્ણાટકના મુસલમાનો ઈશાન ભારતના લોકોની હત્યા કરીને વેર વાળવાના છે. બૅન્ગલોરમાં વસતા ઈશાન ભારતના નાગરિકોના મોબાઇલ પર એક જ મેસેજ હતો- સામૂહિક હત્યા થવાની છે, માટે સાવધાન. પરાયા શહેરમાં સાવધાનીનો એક જ અર્થ થાય છે, સલામત સ્થળે ભાગો. ઈશાન ભારતીયો માટે સલામત સ્થળ પોતાનું રાજ્ય હતું એટલે તેઓ પોતાના વતન પાછા ફરવા હજારોની સંખ્યામાં રેલવે-સ્ટેશને દોડી ગયા હતા. કર્ણાટકની સરકારે ભય દૂર કરવાના પ્રયત્ïનો કર્યા હતા, પરંતુ તેમનો ભય દૂર થયો નહોતો એટલે તેમને ખાસ ટ્રેન દ્વારા ગુવાહાટી પહોંચાડવા પડ્યા હતા.

કોકરાઝારની ઘટનાના પડઘા મુંબઈમાં પણ પડ્યા હતા. ૧૧ ઑગસ્ટે કોકરાઝારની ઘટનાના વિરોધમાં કેટલાંક મુસ્લિમ જૂથોએ આઝાદ મેદાન ખાતે વિરોધ-પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જે-તે રાજકીય-સામાજિક સંગઠન કેટલો પ્રભાવ અને શક્તિ ધરાવે છે એ વિશેના પરંપરાગત અનુભવને આધારે પોલીસે અંદાજ લગાડ્યો હતો કે મોરચામાં અમુક હજાર લોકો આવવા જોઈએ અને એ મુજબ તૈયારી કરી હતી, પરંતુ હાજરી ધાર્યાબહારની હતી. લોકો આવતા જ જતા હતા, આવતા જ જતા હતા અને હવે પોલીસ કાંઈ જ કરી શકે એમ નહોતી. કારણ હતું સોશ્યલ મીડિયા અને એના દ્વારા ફેલાવવામાં આવેલો ડર. જો એ દિવસે પોલીસે સંયમ ન દાખવ્યો હોત તો મુંબઈમાં અભૂતપૂર્વ અનર્થકારી ઘટના બની શકી હોત.

આ બન્ને ઘટના ૨૦૧૨ની સાલની છે, જયારે સોશ્યલ મીડિયાનો પ્રભાવ આજની તુલનામાં ઘણો ઓછો હતો. એક અભ્યાસ મુજબ ત્યારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારા માત્ર સાડાચાર કરોડ ભારતીયો હતા. ૨૦૧૫માં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ભારતમાં વધીને ૧૪ કરોડ થઈ હતી અને આજે એની સંખ્યા બાવીસ કરોડ છે. મને તો કલ્પના કરતાં શરીરમાં લખલખું પસાર થઈ જાય છે કે જો ૧૯૪૭માં ભારતના વિભાજન વખતે કે બીજા વિશ્વયુદ્ધ વખતે સોશ્યલ મીડિયા હોત તો શું થયું હોત? કેટલા લોકોની હત્યાઓ થઈ હોત? સોશ્યલ મીડિયાના આ યુગમાં આવી ઘટના નહીં જ બને એની કોઈ ખાતરી નથી અને એ વીસમી સદીની કુલ શરમને ભુલાવી દે એટલા પ્રમાણમાં શરમજનક હશે.

૨૦૧૨માં કોકરાઝારના પડઘા બૅન્ગલોર અને મુંબઈમાં પડ્યા અને ખાસ કરીને મુંબઈમાં પોલીસે અક્ષરશ: શરણાગતિ વહોરીને સ્થિતિ સંભાળી લીધી એ પછી સવાલ ઉપસ્થિત થયો હતો કે આજના નવા યુગમાં મીડિયા અને મૉબને કઈ રીતે હૅન્ડલ કરવાં? આપણે ત્યાં ઘણી વાર ચર્ચાઓ ગંભીરતાથી થાય છે, પછી ભલે કરમનું મીંડું હોય. એ સમયે અત્યાર સુધીમાં ક્યારેય જોવા નથી મળી એટલી ગંભીરતાથી સોશ્યલ મીડિયાના દુષ્પ્રભાવ અને ટોળાના માનસ વિશે ચર્ચા થઈ હતી. ઘણાં સૂચનો આવ્યાં હતાં, કારણ કે સમાજ માટે સરોકાર ધરાવે છે એવા લોકોને સમજાઈ ગયું હતું કે આ જીવતો જ્વાળામુખી છે જે ગમે ત્યારે ફાટી શકે છે અને લાખોની સંખ્યામાં લોકો હોમાઈ શકે છે.

૨૦૧૩માં ભારતીય રાજકારણમાં રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીનો ઉદય થયો અને તેમણે સોશ્યલ મીડિયાનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યું એની સાથે પેલી ચર્ચા અને ઉપાય યોજનાઓ આથમી ગઈ. સોશ્યલ મીડિયાના દુરુપયોગ રોકવાની, સાવધાન રહેવાની અને ઉપાય શોધવાની વાત તો બાજુએ રહી, દેશના વડા પ્રધાનપદના ઉમેદવારે દુરુપયોગ શરૂ કર્યો. જુઠ્ઠાણાં, ચારિત્ર્યહનન, ઇતિહાસ વિપર્યાસ વગેરે તમે જેની કલ્પના કરી શકો એ બધાનો રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો અને આજે પણ થાય છે. જે દેશનો વડો પ્રધાન ટ્રોલ્સને ફૉલો કરતો હોય એ દેશમાં સત્ય અને વિવેકનું શું થાય એની કલ્પના કરવી મુશ્કેલ નથી. આમ દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછીથી સોશ્યલ મીડિયાના નિયમનની વાત બાજુએ હડસેલાઈ ગઈ અને એનો વધારેમાં વધારે રાજકીય દુરુપયોગ એ ભારતીય રાજકારણનું અનિવાર્ય અંગ બની ગયું. આજે બધા જ રાજકીય પક્ષો, કૉર્પોરેટ કંપનીઓ, સાધુ-બાવાઓ, ઊંટવૈદો વગેરે જે કોઈનાં સ્થાપિત હિતો છે એ બધા જ સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરે છે. મહાજને અપનાવેલો માર્ગ પ્રજા અપનાવે એ ઉક્તિ જાણીતી છે.

સમસ્યા ગંભીર છે અને એનો ઉપાય શોધવો પડશે. લોકો વખાના માર્યા અજાણ્યા ગામમાં રોજીરોટી રળવા જાય છે અને આજકાલ પ્રાણ ગુમાવે છે. મારા મિત્ર દક્ષિણ છારા કહે છે એમ ભારતમાં સાવ અજાણ્યા ગામમાં લોકો રોજીરોટી રળવા જતા એ કોઈ નવી વાત નથી. સેંકડો વરસ જૂની આ પરંપરા છે. મદારી, ઘંટિયા, ઢોરના સાટાપાટા કરનારાઓ, મલ્લ વગેરે ભારતભરમાં ગામડાંઓમાં ફરતા હતા અને રોજી કમાતા હતા. આજે પ્રાણી પર કરવામાં આવતા અત્યાચારો રોકવાના નામે કે બાળમજૂરીના નામે એ બધા વ્યવસાયો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વૈકલ્પિક રોજગારનાં ઠેકાણાં નથી, પણ પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે. બીજું, કરંડિયા સાથે ગામમાં પ્રવેશતા મદારીને ઓળખવો મુશ્કેલ નહોતો એટલે લોકોને તેના પર શંકા જતી નહોતી. આજે એ લોકો એટલા જ ભૂખ્યા છે જેટલા પહેલાં હતા, કદાચ વધુ છે. સામે હાથમાં વ્યવસાય નથી અને વ્યવસાયવાચક ચિહ્ન પણ નથી. સામે લોકો પાસે સોશ્યલ મીડિયા નામનો ખતરનાક બૉમ્બ છે.

સમસ્યા ગંભીર છે અને એની ગંભીરતાને સમજવાની કોશિશ કરો. જીવતો જ્વાળામુખી છે જેમાં આવતી કાલે તમારાં નિર્દોષ સંતાનો પણ હોમાઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK