પહેલાં એમ લાગતું હતું કે નોટબંધી એ તઘલખી છબરડો છે, પણ હવે એમ લાગે છે કે એ એક કૌભાંડ હતું

 રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. ઊર્જિત આર. પટેલ એક વરસથી નોટ ગણવામાં આવી રહી છે એમ કહીને સરકારને સમય આપતા હતા

NOTEBANDHI
કારણ-તારણ - રમેશ ઓઝા

રિઝર્વ બૅન્કનો આ ધડાકો છે. એકદમ ઑફિશ્યલ. રિઝર્વ બૅન્કના ગવર્નરે એક વરસ અને નવ મહિના નોટબંધી પછી પાછી ફરેલી નોટ ગણવામાં લીધા પછી છેવટે સત્ય જાહેર કરવું પડ્યું છે. શું થાય સત્ય છુપાવી શકાય એમ નહોતું, કારણ કે ચલણી નોટની સર્જનથી લઈને વિનાશની યાત્રા એટલી ચોકસાઈવાળી હોય છે કે એની અનેક જગ્યાએ નોંધ થતી હોય છે. આ સ્થિતિમાં નોટની સંખ્યા છુપાવવી મુશ્કેલ બને છે. વધુમાં વધુ નોટ ગણવામાં આવી રહી છે એવા ઠાગાઠૈયા કરીને જાઓ કાબરબાઈ કાલે સવારે આવું છું એમ કહી શકાય. રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. ઊર્જિત આર. પટેલ એક વરસથી નોટ ગણવામાં આવી રહી છે એમ કહીને સરકારને સમય આપતા હતા.

હવે રિઝર્વ બૅન્કે કબૂલ કર્યું છે કે ૨૦૧૬ના નવેમ્બરની આઠમી તારીખે નોટબંધી જાહેર કરવામાં આવી એ દિવસે પાંચસો અને હજાર રૂપિયાની જેટલી નોટ દેશમાં ફરતી હતી એમાંથી ૯૯.૩ ટકા નોટ પાછી આવી ગઈ છે, માત્ર ૦.૭ ટકા નોટ એટલે કે દસ હજાર કરોડ રૂપિયા પાછા ફર્યા નથી. રિઝર્વ બૅન્કે આ સિવાય પણ કેટલીક વિગતો આપી છે. સાત હજાર કરોડ રૂપિયા નવી નોટ છાપવા પાછળ ખર્ચાયા હતા અને એને ટાઇટ સિક્યૉરિટી વચ્ચે બૅન્કો સુધી પહોંચાડવામાં આવ્યા એની પાછળ જે ખર્ચ થયો હોય એ જુદો. આ સિવાય ATMના રીકૅલિબરેશન (એટલે કે નવી નોટની સાઇઝ મુજબ એટીએમમાં ગાળા બદલવા) પાછળ થયેલો ખર્ચ જે-તે બૅન્કોએ કર્યો હોય એટલે એનો હિસાબ રિઝર્વ બૅન્ક પાસે નથી. દેશમાં લાખો ATM હશે જેને રીકૅલિબરેટ કરવા પાછળ હજારો કરોડ ખર્ચાયા હશે. ટૂંકમાં દસ હજાર કરોડ કમાવા માટે ૧૫ હજાર કરોડ રૂપિયાનું આંધણ કર્યું. આને કહેવાય હિન્દુ અર્થશાસ્ત્ર.

આ દેશમાં માનવજીવની કિંમત નથી એટલે એને તો ગણતરીમાં જ લેવામાં નથી આવતી. એટલે તો લિન્ચિંગ થાય છે. નોટબંધી વખતે ૧૪૪ લોકો લાઇનમાં કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા ઊભા રહેવાને કારણે મૃત્યુ પામ્યા. ૧૪૪. કોઈ નાનો આંકડો નથી. અમેરિકામાં કૅટરિના જેવા વાવાઝોડામાં આટલા માણસો નથી મરતા અને જો મરે છે તો પ્રમુખ કૅમેરા સામે આવીને ખેદ વ્યક્ત કરે છે અને જો માનવીય ભૂલથી હોનારત થઈ હોય તો માફી માગે છે. અહીં સરકારને પક્ષે કોઈએ દિલગીરી પણ વ્યક્ત નથી કરી. ૧૪૪ જણ એક તઘલખી સાહસનો ભોગ બની જાય અને કોઈ હરફ સુધ્ધાં ન ઉચ્ચારે? આ સિવાય દેશના અર્થતંત્રને જે નુકસાન પહોંચ્યું છે અને નાના વેપારીઓ જે રીતે બરબાદ થઈ ગયા છે એની ગણતરી માંડો.

નોટબંધી એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સો ટકા પોતાનો મૌલિક નિર્ણય હતો. કમસે કમ એક મૌલિક નિર્ણયની ક્રેડિટ આપણા વડા પ્રધાનને આપવી જ જોઈએ. રિઝર્વ બૅન્ક અનુકૂળ નહોતી એટલે રિઝર્વ બૅન્કના એ સમયના ગવર્નર રઘુરામ રાજનની પાછળ શ્વાન છોડીને તેમને તગેડી મૂકવામાં આવ્યા હતા. સરકારને એમ લાગતું હતું કે નોટબંધીને કારણે કમસે કમ ત્રણથી ચાર લાખ કરોડ રૂપિયા પાછા ફરવાના નથી જે રિઝર્વ બૅન્ક સરકારી તિજોરીમાં મજરે જમા કરાવશે અને એક ધડાકે ખાધ ધોઈ નખાશે. હાથમાં ચિક્કાર રૂપિયા હશે એટલે એટલીબધી રાહતો આપી શકાશે કે ઓછામાં ઓછી ત્રણ મુદત માટે ભાજપની સરકારને કોઈ હલાવી નહીં શકે. આ ઉપરાંત કૃતનિશ્ચય અને બહાદુરી માટે જે વાહવાહ થશે એ જુદી. આમ નોટબંધી એ સો ટકા મૌલિક સાહસ નરેન્દ્ર મોદીનું પોતાનું હતું.

૨૦૧૬ની ૮ નવેમ્બરે જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે ત્રણ મુખ્ય કારણો આપવામાં આવ્યાં હતાં. એક કારણ બ્લૅક મનીને અર્થતંત્રમાંથી બહાર કાઢવાનું હતું. રોકડા રૂપિયાની થપ્પીઓ કાગળ થઈ જશે પછી એને જમા ક્યાં કરાવશે? બૅન્કોમાં રોકડ જમા કરાવવા માટે એ રકમ એકાઉન્ટ-બુકમાં બતાવેલી હોવી જોઈએ. બીજું કારણ એવું આપવામાં આવ્યું હતું કે દેશમાં જે નકલી નોટ છે એ બધી કચરો થઈને બહાર નીકળી જશે. નકલી નોટોનું પ્રમાણ પણ મોટું હોવું જોઈએ અન્યથા વડા પ્રધાન નોટબંધી પાછળનાં ત્રણ મુખ્ય કારણોમાં એક કારણ તરીકે એને રજૂ ન જ કરે. ત્રીજું કારણ એવું આપવામાં આવ્યું હતું કે નોટબંધીને કારણે નક્સલવાદીઓ અને ત્રાસવાદીઓ રૂપિયા વિનાના થઈ જશે. ત્રાસવાદીઓ પાસે જે પૈસા છે એ બ્લૅકના પૈસા છે.

હવે જ્યારે ૯૯.૭ ટકા પૈસા બૅન્કોમાં પાછા ફર્યા છે ત્યારે એનો અર્થ એટલો જ થાય કે કાં તો દેશમાં બ્લૅક મની હતું જ નહીં અને હતું તો એ બધું વાઇટ થઈ ગયું. સરકારને અને ભક્તોને આ બે વિકલ્પમાંથી જે વિકલ્પ પસંદ હોય એ અપનાવી લેવો જોઈએ. હતું જ નહીં એવું તો કોઈ માનશે નહીં તો કુબેરપતિઓના પૈસા બ્લૅકના વાઇટ કઈ રીતે થઈ ગયા? કોણે મદદ કરી? શું નોટબંધી ક્રોની કૅપિટલિસ્ટોને મદદ કરવા માટે કરવામાં આવી હતી? મુઠ્ઠીભર લોકોને મદદ કરવા માટે ૧૪૪ નર્દિોષોના પ્રાણ લેવામાં આવ્યા હતા? ગુજરાતની સહકારી બૅન્કોમાં ચાર દિવસમાં અબજો રૂપિયા જમા કરવામાં આવ્યા હતા એ શું હતું? કોણ એની પાછળ હતું? અમિત શાહના પુત્રના ધંધામાં ૧૬ હજાર ગણો ગ્રોથ નોટબંધી પછી કેવી રીતે થયો? ગુજરાતના એક ડાયમન્ડ મર્ચન્ટે હજારો કરોડ રૂપિયા નકદ પોતાના નામે બતાવ્યા હતા એ ભાઈ જેલમાં છે કે જેલની બહાર છે? કોઈ FIR દાખલ કરવામાં આવી છે ખરી?

મોટરોની ડિકીઓમાં કરોડો રૂપિયાની કૅશ મળતી હતી એવા સમાચાર આવતા હતા અને દેશપ્રેમી (પૈસાપ્રેમી વાંચો) મીડિયા ઊછળી-ઊછળીને ક્રાન્તિનાં ગાન ગાતાં હતાં એ રૂપિયાનું અને રૂપિયાની હેરાફેરી કરનારાઓનું શું થયું? નદીઓમાં પૈસા તરતા હોય એવી તસવીરો પણ દેશપ્રેમી મીડિયા બતાવતાં હતાં. વડા પ્રધાને નોટબંધી જાહેર કરી એ પછીનું તેમની પહેલી જાહેર સભામાંનું ભાષણ યુટ્યુબ પર જોવા જેવું છે. ક્રાન્તિનું શું તેજ હતું તેમના ચહેરા પર. તેમણે એવો ઇશારો આપ્યો હતો કે હવે કાળાબજારિયાઓ મરવાના છે. સામાન્ય લોકો તો ઉદ્યોગપતિ આજે આત્મહત્યા કરે છે, કાલે કરે છે એની રાહ જોતાં હેરાનગતિ ખમતા રહ્યા અને એમાં ૧૪૪ સામાન્યજનો માર્યા ગયા. તાળીઓ પાડનારાઓ ઊઠી ગયા અને જેમની પાસે બ્લૅક મની હતું એ બધું જ બૅન્કોમાં પહોંચી ગયું.  

રિઝર્વ બૅન્ક જ્યારે કહે છે કે ૯૯.૭ ટકા રૂપિયા બૅન્કોમાં જમા થઈ ગયા છે એનો અર્થ એ થાય કે દેશમાં જેટલું નકલી નાણું હતું એ પણ અસલી બની ગયું. બ્લૅક મની તો વાઇટ થઈ ગયાં, નકલી નોટ પણ અસલી થઈ ગઈ. અને ત્રાસવાદીઓ? વડા પ્રધાન તો કહેતા હતા કે ત્રાસવાદીઓ ખાખી થઈ જવાના છે એટલે આપોઆપ ત્રાસવાદનો અંત આવશે. હવે સરકાર પોતે કહે છે કે નક્સલવાદી, શહેરી ત્રાસવાદીઓ વડા પ્રધાનની હત્યા કરવાનું કાવતરું કરતા હતા.

અને છેલ્લે કૅશલેસ ઇકૉનૉમીની વાત. રિઝર્વ બૅન્ક કહે છે કે ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં દેશમાં જેટલી રોકડ ફરતી હતી એમાં આજે ૩૮ (આઇ રિપીટ ૩૮) ટકાનો વધારો થયો છે. પહેલાં એમ લાગતું હતું કે નોટબંધી એ તઘલખી છબરડો છે, પણ હવે એમ લાગે છે કે એ એક કૌભાંડ હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે તો ત્યારે જ નોટબંધીને ઑર્ગેનાઇઝ્ડ લૂંટ ઍન્ડ લીગલાઇઝ્ડ બ્લન્ડર તરીકે ઓળખાવી હતી.Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK